પાકિસ્તાન ઈશ્વર નિંદા મામલો : આસિયા બીબીના પતિએ અમેરિકા-યૂકેની મદદ માગી

આસિયા બીબી Image copyright HANDOUT

પાકિસ્તાનમાં ઈશ્વર નિંદાના મામલે સુપ્રીમ કોર્ટમાંથી નિર્દોષ છૂટેલાં ખ્રિસ્તી મહિલા આસિયા બીબીના પતિ આશિક મસિહે બન્નેને જીવનું જોખમ હોવાનું જણાવ્યું છે.

આ સાથે જ તેમણે બ્રિટન, અમેરિકા કે કેનેડા સમક્ષ આશ્રય માટે ધા નાખી છે.

આશિક મસિહે એક વીડિયો સંદેશમાં જણાવ્યું છે, ''હું બ્રિટનનાં વડાં પ્રધાન સમક્ષ ધા નાખી રહ્યો છું''

મસિહે આ પ્રકારની જ મદદ કેનેડા અને અમેરિકાના નેતાઓ સમક્ષ પણ માગી છે.

આ પહેલાં જર્મન વેબસાઇટ 'ડૉયચે વેલે'ને આપેલા ઇન્ટરવ્યૂમાં મસિહે જણાવ્યું હતું કે તેઓ અને તેમનો પરિવાર અત્યંત ડરેલો છે.

આસિયા બીબી વિરુદ્ધ છેલ્લાં આઠ વર્ષોથી ઈશ્વર નિંદાનો મામલો ચાલી રહ્યો હતો.

તેમના પર પયગંબર મહમદનું અપમાન કરવાનો આરોપ લગાવાયો હતો અને મોતની સજા સંભળાવાઈ હતી.

જોકે, સર્વોચ્ચ અદાલતે આ આદેશની સમિક્ષા કરતા આસિયા બીબીને નિર્દોષ મુક્ત કર્યાં હતાં.

જે બાદ સમગ્ર પાકિસ્તાનમાં વિરોધનો વંટોળ ફૂંકાયો હતો.

વિરોધ પ્રદર્શનો રોકવા માટે પાકિસ્તાનની સરકારે કટ્ટરવાદી ઇસ્લામિક પક્ષો સાથે સમજૂતી કરી હતી.

આ સમજૂતી અનુસાર આસિયા બીબીને દેશ છોડવાની મંજૂરી નથી અપાઈ.

આ સમજૂતીનો ઉલ્લેખ કરતા મસિલે 'ડૉયચે વેલે'ને જણાવ્યું હતું કે, ''આ પ્રકારની સમજૂતી અયોગ્ય છે. આવું કરવાથી ન્યાયાલય પર દબાણ નાખવા માટેની ખોટી પરંપરા શરૂ થઈ જશે.''

તેમણે એવું પણ કહ્યું, ''વર્તમાન સ્થિતિ અમારા માટે અત્યંત જોખમી છે. અમને કોઈ પણ પ્રકારની સુરક્ષા નથી મળી.''

''અમે અહીં છુપાતાં ફરી રહ્યાં છીએ. મારી પત્ની પહેલાંથી જ દસ વર્ષ જેલમાં વિતાવી ચૂકી છે. મારી પુત્રીઓ એમની માને જોવા માટે તરસી રહી છે.''


વકીલે જીવ બચાવવા પાકિસ્તાન છોડ્યું

Image copyright AFP/GETTY IMAGES

આસિયા નૌરિનનો કેસ લડીને તેમને નિર્દોષ છોડાવનારા વકીલે જીવ બચાવવા પાકિસ્તાન છોડી દીધું છે.

ન્યૂઝ એજન્સી એએફપી (એજન્સી ફ્રાન્સ પ્રેસ) સાથે વાતચીત દરમિયાન વકીલ સૈફ મુલકે જણાવ્યું હતું કે તેઓ આસિયા બીબીના અધિકારો માટે લડી શકે તે માટે તેમણે દેશ છોડ્યો.

બુધવારે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે તેમને નિર્દોષ છોડી મૂક્યાં હતાં, પરંતુ અધિકારીઓએ તેમના પાકિસ્તાન છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આસિયા બીબી પર આરોપ હતો કે વર્ષ 2010માં પાડોશીઓ સાથેના એક ઝગડા દરમિયાન તેમણે મોહમ્મદ પયગંબરનું અપમાન કર્યું હતું.

આસિયા બીબી પર અનેકવખત જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે. બીજી બાજુ, અનેક દેશોએ તેમને રાજ્યાશ્રય આપવાની તૈયારી દાખવી છે.


'સરકાર સર્વોચ્ચ અદાલતનો ચુકાદો લાગુ નથી કરી શકતી'

Image copyright EPA

પાકિસ્તાનના માહિતી અને સંચાર પ્રધાન ફવાદ ચૌધરીએ સરકારની ઉપર લગાવવામાં આવેલા આરોપોને નકાર્યા હતા અને કહ્યું હતું કે તેમની સરકાર આસિયા બીબીની સુરક્ષા માટે કટિબદ્ધ છે.

આસિયાના વકીલ મુલકે પાકિસ્તાન છોડતા પહેલાં આપેલાં ઇન્ટર્વ્યૂમાં કહ્યું, "સરકાર દેશની સર્વોચ્ચ અદાલતનો ચુકાદો લાગુ નથી કરી શકતી તે ખૂબ જ 'પીડાદાયક' છે."

મુલકે કહ્યું કે તેમના માટે દેશમાં જીવવું શક્ય 'નહોતું'. તેમણે આગળ ઉમેર્યું, "આસિયા બીબીને માટે કાયદાકીય લડાઈ લડી શકું તે માટે મારું જીવતું રહેવું જરૂરી છે."

તમે આ વાંચ્યું કે નહીં?

પાકિસ્તાનની ધાર્મિક પાર્ટી તેહરિક-એ-લબ્બૈકે દેશભરમાં આસિયા બીબી વિરુદ્ધ પ્રદર્શનો શરૂ કરી દીધા હતા અને મુખ્ય માર્ગોને બંધ કરી દીધા હતા.

સરકાર સાથેની ડીલ મુજબ આસિયા બીબીના ચુકાદા બાદ દેશભરમાંથી જે કોઈ દેખાવકારોની ધરપકડ કરવામાં આવી છે, તેમને છોડી મૂકવામાં આવશે.

ઉપરાંત આસિયા બીબી દેશ ન છોડી શકે તેવી વ્યવસ્થા કરવા ઇમરાન ખાનની સરકાર સહમત થઈ ગઈ છે.

આ ડીલ બાદ ટીએલપીએ તેના ઉગ્ર દેખાવ બંદ કરી દીધા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ