એમનેસ્ટીએ મ્યાનમારનાં નેતા સૂ કી પાસેથી સન્માન પરત લીધું

ફોટો Image copyright EPA

એમનેસ્ટી ઇન્ટરનેશલે મ્યાનમારનાં સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ કી પાસેથી પોતાનો સર્વોચ્ચ 'ઍમ્બૅસૅડર ઑફ કૉન્શન્સ' ઍવૉર્ડ પરત લઈ લીધો છે.

મ્યાનમારનાં સર્વોચ્ચે નેતા અને નોબલ પુરસ્કાર વિજેતા સૂ કીને વર્ષ 2009માં આ સન્માનથી નવાજવામાં આવ્યાં હતાં. એ સમયે સૂ કી પોતાના ઘરમાં નજરકેદ હતાં.

માનવાધિકાર માટે કામ કરનારી એમનેસ્ટી ઇન્ટરનેશનલનું કહેવું છે કે રોહિંગ્યા લઘુમતીઓના મામલે તેમની ચુપકીદી ખૂબ જ નિરાશ કરનારી રહી છે.

આ પ્રથમ ઘટના નથી કે 73 વર્ષનાં સૂ કી પાસેથી કોઈ સન્માન પરત લઈ લેવામાં આવ્યું હોય.

એમનેસ્ટી ઇન્ટરનેશનલના સેક્રેટરી જનરલ કુમી નાઇડુએ મ્યાનમારનાં નેતાને એક પત્ર લખીને આ મામલે જાણકારી આપી હતી.

Image copyright Getty Images

એમનેસ્ટી મુજબ, "અમે ખૂબ જ નિરાશ છીએ કે તમે હવે ઉમેદ અને સાહસનું પ્રતીક જણાતાં નથી. ના તો તમે માનવાધિકારીની રક્ષામાં અડગ નજર આવો છો."

"રોંહિગ્યાની વિરુદ્ધ થયેલા અત્યાચારો પ્રત્યે તેમના વલણને જોતા એ વાતની ખૂબ ઓછી ઉમેદ છે કે સ્થિતિમાં કોઈ સુધારો થશે."

એક સમયે આ જ સંસ્થાએ તેમને લોકશાહી માટે એક પ્રકાશસ્તંભ ગણાવ્યાં હતાં.

તમે આ વાંચ્યું કે નહીં?

સૂ કીને નજરબંધીમાંથી છુટકારો મળ્યાને આઠ વર્ષ થઈ ગયાં છે અને આ નિર્ણય પણ તેમની નજરબંધીને આઠ વર્ષ પુરા થવાના દિવસે જ આવ્યો છે.

એક ક્રૂર અને સૈન્ય તાનાશાહીની વિરુદ્ધ અને લોકતંત્રની રક્ષા માટે 15 વર્ષ સુધી નજરબંધ રહેનારાં સૂ કીને એમેનેસ્ટી ઇન્ટરનેશનલે 1989માં 'રાજકીય બંધક' ઘોષિત કર્યાં હતાં.

તેના 20 વર્ષ બાદ સંસ્થાએ તેમને સર્વોચ્ચ સન્માનથી નવાજ્યાં હતાં. આ પહેલાં નેલ્સન મંડેલાને આ સન્માન આપવામાં આવ્યું હતું.

હવે સંસ્થાનું કહેવું છે કે તેમણે આપેલું સન્માન પરત લઈ રહી છે કારણ કે તેમને નથી લાગતું કે સૂ કી આ સન્માન માટેની આવશ્યક યોગ્યતા સાથે ન્યાય કરી રહ્યાં હોય.

સંયુક્ત રાષ્ટ્રના તપાસકર્તાએ પોતાના નિષ્કર્ષમાં કહ્યું હતું કે સૈનિકો દ્વારા રોહિંગ્યા અલ્પસંખ્યકો પર થનારા અત્યાચારો વિરુદ્ધ સૂ કી પોતાના અધિકારોનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહ્યાં છે.

સૂ કી વર્ષ 2016માં સત્તામાં આવ્યાં હતાં. જોકે, તેમના પર આંતરરાષ્ટ્રીય દબાણ હંમેશાં રહ્યું.

જેમાંથી એક દબાણ એમનેસ્ટી ઇન્ટનેશનલ તરફથી પણ હતું કે રોહિંગ્યા પર થઈ રહેલા અત્યાચારોનો તેમણે વિરોધ કરવો જોઈએ.

જોકે, સૂ કી એ આ મામલે ચુપકીદી સેવી રાખી હતી.

સાથે જ રોહિંગ્યા મુસલમાનોની હત્યા અંગે કવરેજ કરી રહેલા રૉયટર્સ ન્યૂઝ એજન્સીના બે પત્રકારોની ધરપકડનું સર્મથન કરવા બદલ સુ કીની ખૂબ ટીકા થઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ