ખાશોગ્જીનાં ફિયાન્સી કેમ ટ્રમ્પને મળવા માગતા નથી?

ખાગ્શોજીનાં ફિઆન્સી જેંગ્ગિજ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

માર્યા ગયેલા પત્રકાર ખાશોગ્જીનાં ફિયાન્સી જેંગ્ગિજ

સાઉદી અરેબિયાના વાણિજ્ય દૂતાવાસમાં માર્યા ગયેલા પત્રકાર ખાશોગ્જીની ફિયાન્સી - જેંગ્ગિઝે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાની ના પાડી છે.

તેમનું કહેવું છે કે ટ્રમ્પ આ બાબતે ગંભીર નથી.

તુર્કીની ટીવી સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, વ્હાઈટ હાઉસમાં તેમને મળવાનું આમંત્રણ આપી ટ્રમ્પ સરકાર વાસ્તવમાં અમેરિકાન જનતાને એવો સંદેશ પહોંચાડવા માંગે છે કે તે સાઉદી પત્રકાર જમાલ ખાશોગ્જીની હત્યાના મુદ્દે ગંભીર છે.

સાઉદી અરેબિયાના શાહી પરિવારના ટીકાકાર રહી ચૂકેલા ખાશોગ્જી બીજી ઑક્ટોબરના રોજ ઇસ્તંબૂલમાં આવેલા વાણિજ્ય દૂતાવાસમાં ગયા હતા. ત્યારબાદ તે લાપતા બન્યા હતા.

તુર્કીના અધિકારીઓનું કહેવું છે કે દૂતાવાસની ઇમારતમાં સાઉદી એજન્ટોએ એમની હત્યા કરી નાંખી છે.

તુર્કીએ દાવો કર્યો છે કે આ વાતને સાબિત કરવા માટે તેમની પાસે ઑડિયો રેકૉર્ડિંગ પણ ઉપલબ્ધ છે.

ઇમેજ સ્રોત, EPA

સાઉદી અરેબિયાએ લાંબો સમય ખાશોગ્જીની હત્યા મુદ્દે ઈન્કાર કર્યા બાદ આખરે સ્વીકાર્યું હતું કે ખાશોગ્જીનું મૃત્યુ થઈ ગયું છે.

સાઉદી અરેબિયાનું કહેવું છે કે ખાશોગ્જી 'ઝપાઝપી'માં માર્યા ગયા હતા અને શાહી પરિવારને આ વિશે કોઈ માહિતી ન હતી.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમને સાઉદી અરેબિયાની આ વાતથી સંતોષ નથી.

જોકે, તેમણે સાઉદી અરેબિયા પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ લાદવાની ના પાડી હતી.

પછી તેમણે કહ્યું કે શક્ય છે કે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને આ અંગે કદાચ જાણકારી નહીં હોય.

બહેરીનમાં સુરક્ષા સંમેલનમાં અમેરિકન સંરક્ષણ મંત્રી જેમ્સ મેટિસે કહ્યું કે દૂતાવાસમાં ખાશોગ્જીનું મૃત્યુ સૌ માટે ચિંતાનો વિષય છે.

શુક્રવારે તુર્કીએ કહ્યું હતું કે તેઓ ખાશોગ્જીની હત્યાના મુદ્દે રિયાધમાં ધરપકડ કરાયેલા 18 લોકોનું પ્રત્યાર્પણ ઇચ્છે છે. જોકે, તુર્કી અને સાઉદી અરેબિયા વચ્ચે કોઈ પ્રત્યાર્પણ સંધિ નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

શું કહે છે ખાશોગ્જીની ફિયાન્સી ?

ઇમેજ સ્રોત, AFP

શુક્રવારે ટીવી ઇન્ટરવ્યૂ આપતી વખતે જેંગ્ગિઝ રડી પડ્યા..

ખાશોગ્જી જે દિવસથી ગુમ થયા હતા એ દિવસને યાદ કરતા જેંગ્ગિઝે જણાવ્યું હતું કે તેમને સહેજેય અણસાર હોત કે સાઉદીના અધિકારીઓ ખાશોગ્જીની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે તો તેઓ કોઈપણ ભોગે ખાશોગ્જીને ઇસ્તંબૂલના વાણિજ્ય દૂતાવાસમાં જવા ના દેત.

તેમણે ઉમેર્યું, ''મારી એવી માગણી છે કે આ અપરાધમાં જેનો હાથ હોય એ સૌને દંડ મળવો જોઈએ, ન્યાય થવો જોઈએ.''

જેંગ્ગિઝે જણાવ્યું , ''તુર્કીમાં ખાશોગ્જીનું લૉકલ નૅટવર્ક પોલિટિકલ નૅટવર્ક જેટલું જ મજબૂત હતું. તેથી વિચાર્યું કે તુર્કી તેમના માટે સુરક્ષિત હશે. જો આરોપીઓની અટકાયત કરી પૂછપરછ થાય તો મામલો ઝડપથી ઉકેલાશે.''

ખાશોગ્જી જે દિવસથી ગુમ થયા હતા તે દિવસે જેંગ્ગિઝ એક વાગ્યા સુધી દૂતાવાસની બહાર એમની રાહ જોતા હતા.

આ ઘટનાના એક અઠવાડિયા જેંગ્ગિઝ વાણિજ્ય દૂતાવાસામાં ગયા હતા અને તેમની સાથે સારો વ્યવહાર કરાયો હતો.

જેંગ્ગિઝે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાના અધિકારીઓએ તેમનો કોઈપણ પ્રકારનો સંપર્ક કર્યો નથી. ખાશોગ્જીના અંતિમ સંસ્કાર માટે સાઉદી અરેબિયા જશે કે નહીં તે નક્કી નથી.

જેંગ્ગિઝ તુર્કીમાં શિક્ષણનું કામ કરે છે. હજુ ચાર મહિના પહેલાં જ ખાશોગ્જી સાથે તેમની સગાઈ થઈ હતી.

તેમણે કહ્યું, ''હું અત્યારે અંધારામાં અટવાયેલી છું શું કરવું ખબર પડતી નથી ''

અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયો પણ હાલમાં જ જેંગ્ગિઝને મળ્યા હતા.

જેંગ્ગિઝે પોમ્પિયોને પૂછ્યું હતું કે ' શું તેમને શાંતિ મળે તેવી કોઈ માહિતી તેમની પાસે છે ? ત્યારે પોમ્પિયોનો જવાબ નકારાત્મક હતો.

આ દરમિયાન ખાશોગ્જીના સૌથી મોટા દીકરા સલાહ ખાશોગ્જી ગુરુવારે પરિવાર સાથે સાઉદી અરેબિયાથી અમેરિકા પહોંચ્યા હતા.

ખાશોગ્જી અમેરિકા અને સાઉદી અરેબિયા બંને દેશના નાગરિક છે. તેમના પિતા શાહી પરિવારના ટીકાકાર હોવાથી તેમને સાઉદી અરેબિયામાંથી બહાર જવા પર પ્રતિબંધ હતો.

પરંતુ થોડાક દિવસો પહેલાં જ આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો.

આ દરમ્યાન ઇસ્તંબૂલ પોલીસનું કહેવું છે કે જેંગ્ગિઝને 24 કલાક પોલીસ સંરક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. જોકે, અધિકારીઓએ આનું કારણ જણાવ્યું નથી.

તુર્કીની ચાલ?

ઇમેજ સ્રોત, REUTERS

ઇમેજ કૅપ્શન,

સાઉદીના કિંગ સલમાન અને તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆન

તુર્કી આરંભથી સાઉદી અરેબિયા પર આ મુદ્દે નિશાન સાધતું રહ્યું છે.

પણ રાષ્ટ્રપતિ રચેપ તૈય્યબ અર્દોઆને ક્યારેય સીધેસીધું ક્રાઉન પ્રિન્સ કે કિંગ સલમાનનું નામ લીધું નથી.

જોકે, અર્દોઆન તેમની ભાષાશેલીથી એ દર્શાવતા રહ્યા છે કે તુર્કીની સાઉદી સામે સીધી લડાઈ નથી. અને બંને વચ્ચેના સંબંધો મહત્વપૂર્ણ છે.

ખાશોગ્જીના મુદ્દે તુર્કીના હસ્તક્ષેપથી બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી એ પણ જાણીતી વાત છે..

આ સંજોગોમાં અર્દોઆન કિંગ સલમાન પર સીધું નિશાન તાક્યા વિના તપાસની વાતો કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિના નજીકના સૂત્રોનું કહેવું છે, ''જો અર્દોઆન ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને પદ પરથી હટાવવાની વાત કરતા હોત, તો આ મામલો વધારે કપરો બની જાત.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો