એ છોકરીઓ જે પ્રતિબંધોની વચ્ચે જીવી રહી છે પોતાનું જીવન

બલુચિસ્તાની વિદ્યાર્થિનીઓ

જ્યારે પાકિસ્તાનમાં બીબીસીની વિશેષ સિરીઝ 'BBC She' ને લૉન્ચ કરવાનો વિચાર કરવામાં આવ્યો ત્યારે અમે ધર્મ અને સામાજિક વિવિધતાથી પર જઈને એ મહિલાઓ સુધી પહોંચવા ઇચ્છતા હતા, જેમનું મુખ્યધારાનાં મીડિયામાં ઓછું પ્રતિનિધિત્વ છે.

આ સ્થિતિમાં અમારી પહેલી પસંદ બલૂચિસ્તાન હતી. ક્ષેત્રફળની દૃષ્ટિએ આ પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે જે પ્રાકૃતિક સંસાધનોથી સંપન્ન છે.

આ પ્રાંતની વસતિ ઘણી ઓછી છે. મુખ્યધારાનાં માધ્યમોમાં અહીંના લોકોનું પ્રતિનિધિત્વ ઘણું ઓછું છે.

અમે જાણતા હતા કે કોઈ પણ વિદેશી મીડિયાને ત્યાંથી રીપોર્ટીંગ કરવાની પરવાનગી નથી.

અમે એ પણ જાણતા હતા કે સરકારી સંસ્થાઓની સાથે ઘર્ષણ પેદા કર્યા વગર છેવાડાના કસબાઓ સુધી નહીં પહોંચી શકીએ.

એવામાં અમે બલૂચિસ્તાનની રાજધાની ક્વેટા સ્થિત સરદાર બહાદુર ખાન મહિલા યુનિવર્સીટીમાં જઈને ત્યાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરવાની યોજના બનાવી.


કેટલી ખાસ છે આ યુનિવર્સિટી

બલૂચિસ્તાન જેવા પ્રાંતમાં આવેલી આ યુનિવર્સિટી આ પ્રાંતમાં રહેતી મહિલાઓ માટે આશાના કિરણ સમાન છે.

આ યુનિવર્સિટીને કારણે અહીંની લગભગ દસ હજાર છોકરીઓ શિક્ષણ લેવાનાં સપનાં સાકાર કરી રહી છે.

બલુચિસ્તાનમાં છોકરા અને છોકરીઓનું સાથે ભણવું હજુય વર્જિત છે.

આ સ્થિતિમાં હજારો છોકરીઓને દર વર્ષે અભ્યાસ છોડવો પડે છે કારણકે તેઓ એવી શાળાઓમાં અભ્યાસ કરવા જઈ શકતી નથી, જ્યાં છોકરાઓ પણ ભણતા હોય.

તમે આ વાંચ્યું કે નહીં?

આ સંજોગોમાં આ યુનિવર્સિટીએ અમને એ મંચ આપ્યો જ્યાં અમે ફક્ત ક્વેટા નહીં પરંતુ છેક છેવાડાના વિસ્તારો, જેમ કે ઝોબ, કિલા સૈફુલ્લાહ, ઝિયારત, તુરબત, મુસા ખેલ, ખુજ્દારથી આવીને ભણતી વિદ્યાર્થિનીઓને પણ મળીને વાત કરી શકીએ.

આ સાથે જ અમારી મુલાકાત હઝાર, બલોચ, પશ્તૂન જેવા સમુદાયોનું પ્રતિનિધિત્વ કરનારી યુવતીઓ સાથે પણ થઈ.

શરૂઆતમાં યુનિવર્સિટી વહીવટીતંત્રને અમારી આ ઇવેન્ટ બાબતે થોડો ખચકાટ હતો.

તેઓએ કહ્યું કે છોકરીઓ કદાચ કૅમેરાની સામે આવવામાં સહજ નહીં હોય, તેઓ અન્ય પ્રાંતમાંથી આવતી છોકરીઓની જેમ પોતાને તમારી સમક્ષ વ્યક્ત નહીં કરી શકે.

જયારે આ ઇવેન્ટ શરુ થઈ તો તમામ છોકરીઓએ દિલ ખોલીને અમારી સાથે વાત કરી.


જાગૃતિ અને સાહસ

અહીંયા અમારી મુલાકાત કેટલીક એવી છોકરીઓ સાથે થઈ જે પોતાની વાત મૂકવામાં એટલી ઉત્સાહીત, જાગૃત અને સાહસી હતી કે અમારે અમારી ઇવેન્ટનો સમય લંબાવવો પડ્યો.

એ પછી પણ અમારી સાથે ખુલીને વાત કરવા ઇચ્છતી છોકરીઓ સાથે અમે વાત ના કરી શક્યા.

આ છોકરીઓએ એ તમામ મુદ્દાઓ ઉપર વાત કરી જે બલૂચિસ્તાનમાં રહેતી છોકરીઓ માટે અત્યંત અગત્યના છે.

જેમાં ભેદભાવ, શિક્ષણ, અધિકારોનું હનન, બંધારણીય અધિકારો અને વાણી સ્વાતંત્ર્યના અધિકાર તરફ ઉદાસીનતા અને જીવન જીવવાના અધિકાર જેવા મુદ્દાઓ સામેલ હતા.

એ જાણીને ખુબ જ દુ:ખ થયું કે મૂસાલેખ વિસ્તારમાં મહિલાઓને પુરુષોની જેમ ખુલીને જમવાનો અધિકાર નથી.

ત્યાં પુરુષોને માંસ ખાવાની આઝાદી છે જયારે મહિલાઓને વધ્યું-ઘટ્યું ખાઈને રહેવું પડે છે.

પુરુષ પોતાની ચામાં દૂધ નાખી શકે છે પરંતુ મહિલાઓ દૂધ વિનાની ચા પીવે છે.

કેટલીક છોકરીઓએ અમને એ પણ જણાવ્યું કે કેટલાક છોકરાઓ પોતાની માતાને પણ મારતા હતા.

તેઓએ તેમના પિતાને મા સાથે એવો જ વહેવાર કરતા જોયા હતા.

આ છોકરીઓએ એ પણ જણાવ્યું કે તેમના ક્ષેત્રમાં કેવી રીતે છોકરાઓના મનમાં નાનપણથી જ પિતૃસત્તાક માનસિકતાને ઠસાવી દેવામાં આવે છે.


ગાયબ પુરુષોની કથા

અમારી સાથે વાત કરતા એક વિદ્યાર્થિનીએ જણાવ્યું કે બલૂચિસ્તાનમાં ઘણી મહિલાઓ પોતાના પતિઓ, ભાઈઓ અને પિતાઓના ગાયબ થઈ જવાથી તકલીફમાં છે.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ગાયબ લોકોને દેશના સુરક્ષાબળોએ દેશની વિરુદ્ધ વિદ્રોહના કિસ્સાઓમાં તેમની કહેવાતી ભાગીદારી માટે ધરપકડ કરી છે.

જોકે, પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ આ આરોપનું ખંડન કરે છે.

આ વિદ્યાર્થિની ફરિયાદ કરતા દાવો કરે છે કે આ મુદ્દાને સેન્સર કરવાને લીધે મીડિયા મૌન છે.

આ સાથે જ આ વિદ્યાર્થિની કહે છે કે ગાયબ થયેલા પુરુષોની પત્નીઓ, બાળકો અને માતાની કથા પણ સામે લાવવામાં આવે.


સારી અને ખરાબ મહિલાઓ?

વિદ્યાર્થિનીઓએ એ સામાજિક બાબતો મુદ્દે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા જે સારી અને ખરાબ મહિલાઓને પરિભાષિત કરે છે.

તેમણે એમ પણ જણાવ્યું કે આ બાબતો કેવી રીતે બલોચ મહિલાઓના નિર્ણયો અને જીવનને અસર કરે છે.

ઝિયારતથી આવતી એક છોકરી જણાવે છે કે તેને આગળ ભણવાની પરવાનગી આપવામાં આવી છે. જોકે, પોતાના પરિવાર, કારકિર્દી, લગ્ન અને કપડાં પહેરવા જેવા નિર્ણયો લેવાની છૂટ નથી.

ખુજદારથી આવતી એક વિદ્યાર્થીનીએ જણાવ્યું કે તેમના જનજાતિના પ્રમુખે છોકરીઓને સ્થાનિક પ્રાથમિક શાળાથી દૂર રાખવા માટે એક ટોળકી બનાવી છે.


સામાજિક પ્રતિબંધોનો મુદ્દો

કેટલીક વિદ્યાર્થિનીઓએ બીબીસીને જણાવ્યું કે તેમને મોબાઇલ રાખવાની પરવાનગી નથી કારણકે એવું માનવામાં આવે છે કે મોબાઇલ રાખનારી મહિલાઓ અશ્લીલ હોય છે.

કેટલીક વિદ્યાર્થિનીઓએ સમાજમાં જાગૃતિના અભાવ બાબતે પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું કે બલૂચિસ્તાનમાં મહિલાઓને તેમના અધિકારો વિશે જાણકારી નથી.

આ સાથે જ તેઓ પોતાની સાથે ગમે તેટલું ખરાબ વર્તન થવા છતાં પોતાની જાત માટે અવાજ ઉઠવાની હિંમત કરી શકતી નથી.

જોકે, આમાં કેટલીક છોકરીઓ એવી પણ હતી જેમણે આ સમસ્યાઓના સમાધાનો તરફ ધ્યાન આકર્ષવાના પ્રયત્નો કર્યા.

જોકે, તેમનું ધ્યાન મુખ્યત્વે શિક્ષણ અને અવસરોના અભાવો તરફ જ હતું.

આમાંથી લગભગ તમામ છોકરીઓનું એવું માનવું હતું કે શિક્ષણ જ તેમના સમાજને બદલી શકે છે અને રૂઢીવાદી બલોચ સમાજની વિચારધારામાં બદલાવ લાવી શકે છે.

જોકે, એવું નથી કે આ આખા કાર્યક્રમમાં તમામ વાતો તકલીફોથી જ ભરેલી હતી.

કેટલીક છોકરીઓએ જણાવ્યું કે તેઓ આજે પોતાના ભાઈને લીધે આ યુનિવર્સિટીમાં હાજર છે.

બીબીસી આગામી સમયમાં પણ આ મુદ્દાઓ ઉપર વાત કરવાનો પ્રયત્ન કરશે.

ક્વેટાની આ વિશ્વવિદ્યાલયથી પરત આવ્યા બાદ બલોચ મહિલાઓને મુદ્દે મારી ધારણા સંપૂર્ણપણે બદલાઈ ગઈ.

મને સમજાયું કે એવું નથી કે બલૂચિસ્તાનની મહિલાઓ ઉદાસીન છે.

બલકે તેઓ પોતાને માટે સંપૂર્ણપણે જાગૃત છે અને પોતાની સાથે એ પુરુષોનું ભવિષ્ય પણ બદલવા તૈયાર છે, જે સમયની સાથે બદલાવા ઇચ્છે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો