જમાલ ખાશોગ્જીની હત્યા કરી મૃતદેહને ઍસિડમાં નાખી નાશ કરાયો

જમાલ ખાશોગ્જી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

જમાલ ખાશોગ્જી

તુર્કીના અધિકારીઓ માને છે કે જમાલ ખાશોગ્જીની હત્યા કરી તેમના મૃતદેહને ઍસિડમાં ઓગાળી નાખવામાં આવ્યો હતો.

યાસિન આક્તેયએ કહ્યું, 'તાર્કિક રીતે એ નિષ્કર્ષ પર પહોંચાય એમ છે કે ઇસ્તંબૂલમાં પત્રકારની થયેલી હત્યામાં કોઈ પુરાવા ન બચે એ માટે તેમના મૃતદેહનો નાશ કરાયો હતો."

સાઉદી અરેબિયાના નાગરિક અને સાઉદી શાસનના ટીકાકાર રહેલા ખાશોગ્જીની હત્યા કરી બીજી ઑક્ટોબરે તેમના મૃતદેહના ટૂકડા કરી નાંખવામાં આવ્યા હતા.

જોકે, આ મૃતદેહનો નાશ કરાયો હોવાની વાતના સમર્થનમાં કોઈ પુરાવાઓ નથી.

હૂરિયત અખબાર સાથેની વાતચીતમાં તુર્કીના પ્રમુખના સલાહકાર આક્તેયએ કહ્યું, ' ખાશોગ્જીના મૃતદેહને ટુકડા કરી તેનો નાશ કરવાનું સહેલું હતું.'

ખાશોગ્જીની ફિઆન્સી - હેટિસ સેન્ગીઝે દાવો કર્યો છે કે માત્ર હત્યા જ નથી કરાઈ પણ મૃતદેહનો નાશ કરવા તેને સળગાવી પણ દેવાયો છે.

તેમની ફિઆન્સીએ વિશ્વના પાંચ અખબારોમાં એડિટોરિઅલ લખી વિશ્વના નેતાઓને આ મુદ્દે ન્યાય અપાવવા અપીલ કરી છે.

આ અખબારોમાં ગાર્ડિયન અને વૉશિંગ્ટન પૉસ્ટનો પણ સમાવેશ થાય છે.

દરમિયાન એવા અહેવાલો મળી રહ્યા છે કે સાઉદીના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને અમેરિકાને કહ્યું કે તેઓ જમાલ ખાશોગ્જીને 'ખતરનાક ઇસ્લામિસ્ટ' માનતા હતા.

સાઉદી અરેબિયાએ ખાશોગ્જીની હત્યાની વાત સ્વીકારી તે પહેલાં વ્હાઈટ હાઉસમાં થયેલા ફોન કૉલ્સની વિગતો સામે આવી છે.

સાઉદી અરેબિયાએ આ મુદ્દે ટિપ્પણી કરવાનું ટાળ્યું છે અને તથ્યો સામે લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

સરકારી વકીલે પત્રકારની હત્યા થઈ હતી તે વાતની પુષ્ટિ કરી છે.

ક્રાઉન પ્રિન્સે ખાશોગ્જીને ખતરનાક કેમ કહ્યા?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલામ

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને અમેરિકાને કહ્યું હતું કે તેઓ જમાલ ખાશોગ્જીને એક 'ખતરનાક ઇસ્લામિસ્ટ' માને છે. અમેરિકાના મીડિયામાં આ દાવો કરવામાં આવ્યો છે.

પત્રકાર અને લેખક જમાલ ખાશોગ્જીની તુર્કી સ્થિત સાઉદી દૂતાવાસમાં હત્યા કરવામાં આવી હતી.

પ્રિન્સ મોહમ્મદે કથિત રીતે વ્હાઇટ હાઉસને કરેલા એક ફોન કૉલમાં આ વાત કરી હતી.

અમેરિકાના અખબારો ધી વૉશિંગ્ટન પોસ્ટ અને ન્યૂ યૉર્ક ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે આ ફોન કૉલ ખાશોગ્જી લાપતા થયા બાદ કરવામાં આવ્યો હતો. જોકે, સાઉદી અરેબિયા દ્વારા તેમની હત્યાનો સ્વીકાર કર્યા પહેલાં કરવામાં આવ્યો હતો.

બીજી તરફ સાઉદી અરેબિયાએ આ દાવાનું ખંડન કર્યું છે.

સાઉદી અરેબિયાના નાગરિક ખાશોગ્જી અમેરિકામાં રહેતા હતા અને ત્યાં જ મીડિયા માટે કામ કરતા હતા. તેઓ સાઉદી અરેબિયાની સત્તાના ટીકાકારોમાંના એક હતા.

તેમનો મૃતદેહ અત્યાર સુધી મળ્યો નથી. તુર્કી, અમેરિકા અને સાઉદી અરેબિયા ત્રણ દેશો હવે એવું માને છે કે 2 ઑક્ટોબરે ઇસ્તંબુલમાં વાણિજ્ય દૂતાવાસની અંદર જ તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

સાઉદી અરેબિયાએ આ ઘટનામાં શાહી પરિવારનો હાથ હોવાના આરોપોનો ઇનકાર કર્યો છે.

ઉપરાંત તેમણે આ મામલે તમામ તથ્યોની તપાસ કરવાની ખાતરી આપી છે.

મોહમ્મદ બિન સલમાને કહ્યું હતું કે આ ગુનો સાઉદીના બધા લોકો માટે એક દર્દનાક છે.

કથિત રીતે ફોન કૉલમાં શું કહેવામાં આવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images

વૉશિંગ્ટન પોસ્ટનો દાવો છે કે સાઉદી શાહી રાજકુમાર મોહમ્મદ બિન સલમાને આ ફોન કૉલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેયર્ડ કુશનર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બોલ્ટનને કર્યો હતો.

આ કૉલમાં તેમણે ખાશોગ્જીને કટ્ટરવાદી સંગઠન 'મુસ્લિમ બ્રધરહુડ'ના સભ્ય ગણાવ્યા હતા.

અખબારનો દાવો છે કે ફોન કૉલ ખાશોગ્જી લાપતા થયાના એક સપ્તાહ બાદ 9 ઑક્ટોબરના રોજ કરવામાં આવ્યો હતો.

કહેવામાં આવે છે કે મોહમ્મદ બિન સલમાને વ્હાઇટ હાઉસમાં અમેરિકા-સાઉદીના સંબંધોને બચાવી રાખવાનું નિવેદન પણ કર્યું હતું.

અખબારને આપેલા નિવેદનમાં ખાશોગ્જીના પરિવારે આ આરોપને નકારી દીધા છે. તેમણે કહ્યું છે કે તેઓ મુસ્લિમ બ્રધરહુડના સભ્ય ન હતા.

પરિવાર તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ જમાલ ખાશોગ્જી કોઈ પણ પ્રકારના ખતરનાક શખ્સ ન હતા. તેમને ખતરનાક ગણાવવા મૂર્ખતાપૂર્ણ છે.

તપાસમાં અત્યારસુધી શું મળ્યું?

ઇમેજ સ્રોત, Getty Images

ખાશોગ્જીની હત્યા કેવી રીતે થઈ તેના અંગે હજી કોઈ એક મત થયો નથી. તેઓ પોતાની તુર્કીમાં રહેતી ફિયાન્સી સાથે લગ્ન કરવા માટે જરૂરી દસ્તાવેજો લેવા માટે દૂતાવાસ ગયા હતા.

તુર્કીના મીડિયાએ દાવો કર્યો હતો કે ખાશોગ્જીની સાથે ત્યાં બર્બરતાપૂર્ણ વર્તન કરવામાં આવ્યું હતું.

સાઉદી અરેબિયાએ પહેલાં એવું કહ્યું હતું કે ખાશોગ્જી દૂતાવાસમાંથી સુરક્ષિત બહાર જતા રહ્યા હતા.

જોકે, બાદમાં તેમણે માની લીધું હતું કે તેમની હત્યા કરવામાં આવી હતી.

સાઉદી પ્રશાસને 18 સંદિગ્ધ લોકોની ધરપકડ કરી છે. જેમના પર તેમનું કહેવું છે કે સાઉદી અરેબિયામાં કેસ ચલાવવામાં આવશે.

તુર્કી ઇચ્છે છે કે સંદિગ્ધ આરોપીઓનું પ્રત્યાર્પણ કરવામાં આવે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો