પાકિસ્તાનમાં તાલિબાની 'ગૉડફાધર'ની હત્યા

મૌલાના સમી ઉલ હક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

મૌલાના સમી ઉલ હક

પાકિસ્તાનમાં જમિયત ઉલેમા-એ-ઇસ્લામની પોતાની શાખાના પ્રમુખ મૌલાના સમી ઉલ હકની રાવલપિંડીમાં તેમના ઘરમાં જ હત્યા કરી દેવામાં આવી છે.

મૌલાના સમી ઉલ હકને પાકિસ્તાનમાં તાલિબાનના જનક પણ કહેવામાં આવે છે.

તેઓ એક પ્રભાવશાળી ધર્મગુરુ હતા જેમની પાસેથી તાલિબાનના હજારો લડાકુઓએ તાલીમ લીધી હતી.

રાવલપિંડી પોલીસે બીબીસી ઉર્દૂ સંવાદદાતા શહઝાદ મલિકને કહ્યું કે સમી ઉલ હક પર તેમના રાવલપિંડી સ્થિત ઘરમાં હુમલો થયો હતો.

તેઓ રાવલપિંડીના બહરિયા ટાઉનમાં સફારી વન વિલાઝ વિસ્તારમાં રહેતા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

મૌલાના સમી ઉલ હકના પૌત્ર અબ્દુલ હકે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે રાવલપિંડીમાં પોતાના મકાનમાં તેઓ એકલા હતા. આ સમયે અજાણ્યા હુમલાખોરે છરીથી હુમલો કરીને તેમની હત્યા કરી દીધી હતી.

તેમણે કહ્યું કે હુમલા વખતે મૌલાના એકલા હતા. તેમના સુરક્ષાકર્મી અને ડ્રાઇવર ઘરની બહાર ગયા હતા. જ્યારે તેઓ પરત ફર્યા તો મૌલાના સમી ઉલ હક લોહીથી લથપથ હતા.

પોલીસના જણાવ્યા અનુસાર અજ્ઞાત હુમલાખોરો શુક્રવારે સાંજે તેમના ઘરમાં ઘૂસ્યા અને તેમના પર હુમલો કરી દીધો.

તાલિબાનના આધ્યાત્મિક નેતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

હજારો તાલિબાની લડાકુઓએ તેમના મદરેસામાં તાલીમ લીધી હતી

મૌલાના સમી ઉલ હકની ઉંમર 80 વર્ષથી પણ વધારે હતી અને તેઓ 1988થી દારુલ ઉલૂમ હક્કાનિયાના અધ્યક્ષ હતા.

આ મદરેસાઓમાં હજારો તાલિબાની લડાકુઓએ તાલીમ હાંસલ કરી છે.

1990ના દાયકામાં તેમનાં મદરેસાઓને અફઘાન જેહાદની નર્સરી કહેવામાં આવતાં હતાં.

રાજકીય વિશ્લેષકોના મતે તેઓ મૌલાના સમી ઉલ હક તાલિબાનના આધ્યાત્મિક નેતા હતા.

મૌલાના સમી ઉલ હકે મુલ્લા ઉમરને પોતાનો સૌથી સારો વિદ્યાર્થી ગણાવ્યો હતો અને તેમને એક દેવદૂત જેવો માણસ કહ્યો હતો.

તેઓ જમિયત ઉલેમા એ ઇસ્લામના એક જૂથના નેતા હતા અને બે વખત પાકિસ્તાનની સંસદના સભ્ય પણ રહી ચૂક્યા છે.

આ વર્ષે થયેલી ચૂંટણીઓ દરમિયાન તેમણે સત્તાધારી તહરીક-એ-ઇન્સાફ પાર્ટીનું સમર્થન કર્યું હતું.

ખૂબ જ પ્રભાવશાળી ધર્મગુરુ મૌલાના સમી ઉલ હકની હત્યા એક ખૂબ જ સંવેદનશીલ સમયમાં થઈ છે.

ખ્રિસ્તી યુવતી આસિયા બીબીને ઇશ્વરનિંદાના આરોપમાં નિર્દોષ છોડ્યા બાદ પાકિસ્તાનમાં ધાર્મિક જૂથો પ્રદર્શન કરી રહ્યાં છે.

મૌલાનાના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે તેઓ પણ પ્રદર્શનમાં ભાગ લેવા માગતા હતા પરંતુ પોલીસે રસ્તા બંધ કરી દેતાં તેઓ ઘર પરત આવી ગયા હતા.

મૌલાના સમી ઉલ હકનો જન્મ વર્ષ 1936માં અકોરા ખટ્ટાકના એક ધાર્મિક પરિવારમાં થયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો