સાપ કરડ્યો, બાદમાં પોતે જ લખી ખુદના મોતની કહાણી

Image copyright CHICAGO DAILY TRIBUNE
ફોટો લાઈન ચિકાગો ડેઇલીમાં છપાયેલો અહેવાલ

શું કોઈ વૈજ્ઞાનિક પોતાના સંશોધન માટે ખુદનો જીવ આપી શકે?

ઇતિહાસમાં આવાં એક નહીં, અનેક ઉદાહરણ છે. આમાંથી એક કહાણી છે કાર્લ પૈટરસન શિમિટની.

વર્ષ 1957, સપ્ટેમ્બરનો મહીનો. અમેરિકાના શિકાગો વિસ્તારના લિંકન પાર્ક પ્રાણીસંગ્રાહલયમાં કામ કરનારા એક શખ્સને એક અજીબોગરીબ સાપ હાથ લાગ્યો.

76 સેન્ટિમીટર લાંબા આ સાપની પ્રજાતી જાણવા માટે તેઓ સાપને શિકાગોના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ લઈ ગયા.

ત્યાં તેમની મુલાકાત પ્રખ્યાત વૈજ્ઞાનિક કાર્લ પૈટરસન શિમિટ સાથે થઈ.

પબ્લિક રેડિયો ઇન્ટરનેશનલ સાથે કામ કરતા એલિઝાબેથ શૉકમેન કહે છે કે શિમિટને સરીસૃપ વિજ્ઞાનના એક મોટા જાણકાર માનવામાં આવતા હતા.

શિમિટે જોયું કે આ સાપના શરીર પર બહુરંગી આકૃતિઓ છે. તેઓ સાપની પ્રજાતિની જાણકારી મેળવવા માટે તૈયાર થઈ ગયા.

જે બાદ 25 સપ્ટેમ્બરના રોજ તેમણે પોતાના સંશોધનમાં જાણવા મળ્યું કે આફ્રિકાના દેશોમાં મળનારો આ એક સાપ હતો.


કેવો હતો એ સાપ?

Image copyright Getty Images
ફોટો લાઈન બુમસ્લેગ સાપ જેવું હતું એ સાપનું શિર

આ સાપનું શિર બુમસ્લેંગ સાપ જેવું હતું જે સહારાનાં આફ્રિકાનાં જંગલોમાં જોવા મળતો હતો.

જોકે, શિમિટ સાપ અંગેની પોતાને મળેલી જાણકારીથી સંતુષ્ટ ન હતા.

પોતાના જર્નલમાં આ સંશોધન અંગે લખતા શિમિટ જણાવે છે કે તેમને સાપ બુમસ્લેગ હોવા પર શક છે કારણ કે આ સાપની એનલ પ્લેટ બે ભાગમાં ન હતી.

જોકે, આ શકને દૂર કરવા માટે શિમિટે જે કર્યું, તેના કારણે તેમણે પોતાના જીવથી હાથ ધોવા પડ્યા.


જ્યારે સાપ શિમિટને કરડ્યો

Image copyright Science Photo Library

શિમિટ સાપને પોતાની નજીક લાવીને તેના શરીર પર રહેલી આકૃતિઓનું અધ્યયન કરવા લાગ્યા.

તેઓ નવાઈ સાથે સાપના શરીર અને શિર પર બનેલી આકૃતિઓ અને રંગ જોઈ રહ્યા હતા ત્યારે જ સાપ તેના અંગૂઠામાં કરડ્યો.

જોકે, શિમિટે ડૉક્ટર પાસે જવાના બદલે પોતાના અંગૂઠાને ચૂસીને સાપનું ઝેર બહાર કાઢવા માટે કોશિશ શરૂ કરી દીધી.

એટલું જ નહીં, તેમણે પોતાના જર્નલમાં સાપ કરડ્યા પછી થતા અનુભવો નોંધવાનું શરૂ કરી દીધું.

તમે આ વાંચ્યું કે નહીં?

પોતાના જર્નલમાં શિમિટ લખે છે :

"4:30 - 5:30: ઊલટી થવા જેવો અનુભવ થઈ રહ્યો છે પરંતુ ઊલટી થતી નથી, મેં હોમવુડ સુધી ટ્રેનમાં યાત્રા કરી."

"5:30 - 6:30: ખૂબ જ ઠંડી અને ઝટકા લાગવા જેવી અનુભૂતિ બાદ 101.7 ડિગ્રીનો તાવ આવ્યો. સાંજે 5:30 વાગ્યે પેઢાંમાં લોહી આવવાનું શરૂ થઈ ગયું."

"8:30 : મેં બે ટોસ્ટ ખાધા."

"રાત્રે 9:00 થી 12:20 સુધી : હું આરામથી સુતો. જે બાદ મેં પેશાબ કર્યો જેમાં લોહીનું પ્રમાણ વધારે હતું."

"26 સપ્ટેમ્બરની સવારે 4:30 વાગ્યે : મેં એક ગ્લાસ પાણી પીધું, ત્યારબાદ ઊલટી કરી. જે કંઈ પચ્યું નહીં તે પેટમાંથી બહાર આવી ગયું. તે બાદ મને શાંતિ થઈ અને સવારે છ વાગ્યા સુધી સૂતો."

"સવારે 6:30 વાગ્યે : મારા શરીરનું તાપમાન 98.2 ડિગ્રી સેલ્સિયસ હતું. મેં ટોસ્ટ સાથે બાફેલાં ઈંડા, ઍપલ સૉસ, સેરિઅલ્સ અને કોફી લીધાં. તે બાદ પેશાબ લાગ્યો નહીં પરંતુ દર ત્રણ કલાકે એક ઔંસ લોહી નીકળ્યું. મોંઢા અને નાકમાંથી સતત લોહી નીકળવાનું ચાલુ રહ્યું. જોકે, વધારે માત્રામાં નહીં."


પરંતું ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું...

Image copyright Getty Images
ફોટો લાઈન અમેરિકાના શિકાગોમાં આવેલું નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ

જે બાદ બપોરે દોઢ વાગ્યે તેમણે તેમનાં પત્નીને ફોન કર્યો. જોકે, ડૉક્ટર પહોંચે તે પહેલાં જ શિમિટનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું.

તેઓ બેભાન થઈ ગયા હતા. હૉસ્પિટલ પહોંચવા સુધી એક ડૉક્ટરે તેમને ભાનમાં લાવવાની ઘણી કોશિશ કરી.

જોકે, બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ડૉક્ટરોએ શિમિટને મૃત જાહેર કરી દીધા.

ડૉક્ટરોએ કહ્યું કે શ્વાસ લેવાની તકલીફને કારણે શિમિટનું મોત થયું.


બુમસ્લેગનું ઝેર કેવી રીતે અસર કરે?

Image copyright CHICAGO DAILY TRIBUNE

આફ્રિકન સાપ બુમસ્લેગનું ઝેર ખૂબ જ ઝડપથી અસર કરે છે. કોઈ પક્ષીનો જીવ લેવા માટે તેનું 0.0006 મિલીગ્રામ ઝેર પૂરતું છે.

આ ઝેરના પ્રભાવથી શરીરમાં લોહી જામવાનું શરૂ થઈ જાય છે જેના કારણે લોહીનો પ્રવાહ અવરોધાય છે.

જે બાદ શરીરમાં અલગ-અલગ જગ્યાએથી લોહી નીકળવાનું શરૂ થઈ જાય છે પછી પીડિતનું મોત થાય છે.

શિમિટનો પોસ્ટમૉટેંમ રિપોર્ટ કહે છે કે તેમના ફેફસાં, આંખો, હૃદય, કિડનીઓ અને મગજમાંથી લોહી વહી રહ્યું હતું.

'શિકાગો ટ્રિબ્યૂન'માં આ મામલે છપાયેલા સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે શિમિટના મોત પહેલાં તેમને ડૉક્ટર પાસે જવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, તેમણે તેનો ઇન્કાર કરતા કહ્યું કે તેનાથી લક્ષણો પર અસર પડી શકે છે.

કેટલાક લોકો માને છે શિમિટની જિજ્ઞાસાએ તેનો જીવ લઈ લીધો.

જોકે, કેટલાક લોકો એવું પણ માને છે કે શિમિટ એટલા પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક હતા કે તેઓ જાણતા હતા કે આ ઝેરને બિનઅસરકારક કરનારી દવા માત્ર આફ્રિકામાં જ ઉપલબ્ધ છે.

આ સ્થિતિમાં તેમણે પોતાના મોતનો સ્વીકાર કરી લીધો.

પબ્લિક રેડિયો ઇન્ટરનેશનલના સાયન્સ ફ્રાઇડે પ્રોગ્રામને રજૂ કરનારાં ટૉમ મેકનામારા કહે છે કે શિમિટ પોતાના મોતને સામે જોઈને જરા પર હિચકિચાટ અનુભવ્યો નહીં પરંતુ એક અજાણ્યા રસ્તે ચાલી નીકળ્યા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો