BBC Top News : ગૂગલની મહિલા કર્મચારીઓના સમર્થનમાં અનેક દેશોમાં વૉકાઉટ

વૉકાઉટ કરી ગયેલા ગૂગલના કર્મચારીઓ

ઇમેજ સ્રોત, Reuters

કાર્યસ્થળે મહિલાઓની સ્થિતિને લઈને દુનિયાભરમાં ગૂગલના કર્મચારીઓમાં અભૂતપૂર્વ રોષ ફાટી નીકળ્યો છે અને તેઓ વિરોધમાં રસ્તા ઉપર ઊતરી આવ્યાં હતાં.

બીબીસીના રિપોર્ટ પ્રમાણે, ગૂગલના કર્મચારીઓએ સિંગાપોર, ટોકિયો, બર્લિન, ન્યૂ યૉર્ક, ઝ્યુરિચ અને ડબલિન જેવાં શહેરોમાં વૉકાઉટ કર્યું હતું.

કર્મચારીઓની માગ છે કે કંપનીમાં જાતીય સતામણીના કિસ્સામાં 'ફરજિયાત લવાદ'ની જોગવાઈ છે, જેને કાઢી નાખવામાં આવે, જેથી કરીને પીડિત મહિલા કેસ દાખલ કરી શકે.

ભારતીય મૂળના ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સુંદર પિચાઈએ તમામ સ્ટાફને લખેલા ઈ-મેલમાં જણાવ્યું હતું:

"આપનામાં જે ગુસ્સો અને હતાશા છે, તેને હું સમજી શકું છું. હું પોતે પણ અનુભવું છું. આ અંગે સુધાર માટે હું કટિબદ્ધ છું."

સોશિયલ મીડિયા પર #GoogleWalkout ટૅગ સાથે આ મુદ્દો ટ્રૅન્ડ થયો હતો.

જમ્મુ-કાશ્મીર : ભાજપના સેક્રેટરીની હત્યા બાદ કર્ફ્યુ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

'એનડીટીવી'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે, જમ્મુ-કાશ્મીરના કિશ્તવારમાં ભાજપના પ્રદેશ સેક્રેટરી અને તેમના ભાઈની હત્યા બાદ આર્મીને સ્ટેન્ડબાય કરી દેવાઈ છે.

ગુરૂવારે કિશ્તવારમાં ભાજપના પ્રદેશ સેક્રેટરી અનિલ પરિહાર અને તેમના મોટા ભાઈ અજિત પરિહારની જાણ્યા શખ્સે ગોળી મારી હત્યા કરી હતી. જેના પગલે ત્યાં કર્ફ્યુ લાદી દેવાયો હતો.

પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે આ હત્યા ઉગ્રવાદીઓ દ્વારા કરાઈ છે કે નહીં. ઘટના બાદ હિંસા ફેલાવવાની શક્યતાના પગલે આર્મીને સ્ટેન્ડબાય રહેવાનો હુકમ આપ્યો છે.

રાત્રે આઠ વાગ્યે બન્ને ભાઈઓ દુકાનથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની પર હુમલો થયો હતો.

આ ઘટના બાદ ગૃહ મંત્રી રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઘટનાની નિંદા કરતાં ટ્વીટ પણ કર્યાં હતાં.

ગુજરાતની યુનિવર્સિટી સાથે નહીં જોડાય ગુહા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

રામચંદ્ર ગુહાની નિમણૂક સામે એબીવીપીએ વિરોધ નોંધાવેલો

ઇતિહાસકાર તથા લેખક રામચંદ્ર ગુહાએ કહ્યું છે કે તેઓ ગુજરાત સ્થિત અમદાવાદ યુનિવર્સિટી સાથે નહીં જોડાય, કારણ કે સ્થિતિ તેમના નિયંત્રણમાં નથી. ગુહાએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે (એબીવીપી) તેમની નિયુક્તિનો વિરોધ કર્યો હતો અને યુનિવર્સિટીને રજૂઆત કરી હતી કે ગુહાની નિયુક્તિના પ્રસ્તાવને પાછો ખેંચવામાં આવે.

ઉલ્લેખનીય છે કે તા. 16મી ઑક્ટોબરે યુનિવર્સિટીએ સ્કૂલ ઑફ આર્ટ્સ ઍન્ડ સાયન્સમાં ગાંધી વિન્ટર સ્કૂલના ડાયરેક્ટર તરીકે ગુહાની નિમણૂક કરી હતી.

19મી ઑક્ટોબરે એબીવીપીએ ગુહાની નિમણૂક સામે વાંધો નોંધાવ્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

'અયોધ્યા રામ મંદિર પર હું સંસદમાં ખરડો લાવું તો...'

અયોધ્યા રામ મંદિરનો મુદ્દો 2019ની લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, એમ-એમ વધારે ચર્ચાઈ રહ્યો છે.

'એનડીટીવી ઇન્ડિયા'ની વેબસાઇટ પ્રમાણે, સંઘ વિચારક અને ભાજપના સાંસદ રાકેશ સિંહાના ટ્વીટના કારણે ફરી એક વખત રામ મંદિર નિર્માણ અંગે ચર્ચા છેડાઈ છે.

રાકેશ સિંહાએ લખ્યું છે, "જે લોકો ભાજપ અને સંઘને ઠપકો આપે છે કે રામ મંદિરની તારીખ આપો, એ લોકોને મારો સીધો સવાલ છે, શું એ લોકો મારા પ્રાઇવેટ મેમ્બર બીલનું સમર્થન કરશે?"

અન્ય એક ટ્વીટમાં વિપક્ષ પર નિશાન સાધતા તેમણે લખ્યું છે, "શું રાહુલ ગાંધી, સીતારામ યેચુરી, લાલુપ્રસાદ યાદવ અને માયાવતી મારા બીલનું સમર્થન કરશે? એ લોકોએ આરએસએસ અને ભાજપને વારંવાર કહે છે કે 'તારીખ નહીં આપે', હવે તેઓ જવાબ આપે."

'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' ખાતે પહેલા દિવસે પ્રવાસીઓને હાલાકી

ઇમેજ સ્રોત, TWIITER/@VIJAYRUPANIBJP

'દિવ્ય ભાસ્કર'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે સ્ટેચ્યૂ ઑફ યુનિટીના લોકાર્પણ બાદ પહેલા દિવસે દેશભરમાંથી આવેલા પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

પહેલા દિવસે આશરે 3,500થી વધારે પ્રવાસીઓ આવ્યા હતા, પરંતુ સવારે 9 વાગ્યાનો સમય હોવા છતાં, બપોરે બે વાગ્યા સુધી ટિકિટ કાઉન્ટર શરૂ ન કરાતા પ્રવાસીઓ હોબાળો કર્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીથી આવેલા 1500 જેટલા મુસાફરોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ફી પેટે 480 રૂપિયા લીધા હતા, પણ તેમની પાકી રસીદ આપી ન હતી.

અહેવાલમાં એવો પણ ઉલ્લેખ છે કે બપોર બાદ લિફ્ટ શરૂ કરાતા 900 જેટલા પ્રવાસીઓ જ વ્યૂ-ગૅલરીમાં જઈ શક્યા હતા.

વંશીય ભેદભાવમાં શ્વેતોની હકાલપટ્ટી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

કેનેડાના માનવાધિકાર ટ્રિબ્યૂનલે બ્રિટિશ કૉલમ્બિયામાં આવેલી ચાઇનિઝ રિસોર્ટના માલિકને અંદાજે રૂપિયા 96 લાખનું (1,73,000 કેનેડાના ડૉલર) વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

બીબીસીના રિપોર્ટ પ્રમાણે, રિસોર્ટના માલિકે સાત શ્વેત કર્મચારીઓને કાઢી મૂક્યા હતા, જેથી કરીને તે ચાઇનિઝ કર્મચારીઓને નોકરીએ રાખી શકે.

રિસોર્ટનો માલિક કિન વા ચાન ચાઇનિઝ કર્મચારીઓ 'સસ્તા' પડતા હોવાથી અને ઓવરટાઇમ આપવો પડે તેમ ન હોવાથી તેમને નોકરીએ રાખવા માગતા હતા.

કેનેડામાં કાર્યસ્થળે વંશીય, જાતિ, લિંગ, ભેદભાવની સામે ફરિયાદ થઈ શકે છે અને વળતર મળી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો