BBC Top News : 'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ'ની યાદીમાં ભારત વિશ્વમાં 77માં ક્રમે

વિશ્વ બૅન્ક

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે, વિશ્વ બૅન્કે 'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ રેંકિંગ'ની યાદી જાહેર કરી છે, જેમાં ભારત 77માં ક્રમે છે.

વર્ષ 2017ની યાદીમાં ભારત 100માં ક્રમે હતું, એટલે ભારત એક વર્ષમાં 23 ક્રમનો કુદકો મારીને આ યાદીમાં આગળ આવી ગયું છે.

વર્ષ 2013માં ભારત આ યાદીમાં 134માં ક્રમે હતું.

આ યાદીમાં ન્યૂઝિલૅન્ડ, સિંગાપોર અને ડેનમાર્ક આ યાદીમાં ટોચ પર છે. બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા) દેશો પૈકી રશિયા અને ચીન આ યાદીમાં આગળ છે.

વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આર્થિક સુધારાના વાયદા પર અમે કામ કરી રહ્યા છીએ, જેના કારણે ઉદ્યોગ અને રોકાણ માટે નવી તકો સર્જાશે.

રફાલની માહિતી સરકાર 10 દિવસમાં આપે : સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

'એનડીટીવી'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે, સુપ્રીમ કોર્ટે 10 દિવસની અંદર સરકારને રફાલની કિંમત સહિતની માહિતી સીલબંધ કવરમાં આપવા જણાવ્યું છે.

રફાલ મુદ્દે યશવંત સિંહા, અરુણ શૌરી તથા પ્રશાંત ભૂષણ દ્વારા કરાયેલી અરજી સહિત અન્ય અરજીઓ પરની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સરકાર પાસે રફાલ સોદા અંગે માહિતી માગી છે.

અગાઉ સુપ્રીમ કોર્ટે સરકાર પાસે રફાલ સોદાની જાણકારી માગી હતી, પણ આ વખતે સુપ્રીમ કોર્ટે 10 દિવસમાં વિસ્તૃત જાણકારી આપવા કહ્યું છે.

સરકારે કહ્યું હતું કે ભાવ અંગેની માહિતી 'વ્યૂહાત્મક તથા ગુપ્ત' છે. જેના જવાબમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ આ વાત લેખિતમાં શપથપત્ર પર આપવા કહી હતી.

ઉલ્લેખનીય છે કે રફાલ સોદા સંદર્ભે સીબીઆઈની તપાસનું પણ નિરીક્ષણ કરવાની કરાઈ હતી.

જે સંદર્ભે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે હળવા મિજાજમાં કહ્યું, "પહેલાં સીબીઆઈને પોતાનું ઘર(વિભાગ) વ્યવસ્થિત કરી લેવા દો."

'રાકેશ અસ્થાનાની રિશ્વતખોરીના નક્કર પુરાવા છે'

ઇમેજ સ્રોત, Getty Images

સીબીઆઈની આંતરિક કડાકૂટનો અંત દેખાતો નથી. 'એનડીટીવી ઇન્ડિયા'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે, રાકેશ અસ્થાના વિરુદ્ધ હવે સીબીઆઈના એડિશનલ એસપી (સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ)એ દિલ્હી હાઈ કોર્ટમાં પિટિશન કરી છે.

આ પિટિશનમાં એડિશનલ એસપી એસએસ ગુરમે અસ્થાના વિરુદ્ધ સીબીઆઈમાં દાખલ થયેલી એફઆઈઆરને યોગ્ય ઠેરવી છે.

એડિશનલ એસપીએ તેમની પિટિશનમાં લખ્યું છે કે રાકેશ અસ્થાનાની રિશ્વતખોરીના નક્કર પુરાવા છે. તેમને નોંધ્યું છએ કે રાકેશ અસ્થાનાને ડિસેમ્બર 2017માં 2.95 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, ત્યારબાદ રિશ્વત સ્વરૂપે બીજા 36 લાખ રૂપિયા આપ્યા હતા.

આ પિટિશનમાં અસ્થાનાની એફઆઈઆર રદ કરવાની પિટિશનને ખારિજ કરવાની માગ કરી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ખાશોગ્જીની હત્યા અંગે તુર્કીનો દાવો

ઇમેજ સ્રોત, PA

ઇમેજ કૅપ્શન,

ખાશોગ્જી મુદ્દે તુર્કી તથા સાઉદીની વચ્ચે તણાવ ઊભો થયો છે

બીબીસી હિંદીના અહેવાલ પ્રમાણે, સાઉદી અરેબિયાના પત્રકાર જમાલ ખાશોગ્જીની હત્યા ગળે ટૂંપો દઈને કરવામાં આવી હતી, ત્યારબાદ તેમના મૃતદેહના કટકા કરવામાં આવ્યા હતા.

તુર્કી સરકારના પ્રથમ સત્તાવાર નિવેદનને ટાંકતા વેબસાઇટ ઉમેરે છે કે પોતાના દાવાને પુરવાર કરી શકે તેવા કોઈ પુરાવા તુર્કીએ નથી આપ્યા.

આ મુદ્દે સાઉદી અરેબિયા તથા તુર્કીની વચ્ચે બેઠક થઈ હતી. તુર્કીના મતે બેઠકમાં કોઈ 'ઉકેલ' આવ્યો ન હતો. બીજી બાજુ, સાઉદી અરેબિયાએ આ મુદ્દે મૌન સાધ્યું છે.

ખાશોગ્જી અમેરિકન મીડિયા માટે કામ કરતા હતા અને તેમને સાઉદી રાજવી પરિવારના કટુ ટીકાકાર માનવામાં આવતા.

ખાશોગ્જી લગ્નને લગતી સરકારી કામગીરી કરવા માટે તારીખ બીજી ઑક્ટોબરના રોજ તુર્કી ખાતેના સાઉદી અરેબિયાન કૉન્સ્યુલેટ પહોંચ્યા હતા, જ્યાં તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

ગાંધીજીની પ્રતિમાનું નિર્માણકાર્ય અટકાવાયું

ઇમેજ સ્રોત, DAILY HERALD ARCHIVE/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

આફ્રિકામાં ગાંધીજીના પૂતળાનો વિરોધ

માલાવીની સ્થાનિક કોર્ટે મહાત્મા ગાંધીની પ્રતિમાનું નિર્માણકામ હંગામી ધોરણે અટકાવી દેવાના આદેશ આપ્યા છે.

બીબીસી ન્યૂઝ લખે છે કે પૂતળાના વિરોધીઓનું કહેવું છે કે ગાંધી રંગભેદી માનસિક્તા ધરાવતા હતા.

વિરોધીઓ ગાંધીજીના અમુક લખાણોને ટાંકતા કહે છે કે તેઓ આફ્રિકાના અશ્વેતોને 'પશુ જેવા ક્રૂર' તથા 'કાફર' માનતા.

(ગાંધીજીની રંગભેદી માનસિક્તા અંગે તેમના વારસદારો શું કહે છે ? વાચવા માટે અહીં ક્લિક કરો.)

ગાંધીજીએ ભારતમાં આવીને આઝાદીની ચળવળ હાથ ધરી તે પહેલાં લગભગ વીસ વર્ષ સુધી તેઓ આફ્રિકામાં રહ્યા હતા.

ઉલ્લેખનીય છેકે માલાવીની વ્યાપારિક રાજધાની તરીકે બ્લાનટાયર ખાતે એક કરોડના ખર્ચે ગાંધી સ્મારકનું કામ ચાલી રહ્યું છે.

ગાંધીના નામ સાથે જોડાયેલું કન્વેન્સશન સેન્ટર બનશે અને તેનો ખર્ચ ભારત સરકાર ભોગવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો