ઈશ્વર નિંદા મામલે ખ્રિસ્તી મહિલા આસિયા બીબીને છોડ્યાં બાદ પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન

આસિયા

ઇમેજ સ્રોત, Asia Bibi

ઈશ્વર નિંદા મામલે જેમને મૃત્યુદંડની સજા થઈ હતી, તેઓ પાકિસ્તાનનાં એ ખ્રિસ્તી મહિલા આસિયા બીબી છે જેમને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે બરી કર્યાં છે. આસિયા બીબીને નિર્દોષ છોડ્યાં બાદ પાકિસ્તાનનાં કેટલાક શહેરોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

નીચલી અદાલત અને પછી હાઈકોર્ટે આ મામલે આસિયા બીબીને મૃત્યુદંડની સજા કરી હતી.

એ સજા વિરુદ્ધ આસિયા બીબીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે આસિયા બીબીને બરી કરી દીધાં છે.

સુપ્રીમ કોર્ટના ત્રણ સભ્યોની બૅન્ચે આઠ ઑક્ટોબરે આ કેસનો ચુકાદો આપ્યો હતો.

ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ મિયાં સાકિબ નિસારે કહ્યું કે તેઓ હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટના નિર્ણયને રદ કરે છે.

તેમણે કહ્યું, "તેમની સજાના ચુકાદાને નામંજૂર કરાય છે. જો તેમની પર અન્ય કોઈ મામલે કેસ ન ચાલતો હોય તો તરત જ તેમને મુક્ત કરવાં જોઈએ.".

ઘણાં શહેરોમાં વિરોધ પ્રદર્શન

ઇમેજ સ્રોત, Reuters

અદાલતના ચુકાદા બાદ પાકિસ્તાનનાં ઘણાં શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે.

કરાંચીમાં બીબીસી સંવાદદાતા રિયાઝ સોહૈલે કહ્યું કે શહેરના ઘણા વિસ્તારોમાં લોકો દંડા લઈને રસ્તા પર આવી ગયા છે. લોકોએ શહેરમાં ઘણી જગ્યાએ ટ્રાફિક જામ કરી દીધો છે.

બીજી તરફ તહરીક લબ્બૈક પાકિસ્તાનનું કહેવું છે કે કરાચીના 6થી વધારે વિસ્તારોમાં ઘરણાં પ્રદર્શન શરૂ થઈ ગયા છે. શહેરના અનેક બજાર બંધ કરી દેવાયા છે.

ઇમેજ સ્રોત, AFP

તહરીક લબ્બૈક પાકિસ્તાને સમગ્ર પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. લાહોરના મૉલ રોડ પર તેમના સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થયા છે.

આસિયા બીબી વિરુદ્ધ ફરિયાદ કરનારાઓની કાયદાકીય ટીમના એક સભ્ય વકીલ તાહિરા શાહીને કહ્યું કે તેમને પહેલાંથી જ આ પ્રકારના ચુકાદાની આશા હતી, કારણકે તેમના પ્રમાણે સુપ્રીમ કોર્ટના જજ પોતે પણ કેદી છે.

સોશિયલ મીડિયા પર આ ચુકાદાને એકતરફ લોકો ન્યાયનો વિજય ગણાવે છે અને બીજીતરફ ધમકીભર્યા મૅસેજ આવી રહ્યા છે તથા લોકો સુપ્રીમ કોર્ટના જજો વિરુદ્ધ અપશબ્દ કહી રહ્યા છે.

શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, AFP

આસિયા બીબી પર એક મુસ્લિમ મહિલા સાથેની વાતચીતમાં પયગંબર મોહમ્મદ વિશે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે.

જોકે, પયગંબર મોહમ્મદના અપમાનના આરોપનું આસિયા બીબીએ ખંડન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ઈશ્વર નિંદા ઘણો સંવેદનશીલ વિષય છે.

ટીકાકારોનું માનવું છે કે આ કાયદાનો દુરુપયોગ કરીને ઘણીવખત લઘુમતીના લોકોને ફસાવવામાં આવે છે.

આ સમગ્ર મામલો 14 જૂન 2009નો છે, જ્યારે નૂરીન તેમના ઘર પાસે ફાલસાના બગીચામાં અન્ય મહિલા સાથે કામ કરવા પહોંચ્યાં ત્યારે તેમનો ઝઘડો સાથએ કામ કરતાં મહિલા સાથે થયો.

ઇમેજ સ્રોત, Asia Bibi

આસિયાએ તેમના પુસ્તકમાં આ ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો છે.

અંગ્રેજી વેબસાઇટ ન્યૂયૉર્ક પોસ્ટમાં પર પ્રકાશિત થયેલા આ પુસ્તકના અંશમાં લખ્યું છે, "મને આજે પણ 14 જૂન 2009ની તારીખ યાદ છે. આ તારીખ સાથએ જોડાયેલી તમામ બાબત યાદ છે."

"હું એ દિવસે ફાલસા વીણવાં ગઈ હતી. હું ઝાડીઓમાંથી નીકળીને કૂવા પાસે પહોંચી અને કૂવામાં ડોલ નાખીને પાણી કાઢ્યું, પછી મેં કૂવા પર રાખેલા ગ્લાસથી ડોલનું પાણી પીધું."

તમે આ વાંચ્યું કે નહીં?

તેઓ આગળ કહે છે, "મારા જેવી જ સ્થિતિ ધરાવતી મહિલાને મેં પાણી કાઢી આપ્યું. ત્યારે જ એક મહિલાએ ઘાંટો પાડીને કહ્યું કે આ પાણી ના પીશો કારણકે ખ્રિસ્તી મહિલાએ તેના સ્પર્શથી આ પાણી અશુદ્ધ કરી દીધું છે. આ હરામ છે."

આસિયા લખે છે, "મેં એના જવાબમાં કહ્યું કે મને એવું લાગે છે કે ઈસુ આ કામને પયગંબર કરતાં અલગ નજરથી જોશે. પછી એ મહિલાએ કહ્યું કે પયગંબર વિશે બોલવાની તમારી હિંમત કેવી રીતે થઈ?"

"મને એ મહિલાએ એવું પણ કહ્યું કે જો તારે પાપમાંથી મુક્ત થવું હોય તો તારે ઇસ્લામ ધર્મ સ્વીકારવો પડશે."

તેઓ આગળ કહે છે, "મને એ સાંભળીને ખરાબ લાગ્યું, કેમકે મને મારા ધર્મમાં વિશ્વાસ છે. ત્યારબાદ મેં કહ્યું કે હું ધર્મપરિવર્તન નહીં કરું કેમકે મને ઈસુમાં વિશ્વાસ છે."

"ઈસુએ માનવતા માટે પોતાનો જીવ આપ્યો હતો. તમારા પયગંબરે માનવતા માટે શું કર્યું છે?"

ભયનો માહોલ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

આસિયા બીબીનાં દીકરી અને પતિ પાકિસ્તાનમાં તેમની સુરક્ષા અંગે ચિંતિત છે.

જ્યારે આ ચુકાદો આપવામાં આવ્યો ત્યારે ઇસ્લામાબાદમાં કોર્ટ બહાર અને શહેરમાં સુરક્ષાનો ચુસ્ત બંદબસ્ત હતો. મંગળવારની રાતથી જ શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરાઈ હતી અને પોલીસ ફોર્સ તૈનાત કરી હતી.

બુધવારે સુનાવણી વખતે અદાલતની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આસિયાને સજા કરવાની મગા કરી રહ્યા હતા.

ઘણા દેશોએ આસિયાને આશ્રય આપવાની તૈયારી બતાવી છે અને શક્ય છે કે તેઓ પાકિસ્તાન છોડીને અન્ય દેશમાં આશ્રય લે.

તેમનાં દીકરી એશમ આશિકે અગાઉ એએફપી ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જો તેઓ કેદમાંથી મુક્ત થશે તો "હું તેમને ભેટીને રડીશ અને ઈશ્વરનો આભાર માનીશ કે તેઓ છૂટી ગયાં."

તેમના પરિવારનું કહેવું છે કે તેઓ સુરક્ષા અંગે ભયભીત છે અને તેઓ પાકિસ્તાન છોડી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો