એ 'હિંદુ' અને 'શીખ' નામો જે પાકિસ્તાનમાં બદલી નાંખવામાં આવ્યાં

પાકિસ્તાનની પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

ઐતિહાસિક શહેરો અને સ્થળોનાં નામ બદલવાની હોડમાં પાકિસ્તાન ભારત કરતાં સહેજ પણ પાછળ નથી.

દેશના વિભાજન બાદ પાકિસ્તાનમાં બિનમુસ્લિમ સ્થળોનાં નામ ભારતની સરખામણીએ જલદી બદલાયાં હતાં.

વિભાજન બાદ પાકિસ્તાનમાં બનેલાં નવા રાજ્યોએ નામકરણની બાબતમાં ભારતના વારસાથી કાયદેસરનું અંતર જાળવ્યું હતું.

પાકિસ્તાનમાં મુસ્લિમ વારસા સાથે સુસંગતતા ધરાવતાં નામો રાખવાનો પ્રયાસ થયો હતો જેની આરબી છાપ ઊભરી આવે.


નામ પરિવર્તન

Image copyright Getty Images
ફોટો લાઈન 1992માં લાહોરમાં આ મંદિર તોડી અને વિસ્તારને બાબરી મસ્જીદ ચોક નામ અપાયું હતું

પાકિસ્તાનમાં લાહોરથી 50 કિલોમીટર દૂર આવેલું એક ગામ પહેલાં ભાઈ ફેરુના નામે ઓળખાતું હતું.

જાણકારોના કહેવા મુજબ, આ ગામનું નામ શીખ ધર્મના સાતમાં ગુરુ દ્વારા આપવામાં આવ્યું હતું.

જ્યારે શીખ ધર્મગુરુ આ ગામની મુલાકાતે આવેલા ત્યારે તેમણે આ ગામનું નામ ભાઈ ફેરુ રાખ્યું હતું.

પાકિસ્તાનની રચના થયા બાદ ગામનું નામ "ફૂલ નગર" કરી દેવાયું હતું.

લાહોરમાં અનેક સ્થળોનાં હિંદુ અને શીખ નામ હતાં.

તમે આ વાંચ્યું કે નહીં?

લાહોરમાં એક વિસ્તારનું નામ ક્રિષ્ણા નગર હતું, વિભાજન બાદ તેનું નામ ઇસ્લામપુર કરી દેવાયું હતું.

લાહોરમાં જૈન મંદિર ચોક હતો, ભારતમાં બાબરી મસ્જિદનું વિઘ્વંસ કરાયું ત્યાર બાદ લાહોરના આ જૈન મંદિર ચોકનું નામ "બાબરી મસ્જીદ ચોક" કરી દેવાયું હતું.

બલુચિસ્તાનમાં "હિંદુ બાગ" વિસ્તાર હતો જેનું નામ "મુસ્લિમ બાગ" કરી દેવાયું હતું.

જોકે, મજાની વાત એ છે કે રોજબરોજના જીવનમાં આજે પણ લોકો આ સ્થળોને જૂનાં નામથી જ ઓળખે છે.

હજુ પણ ઘણાં સ્થળો છે, જેના હિંદુ અને શીખ નામ છે.


પાકિસ્તાનમાં શીખ-હિંદુ નામ

Image copyright Getty Images
ફોટો લાઈન બલુચિસ્તાનમાંઆવેલું હિંગળાજ મંદિર

લાહોર પાકિસ્તાનનું એવું શહેર છે, જ્યાં આજે પણ ઘણાં સ્થળોનાં શીખ અને હિંદુ નામ છે.

લાહોરમાં દયાળ સિંઘ કૉલેજ, ગુલાબ દેવી અને ગંગારામ હૉસ્પિટલ, કિલ્લા ગુજ્જર સિંઘ વિસ્તાર, લક્ષ્મી ચોક, સંત નગર, કોટ રાધા કિશન હજુ પણ હયાત છે.

કરાંચીમાં ગુરુ મંદિર ચોરંગી, આત્મારામ પ્રિતમદાસ રોડ, રામચંદ્ર મંદિર રોડ, કુમાર સ્ટ્રિટ, હયાત છે.

બલુચિસ્તાનમાં હિંગળાજ મંદિર, અને ખૈબર પખ્તૂનહવામાં હરીપુર હિંદુ નામ છે.


પાકિસ્તાનમાં બદલાવ

Image copyright Getty Images
ફોટો લાઈન પાકિસ્તાનના કરાંચી પાસેનું શ્રીકૃષ્ણ મંદિર

જ્યારે ભારત ધર્મનિપેક્ષતા છોડીને "નવું પાકિસ્તાન" બની રહ્યું છે ત્યારે પાકિસ્તાન બોધપાઠ લઈ રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.

પાકિસ્તાને કટ્ટરવાદ અને રમખાણોમાંથી ઘણો બોધપાઠ લીધો છે. પાકિસ્તાનમાં હવે વિવિધતાઓનો સ્વીકાર થઈ રહ્યો છે.

પાકિસ્તાનમાં ધાર્મિક લઘમુતીના લોકોને વિશ્વાસ આવે કે આ દેશ જેટલો મુસ્લિમોનો છે તેટલો તેમનો પણ છે, તેના માટે ભૂતકાળમાં ઘણાં પગલાં લેવામાં આવ્યાં છે.

પાકિસ્તાને ધાર્મિક લઘુમતીના લોકોનો સુરક્ષાબળોમાં સમાવેશ કર્યો છે.

લઘુમતી સમુદાયને રાજકીય પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કર્યો છે અને તેમના વારસાનું જતન કરીને ધાર્મિક સ્વાતંત્ર્ય આપવાનો પ્રયાસ કર્યો છે.

પાકિસ્તાને હજુ ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે, છતાં પાકિસ્તાન સાચી દિશામાં આગળ વધી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ