ઉત્તર કોરિયામાં યૌન શોષણનો ભોગ બનેલી મહિલાઓની આપવીતી

મહિલા

ઇમેજ સ્રોત, HRW

ઇમેજ કૅપ્શન,

ઉત્તર કોરિયામાં મહિલાઓનું યૌન શોષણ સામાન્ય વાત બની ગઈ છે

દુનિયાભરમાં યૌન શોષણ સામે ઝુંબેશ ચાલી રહી છે. #MeToo દ્વારા ઘણી મહિલાઓએ સોશિયલ મીડિયા પર પોતાની સાથે બનેલી ઘટનાઓ અંગે જણાવ્યું છે.

આ દરમિયાન હ્યૂમન રાઇટ્સ વૉચ ( એચઆરડબલ્યૂ )ના એક અહેવાલ પ્રમાણે ઉત્તર કોરિયાના અધિકારીઓ કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર મહિલાઓનું યૌન શોષણ કરે છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અહીંયા યૌન શોષણ એ જાણે કે સામાન્ય જીવનના એક ભાગ સમાન બની ગયું છે.

એચઆરડબલ્યૂનું કહેવું છે કે આ રિપોર્ટ દ્વારા યૌન શોષણની સ્વછંદતા અને છુપાયેલી સંસ્કૃતિ છતી થઈ ગઈ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આમાં ખાસ કરીને પુરુષો દ્વારા કરવામાં આવેલા યૌન શોષણનો સમાવેશ થાય છે.

40 વર્ષની એક પૂર્વ ટ્રેડર ઓજંગ-હી એ રિપોર્ટમાં જણાવ્યું છે, ''તેઓ અમને (સેક્સ) ટૉયની માફક સમજે છે.''

''અમે એમની દયા પર જીવીએ છીએ. ઘણી વખતે તો તમે કોઈ કારણ વગર જ રાત્રે રડી પડો છો.''

ભેદ જાળવી રાખનારા ઉત્તર કોરિયા જેવા દેશમાંથી આ પ્રકારની જાણકારી પ્રાપ્ત કરવી એ ખૂબ અઘરું કામ છે અને અહીંથી આવા અહેવાલો પણ ઘણા ઓછા આવતા હોય છે.

'મારું જીવન એમના હાથમાં હતું'

ઇમેજ સ્રોત, CARL COURT

ઇમેજ કૅપ્શન,

યૌન શિક્ષણનો અભાવ અને તાકાતનો દુરઉપયોગ, એ આ પ્રકારની માનસિકતાનું કારણ છે

એચઆરડબલ્યૂના જણાવ્યા પ્રમાણે કેટલીક મહિલાઓએ જણાવ્યું હતું કે યૌન શોષણ એટલી સામાન્ય વાત બની ગઈ છે કે એમને એવું લાગતું જ નથી કે આમાં કશું અઘટિત છે.

ઘણાએ તો જણાવ્યું છે કે આને રોજબરોજના જીવનનો એક ભાગ ગણી તેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યૌન શિક્ષણનો અભાવ અને તાકાતનો દુરઉપયોગ, એ આ પ્રકારની માનસિકતાનું કારણ છે.

યૌન શોષણ કરનારાઓમાં ઉચ્ચ પદ પર આરૂઢ અધિકારીઓ, જેલના ગાર્ડ, પોલીસ અને સૈનિકોનો સમાવેશ થાય છે.

ઇન્ટરવ્યૂમાં લોકોએ જણાવ્યું કે જ્યારે કોઈ અધિકારી મહિલાની પસંદગી કરે છે તો એમની વાત માનવા સિવાય મહિલા પાસે કોઈ બીજો વિકલ્પ રહેતો નહોતો.

આવું એક મહિલા સાથે થયું હતું. તેમણે ઉત્તર કોરિયા છોડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને પકડી લેવામાં આવ્યાં હતાં અને પોલીસ અધિકારીએ એમની પૂછપરછ કરી હતી.

પાર્ક યુંગ-હી નામની આ મહિલાએ જણાવ્યું, ''એમણે મને પોતાની એકદમ પાસે બેસાડી. તે દર વખતે મારા પગની વચ્ચે મને અડતો હતો.''

''મારું જીવન એમના હાથમાં હતું એટલે મેં એ બધું જ ચલાવી લીધું જે તે ઇચ્છતો હતો. હું એના સિવાય બીજું કશું કરી શકું તેમ નહોતી.''

હવે હ્યૂમન રાઇટ્સ વૉચે ઉત્તર કોરિયાને 'યૌન શોષણ પર ધ્યાન દેવા' અને તેને 'એક ગુના તરીકે ગણવા' અંગે જણાવ્યું છે.

2014માં યૂએન રિપોર્ટમાં પણ એ જણાવવામાં આવ્યું હતું કે ઉત્તર કોરિયાની સરકાર દ્વારા વ્યવસ્થિત અને વ્યાપક સ્તર પર માનવ અધિકારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.''

રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે જેલ અને અટકાયત કેન્દ્રોમાં જબરદસ્તી ગર્ભપાત, રેપ અને યૌન શોષણ કરવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો