એવા લોકો જેમના પર લાગ્યો છે 'ફેક ન્યૂઝ' ફેલાવવાનો આરોપ
- વિનીત ખરે
- બીબીસી સંવાદદાતા

આકાશ પોતાને 'બાળ સ્વયંસેવક' તરીકે ઓળખાવે છે જે ચાર વર્ષની ઉંમરથી સંઘ સાથે જોડાયેલા છે
ભારતમાં ફેક ન્યૂઝ એટલે કે ખોટા સમાચારો ફેલાવવા માટે ટ્વીટર હૅન્ડલ્સ, ફેસબૂક પેજીસ અને વેબસાઇટ્સનો ઉપયોગ થતો હોવાની ચર્ચા થાય છે. વાત સાચી, પણ આવી પોસ્ટ મૂકનારા અને વેબસાઇટ્સ ચલાવનારા લોકો હોય છે કોણ?
ફેક ન્યૂઝ ફેલાવવા માટે સૌથી વધારે જવાબદાર વૉટ્સઍપને માનવામાં આવે છે, કેમ કે ભારતમાં તેના સૌથી વધુ 20 કરોડથી પણ વધુ સબસ્ક્રાઇબર્સ છે.
એક અંદાજ અનુસાર, ફેક ન્યૂઝને કારણે 2018ના વર્ષમાં 24 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ફેક ન્યૂઝ ફેલાવવા અંગેના અને તેના કારણે મૉબ લીચિંગ (ટોળા દ્વારા હત્યા) જેવા ગુનામાં દેશભરમાં કુલ 97 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
આ જ બાબતમાં તપાસ કરવા માટે અમે ગ્વાલિયર પહોંચ્યા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
શહેરના પ્રસિદ્ધ રામ મંદિરની સામે જ આવેલા શૉપિંગ કૉમ્પ્લેક્સમાં આકાશ સોનીની ઓફિસ આવેલી છે.
આકાશ પોતાને 'બાળ સ્વંયસેવક' કહે છે. તેનો દાવો એવો છે કે પોતે ચાર જ વર્ષની ઉંમરથી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની સાથે જોડાઈ ગયા હતા.
આકાશ સોની 'છેલ્લા છ વર્ષથી' ફેસબૂક પર 'બીજેપી ઑલ ઇન્ડિયા' નામનું પેજ ચલાવે છે. તેમના પેજને 12 લાખ જેટલી લાઇક્સ મળેલી છે.
ફૅક્ટ-ચેકર વેબસાઇટ તરીકે કામ કરતી 'ઑલ્ટ ન્યૂઝ' અનુસાર, 'બીજેપી ઑલ ઇન્ડિયા' સતત ફેક ન્યૂઝ ફેલાવવાનું કામ કરે છે.
'ઑલ્ટ ન્યૂઝ'ના જણાવ્યા અનુસાર, આ પેજમાં એક તસવીર મૂકીને દાવો કરવામાં આવ્યો હતો કે, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીની અમેરિકાના ઍરપૉર્ટ પર કપડાં ઉતારીને તપાસ કરવામાં આવી હતી.
આ સમાચાર ખોટા સમાચાર એટલે કે ફેક ન્યૂઝ હતા.
ફેક ન્યૂઝ પાછળ કઈ વિચારધારા ?
ઇમેજ સ્રોત, ALT NEWS
ફૅક્ટ-ચેકર વેબસાઇટ તરીકે કામ કરતી 'ઑલ્ટ ન્યૂઝ' અનુસાર, 'બીજેપી ઑલ ઇન્ડિયા' સતત ફેક ન્યૂઝ ફેલાવવાનું કામ કરે છે.
આવા ખોટા સમાચારો કેમ મૂકો છો? એવા અમારા સવાલના જવાબમાં આકાશ સોનીએ કેટલાક તર્ક આપ્યા હતા.
ક્યારેય ભૂલથી પોસ્ટ મૂકાઈ ગયાની વાત કરી અને એમ પણ કહ્યું કે મીડિયામાં બધે ખોટી ખબરો ચાલે છે તો પછી માત્ર પોતાની સામે સવાલો શા માટે?
તેઓ 'ઑલ્ટ ન્યૂઝ'ની વિશ્વસનીયતા અને તેને કોનું ફન્ડિંગ મળે છે તેની સામે પણ સવાલો ઊઠાવ્યા.
આકાશ કહે છે કે તેઓ 'વી સપોર્ટ અમિત શાહ', 'વંદે માતરમ્' અને પોતાના નામે પણ ફેસબૂક પેજ ચલાવે છે.
ઘણા બધા ફેસબુક ગ્રૂપના સભ્ય બનેલા આકાશ કહે છે કે તેઓ 350 જેટલાં વૉટ્સઍપ ગ્રૂપમાં જોડાયેલા છે.
આ ગ્રૂપમાંથી તેમને સતત માહિતીઓ મળતી હોય છે અને તેમાંથી ઉઠાવીને ફેસબૂકમાં પોતે મૂકતા હોય છે.
આકાશ કહે છે કે આ ફેસબુક પેજીસના કારણે તેમની ઓળખ ઊભી થઈ છે.
પોતાના પેજ પર કોઈ સમસ્યાનો ઉલ્લેખ કરવામાં આવે તો તેનો ઉકેલ પણ આવી જાય છે.
સીસીટીવી (ક્લોઝ઼્ડ સર્કિટ ટેલિવિઝન) કૅમેરાથી સજ્જ આકાશ સોનીની ઓફિસમાં દરવાજા પાસે પૂર્ણ કદની સ્વામી વિવેકાનંદની તસવીર પણ લગાવવામાં આવેલી છે.
હાથમાં બબ્બે મોબાઇલ, માથા પર તિલક અને કુર્તા ધારણ કરીને બેઠેલા આકાશ સોનીના ટેબલની સામે સોફા ગોઠવેલા છે.
આકાશના જણાવ્યા અનુસાર આ ઓફિસમાં બેસીને જ તેઓ વહેલી સવારથી મોડી રાત સુધી માહિતીઓ એકઠી કરીને તેને ફેસબુકના પેજમાં મૂકે છે.
પ્રૉફેશનલની જેમ તેઓ વિચારે છે
આકાશ સોનીનો ફોન
સવારે શું પ્રગટ કરવું, ઓફિસ જતા પહેલાં અને સાંજે ઘરે આવ્યા પછી લોકો શું વાંચવાનું પસંદ કરશે, બપોરે લોકો શું જોવા માગશે એવી બધી બાબતોનું ધ્યાન રાખીને તેઓ ફેસબુકમાં પોસ્ટ મૂકે છે.
આવા ફેસબુક પેજ ચલાવવા પાછળ પોતાની વિચારસરણી ઉપરાંત આર્થિક ગણતરી પણ હોય છે.
એક જાણકારના જણાવ્યા અનુસાર, ગૂગલ એડ્સને કારણે ઘણાં લોકોને મહિને લાખો રૂપિયાની આવક થાય છે.
તેથી પોતાના પેજ પર લોકો આવે અને ક્લિક કરે તે માટે તેમને પ્રેરવા જરૂરી હોય છે.
'બીજેપી ઑલ ઇન્ડિયા' પેજ પર ભાજપ અને નરેન્દ્ર મોદી માટે પ્રચાર કરવા ઉપરાંત પેજ વાંચવા આવનારને કંઈ ને કંઈ મળી રહે તે માટે કોશિશ થતી હોય છે.
જેમ કે રાશીફળ, સ્વાસ્થ્ય, ખેલજગત અને મનોરંજનની ખબરો ઉપરાંત હિન્દુ ધર્મને લગતા લખાણો મૂકાતા હોય છે.
આકાશ સોની કહે છે, "હું અને મારો એક મિત્ર રાજેન્દ્ર દર 40 મિનિટે એક પોસ્ટ મૂકીએ છીએ.”
“અમારો મૅસેજ ફેલાવવા માટે બેનર જેવું બનાવવું પડે, જે હું અને રાજેન્દ્ર બનાવતા હોઈએ છીએ...(પેજનો) ઉદ્દેશ યુવા પેઢીને રાષ્ટ્રવાદ તરફ વાળવાનો અને ભારતીય સંસ્કૃત્તિ લોકો સુધી પહોંચાડવાનો છે."
આકાશનું કહેવું છે કે તેમણે 2011થી નરેન્દ્ર મોદીનો પ્રચાર કરવાનું શરૂ કર્યું હતું, જેથી "દેશ અને યુવાઓની દિશા બદલી શકાય."
તેઓ કહે છે, "અમને ખબર હતી કે આનાથી (ફેસબુકના માધ્યમથી) અમે અમારી વાત કોઈ કાપકૂપ વિના લોકો સુધી પહોંચાડી શકીશું."
"ઇલેક્ટ્રૉનિક ચેનલ પર સમાચાર માટે રાહ જોવી પડતી હોય છે - તે લોકો છાપે, દેખાડે કે ના પણ દેખાડે, એ તેમની (પત્રકારોની) મરજી પ્રમાણે હોય છે."
કેવી રીતે કામ થાય છે?
ઇમેજ સ્રોત, BJP ALL INDIA FB PAGE
'કોગ્રેસની રેલીમાં પાકિસ્તાનનો રાષ્ટ્ર ધ્વજ' આ તસવીર વાઇરલ થઈ હતી
'ઑલ્ટ ન્યૂઝ' જણાવે છે કે 'બીજેપી ઑલ ઇન્ડિયા' સતત ફેક ન્યૂઝ ફેલાવવાનું કામ કરે છે. વેબસાઇટે આ પેજની એક પોસ્ટનું ઉદાહરણ આપ્યું છે.
પોસ્ટનું શિર્ષક છે 'કોંગ્રેસની રેલી, પાકિસ્તાનનો ધ્વજ.' પોસ્ટમાં એક વાડિયો મૂકવામાં આવ્યો છે, જેમાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઈયુએમએલ)નો ઝંડો ફરકાવવામાં આવી રહ્યો છે.
પરંતુ આ પોસ્ટમાં આઈયુએમએલના ઝંડાને પાકિસ્તાનનો ધ્વજ ગણાવી દેવાયો હતો. ઑલ્ટ ન્યૂઝના જણાવ્યા અનુસાર, આ પોસ્ટને 3600 વાર શેર કરવામાં આવી હતી.
આવા સમાચાર પેજ પર કેવી રીતે આવ્યા? તેના જવાબમાં આકાશ સોની કહે છે, "એક વેબસાઇટ પર તે સમાચાર હતા. તે અમારી પોતાની પર્સનલ ખબર નહોતી. વેબસાઇટે તે સમાચાર આપ્યા હતા."
આકાશે એવું પણ કહ્યું કે તેમણે એ 'ખબર હટાવી દીધી હતી'. જોકે અમે ચેક કર્યું તો હજી પણ તે પોસ્ટ પેજ પર ઉપલબ્ધ છે.
શું ભૂલથી પોસ્ટ થઈ ગયું હતું એવા સવાલના જવાબમાં આકાશ સોની કહે છે, "ક્યારેક મિસ્ટેક થઈ જાય છે... મિસ્ટેક બધાથી થાય છે. બસ એટલું કે ભૂલ સ્વીકારી લેવી જોઈએ કે ભઈ, હા અમારાથી ભૂલ થઈ ગઈ."
નહેરુની તસવીર
ઇમેજ સ્રોત, BJP ALL INDIA FB PAGE
ઑલ્ટ ન્યૂઝમાં અન્ય એક તસવીરનો ઉલ્લેખ છે જેમાં નહેરુ મહિલાઓથી ઘેરાયેલા દેખાય છે.
ઑલ્ટ ન્યૂઝમાં અન્ય પોસ્ટની તસવીરનો પણ ઉલ્લેખ છે, જેમાં જવાહરલાલ નહેરુને સ્ત્રીઓ વચ્ચે ઘેરાયેલા દેખાડાયા છે.
આ ફોટાની ઉપર અને નીચે નહેરુ માટે ગંદી ભાષામાં લખવામાં આવ્યું છે. આ પોસ્ટને પણ 3000થી વધુ વાર શેર કરવામાં આવી છે.
ફૅક્ટ-ચેક વેબસાઇટ બૂમલાઇવે જણાવ્યું કે આ ફોટો ખોટો છે.
આકાશ કહે છે, "એવું બની શકે કે એક બીજો માણસ પણ અમારી સાથે કામ કરે છે તેણે આ પોસ્ટ મૂકી હશે."
"અમારી સાથે એક રાજેન્દ્રજી પણ છે, જેમની સાથે (પેજ) ચલાવીએ છીએ, પણ અમને યાદ નથી કે અમે આવી કોઈ પોસ્ટ મૂકી હોય."
આકાશ કહે છે, "એવી કોશિશ અમે ચોક્કસ કરીએ છીએ કે આમાં કોઈ ખોટા સમાચાર પ્રકાશિત ના થઈ જાય."
"તમે એક કે બે પોસ્ટ જ જોઈ છે... ભૂલો બધાથી થતી હોય છે... અમે ભૂલ સ્વીકારીએ છીએ કે હા અમારાથી ભૂલથી પોસ્ટ થઈ ગયું હતું."
બે મહત્ત્વના સમાચાર
ઇમેજ સ્રોત, ALT NEWS
ગત વર્ષે 'ઑલ્ટ ન્યૂઝે' 'કવરેજ ટાઇમ્સ'ને વિકસીત વેબસાઇટ ગણાવી હતી
આકાશ સોની સાંપ્રદાયિકતા ફેલાવવાના આરોપોનો ઇન્કાર કરે છે.
આકાશ એવું પણ કહે છે "અમને ભાજપ તરફથી કોઈ ગાઇડલાઇન મળતી નથી કે તમારે (ફેસબૂક પર) શું નાખવું જોઈએ."
આકાશ કહે છે "અમે અમારા પેજ માટે સ્વતંત્ર છીએ. અમે કંઈ (ભાજપના) પેઈડ કર્મચારીઓ નથી."
"અમને કોઈ સત્તાવાર જવાબદારી પણ સોંપવામાં આવી નથી... આજ સુધી ભાજપ તરફથી કોઈ ગાઇડલાઇન નથી મળી કે તમારે પેજ પર શું શું મૂકવું જોઈએ... આ વાત કોઈ સાબિત પણ કરી શકે તેમ નથી."
આકાશના જણાવ્યા અનુસાર, વિતેલા વર્ષોમાં બે સ્ટોરીને કારણે તેમના પેજનો ફેલાવો જોરદાર વધ્યો હતો.
પહેલી સ્ટોરી હતી તાજમહલ વિશેની, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તાજમહેલની જગ્યાએ પહેલા એક મંદિર હતું.
બીજી સ્ટોરીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન પંજો છે, તે ગેરકાયદે છે.
આકાશ સોનીની ઓફિસે જઈને અમે તપાસ કરી તે પછી અમે જોયું કે તેમણે પોતાના પેજનું નામ બદલી નાખ્યું હતું.
તેમણે હવે 'બીજેપી ઑલ ઇન્ડિયા'ની જગ્યાએ પોતાના ફેસબુક પેજનું નામ 'આઈ સપોર્ટ નરેન્દ્રભાઈ મોદી બીજેપી' એવું કરી નાખ્યું છે.
કવરેજ ટાઇમ્સનો વેપાર
'કવરેજ ટાઇમ્સ'ની ઓફિસ
આકાશ સોનીના ઓફિસથી થોડે જ દૂર બીજી એક બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલી છે 'કવરેજ ટાઇમ્સ'ની ઓફિસ.
ગયા વર્ષે ઑલ્ટ ન્યૂઝે 'કવરેજ ટાઇમ્સ'ને 'ઝડપથી વિકસી રહેલી ફેક ન્યૂઝ સાઇટ' ગણાવી હતી, કેમ કે તેણે ટૂંકા ગાળામાં જ પોતાનો ફેલાવો કરી દીધો હતો.
અમે રવિવારે બપોર પછી તેમની ઓફિસે પહોંચ્યા ત્યારે ત્યાં માત્ર બે લોકો જ હાજર હતા.
વેબસાઇટના 'એડિટર ઇન ચીફ' રાજુ શિકરવર માત્ર 27 વર્ષના છે.
તેમના જણાવ્યા અનુસાર, તેમની વેબસાઇટે શરૂ થયાના ત્રણ જ મહિનામાં ટોપ 10,000 વેબસાઇટ્સમાં સ્થાન મેળવી લીધું હતું.
ગૂગલ એડ્સ તથા અન્ય રીતે તેમને મહિને એક લાખની આવક પણ થવા લાગી હતી.
જોકે, બાદમાં વેબસાઇટ પર પ્રગટ થતા સમાચારો સામે ફરિયાદો થવા લાગી હતી.
તેના કારણે વેબસાઇટની રિચ પણ ઘટી અને તેના સમાચારોને શેર કરનારાની સંખ્યા ઓછી થવા લાગી.
આવી જ એક સ્ટોરી બીબીસીની હતી, જેને ખોટી રીતે વેબસાઇટે મૂકી દીધી હતી. બીબીસીની મ્યાનમારથી આવેલી આ સ્ટોરી હતી.
રાજુ શિકરવર
તેમાં એક રોહિંગ્યા યુવતીની નાનકડી સ્ટોરી હતી અને તેને સમાચારોમાં થોડીવાર માટે જ બતાવવામાં આવી હતી.
પરંતુ આ જ સ્ટોરીને 'કવરેજ ટાઇમ્સે' ફેરવીને લખી કે - "14 વર્ષની રોહિંગ્યા છોકરી, જેના પતિના છે 18 સંતાનો. શું તમે આવા શરણાર્થીઓને ભારતમાં વસવા દેવા માગશો?"
આ એક ફેક ન્યૂઝ હતા. રાજુ પોતે પણ તેનો સ્વીકાર કરે છે.
રાજુના જણાવ્યા અનુસાર, તેમની પાસે આ સ્ટોરીની માહિતી આવી તેમાં એવું જણાવાયું હતું કે "આ છોકરી પરણેલી છે... તેના પતિની બીજી બીબીઓ પણ છે."
જોકે, આવી માહિતી તેમની પાસે ક્યાંથી આવી અને હાલમાં તે ડેટા ક્યાં છે તે વિશે તેમણે કોઈ સંતોષકારક ખુલાસો આપ્યો નહોતો.
રાજુ શિકરવરના જણાવ્યા અનુસાર, આ સ્ટોરી વિશે 'જબરદસ્ત રિપોર્ટિંગ' થયું તે પછી તેને હટાવી લેવામાં આવી હતી.
તેના કારણે વેબસાઇટને લાઇક્સ અને શેર વગેરેમાં પણ ખાસ્સુ નુકસાન થયું હતું. રાજુનું કહેવું છે કે તેઓ કોઈ જૂથ સાથે જોડાયેલા નથી.
રાજુ કહે છે, "ક્યારેક એવું પણ થાય કે બાય ચાન્સ તમારી સાઇટ પર ફેક ડેટા પણ જતા રહે."
"કેમ કે તમે તેને ધ્યાનથી વાંચી શક્યા ના હો. અથવા તેના હેડિંગમાં ભૂલ થઈ જાય. તે સિવાય જે ડેટા જતો હોય છે તે સાચો હોય છે."
પૈસા રળવાનો ઉદેશ્ય
23 વર્ષીય અભિષેક મિશ્રા 'વાઇરલ ઇન ઇન્ડિયા નેટ' નામની વેબસાઇટ ચલાવે છે
રાજુ કહે છે, "મને કોઈ મુસ્લિમો સામે વાંધો નથી, કે આપણા દેશમાં રહેતા હોય તેની કોઈની સામે પણ વાંધો નથી.
"આપણાં દેશમાં જે થઈ રહ્યું છે તેની સામે વાંધો છે. તમે રહો છો તો રહો, સારી રીતે રહો, અમને કોઈ વાંધો નથી... માની લો કે તમે એક દેશમાં રહો છો.
"તો તમારે તે દેશમાં જે હોય તેને ફોલો કરવું જોઈએ. જેમ કે આપણું 'વંદે માતરમ્' છે, રાષ્ટ્રગાન છે, તો આપણે તેનું સન્માન કરવું જોઈએ.
"આપણે જે દેશનું ખાતા હોઈએ તેનું તો સન્માન કરવું જ પડેને. એ તો વાજબી વાત છે, પણ એ જ વસ્તુનો વિરોધ કરવા લાગો તો પછી કેવી રીતે તમે ઇન્ડિયાના રહ્યા. તમે તો નથીને હવે."
'કવરેજ ટાઇમ્સ' સાથે જોડાયેલા રામનેંદ્ર સિંહ કહે છે કે તેમનો ઇરાદો પૈસા કમાવા માટેનો છે. તેમનો ઇરાદો એવો નથી કે સમાચારોને કારણે "રમખાણ થઈ જાય".
તેઓ કહે છે. "ક્યારેક અમને (પોસ્ટની વાસ્તવિકતા વિશે) ખબર પણ નથી હોતી.
"પછી કોઈ સવાલ ઊઠાવે ત્યારે અમે (સ્ટોરીને) હટાવી દઈએ છીએ, કેમ કે "વાંધાનજક પોસ્ટ હોય તો ફેસબૂક પણ તેને બ્લોક કરી દે છે."
તેઓ સામે પૂછે છે, "અમે શા માટે એવું ઇચ્છીએ કે અમારા બિઝનેસ પર અસર થાય... અમે કોઈ ઍજન્ડા લઈને કામ નથી કરતા."
"અમારો ઇરાદો ફેસબુકમાંથી કમાણી કરવાનો છે."
રામનેંદ્ર માને છે કે ફેસબુકના કડક નિયમોને કારણે ફેક ન્યૂઝ પર હવે લગામ આવી રહી છે.
કોંગ્રેસ સમર્થક વેબસાઇટ
'વાઇરલ ઇન ઇન્ડિયા'ની ઓફિસ
ગ્વાલિયરથી દૂર ભોપાલમાં 23 વર્ષનો અભિષેક મિશ્રા 'વાઇરલ ઇન ઇન્ડિયા' નામની વેબસાઇટ ચલાવે છે.
તેની વેબસાઇટ અને તેની સાથે જોડાયેલા ફેસબુક પેજ પર તમને કોંગ્રેસના કમલ નાથ જેવા નેતાઓની તરફેણ કરતી પોસ્ટ જોવા મળશે.
સાથે જ નરેન્દ્ર મોદીની ટીકા કરતી પણ ઘણી પોસ્ટ મળશે.
એલેક્સા અનુસાર ભારતની વેબસાઇટ્સમાં વાઇરલ ઇન ઇન્ડિયા ડોટ નેટની રેન્કિંગ 740ની આસપાસ છે.
વેબસાઇટ પરનો લગભગ 90 ટકા ટ્રાફિક ભારતમાંથી આવતો હોય છે.
સાથે જ સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમિરાત, કુવૈત અને કતારમાંથી પણ લોકો વેબસાઇટ જુએ છે.
ભોપાલના એક ભરચક વિસ્તારમાં ચારેક વર્ષથી આ વેબસાઇટ ચાલે છે. તેની એકથી વધારે માળમાં ફેલાયેલી ઓફિસ છે.
આટલી ઝડપથી આવડી મોટી ઓફિસ બનાવવા માટે ફંડ ક્યાંથી મળ્યું તે વિશે અભિષેક કહે છે કે કોંગ્રેસમાંથી તેમને કોઈ ફંડિંગ મળ્યું નથી.
વેબસાઇટની કમાણીમાંથી જ તેમણે ઓફિસ બનાવ્યાનો દાવો કર્યો છે.
અભિષેક કહે છે, "અમારા ઘણા કર્મચારીઓ દિલ દઈને કામ કરે છે. પૈસા પણ લેતા નથી... અમારે ત્યાં 45થી વધુ લોકો કામ કરે છે.
"રાજકારણની રીતે તટસ્થ લોકો જ અમારે ત્યાં કામ કરે છે. અમે કોઈ રાજકીય માણસને નોકરી આપતા નથી."
સિવિલ એન્જિનિયર અભિષેક મિશ્રાના જણાવ્યા અનુસાર, 2011માં તેમની વેબસાઇટની રિડરશીપ પાંચ કરોડની હતી, તે 2017 સુધીમાં વધીને 14.1 કરોડની થઈ ગઈ છે."
"કોઈ પણ સમયે તેમની વેબસાઇટ 25થી 40 હજારો લોકો જોઈ રહ્યા હોય છે. "
વેબસાઇટની એક સ્ટોરીમાં એવું જણાવાયું છે કે, અમેરિકાના એક કહેવાતા સર્વેમાં મનમોહન સિંહને દુનિયાના સૌથી ઇમાનદાર વ્યક્તિ ગણાવવામાં આવ્યા હતા.
ફૅક્ટ-ચેકર વેબસાઇટ 'ઑલ્ટ ન્યૂઝ' આ સમાચારને ફેક ન્યૂઝ ગણાવે છે.
સમાચાર સત્ય હોવાનો દાવો
ઇમેજ સ્રોત, ALT NEWS
આ સમાચારને નકલી ગણાવીને 'ઑલ્ટ ન્યૂઝે' જણાવ્યું હતું કે "ભાજપના સમર્થકો જે રીતે ફેક ન્યૂઝ પોસ્ટરો ફેલાવીને તેને વારંવાર શેર કરતા હોય છે તેવી રીતે જ આ સમાચારને ફેલાવાયા હતા."
"તેમના જેવા જ કલરમાં, તેવા જ ફોન્ટમાં... એવું લાગે છે કે કોંગ્રેસ સમર્થકો જાણે કહી રહ્યા છે કે તેમને હરાવી ના શકો તો તેમની સાથે ભળી જાવ."
બીજી બાજુ અભિષેક મિશ્રાનો દાવો છે કે આ સમાચાર બિલકુલ સાચા છે. તેઓ કહે છે, "તમે સાબિત કરીને બતાવો કે આ ન્યૂઝ ખોટા છે."
"કોઈ માઇનો લાલ હોય તો સાબિત કરી બતાવે કે આ ખોટા સમાચાર છે... ઑલ્ટ ન્યૂઝ જેવા ચીલાચાલુ લોકો કંઈ પણ કહી દે એટલે તમે માની લેશો? તે લોકો સાબિત કરે કે આ ફેક છે... આરોપ તો કોઈ પણ લોકો ગમે તેવા લગાવી શકે છે."
પરંતુ આ માહિતી મળી ક્યાંથી?
અભિષેક મિશ્રાના જણાવ્યા અનુસાર, "જેમણે આ સમાચાર તૈયાર કર્યા, તેમની માહિતી પ્રમાણે આ સમાચાર સાચા છે.
"મને ખબર નથી કે મારી ટીમમાંથી કોણે આ સ્ટોરી બનાવી હતી, પણ આ સમાચાર બિલકુલ સાચા છે."
"હું એડિટર ઇન ચીફ છું, પણ હું ગ્રાફિક્સ પણ નથી બનાવતો કે તે મારા નિયંત્રણમાં પણ નથી."
"તે લોકો પોતાનું કામ કરતા હોય છે... આરોપ તો હું પણ મૂકી શકું છું કે ઑલ્ટ ન્યૂઝે લખેલી વાત ફેક્ છે."
અભિષેકના જણાવ્યા અનુસાર ગૂગલ હોય કે ફેસબૂક, કોઈ પણ ફેક્ ન્યૂઝને રોકી શકે તેમ નથી.
અભિષેક કહે છે, "મીડિયામાં સમાચાર આવી જાય કે વિજય માલ્યાની ધરપકડ થઈ. બીજા દિવસે તેઓ સમાચાર હટાવી લે."
"કોઈ માફી નથી માંગતું. ચેનલોએ ચલાવ્યું હતું કે 2000 રૂપિયાની નોટમાં ચીપ લાગેલી છે."
"પછી નોટ આવી ત્યારે ખબર પડી કે તેમાં કોઈ ચીપ લાગેલી નહોતી. તો આ રીતે તમે ક્યારેય ફેક ન્યૂઝને રોકી શકો તેમ નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો