ઇન્ટરપોલની ચૂંટણી : દક્ષિણ કોરિયાના કિમ જોંગ-યેંગ નવા પ્રમુખ બન્યા

કિમ જોંગ-યેંગ Image copyright AFP/GETTY IMAGES

ઇન્ટરપૉલના પ્રમુખ મેંગ હોંગવેઈની ચીનમાં ધરપકડ બાદ ઉભા થયેલા નાટકીય ઘટનાક્રમનો આખરે અંત આવી ગયો છે. રશિયાના ઍલેક્ઝાંડર પ્રોકોપચુક હરાવીને દક્ષિણ કોરિયન પોલીસ ઑફિસર કિમ-જોંગ-યેંગ ઇન્ટરપોલના નવા પ્રમુખ બન્યા છે.

રશિયાના ઍલેક્ઝાંડર પ્રોકોપચુકને પ્રમુખપદના પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. જોકે, એમનાં પર રશિયાની ટીકા કરનારા લોકો પર અરેસ્ટ વૉરંટનો ઉપયોગ કરવાનો આરોપ હતો.

ઇન્ટરપોલનાં ટૂંકા નામે જાણીતા ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઑર્ગેનાઇઝેશનના પ્રમુખ કોણ બનશે તે નક્કી કરવા માટે દુબઈમાં દુનિયાભરનાં પોલીસવડાઓની બેઠક મળી હતી.

આ દરમિયાન રશિયાએ ઇન્ટરપોલના પ્રમુખની ચૂંટણીમાં થયેલા મતદાનમાં હસ્તક્ષેપ થયો હોવાનો આરોપ મૂકયો છે.

ઉલ્લેખનીય છે કે ઇન્ટરપોલના અગાઉના પ્રમુખ મેંગ હોંગવેઈ ચીન પ્રવાસ દરમિયાન લાપતા થયા હતા અને પાછળથી ભષ્ટ્રાચારનાં આરોપ હેઠળ એમની ધરપકડ કરી હોવાનો ખુલાસો ચીને કર્યો હતો.

ત્યારબાદ તેમણે ઇન્ટરપોલના પ્રમુખપદેથી રાજીનામું આપ્યુ હતું.


કોણ છે કિમ જોંગ-યેંગ ?

Image copyright EPA

દુબઈમાં મળેલી ઇન્ટરપોલની સામાન્યસભામાં 101માંથી 61 મત કિમ જોંગ-યેંગને મળ્યા હતા અને ઇન્ટરપોલે એમની જીતની પૃષ્ટિ છે.

કિમ દક્ષિણ કોરિયામાં પોલીસ ઑફિસર રહી ચૂકયા છે અને તેઓ ત્યાં સૌથી વધારે વસ્તી ધરાવતા ગિયૉન્ગી પ્રાંતનાં પોલીસ પ્રમુખ પણ બન્યા હતા.

અગાઉ તેઓ ઇન્ટરપોલમાં ઉપ-પ્રમુખ હતા અને મેંગ હોંગવેઈ લાપતા બન્યા ત્યારથી ઇન્ટરપૉલના કાર્યવાહક પ્રમુખની જવાબદારી પણ નિભાવી રહ્યા હતા.

Image copyright Alamy

તમે આ વાંચ્યું કે નહીં?

Image copyright Alamy

કિમ જોંગ-યેંગ મેંગ હોંગવેઈના કાર્યકાળનાં બચેલા બે વર્ષ માટે પ્રમુખપદે રહેશે.

જોકે, આ પદ પર એમની નિયુક્તિ ફકત નામની માનવામાં આવે છે કેમ કે, ઇન્ટરપોલનાં રોજબરોજનાં કામની જવાબદારી મહાસચિવ જરગેન સ્ટૉકની પાસે જ રહેશે.

ચૂંટણી પછી કિમે કહ્યુ હતું કે, વર્તમાન સમયમાં દુનિયા સામે લોકોની સુરક્ષાને લઈને ઘણાં નવીન પડકારો ઊભા છે.

આ પડકારોને પહોંચી વળવા માટે આપણને સ્પષ્ટ દર્શનની જરૂર છે. આપણે ભવિષ્ય માટે યોજના બનાવવી પડશે.


કોણ છે લેક્ઝાંડરપ્રોકોપચુક?

Image copyright Getty Images

ઍલેક્ઝાંડર પ્રોકોપચુક રશિયાના જનરલ છે અને એમણે ઘણાં વર્ષો સુધી ગૃહવિભાગમાં કામ કર્યુ છે.

તેઓ જયારે મૉસ્કોમાં બ્યૂરો ચીફ હતા ત્યારે એમના પર આંતરરાષ્ટ્રીય વૉરંટ યાને ઇન્ટરપોલની ભાષામાં રેડ નોટિસ સિસ્ટમનો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ટીકાકારો વિરુદ્ધ ખોટો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો.

જોકે, તેઓ ઇન્ટરપોલનાં ચાર ઉપ-પ્રમુખો પૈકી એક રહ્યા છે અને એમની પર લાગેલા કોઈ આરોપ સાબિત થઈ શકયા નથી.

મૉસ્કોએ કહ્યુ હતું કે, તેઓ ઇન્ટરપોલના ઉપ-પ્રમુખ પદે બરકરાર રહેશે અને રશિયાનું પ્રતિનિધિત્વ કરશે.


લેક્ઝાંડર પ્રોકોપચુકનો વિરોધ કોણે કર્યો ?

રશિયાના માનવઅધિકાર સમૂહો અને અન્ય દેશોના અધિકારીઓમાં એ ભય ઊભો થઈ રહ્યો હતો કે જો ઍલેક્ઝાંડર પ્રોકોપચુક ઇન્ટરપોલના પ્રમુખ બનશે તો રશિયા આ પદનો ઉપયોગ પોતાના રાજકીય વિરોધીઓની સામે કરશે.

બે પક્ષોનાં અમેરિકન સેનેટર્સના એક સમૂહનું કહેવું હતું કે ઍલેક્ઝાંડર પ્રોકોપચુકને ચૂંટવાનો અર્થ ચોરને ઘરની રખવાળી સોંપવા બરાબર છે.

આ જ રીતે ક્રેમેલિનના એક મુખ્ય ટીકાકારે કહ્યું કે પ્રોકોપચુકને ઇન્ટરપોલના પ્રમુખ બનાવવાથી માફિયાઓને વધારે બળ મળશે.

આવી પ્રતિક્રિયાઓ પછી રશિયાએ કહ્યું કે ચૂંટણીમાં ખૂબ હસ્તક્ષેપ કરાઈ રહ્યો છે.

બ્રિટનના વિદેશ વિભાગ અને અમેરિકન વિદેશમંત્રી માઇક પૉમ્પિયોએ કિમ જોંગ-યેંગની દાવેદારીની તરફેણમાં મત આપ્યો હતો.

લિથુઆનિયા અને યુક્રેને તો જો પ્રોકોપચુક જીતશે તો તે ઇન્ટરપોલથી અલગ થઈ જશે એમ પણ કહ્યુ હતું.


કેટલી રેડ નોટિસ બહાલ થઈ?

બીબીસીની રિઆલિટી ચેક ટીમ અનુસાર મોટાભાગની રેડ નોટિસ સાર્વજનિક નથી એટલે એનો તાળો મેળવવો મુશ્કેલ છે.

શું આ રેડ નોટિસ ફકત રાજકીય કારણોથી બહાર પડાઈ છે એ જાણવું પણ મુશ્કેલ છે.

પરંતુ, રેડ નોટિસ બાબતે ઇન્ટરપોલ દ્વારા પ્રકાશિત ડેટાનો અભ્યાસ કરતાં કેટલીક ચોંકાવનારી જાણકારી મળી આવે છે.

પ્રથમ તો જેને દરેકે દેશે સાર્વજનિક કરેલા છે એ મામલાઓ બાબતે ઇન્ટરપોલનો ડેટા જણાવે છે કે 160 લોકો એવાં છે જેની તલાશ રશિયાને હતી. આમાં, કેટલાંક નામ અમેરિકા માટે વૉન્ટેડ હોય એવા લોકોનાં પણ છે.

ચીન માટે 44 લોકો વૉન્ટેડ હતાં અને બ્રિટન માટે ફક્ત એક.

જોકે, આ હજી તસવીર પૂર્ણ નથી કેમ કે દરેક દેશ આ સૂચનાઓને પોતાનાં કાયદા મુજબ રોકી શકે છે.

આમ, જે આંકડાઓ બીબીસીની રિઆલિટી ટીમને મળ્યાં છે એ દર્શાવે છે કે છેલ્લા એક દાયકામાં રેડ નોટિસ મોકલવાની સંખ્યામાં વધારો થયો છે.

ફેર ટ્રાયલ નામના એક સંગઠન દ્વારા મેળવવામાં આંકડાઓ મુજબ 2006માં ઇન્ટરપોલે 3000થી ઓછી નોટિસ ઇસ્યૂ કરી હતી પરંતુ આ આંકડો ધીરેધીરે વધીને 2017 સુધીમાં 13,000 સુધી પહોંચ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ