બ્રેક્સિટને આખરી ઓપ આપવા થેરેસા મેની કવાયત

થેરેસા મે Image copyright ADRIAN DENNIS/GETTY IMAGES

રાજીનામાની અફવાઓ ફગાવીને બ્રેક્સિટને અંતિમ ચરણ સુધી લઈ જવાનો નિર્ધાર કરી ચૂકેલા બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મે યુરોપિયન સંઘ સાથેની મહત્ત્વની બેઠક માટે બ્રસેલ્સ પહોંચ્યાં છે.

સભ્ય દેશોનાં અનેક સવાલોને લીધે યુરોપિયન સંઘ બ્રિટન સાથેનાં ભવિષ્યનાં સંબંધો અંગેની ઘોષણાઓનો ડ્રાફટ મંગળવારે રજૂ નહોતો થઈ શક્યો.

બ્રેક્સિટ સંધિમાં યુરોપિયન સંઘ અને યુનાઇટેડ કિંગ્ડમ વચ્ચે હજી ઘણી બાબતો આડખીલીરૂપ બની રહી છે.

જેમાં, યુકેને યુરોપિયન સંઘનાં બજારમાં પ્રવેશ, યુરોપિયન સંઘની નૌકાઓને યુકેમાં જળમાર્ગ પ્રવેશ તથા જિબ્રાલ્ટર પ્રદેશ અંગેના સવાલ મુખ્ય છે.

બ્રેક્સિટ બાબતે વધારે અનુકૂળતાઓ ન આપવાં માટે વડાં પ્રધાન મે પોતાનાં સંસદસભ્યોનાં દબાણ હેઠળ છે. તેઓ રાજીનામું આપવાની વાત નકારી ચૂક્યા છે.

અગાઉ 14 નવેમ્બરે બ્રિટનની કૅબનિટે બ્રેક્સિટ સંધિનાં ડ્રાફ્ટને મંજૂરી આપી હતી, જે હવે યુરોપિયન સંઘ પાસે મંજૂરી માટે છે.

થેરેસા મે અગાઉ બ્રિટનની સંસદમાં નેતાઓ સાથે વાત કરતી વખતે કહી ચૂકયા છે કે એમણે જે રસ્તો પસંદ કર્યો છે એ યૂકે તથા દેશવાસીઓ માટે યોગ્ય છે.

Image copyright EPA

બ્રિટનની કૅબિનેટે બ્રેક્સિટ ડ્રાફ્ટ મંજૂર કર્યા બાદ બ્રેક્સિટ સેક્રેટરી ડૉમિનિક રાબ અને વર્ક ઍન્ડ પેન્શન સેક્રેટરી ઇસ્થર મૅકવે સહિત બીજા બે યુવા મંત્રીઓએ રાજીનામાં ધરી દીધાં હતાં.

આ ઘટનાક્રમને પગલે થેરેસા મે પર દબાણ સર્જાયું હતું. એક તબક્કે એમની સામે અવિશ્વાસ પ્રસ્તાવની પણ ચર્ચા થઈ હતી.

થેરેસાની બ્રસેલ્સ મુલાકાત ખૂબ મહત્ત્વની ગણાય છે, કેમ કે આ બેઠકમાં સંબંધિત પ્રસ્તાવના મુસદ્દા પર સહમતી સાધવાની કોશિશ થશે.

જો યુરોપિયન સંઘ સાથેની આ મુલાકાત સફળ રહેશે તો ડિસેમ્બરમાં આ પ્રસ્તાવ બ્રિટનની સંસદમાં રજૂ થશે.

Image copyright Getty Images

જોકે, ટોરી મંત્રીઓ(થેરેસા મેનો રાજકીય પક્ષ) બ્રેક્સિટ સંઘિને મુદ્દે થેરેસા મેનાં વલણથી ખુશ નથી.

એમનું કહેવું છે કે બ્રેક્સિટની ચર્ચામાં યુરોપિયન સંઘ સાથે યુકેના ભવિષ્યનાં સંબંધો અંગે સંઘિમાં વધારે સ્પષ્ટતા જરૂરી છે.

ભવિષ્યની વેપાર વ્યવસ્થાની ખાતરી વગર યૂકેએ છૂટાછેડામાં કાયદાકીય રીતે બાધ્ય શ્રેણીબદ્ધ વાયદાઓ ન કરવા જોઈએ.

આમ, 'બ્લાઇન્ડ બ્રેક્સિટ'ની ચેતવણી થેરેસા મેને આપવામાં આવી છે.

ગત અઠવાડિયે જે છૂટાછેડા કરાર પર થેરેસા મે અને યુરોપિયન સંઘ વચ્ચે સમજૂતી સાધવામાં આવી છે, તેને 39 બિલિયન પાઉન્ડનાં 'તલાકનામા' તરીકે ઓળખવામાં આવે છે.

જોકે, આ સંઘિને અંતિમ પડાવ સુધી પહોંચતા હજી લાંબી મજલ કાપવાની છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ