અંધારામાં ડૂબતા સમુદ્રમાં રસ્તો બતાવનારી દીવાદાંડીઓની કહાણી

ઇટાલીના દ્વીપ કેપ્રીની તસવીર Image copyright ELIOT STEIN

ઇટાલીનો કેપ્રી દ્વીપ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. નેપલ્સની ખાડીમાં આવેલા આ દ્વીપ ઉપર જાઓ તો તમને શાનદાર વિલા દેખાશે, હવેલીઓ દેખાશે, બોગનવેલનાં ફૂલો દેખાશે અને દેખાશે ચમકતો સમુદ્ર તટ.

સમુદ્રમાં ધીમે ધીમે તરતી નાવડીઓ સાંજના હળવા ઉજાસમાં ખૂબ જ સુંદર દૃશ્ય ઊભું કરે છે પરંતુ આ જ દ્વીપના એક ખૂણામાં એક બહુમાળી ઈમારત છે.

64 વર્ષના કાર્લો ડિ ઑરિયાનો રોજ આ ઈમારતની ગોળાઈ આકારની 136 સીડીઓ ચઢી, ઉપરના માળ સુધી પહોંચે છે. પછી તેઓ દૂરબીનથી સમુદ્રમાં દૂર સુધી નજર દોડાવે છે.

કાર્લો દૂરબીનની મદદથી જે કંઈ પણ જોવે છે, તેને ત્યાં રાખેલી એક ડાયરીમાં નોંધે છે.

આ સિલસિલો છેલ્લાં 151 વર્ષથી યથાવત ચાલતો આવ્યો છે. પરંતુ, હવે કાર્લોની નોકરી સમાપ્ત થયા પછી કદાચ આ રોજિંદો કિસ્સો કાયમી ધોરણે સમાપ્ત થઈ જાય એવું બની શકે.


ઐતિહાસિક લાઇટહાઉસના ઑપરેટર

Image copyright ELIOT STEIN
ફોટો લાઈન કાર્લો રોજ 136 દાદરા ચઢે છે

અમે કાર્લોની જે બહુમાળી ઇમારતની સીડીઓ ચઢવાની વાત કરી રહ્યા છીએ, એ છે પુંતા કરેનાનું લાઇટહાઉસ એટલે કે દીવાદાંડી.

આ ઇટાલીનું બહુ મહત્ત્વનું લાઇટહાઉસ છે. પુંતા કરેનાનું આ લાઇટહાઉસ વર્ષ 1867માં નિર્માણ પામ્યું હતું.

એટલે કે જયારે વર્તમાન ઈટાલીનો ઘાટ સંપૂર્ણપણે ઘડાયેલો નહોતો. દેશ ઘણા ભાગોમાં વહેંચાયેલો હતો.

પુંતા કરેનાનું આ લાઇટહાઉસ, ઇટાલીના 199 લાઇટહાઉસમાંનું એક છે, જેને હવે સંપૂર્ણપણે સ્વયં સંચાલિત કરવામાં આવી રહ્યું છે.

ઇટાલીના રક્ષા મંત્રાલયે કાર્લોને ગત વર્ષે જણાવ્યું હતું કે આ લાઇટહાઉસ 1 જાન્યુઆરી, 2019થી સ્વયં સંચાલિત થઈ જશે. પછી તેમની સેવાની જરૂર નહીં રહે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ નિર્ણય બાદ કાર્લો પોતાની નોકરી તો ગુમાવશે જ, આ સાથે 13 વર્ષથી જે તેમનું ઠેકાણું છે, તે પણ છીનવાઈ જશે.

ટૅકનોલૉજી પ્રગતિના રસ્તે સહયાત્રી બની છે. ટૅકનોલૉજીએ માણસનાં કામો સરળ બનાવ્યાં છે.

એ નવાં કામ શીખવાં અને નવી શોધો કરવાની તક આપી છે પરંતુ આ જ ટૅકનોલૉજીએ રોજગાર પણ ઝૂંટવી લીધા છે. કાર્લો આવી જ પ્રગતિનો તાજો શિકાર છે.

એક સમય હતો જયારે સમુદ્રમાં જહાજોને રસ્તો બતાવવા માટે લાઇટહાઉસ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતાં હતાં. એડવાન્સ ટૅકનોલૉજી પછી હવે તેમની જરૂર રહી નથી.

જ્યારથી નિર્માણ થયું ત્યારથી અત્યાર સુધીમાં કાર્લો સહીત 88 લાઇટમેને અહીંયા પોતાની સેવાઓ આપી છે.


Image copyright ELIOT STEIN
ફોટો લાઈન પુતાં કરેનાનું લાઇટહાઉસ

કાર્લો આ લાઇટહાઉસની છેલ્લી કડી બની રહેશે.

લાઇટહાઉસમાં વિતાવેલા દિવસો યાદ કરતા તેઓ કહે છે કે ટાવર ઉપર રોશની કરવાનું કામ એક હસીન અહેસાસ છે.

પરંતુ અફસોસ કે આ અત્યંત પ્રિય રોજગાર હવે ટૅકનોલૉજીની મોતે મરી રહ્યો છે.


લાઇટહાઉસનું મહત્ત્તવ

Image copyright ELIOT STEIN
ફોટો લાઈન લાઇટહાઉસનો લેન્સ

સદીઓ પહેલાં દુનિયાની શોધમાં લોકો જયારે સમુદ્રના રસ્તે શોધ કરવા નીકળતા, ત્યારે રાતના અંધારામાં તેમને રસ્તો બતાવવા માટે સમુદ્રના કિનારે લાકડા સળગાવવામાં આવતાં હતાં.

પછીથી મશાલ પેટાવીને ઊંચા ટાવર ઉપર મૂકવાનું શરૂ થયું અને ત્યારથી જ લાઇટહાઉસની શરૂઆત થઈ.

આ મશાલોને કોલસા, તેલ, ગૅસ અને પછી વીજળીથી પેટાવવામાં આવતી.

ધ લાઇટહાઉસ ડિરેક્ટરીના અનુસાર વીસ હજારથી પણ વધુ એવાં લાઇટહાઉસ છે જે દુનિયાના સૌથી અંધારાવાળા કિનારાઓને અજવાળું આપે છે.

પહેલાંની તુલનામાં સમુદ્રમાં આજે ઘણાં વધુ મોટાં જહાજો ચાલે છે અને તેમની સંખ્યા પણ વધુ છે.

છતાં પણ લાઇટહાઉસની ઉપયોગીતા હવે સમાપ્ત થઈ ગઈ છે. કારણકે આજે જહાજ સેટેલાઇટ ઑટૉમેશનને આધારે ચાલે છે.

આ જ કારણ છે કે લાઇટહાઉસની સાથે સાથે તેના રખેવાળોની જરૂરિયાત પણ નથી રહી.


ઑપરેટરોની નોકરીઓ છીનવાઈ

Image copyright ELIOT STEIN

વર્ષ 1998માં બ્રિટનમાં નોર્થ ફોરલૅન્ડ લાઇટહાઉસના છેલ્લા સંરક્ષકે નોકરી છોડી દીધી હતી.

એ જ વર્ષે અમેરિકાએ સમુદ્ર તટ ઉપર પેટાવવામાં આવનારી લાલ બત્તીને સંપૂર્ણપણે ઑટૉમેટેડ કરી દીધી હતી.

ઑસ્ટ્રેલીયા, ફિનલૅન્ડ, આયર્લૅન્ડ, જાપાન, ન્યૂ ઝિલૅન્ડ, નોર્વે સહીત ઘણા દેશોએ લાંબા સમયથી કોઈ પણ લાઇટહાઉસમાં કોઈ કર્મચારીને નોકરીએ રાખ્યા નથી.

દક્ષિણ આફ્રિકામાં એક, ફ્રાંસમાં ત્રણ, મ્યાનમાર, પૉર્ટુગલ અને ભારતમાં પણ લાઇટહાઉસના થોડા જ પહેરેદારો બચ્યા છે. કેનેડામાં તો 50થી પણ ઓછા છે.

ઇન્ટરનેશનલ ઍસોસિએશન ઑફ લાઇટહાઉસ કીપરના અધ્યક્ષ ઇયાન ડફનું કહેવું છે કે આખી દુનિયામાં માંડ 200 લાઇટમેન બચ્યા હશે.


Image copyright ELIOT STEIN

આવનારા વર્ષોમાં તેઓ પણ નહી હોય.

ઇટાલીની લાઇટહાઉસ ઑથૉરિટીના કપ્તાન એન્ટોનેલો ડી એસ્પોસિટોનું કહેવું છે કે લાઇટહાઉસ કીપરની પોસ્ટ માટે વર્ષ 1987 પછી કોઈ પણ ભરતી કરવામાં આવી નથી.

તેમ છતાં આ જગ્યા માટે પણ લગભગ પાંચ હજાર અરજીઓ આવી છે.

આ પોસ્ટ માટે સેનાના જ કોઈ સૈનિકને રાખવામાં આવે છે. કાર્લો ડિ ઑરિયાનોએ વર્ષ 1975માં ઇટાલીની સેનામાં કામ શરૂ કર્યું હતું.

તે પછીનાં 30 વર્ષ સુધી તેઓને અલગ અલગ જગ્યાઓએ નિયુક્ત કરવામાં આવ્યા હતા. કાર્લો એક સારા હાર્બર પાઇલટ, સૅલર અને નોટિકલ ટૅકનિશિયન છે.

તેમની કાબેલિયતને કારણે જ કાર્લોને વર્ષ 2005માં પુંતા કરેનાના આ લાઇટહાઉસમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.

છેલ્લાં 13 વર્ષથી આ લાઇટહાઉસ જ તેમનું ઘર છે.


રોમાંચક નોકરી

Image copyright ELIOT STEIN
ફોટો લાઈન કાર્લો રોજ જે જુવે છે તેની ડાયરીમાં નોંધ કરે છે

કાર્લો કહે છે કે આ જગ્યાએ આવતાં પહેલાં તેમણે આ જગ્યાનો ફોટો પણ નહોતો જોયો.

તેમને લાઇટહાઉસમાં કામ કરવાનો કોઈ અનુભવ પણ નહોતો. પરંતુ જયારે પહેલા દિવસે અહીંયા કામ કર્યું તો લાગ્યું કે આ તેમના જીવનનું સૌથી શ્રેષ્ઠ કાર્ય છે.

લાઇટહાઉસની ઊંચાઈ 28 મીટર છે. સમુદ્રની લહેરો 25 મીટર સુધી ઉછળીને જયારે લાઇટહાઉસને હચમચાવી નાખતી હતી ત્યારે એવું લાગતું હતું કે ભૂકંપ આવી ગયો છે.

જોકે, થોડા જ સમયમાં કાર્લો આ જગ્યાના મિજાજથી ટેવાઈ ગયા હતા.

જે વખતે કાર્લોએ આ લાઇટહાઉસમાં પોતાની સેવા આપવાનું શરૂ કર્યું, ત્યારે પુંતા કરેનામાં બે પહેરેદાર રહેતા, જે લાઇટહાઉસના નાનકડા ઓરડામાં સાથે રહેતા હતા.

તેઓ સાથે પત્તાં રમતા હતા, એક જ રસોડામાં રસોઈ કરતા હતા.

બંને વારાફરતી ટાવર ઉપર જઈને રોશની પેટાવવાનું કાર્ય કરતા હતા.

વર્ષ 2009માં તેમની નિવૃત્તિ બાદ કોઈ અન્ય પહેરેદાર રાખવામાં આવ્યો નહીં અને તેમની જવાબદારીનો ભાર કાર્લો ઉપર આવી ગયો.

હવે તેઓ અહીંયા એકલાં જ રહે છે. પોતાના રૂમમાં શાસ્ત્રીય સંગીત સાંભળે છે અને ઇટાલીના પ્રખ્યાત લેખકોનાં લખેલાં નાટકો વાંચે છે.

કાર્લો પોતે પણ કવિતાઓ લખે છે. તેમની કવિતાઓ સમુદ્ર વિશે હોય છે. રાતના અંધારામાં પોતાના રૂમમાં બેસીને તેઓ ગિટાર પણ વગાડે છે.

લાઇટહાઉસના જૂના પહેરેદારોએ નોકરી છોડ્યા પછી કદાચ જ ક્યારેક કાર્લો ડિ ઑરિયાનોએ રજા લીધી હશે.


Image copyright ELIOT STEIN

એટલે સુધી કે જયારે તેમના ઘૂંટણનું ઑપરેશન થયું ત્યારે પણ તે દિવસમાં બે વખત ટાવર ઉપર લાઇટ પેટાવવા ચઢતા હતા.

કાર્લો કહે છે કે વીજળીથી ટાવરની લાઇટ તો પેટાવી શકાય છે પરંતુ ટાવર ઉપર કોઈ વ્યક્તિની હાજરી જરૂરી છે.

બની શકે કે સમુદ્રમાંથી પસાર થનારા કોઈને મદદની જરૂર હોય.

તેમની ડાયરીમાં લખેલી નોંધોમાંથી જાણવા મળે છે કે ઘણા બધા પ્રસંગોએ તેઓએ સમુદ્રમાં અકસ્માતના શિકાર થયેલા લોકોની મદદ કરી છે.


હવે શું થશે?

Image copyright ELIOT STEIN

પુંતા કરેનાને સંપૂર્ણપણે સ્વયં સંચાલિત કરવાની તૈયારી કરી લેવાઈ છે. પરંતુ નેશનલ સૅલર્સ ઍસોસિએશન ઑફ ઇટાલી આનો વિરોધ કરી રહ્યું છે.

કૅપ્ટન એન્ટોનિનો ટર્મિનેલોનું કહેવું છે કે આ વિસ્તારમાં મોબાઈલ સિગ્નલ, જીપીએસ વગેરેની સુવિધા નથી.

એટલે અહિયાં દરેક કામ વ્યવસ્થિત રીતે કરવા માટે કોઈ વ્યક્તિની હાજરી જરૂરી છે. કાર્લોએ આ જગ્યાને પોતાની જિંદગીનાં 13 વર્ષ આપ્યાં છે.

તેઓ આજે પણ અહીંથી જવા નથી ઈચ્છતા પરંતુ સરકારે તેમના રહેવાના હિસ્સા અને પહેરેદારોના ઓરડાઓને લક્ઝરી રિસોર્ટમાં ફેરવી નાખવાની વ્યવસ્થા કરી દીધી છે.

હવે કાર્લો દર મહિને મળનારા પગારના થોડા પૈસા બચાવીને દૂર ક્યાંક પોતાનો નાનકડો પ્લૉટ લેવાની તૈયારી કરી રહ્યા છે.

કાર્લોને આશા છે કે કોઈક દિવસ તેમની કવિતાઓનો સંગ્રહ છપાશે અને દુનિયા તેમની નજરે સમુદ્ર અને લાઇટહાઉસનું જીવન સમજી શકશે.

તેઓ લાઇટહાઉસ છોડીને ચોક્કસ જતા રહેશે પરંતુ તેમનું હૃદય અહીંયા જ રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ