'અયોધ્યાનાં એ રાજકુમારી જે બન્યાં કોરિયાનાં મહારાણી'
- નરેન્દ્ર કૌશિક
- બીબીસી ગુજરાતી માટે

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ અને તેમનાં પત્ની
ભારતીય દંતકથાઓમાં અયોધ્યાના રાજકુમાર રામ અને તેમના 14 વર્ષના વનવાસની કથા જાણીતી છે.
જોકે, ગયા દોઢ દાયકામાં આ પવિત્ર શહેર સાથે એક અન્ય શાહી વ્યક્તિ બહારની દુનિયામાં જવાની વાત લોકમુખે ચડી છે.
કોરિયાનો ઇતિહાસ કહે છે કે અયોધ્યાથી બે હજાર વર્ષ પહેલાં અયોધ્યાની રાજકુમારી સૂરીરત્નાની હુ હવાંગ ઓક અયુતા (અયોધ્યા)થી દક્ષિણ કોરિયાના ગ્યોંગસાંગ પ્રાંતના કિમહયે શહેર આવ્યાં હતાં.
ઇમેજ સ્રોત, Other
જોકે, રાજકુમાર રામની જેમ આ રાજકુમારી ક્યારેય અયોધ્યા પરત ન ફર્યાં.
ચીની ભાષામાં નોંધાયેલા દસ્તાવેજ - સામગુક યુસા કહે છે કે ઈશ્વરે અયોધ્યાની રાજકુમારીના પિતાને સ્વપ્નમાં આવીને એવો આદેશ આપ્યો કે તેઓ પોતાની દીકરીને તેણીના ભાઈ રાજા સુરો સાથે વિવાહ કરવા માટે કિમહયે શહેર મોકલે.
કારક વંશ
ઇમેજ સ્રોત, Other
રાણીના ઉલ્લેખવાળો શિલાલેખ
આજે કોરિયામાં કારક ગોત્રના આશરે સાઇઠ લાખ લોકો પોતાને રાજા સુરો અને અયોધ્યાની રાજકુમારીના વંશજ ગણાવે છે.
આવું માનવાવાળા લોકોની સંખ્યા દક્ષિણ કોરિયાની અડધી વસતીના દશમાં ભાગથી વધુ છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કિમ ડેઈ જંગ અને ભૂતપૂર્વ વડા પ્રધાન હિયો જિયોંગ અને જોંગ પિલ-કિમ આ વંશમાંથી આવે છે.
આ વંશના લોકોએ એ પથ્થરોને પણ સાચવી રાખ્યા છે જે અયોધ્યાનાં રાજકુમારી પોતાની દરિયાઈ યાત્રામાં નાવને સંતુલિત રાખવા માટે સાથે લઈને આવેલાં.
કિમહયે શહેરમાં આ રાજકુમારીની પ્રતિમા પણ છે. અયોધ્યા અને કિમહયે શહેર વચ્ચેનો સંબંધ વર્ષ 2001થી શરૂ થયો.
કારક વંશના લોકોનો એક સમૂહ દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન રાજકુમારીની માતૃભૂમિ ઉપર તેમને શ્રદ્ધાંજલિ આપવા અયોધ્યા આવે છે.
કોરિયાના મહેમાન
ઇમેજ સ્રોત, Other
શાહી પરિવારના સભ્યો
આ લોકોએ સરયૂ નદીના કાંઠે પોતાની રાજકુમારીની યાદમાં એક પાર્ક પણ બનાવડાવ્યો છે.
સમયાંતરે અયોધ્યાના મુખ્ય લોકો કિમહયે શહેરની યાત્રા પણ કરવા માંડ્યા.
અયોધ્યાના ભૂતપૂર્વ રાજપરિવારના સભ્ય વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર અહીંયા આવતા કારક વંશના લોકોની મહેમાનગતિ કરે છે અને તેઓ છેલ્લાં થોડાં વર્ષોથી ક્યારેક દક્ષિણ કોરિયા જાય છે.
એ અલગ વાત છે કે તેમના પરિવારનો ઇતિહાસ ફક્ત સો વર્ષ જૂનો જ છે.
વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર 1999-2000 દરમિયાન કોરિયા સરકારના મહેમાન બન્યા હતા.
ત્યારે વિમલેન્દ્રએ કેટલાક કોરિયન વિદ્વાનો સાથે આ કથા વિશે પહેલી વાર સાંભળ્યું જ હતું.
તેના થોડા મહિનાઓ પછી તેઓને રાજકુમારીની કોરિયા યાત્રા સાથે જોડાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કોરિયા આવવાનું આમંત્રણ મળ્યું હતું.
અયોધ્યાને આશા
ઇમેજ સ્રોત, Other
મિશ્ર રાજકુળનું દંપતી કોરિયામાં
જીવનના સાતમા દસકમાંથી પસાર થઈ રહેલા મિશ્ર એ ઘટનાને કંઈક આ રીતે સંભારે છે.
તેઓ કહે છે, "મને શરૂઆતમાં કંઈક શંકા હતી અને મેં તેઓને કહ્યું કે આ થાઇલૅન્ડનું અયોધ્યા પણ હોઈ શકે છે."
"થાઇલૅન્ડમાં પણ એક અયોધ્યા છે પણ તેઓ એ વાતે સ્પષ્ટ હતા. તેઓ રીસર્ચ કરીને આવ્યા હતા."
બંને શહેરોના સંબંધો(બહેનપણી જેવા) અયોધ્યામાં આશાઓ જાગી છે. પરંતુ રાજકુમારીની યાદમાં એક સ્મારક બનાવવા માટે કોરિયન લોકોની પીછેહઠથી આશાઓ ધૂંધળી પડી ગઈ છે.
બસપાની ટિકિટ ઉપર ચૂંટણી હારી ચૂકેલા મિશ્ર આરોપ મૂકે છે, "અયોધ્યાને આ સહયોગને લીધે કોઈ ફાયદો નથી થયો. કોરિયન લોકોની મોટી યોજનાઓ હતી પરંતુ ભારતના શાસકોએ બહુ વધારે રસ લીધો નહીં."
રાજકુમારીમાં રસ
ઇમેજ સ્રોત, Other
વૃક્ષારોપણ કરતું મિશ્ર રાજકુળનું દંપતી
ફૈઝાબાદ-અયોધ્યાના હાલના ભાજપના નેતા લલ્લુસિંહ એ વખતની અટલ બિહારી વાજપેયી સરકારનો બચાવ કરતા કહે છે કે કોરિયન લોકોએ જ પીછેહઠ કરી હતી.
તેઓ કહે છે કે કોરીયનોએ કંઈ કર્યું નહીં અને હવે આ મુદ્દો ઉપાડવાથી કંઈ લાભ નથી.
લલ્લુસિંહનો દાવો છે કે તેમણે અયોધ્યામાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે.
વિમલેન્દ્ર મિશ્રના પુત્ર અફસોસ વ્યક્ત કરતા કહે છે, "અયોધ્યાની રાજકુમારીમાં ખાસો રસ હોવા છતાં આ પવિત્ર શહેરમાં કોરિયાથી કોઈ સહેલાણી આવ્યા નથી. બસ કેટલાક લોકો રિવાજના ભાગરૂપે પોતાની શ્રદ્ધાંજલિ આપવા આવતા રહે છે."
ઇતિહાસનું મૌન
વિમલેન્દ્ર મિશ્રને આશા છે કે દક્ષિણ કોરિયામાં આગામી ચૂંટણી પછી કોઈ કારક વંશના વ્યક્તિ સત્તામાં આવશે તો પરીસ્થિતિ બદલાશે.
જોકે, ભારતમાં આ વાત ઉપર ઘણા લોકોને આશ્ચર્ય છે કે ભારતીય ઇતિહાસમાં અયોધ્યાની કોઈ રાજકુમારીના કોરિયા જવાની વાત લખાઈ નથી.
જોકે, ઉત્તરપ્રદેશના પર્યટન વિભાગના એક બ્રૉશરમાં કોરિયાની રાણીનો ઉલ્લેખ છે.
પણ એ વાતના કોઈ ઐતિહાસિક પુરાવા નથી કે આ રાજકુમારી રામના પિતા દશરથના વંશજ હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો