એ જમાનો જ્યારે પુરુષોને મોતી પ્રત્યે પ્રેમ હતો

પ્રતીકાત્મક તસવીર

મોતી પાછળ આખું વિશ્વ ઘેલું છે અને હજારો વર્ષોથી મોતી પહેરવાનું ચલણ ચાલ્યું આવે છે.

જ્યારે સોના ચાંદીની શોધ નહોતી થઈ ત્યારે મોતી પહેરવામાં આવતાં હતાં.

માનવ સભ્યતાના ઇતિહાસમાં મોતીની સફર એટલી જ જૂની છે.

પ્રાચીનકાળમાં ગ્રીસનાં દેવી વીનસને સુંદરતા, પવિત્રતા અને ફળદ્રુપતાનું પ્રતીક ગણવામાં આવતાં હતાં.

રોમન સામ્રાજ્યમાં વીનસ ખૂબ લોકપ્રિય દેવી હતાં, જેને ગ્રીક ભાષામાં એક્રોડાઇટ કહેવામાં આવતાં હતાં. એટલે કે સમુદ્રનાં ફીણમાંથી પેદા થનારાં દેવી.

વીનસનો સંબંધ માતીઓ સાથે રહેલો છે.


કેમ ખાસ હતાં મોતી?

મોતી એટલા માટે ખાસ હતાં કારણ કે તે કુદરતી રીતે છીપલાંમાંથી પેદા થતાં હતાં એને બીજી કોઈ રીતે નિખારવાની જરૂર નહોતી.

પ્રાચીનકાળમાં અખાતના દેશોમાં માછીમારો દ્વારા શોધવામાં આવેલાં મોતીને સૌથી ઉમદા ગણવામાં આવતાં હતાં.

દુનિયાભરમાં અહીંથી જ મોતીની સપ્લાય કરવામાં આવતી હતી. ઈસુનાં એક હજાર વર્ષ પહેલાં પણ મોતીઓના વ્યવસાયના સંકેત મળ્યા છે.

અરબ વેપારી ચીન અને ભારત જઈ મોતી વેચતા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

ચીનના રાજા અને ભારતના મહારાજાઓમાં મોતી ઘણાં લોકપ્રિય હતાં.

ઘણી સદીઓ સુધી સ્ત્રી-પુરુષો બન્નેને એકસરખો મોતીઓનો શોખ રહ્યો છે.

અફસોસની વાત એ છે કે પુરુષો મોતી પહેરે તે હવે યોગ્ય ગણાતું નથી.

સોળમી સદીનાં બ્રિટિશ મહારાણી એલિઝાબેથ, જેને કુંવારી મહારાણી માનવામાં આવતાં હતાં, તે પણ પવિત્રતાનાં પ્રતીક તરીકે મોતીનો હાર પહેરતાં હતાં.

18મી સદીના યુરોપમાં મોતી પહેરવાની ફૅશન પૂરજોરમાં હતી. ધનાઢ્ય પરિવારોમાં મોતી પેઢી દર પેઢી વાપરવામાં આવતાં હતાં.


મોતીઓની ખેતી

19મી સદીમાં મોતીના વ્યવસાયમાં મોટું પરિવર્તન ત્યારે આવ્યું, જ્યારે કિચી મિકીમોતો નામની વ્યક્તિએ મોતીની ખેતી કરવાની રીત શોધી કાઢી.

કિચી મિકીમોતો ઇચ્છતા હતા કે દરેક મહિલાનાં ગળામાં મોતીનો હાર હોય.

તેમની ઇચ્છા એ હતી કે મોતી એટલાં સસ્તાં હોય કે દરેક તેને પહેરી શકે.

પહેલું ગોળ મોતી જે કલ્ચર વડે બનાવવામાં આવ્યું હતું તે 1893માં બન્યું હતું.

જાણે કોઈ છીપલાંમાં જ તૈયાર કરવામાં આવ્યું હોય આ બિલકુલ એવું જ હતું.

Image copyright Alamy
Image copyright Alamy

જાપાનમાં મહિલા મરજીવાઓને મોકલીને છીપલાં વીણાવામાં આવતાં હતાં.

વીસમી સદીમાં મોતી પહેરવાનો અર્થ એ હતો કે તે મહિલા સ્વતંત્ર વિચારો ધરાવે છે.

1920ના દાયકા સુધી કલ્ચર્ડ મોતી આખા પશ્ચિમ યુરોપમાં સરળતાથી પ્રાપ્ત થતી વસ્તુ બની ગઈ હતી.

1930ના દાયકામાં ડિઝાઇનર કોકો શનેલે દિવસ દરમ્યાન મોતી પહેરવાની શરૂઆત કરી.


હોલીવૂડ ફિલ્મોમાં મોતી

હોલીવૂડ ફિલ્મોના નાનાં-મોટાં સ્ટાર મોટાભાગે મોતીની માળા પહેરીને નજરે ચઢતાં હતાં. આનાથી મોતીની લોકપ્રિયતા સામાન્ય લોકોમાં વધી હતી.

ફિલ્મ કલાકાર ઉપરાંત રાષ્ટ્રપતિ જ્હૉન એફ. કેનેડીનાં પત્ની જેકી કેનેડીએ પણ મોતીઓની માળા પહેરી એની લોકપ્રિયતા અમેરિકાના દેશોમાં વધારી હતી.

1980થી 1990ના દાયકામાં મોતી ફરીથી એક વખત ખૂબ લોકપ્રિય બન્યાં હતાં. હવે મોતી એક ખાસ ઘરેણાંના દાયરામાંથી બહાર નીકળી ગયાં હતાં.

આજના સમયમાં મોતીની માંગ ફરીથી વધી રહી છે. મોતીઓને નવા ઘરેણાં સાથે જોડી દઈને નવતર પ્રયોગો કરવામાં આવી રહ્યા છે.

આજે જાતભાતનાં રંગીન મોતી મળી રહ્યાં છે. કાળા મોતીઓને સફેદ મોતી સાથે મેળવીને હાર તૈયાર કરવામાં આવે છે.

આજે તો લોકો જાતે જ પોતાના મોતીઓની ડિઝાઇન તૈયાર કરી રહ્યા છે. જાતભાતના રૂપ-રંગ આપી રહ્યાં છે.

મોતી, લોકોનાં વ્યક્તિત્વને નિખારે છે. પહેરનારના ચહેરા પર એક અલગ જ ચમક આવી જાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા