આ છે અમેરિકાની મધ્યસત્રી ચૂંટણી લડી રહેલાં મહત્ત્વના ભારતીય મૂળનાં ઉમેદવારો

Image copyright Getty Images

બે વર્ષ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા બાદ આજે ફરી એક વખત અમેરિકાના મતદાતા વોટિંગ કરશે અને નવા સભ્યોને ચૂંટીને કૉંગ્રેસમાં મોકલશે.

આ ચૂંટણી માટેનો પ્રચાર એ તાજેતરના ફૂવડ ચૂંટણી પ્રચારમાંનો એક બની રહ્યો હતો.

અમેરિકાના ટેલિવિઝન નેટવર્ક્સે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસી રહેલા ઇમિગ્રન્ટને ઠાર મારતા વીડિયોનું પ્રસારણ અટકાવી દીધું છે.

આ એડને ટ્રમ્પની છાવણી તરફથી લૉન્ચ કરવામાં આવી હતી.

બીજી બાજુ, આફ્રિકન-અમેરિકન મૂળના લોકોને વંશીય ટિપ્પણી કરતા રોબોકોલ મળી રહ્યા છે.

આ ચૂંટણીના પરિણામોને ટ્રમ્પ માટે રૅફરન્ડમ તરીકે જોવામાં આવે છે.

હાઉસની 435 તથા સેનેટની 100માંથી 35 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે.

ભારતીય મૂળના 12 ઉમેદવાર

Image copyright US CONGRESS WEBSITE
ફોટો લાઈન રિપબ્લિકન પાર્ટીના ગઢ એરિઝોનામાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિરલ તિપિર્નેની

અમેરિકન કોંગ્રેસ માટે ભારતીય મૂળના 12 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જે અત્યારસુધીની સૌથી વધુ સંખ્યા છે.

હિરલ તિપિર્નેની એરિઝોના પ્રાંતમાં ડિસ્ટ્રિક્ટ-8 પરથી ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે, તેઓ રિપબ્લિકન પાર્ટીના વર્તમાન સાંસદ ડેબી સેલ્કોને ખાસ્સી ટક્કર આપી રહ્યાં છે.

ફ્લોરિડામાં સંજય પટેલ ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે, તેઓ વર્તમાન સાંસ બિલ પોસી સામે મેદાને ઉતર્યા છે.

ઇલિયાનામાં કૉંગ્રેસ માટે ડેમૉક્રેટિક પાર્ટીના રાજા કૃષ્ણમૂર્તીએ ફરી એક વખત ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે, તેમની સામે ભારતીય મૂળના જ જીતેન્દ્ર દિગાંકર છે.

શિવા અય્યાદુરાઈ ભારતીય મૂળના એકમાત્ર એવા ઉમેદવાર છે, જેઓ સેનેટ માટે અપક્ષ ચૂંટણી લડી રહ્યાં છે.


ટ્રમ્પ માટે મહત્ત્વપૂર્ણ ચૂંટણી

Image copyright Getty Images

નવા સભ્યોની સંખ્યા ટ્રમ્પની નિર્ણય લેવાની ક્ષમતા પર અસર કરશે, કારણ કે યુદ્ધ, ઇમિગ્રેશન અને પર્યાવરણ સંબંધિત બાબતોમાં કૉંગ્રેસનું સ્થાન મહત્ત્વપૂર્ણ હોય છે.

આ ચૂંટણીમાં ટ્રમ્પ સીધા ઉમેદવાર નથી, પરંતુ તેઓ મહત્ત્વપૂર્ણ ચહેરો છે.

ઓહાયો, મિસૌરી તથા ઇન્ડિયાનામાં તેમણે ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી, જેમાં તેમણે આર્થિક વિકાસની વાત કરી હતી.

આ સાથે જ ટ્રમ્પે ઇમિગ્રેશ મુદ્દે કડક વલણ અપનાવવાની વાત પણ કહી હતી. તેમનું કહેવું છે કે જો ડેમોક્રેટ્સની બહુમતી થઈ જશે તો દેશભરમાં ગેરકાયદેસર ઘૂસણખોરો પ્રવેશી જશે અને ગુનાખોરી વધી જશે.

ટ્રમ્પ કહે છે કે જો ડેમોક્રેટ્સ દેશના અર્થતંત્રને ખાડે નાખી દેશે.

Image copyright Reuters
ફોટો લાઈન ટ્રમ્પ ચૂંટણીઓમાં ઈરાનનો મુદ્દો પણ ચર્ચે છે

સામે પક્ષે મોટાભાગના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો ટ્રમ્પ ઉપર સીધી ટિપ્પણી કરવાનું ટાળી રહ્યાં છે અને આર્થિક અસમાનતા અને આરોગ્યની વાત કરે છે.

બીજી બાજુ, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ડેમૉક્રેટિક પાર્ટી માટે વર્જિનિયામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો અને શા માટે ચૂંટણી મહત્ત્વપૂર્ણ છે, તે જણાવવાનો પ્રયાસ કર્યો હતો.

ચૂંટણીલક્ષી આગાહી કરનારાઓના કહેવા પ્રમાણે, ડેમોક્રેટ્સને કોંગ્રેસમાં બહુમતી મળી જશે, પરંતુ સેનેટમાં હાથવેંતનું છેટું રહેશે.

મતદાનનો સમય મંગળવારે રાત્રે અગ્યાર વાગ્યા સુધીનો (આંતરરાષ્ટ્રીય સમય પ્રમાણે) છે.

50માંથી 36 રાજ્યના ગવર્નર પણ આ સાથે જ ચૂંટાશે.

અમેરિકામાં 6ઠ્ઠી નવેમ્બરે અમેરિકન કૉંગ્રેસ અથવા પ્રતિનિધિ સભા અને સેનેટની ચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં અમેરિકાની પ્રતિનિધિ સભા માટે સૌથી વધુ ભારતીય મૂળની કુલ 12 વ્યક્તિઓ પોતાની કિસ્મત અજમાવી રહી છે.

આ ઉમેદવારોમાં સૌથી અગત્યનાં ઉમેદવાર એરિઝોના પ્રાંતમાં હિરલ તિપિર્નેની ડિસ્ટ્રીક્ટ આઠ માટે ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે, જે રિપબ્લિકન પાર્ટીના હાલના સાંસદ, ડેબી સેલ્કોને જબરજસ્ત ટક્કર આપી રહ્યાં છે.

એરિઝોના પ્રાંતને રિપબ્લિકન પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.

આ સ્થિતિમાં એક ભારતીય મૂળનાં ઉમેદવાર તરીકે હિરલ તિપિર્નેની પોતાનો અનુભવ જણાવતા કહે છે, "હજુ પણ એરિઝોનામાં એ બહુ ઓછું નજરે પડે છે કે ભારતીય મૂળના લોકો ચૂંટણીમાં ઊભા રહે, પરંતુ અમે આ વખતે છેલ્લાં ઘણાં વર્ષોમાં પહેલીવાર રિપબ્લિકન પાર્ટીને આવો પડકાર આપી રહ્યાં છીએ જે હજુ સુધી કોઈએ નથી આપ્યો. અમે કાંટાની ટક્કર આપી રહ્યા છે."

વ્યવસાયે ડૉક્ટર હિરલ તિપિર્નેની જણાવે છે કે સ્વાસ્થ્ય અને શિક્ષણમાં બહેતર સ્થિતિ પેદા કરવી અને પ્રવાસી કાયદામાં વધુ સારા સુધારા કરવા એ તેમના મુખ્ય ચૂંટણી મુદ્દાઓ છે.


ભારતીય મૂળના કુલ 12 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં

Image copyright US CONGRESS WEBSITE
ફોટો લાઈન ભારતીય મૂળનાં અનીતા મલિક ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે.

ડૉક્ટર હિરલ તિપિર્નેની જણાવે છે કે એમના પતિ અને ત્રણ બાળકો સહિત એમનો આખો પરિવાર ચૂંટણી ઝુંબેશમાં લાગેલો છે.

તે ઉપરાંત ભારતમાં વસી રહેલા એમના પરિવારજનો પણ એમને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેઓ જણાવે છે કે તેઓ ઘણીવાર ભારતની મુલાકાત લે છે. તેઓ આંધ્ર પ્રદેશ અને ગુજરાતમાં પોતાના પરિવારજનો સાથે સમય પણ વિતાવે છે.

મૂળ ભારતના એવા અનિતા મલિક પણ એરિઝોના ડિસ્ટ્રિક્ટ આઠથી ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે. તેમની ટક્કર રિપબ્લિક પાર્ટીના હાલના સાંસદ ડેવિડ શવાયકાર્ટ સામે છે.

અનીતા મલિક જણાવે છે કે "એરિઝોનામાં ઘણાં લોકો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓથી નારાજ થઈને ડેમૉક્રેટિક પાર્ટીને મત આપવા માંગે છે."

"અરિઝોનામાં કેટલાક મતદાતાઓની નારાજગી તો એ હદે છે કે તેઓ તો ફક્ત રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ મત આપવા માટે નીકળવા માગે છે, જયારે ઘણા એવા પણ છે કે જે સ્થાનિક મુદ્દા બાબતે પોતાનો મત આપવા માગે છે."


રિપબ્લિકન અને ડેમૉક્રેટ એમ બેઉ પક્ષોમાં મૂળભૂત ભારતીય લોકો

Image copyright PRAMILA JAYAPAL
ફોટો લાઈન ભારતીય મૂળનાં પ્રમિલા જયપાલ કૉંગ્રેસના સભ્ય છે અને ડેમૉક્રેટિક પાર્ટી તરફથી ફરી ચૂંટણી પણ લડી રહ્યાં છે.

અનીતા મલિકનાં માતા-પિતા ભારતમાં દિલ્હી અને પૂનામાં રહેતાં હતાં અને ત્યાંથી અમેરિકામાં આવીને વસ્યાં. અનિતાએ ગત વર્ષ સુધી એક ટેકનૉલૉજી કંપનીમાં સીઈઓ તરીકે નોકરી કરી.

તેઓ નોકરી છોડીને 2017માં જ રાજકારણમાં આવ્યાં. અનીતા મલિક જણાવે છે કે હવે ધીરેધીરે એરિઝોનામાં ભારતીય મૂળના લોકો રાજકારણમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા લાગ્યા છે.

તેમનું કહેવું છે કે તેમના માટે સૌથી અગત્યનો ચૂંટણી મુદ્દો સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારા કરવાનો છે.

તે ઉપરાંત તેઓ અમેરિકન ચૂંટણીની પ્રણાલીમાં ધનના દુરુપયોગ બાબતે પણ કંઈક કરવા માગે છે, જેનાથી સામાન્ય લોકોને પણ ચૂંટણીમાં ઊભા રહેવાનો મોકો મળે કેમકે, એવા લોકો પણ ચૂંટણી લડવા ઇચ્છે છે જેઓ લાખો ડૉલર ભેગા કરવાની ક્ષમતા નથી ધરાવતા.

ભારતીય મૂળના હાલના કૉંગ્રેસના સભ્ય ડેમૉક્રેટિક પાર્ટીના પ્રમિલા જયપાલ વોશિંગ્ટન પ્રાંતથી ફરીથી ચૂંટણી લડી રહ્યાં છે. ઉપરાંત કેલિર્ફોનિયાથી હાલના કૉંગ્રેસ સભ્ય ડેમૉક્રેટિક પાર્ટીના રો ખન્ના અને અમી બેરા ફરીથી ચૂંટણી લડી રહ્યાં છે.


હરીફ પણ ભારતીય

Image copyright HARRY ARORA
ફોટો લાઈન ભારતીય મૂળના રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર હેરી અરોરા ડેમૉક્રેટ જિમ હાઇમ્સ સામે લડી રહ્યા છે.

હાલની કૉંગ્રેસની ચૂંટણીમાં ઈલિનાય પ્રાંતથી ડેમૉક્રેટિક પાર્ટીના સભ્ય રાજા કૃષ્ણમૂર્તિ પણ ફરીથી મેદાનમાં આવ્યા છે, જ્યાં તેમના હરીફ રિપબ્લિકન પાર્ટીના મૂળ ભારતીય જીતેન્દ્ર દીગાંકાર છે.

આ બધા ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવારોની જીતવાની સારી સંભાવનાઓ છે.

ઉપરાંત ભારતીય મૂળના અમેરિકન પ્રેસ્ટન કુલકર્ણીએ અમેરિકન વિદેશી સેવાની નોકરી છોડીને રાજકારણમાં પ્રવેશ કર્યો છે અને હવે એ ટેકસાસથી કોંગ્રેસ માટે ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

ફ્લોરિડામાં સંજય પટેલ ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે, જે હાલના કૉંગ્રેસ સભ્ય બિલ પોસી સામે મેદાનમાં છે.

ક્નેક્ટીકટ પ્રાંતમાં એક માત્ર ભારતીય મૂળના રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર, હેરી અરોરા ડેમૉક્રેટ જિમ હાઈમ્સ સામે લડી રહ્યા છે, પણ ડેમૉક્રેટિક ઉમેદવાર આ બેઠક ઉપરથી છેલ્લાં 10 વર્ષથી ચૂંટણી જીતી રહ્યા છે.

હેરી અરોરાને તો પણ આશા છે કે, મતદાતાઓ હવે તેમને પણ મોકો આપશે.

હેરી અરોરા કહે છે, "મને તો બધા પ્રકારના લોકો સમર્થન આપી રહ્યા છે. અમારા ક્ષેત્રમાં મોટાભાગના લોકો ઇચ્છે છે કે બસ ખાલી વાતો કરવાને બદલે કે તેને ટાળવાને બદલે તેમના મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે કામ કરવામાં આવે."

"મુદ્દાઓનો ઉકેલ લાવવાની મારી રીત એ છે કે ફક્ત વાતો કરીને આગળ વધવાને બદલે આખી યોજના લોકો સમક્ષ મૂકવામાં આવે."

એક માત્ર ભારતીય મૂળના અપક્ષ ઉમેદવાર શિવા અય્યાદુરાઈ પણ સેનેટની બેઠક માટે મૈસાચૂસેટ્સ પ્રાંતમાં ચૂંટણી મેદાનમાં છે અને એમની સામે છે ડેમૉક્રેટિક પાર્ટીના દિગ્ગજ નેતા અને હાલના સેનેટર એલીઝાબેથ વૉરેન.

એલીઝાબેથ વૉરેન વર્ષ 2020 માં ડેમૉક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવાર બની શકે એવી આશા સેવાઈ રહી છે એ સ્થિતિમાં શિવા અય્યાદુરાઈની જીતની કોઈ સંભાવના દેખાતી નથી.

અમેરિકન કૉંગ્રેસની ચૂંટણી સિવાય ભારતીય મૂળના ડઝનેક લોકો પ્રાંતીય અને સ્થાનિક ચૂંટણીમાં પણ ભાગ લઈ રહ્યા છે.

(ન્યૂયોર્કથી સલીમ રિઝવીના અહેવાલના આધારે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો