એક પાકિસ્તાની અભિનેતા જે નેપાળમાં આવી હિંદુ 'પંડિત' બની ગયા
- રિયાઝ સુહેલ
- બીબીસી ઉર્દૂ સંવાદદાતા

ઇમેજ સ્રોત, HAMEED SHAIKH
હામિદ શેખ પંડિતની સાથે એક હિંદુ નેતા પણ બન્યા છે
નેપાળમાં હિંદુ-મુસ્લિમ તણાવ પર બનેલી ફિલ્મ 'ધ મેન ફ્રૉમ કાઠમંડુ'નું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને આવતા મહિને તે રિલીઝ થશે.
આ ફિલ્મમાં હિંદુ પંડિતની ભૂમિકા પાકિસ્તાનના જાણીતા કલાકાર હામીદ શેખ અને મુસ્લિમ વ્યક્તિનું પાત્ર બૉલીવુડના કલાકાર ગુલશન ગ્રોવર ભજવી રહ્યા છે.
હામીદ શેખ મૂળ બલૂચિસ્તાનના છે. તેઓ પીટીવી ક્વેટા સાથે જોડાયેલા હતા.
તે ઉપરાંત ફિલ્મ 'મોર'માં તેમણે મુખ્ય ભૂમિકા કરી હતી. જ્યારે ફિલ્મ 'ખુદા કે લિયે'માં પણ તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી.
તેમનું કહેવું છે કે એક કલાકાર તરીકે તેઓ એ દરેક પાત્ર ભજવવા માગે છે, જે તેમણે પહેલાં નથી ભજવ્યું.
તેમણે જણાવ્યું હતું કે ફિલ્મ મોરથી પંડિતના પાત્રમાં જવા મારે બહુ વધુ મહેનત નથી કરવી પડી.
એક કલાકાર તરીકે મારા કેટલાંક સંસ્મરણો છે, એ સિવાય અમારા પર બોલીવૂડ ફિલ્મ્સની બહુ જ ઊંડી અસર છે. મારા ઘણા એવા મિત્રો છે, જેઓ હિંદુ છે.
હામીદ શેખનું કહેવું છે કે તેમનો ઉછેર આંતર ધાર્મિક માહોલમાં થયો છે. જેથી આ પ્રકારનાં પાત્રો ભજવવામાં સરળતા રહે છે.
તેઓ કહે છે કે, ક્વેટામાં મારા ઘરની એક તરફ હિંદુઓનું મંદિર છે, બીજી તરફ પારસીઓની કૉલોની અને ધાર્મિકસ્થળ છે. બાળપણમાં મેં આવું બધુ જોયું છે.
ઇમેજ સ્રોત, THE MAN FROM KATHMANDU
ફિલ્મનું પોસ્ટર
હામિદ શેખના જણાવ્યા અનુસાર 'ધ મેન ફ્રૉમ કાઠમંડુ'ની વાર્તા એક એવા મુસ્લિમ છોકરા પર કેન્દ્રિત છે, જે અમેરિકાથી નેપાળ આવીને પોતાના પિતાના વારસાને શોધવા પ્રયત્ન કરે છે.
આ દરમિયાન તે એક મુસ્લિમ નેતાના હાથમાં આવી જાય છે, જે પાત્ર ગુલશન ગ્રોવર ભજવી રહ્યા છે.
એ વ્યક્તિ આ છોકરાનો રાજકીય ઉપયોગ કરવા માગે છે પણ નિષ્ફળ જાય છે.
હામીદ જણાવે છે કે એ દરમિયાન મારે એ મુસ્લિમ નેતા સાથે ઝપાઝપી થાય છે. હું ત્યાંનો એક હિંદુ નેતા છું, પંડિત છું અને ધર્મને કારણે મારી એક શાખ છે.
આ ફિલ્મના ડિરેક્ટર પેમા નેપાળના છે. તેમના પૂર્વજો તિબેટથી નેપાળ આવેલાં. જ્યારે પેમાએ અમેરિકામાં જ શિક્ષણ લીધું અને હોલીવૂડમાં પોતાની ફિલ્મ કંપની રજિસ્ટર કરાવી દીધી.
ગુલશન ગ્રોવર તેમના વિશે કહે છે કે આ ફિલ્મ પેમા ઢોંઢુપે પોતે લખી છે અને તેમના મિત્ર છે.
તેમણે જણાવ્યું કે હું મારા કામને બહુ જ મહત્ત્વ આપું છું, તેના સાથેસાથે યારી-દોસ્તીને પણ મહત્ત્વ આપું છું.
તેમણે કહ્યું, "પેમા મારો મિત્ર છે. આ ફિલ્મના શૂટિંગ માટે સમય નહોતો મળતો. સાથે જ દાઢી પણ રાખવાની હતી, અંતે બધું બરાબર થઈ ગયું."
ઇમેજ સ્રોત, HAMEED SHAIKH
ગુલશન એક મુસ્લિમ નેતાની ભૂમિકામાં છે
હામિદ શેખનું કહેવુ છે કે ગુલશન ગ્રોવર બહુ સારી વ્યક્તિ છે, તેમના માટે તેઓ ક્વેટા, બલૂચી કે સિંધના કલાકાર જેવા જ હતા. જે ભાઈઓ જેવા હોય છે.
તેમણે મને કેટલીક ટીપ્સ આપી કે આ પાત્ર કેવી રીતે ભજવવું જોઈએ.
અમે દરરોજ સાંજે દાળ અને રોટલી જમતા અને વાતો કરતા. તેમના પરિવારનો સંબંધ રાવલપિંડી સાથે છે.
તેમની ઇચ્છા છે કે ત્યાં આવીને બાપ-દાદાનું ઘર જુએ, ત્યાંના લોકોને મળે.
'ધ મેન ફ્રૉમ કાઠમંડુ' અમેરિકા ઉપરાંત ભારત અને નેપાળમાં રિલીઝ થશે.
હામીદ શેખે જણાવ્યુ કે તેમનો પ્રયત્ન છે કે પાકિસ્તાનમાં પણ આ ફિલ્મ રિલીઝ થાય પરંતુ ત્યાં આવી ફિલ્મો બહુ ચાલતી નથી.
હમીદ શેખ આ પહેલાં પણ અમેરિકાની ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.
ઇમેજ સ્રોત, HAMEED SHAIKH
તેઓ કહે છે કે ત્યાં લોકો પ્રૉફેશનલ રીતે કામ કરે છે, જ્યારે અમારે ત્યાં નવુંનવું છે, લોકોને કઈ દિશામાં જવું છે, એ એમને ખબર નથી.
અમે બીજાની સંસ્કૃતિ જોઈએ છીએ, પોતાની એક પ્રકારની વિચારસરણી હોવી જોઈએ, જે નથી.
બહારના લોકોની વાર્તાઓ તેમની પોતાની સંસ્કૃતિ દર્શાવે છે, જ્યારે અમે બૉક્સ ઑફિસ પાછળ પડ્યા છીએ.
હામીદ શેખને ઐતિહાસિક વિષયો પર કમર્શયલ ફિલ્મો બનાવવાની ઇચ્છા છે. તેના માટે રિસર્ચ ચાલે છે.
તેમણે જણાવ્યું કે તેઓ ખાનાબદોશ કુછી કબાઇલિયોં પર કામ કરવા માગે છે. આ કહાણી 1930 વખતના બ્રિટીશ રાજની છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો