ઇતિહાસની એ લડાયક રાણી જેમની દીકરીઓ પર તેમની નજર સામે જ બળાત્કાર ગુજારાયો

બોડિકાનું ચિત્ર Image copyright Getty Images

બોડિકા જેને લેટિનમાં બોડિશિયા તરીકે પણ ઓળખવામાં આવે છે તે બહુ પ્રસિદ્ધ પણ વિવાદાસ્પદ વ્યક્તિત્વ રહ્યું છે.

તેમને પ્રારંભિક નારીવાદી લડાયક સ્ત્રી તરીકે જોવામાં આવે છે અથવા તો ક્રૂર અને લોહીભૂખી હત્યારી પણ તેમની હાજરી હંમેશા યુરોપિયન ઇતિહાસમાં નોંધાતી રહી છે.

2000 વર્ષ પહેલાં લોહ યુગમાં ઍરિસ્ટ્રૉકૅટ વર્ગના લોકોએ બળવો કર્યો હતો અને તે વખતે પોતાનાં વતન પર આક્રમણ કરી રહેલા રોમનોને લગભગ હરાવી દીધા હતા.

તે યુદ્ધભૂમિ એટલે આજના બ્રિટનનો ઈસ્ટ ઍન્ગ્લિયા વિસ્તાર.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમને ધિક્કારો કે પ્રેમ કરો પણ તેમની મહત્ત્વની હાજરી ઇતિહાસમાં એક ચીલો ચાતરનારી વ્યક્તિ તરીકે રહી છે.

કુદરતી રીતે જ તેમનામાં નેતૃત્ત્વ લેવાની ક્ષમતા હતી અને તેમણે જુદા-જુદા કબીલાને ભેગા કરીને વિશાળ સેના તૈયાર કરી હતી.

લડાયક રાણી બોડિકાએ કરેલાં પરાક્રમોમાંથી આજના યુગમાં નેતૃત્વના પાઠ શીખવા હોય તો શું ગ્રહણ કરી શકાય?


પાવર ડ્રેસિંગનો ફાયદો

Image copyright Getty Images
ફોટો લાઈન અભિનેત્રી સીયાન ફિલિપ જેમણે ટીવી સીરિઝમાં બોડિકાનો અભિનય કર્યો હતો

આપણે બધા નોકરીએ જઈએ ત્યારે સારા વસ્ત્રો પહેરીને જવાનું મહત્ત્વ સમજીએ છીએ. પરંતુ બોડિકા તેનું મહત્ત્વ સૌથી વધારે સમજતાં હતાં.

બોડિકાનું વર્ણન સામાન્ય રીતે આક્રમક અને શક્તિશાળી નારી તરીકે થાય છે.

તેઓ જાતે જ પોતાનો જ રથ ચલાવતાં, હાથમાં ભાલો હોય અને પવનમાં પાછળ ઉડી રહેલા લાંબા વાળ.

જોકે, આ રાણી ખરેખર કેવા દેખાતાં હતાં તે આપણે જાણતા નથી.

રોમન ઇતિહાસકાર કૅસિયસ ડીઓએ તેના મોતના ઘણા દાયકા બાદ નીચે પ્રમાણે તેનું વર્ણન કર્યું હતું.

"તેઓ બહુ લાંબા હતાં, દેખાવમાં થરથરાવી દે તેવા. તેમની આંખોની નજર સૌથી ધારદાર હતી."

"લાંબા વાળ તેમના નિતંબને ઢાંકી દેતા હતાં, તેમના ગળામાં મોટો સોનાનો હાર લટકતો હતો અને વિવિધરંગી લાંબા ઝભ્ભા જેવું વસ્ત્ર તેમના શરીરને ચપોચપ વળગેલું હતું, જેને જાડા બ્રૉચથી કમરે બાંધી રાખવામાં આવતું હતું."

એ વાતમાં કોઈ શંકા નથી કે એ જમાનામાં પાવર ડ્રેસની શરૂઆત બોડિકાએ કરી હતી.

તેઓ જાણતાં હતાં કે કઈ રીતે વેશભૂષાથી પ્રભાવ પાડી શકાય.

તેમના દુશ્મનો પર પણ કાયમ માટે તેમની થરથરાવતી છાપ પડી જતી હતી.


જોરદાર નામ, બને યાદગાર

Image copyright Getty Images

બોડિકા એવું નામ પ્રાચીન સમયના બાયથોનિક શબ્દ 'બૉડ' પરથી પાડવામાં આવ્યું હતું, જેનો અર્થ જ થતો હતો વિજય.

બોડેગ એટલે વિજય અપાવનાર પુરુષ.

તેનું સ્ત્રીલિંગ એટલે બોડેગા - વિજય અપાવે તેવી નારી. આવું નામ હોય તો કોના પર પ્રભાવ ના પડે, બોલો!

આપણે એવું ધારી શકીએ કે જન્મથી જ કંઈ તેમને આવું નામ નહીં અપાયું હોય.

આવું નામ આ લડાયક વીરાંગના રાણીએ બાદમાં પોતાના માટે અપનાવી લીધું હશે.

આવું પ્રભાવકારી નામ હોવાના કારણે તેમને સેનાની આગેવાની લેવાનું સહેલું થઈ પડ્યું હશે.

જોકે, અંતે તે પોતાના નામ પ્રમાણે જીતી શક્યાં નહોતા અને તેમણે હાર ખમવી પડી હતી.


કોઈ શક્તિને ઓછી ના આંકો

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

બોડિકાના પતિ પ્રાસ્ટૂગસ ઇસ્ટ ઍન્ગ્લીયાના આઇસેની કબીલાના મુખી હતા.

પોતાના વિસ્તારમાં કબજો જમાવનારા રોમનો સામે તેમણે વાંધો લીધો નહોતો, તેથી તેમને કબીલાના વડા તરીકે રહેવા દેવામાં આવ્યા હતા.

જોકે, પ્રાસ્ટૂગસનું અવસાન થયું તે પછી રોમનોએ કબજો હાથમાં લઈ લેવાની કોશિશ કરી હતી.

તેમણે કબીલાની જમીન કબજે કરી લીધી.

બોડિકાને મોટો વેરો ભરવા કહેવાયું પણ તેમણે ઇનકાર કર્યો ત્યારે જાહેરમાં તેમને ફટકા મારવામાં આવ્યા.

તેમની બે દીકરીઓ પર તેમની નજર સામે જ બળાત્કાર ગુજારાયો હતો.

આવી આકરી સજા કરવાનું શું પરિણામ આવશે તેની ગણતરી કરવામાં રોમનો થાપ ખાઈ ગયા હતા.

તેઓ રોષે ભરાયેલી રાણી કેવો બદલો લેશે તે સમજવામાં પણ ભૂલ કરી ગયા હતા.

બોડિકાએ રોમનો સામે લડવાનું નક્કી કર્યું અને પોતાના તથા બીજા કબીલાના લોકોને ભેગા કરીને મોટી સેના તૈયાર કરી હતી.

રોમન સેનાની નવમી ટુકડીને બોડિકાની ટુકડીએ સફળતાપૂર્વક હરાવી દીધી.

બ્રિટનમાં સ્થપાયેલા રોમન પાટનગરને ખતમ કરી નખાયું.

કૉલ્ચેસ્ટર, લંડન અને સૅન્ટ અલ્બાન્સમાં પણ તબાહી મચાવી.


સંખ્યા કરતાં તાલીમ વધારે અગત્યની

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

લંડન અને સૅન્ટ અલ્બાન્સ પડ્યા તે પછી રોમન ગર્વનરે પોતાની સેનાને એકઠી કરીને બોડિકાની સેના પર આક્રમણ કરવાનું નક્કી કર્યું.

બંને સેનાની સરખામણી કરીએ ત્યારે ખ્યાલ આવે કે બોડિકા પાસે વધારે પ્રમાણમાં સૈનિકો હતા પરંતુ આ લડાકુ રાણીના સૈનિકો શિસ્તબદ્ધ નહોતા.

તેમની પાસે પૂરતા હથિયારો પણ નહોતા.

તેમની સામે રોમન સૈનિકો તાલીમબદ્ધ હતા. તેમની પાસે સારા હથિયારો પણ હતા.

તેથી રાણીની વિશાળ સેના તેમનો સામનો કરી શકે તેમ નહોતી.

રાણી બોડિકા પાસે દસ ગણા વધારે સૈનિકો હતા તેમ છતાં તેમને રોમન સેનાએ હરાવી દીધી.

હાર પછી થોડા વખત બાદ તેમનું મૃત્યુ થયું હતું. એવું મનાય છે કે તેમણે જાતે જ ઝેર પી લીધું હતું.


ટોળાથી જુદા પડો

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

કબજો જમાવનારી રોમન સેના સામે માત્ર બોડિકાએ જ આક્રમણ કર્યું હતું તેવું નથી. પરંતુ નારી હોવા છતાં તેણે રોમનોને પડકાર્યા તેના કારણે ઇતિહાસમાં તેને યાદ કરાય છે.

ન્યુકૅસલ યુનિવર્સિટીના બ્રિટિશ આર્કિયૉલૉજિસ્ટ ડૉ. જૅન વૅબસ્ટર કહે છે, "મહિલા નેતૃત્ત્વ લે તે વાત રોમનોથી સહન કરી શકે એમ નહતા."

"એ વાત સ્વાભાવિક ગણાય તેવી નહોતી. તેના કારણે જ રોમન સામ્રાજ્યમાં થયેલા બીજા ઘણા બળવા કરતાં આ બળવાની ઘટનાને આપણે વધારે સારી રીતે જાણીએ છીએ."

અન્ય એક બ્રિટિશ આર્કિયૉલૉજિસ્ટ અને લેખક મિરાન્ડા ઍલ્ડૉસ-ગ્રીન માને છે કે બોડિકા "વીરાંગના તરીકે ખ્યાતિ પામ્યાં કેમ કે તેઓ એવી ગણીગાંઠી મહિલાઓમાં એક હતાં, જેમણે રોમની તાકાતને પડકારી હોય."

"હકીકતમાં તે એક માત્ર એવી મહિલા હતાં કે જેમણે કબજો જમાવનારા રોમ સામે સમગ્ર બ્રિટનના દળોએ એક કરીને આગેવાની લીધી હોય."

"જોકે આપણી પાસે બોડિકા વિશે ભાગ્યે જ પૂરતી માહિતી છે."

"તેમના વિશે ઓછી વિગતો મળે છે અને મળે છે તેમાં વિરોધાભાસ પણ છે."

આમ છતાં ડૉ. વૅબસ્ટર કહે છે તે પ્રમાણે 'તેઓ નારી હોવાથી સાહિત્યમાં ક્રાંતિના એક ઉત્તમ નમૂના તરીકે સતત તેમની કથાઓ લખાતી રહી છે.'


કોઈ પ્રેરણાસ્રોત હોવો જોઈએ

Image copyright Getty Images

16મી સદીમાં ક્લાસિકલ લેખકોના સાહિત્યમાં લોકોને ફરીથી રસ પડવા લાગ્યો હતો.

તેના કારણે બોડિકા વિશે ટેસિટસે લખેલું સાહિત્ય શોધી કઢાયું અને ફરી વંચાતું થયું.

પુરુષપ્રધાન દુનિયામાં બીજું એક સશક્ત અને મહત્ત્વનું નારી માત્ર એટલે રાણી એલિઝાબેથ પ્રથમ.

એવું કહેવાય છે કે તેમણે બોડિકાની કથામાંથી ખાસ્સી પ્રેરણા લીધી હતી.

તેના ઘણા સમય બાદ વિક્ટોરિયન લેખકોએ બોડિકાને સામ્રાજ્યવાદના મુખ્ય પ્રતીક તરીકે પણ કલ્પવાનું શરૂ કર્યું હતું.

જોકે, તેમાં રહેલી વક્રતાને સૌએ અવગણી જ હતી.

અલબત વધારે યોગ્ય રીતે સફ્રેજેટ ચળવળ દરમિયાન આ રાણી પ્રેરણાસ્રોત બન્યાં હતાં.

સ્ત્રીઓને મતાધિકાર અપાવવા માટેની ચળવળ દરમિયાન મહિલા કાર્યકરો માટે રાણી બોડિકા પ્રેરણાસ્વરૂપ હતાં.

એ જ રીતે પિતૃપ્રધાન સમાજ સામે લડત ચલાવી રહેલી નારીઓ માટે પણ તે આદર્શ બન્યાં હતાં.

આખરે સ્ત્રીઓને પણ મતાધિકાર અપાવવામાં સફળતા મળી હતી.

ડર્હામ યુનિવર્સિટીના આર્કિયૉલૉજિસ્ટ પ્રોફેસર રિચાર્ડ હિન્ગ્લે સમજાવે છે કે કઈ રીતે આપણે બોડિકા વિશે બહુ ઓછું જાણીએ છીએ.

તેમણે કહ્યું "બોડિકાનું ચરિત્ર એટલું અસ્પષ્ટ અને ફ્લેક્સિબલ છે કે જુદાજુદા સમૂહો માટે, તે જુદીજુદી બાબતોનું પ્રતિનિધિત્વ કરનારું સાબિત થઈ શકે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ