એ પ્રલય જેના કારણે દુનિયામાંથી ડાયનાસોરનો નાશ થયો

મેક્સિકોના યુકાટન પ્રાયદ્વીપ એનાં સેનોટ્સ માટે વિખ્યાત છે Image copyright SIMON DANNHAUER/ALAMY

એક સમય હતો જ્યારે ધરતી ઉપર ડાયનાસોરનું રાજ હતું. જાડાં-લાંબાં, અલમસ્ત, ઉડતાં, દોડતાં એમ તમામ પ્રકારનાં ડાયનાસોર ધરતી ઉપર વસતાં હતાં.

જોકે, આજથી લગભગ સાડા છ કરોડ વર્ષ પહેલાં એવી તબાહી આવી કે ડાયનાસોર જ નહીં, ધરતી ઉપર વસતા 80 ટકા જીવોનો નાશ થયો.

લગભગ 12 કિલોમિટરમાં ફેલાયેલો એક ઉલ્કાપિંડ ધરતી સાથે અથડાયો. બ્રહ્માંડમાં થયેલા આ ફેરફારે ધરતીને હલબલાવી નાખી.

જ્યાં આ ઉલ્કાપાત થયો હતો એ જગ્યાને વૈજ્ઞાનિકો વર્ષોથી શોધી રહ્યા હતા પરંતુ એમને એ ચોક્કસ જગ્યા મળતી નહોતી.

1980ના દસકામાં અમેરિકન પુરાતત્ત્વવિદોનો એક સમૂહ, અંતરિક્ષથી લેવામાં આવેલી કેટલીક તસવીરોનું બારીક નિરીક્ષણ કરી રહ્યો હતો.

એમાંથી મેક્સિકોના યુકાટન પ્રાયદ્વીપની પણ તસવીરો હતી. યુકાટનની નજીક જ સમુદ્રની વચ્ચે એક ગોળાકાર જગ્યા હતી.

આમ તો સેનોટ્સ, એટલે કે ગોળાકાર સિંક હૉલ જેવી વસ્તુઓ યુકાટનની ઓળખ છે.

અહીંયા સહેલાણીઓને લલચાવવા માટે બનતા બ્રૉશર્સમાં પણ સેનોટ્સનો ખૂબ ઉલ્લેખ કરવામાં આવે છે.

સેનોટ્સ, યુકાટનના સમતલ મેદાન વિસ્તારોમાં દૂર-દૂર સુધી ફેલાયેલા છે.

જયારે તમે આને અંતરિક્ષમાંથી જુઓ, તો આ ગુચ્છો અડધા ગોળા જેવો નજરે પડે છે.

આને જોતાં, કોઈ પરિકરથી ગોળો બનાવી રહ્યુ હતું અને જમીન ઉપર અડધી રેખા બન્યા પછી જમીન ખતમ થઈ ગઈ હોય એવું લાગે છે.


એક સમયે માયા સભ્યતાનું કેન્દ્ર હતું

Image copyright NASA IMAGE COLLECTION/ALAMY

અમેરિકન પુરાતત્ત્વવિદોએ અંતરિક્ષથી લેવામાં આવેલી આ તસવીરોને એકઠી કરીને જોઈ તો યુકાટન સુબાની રાજધાની મેરિડા, સમુદ્રી બંદર સિસાલ અને પ્રોગ્રેસો, એક ગોળાકાર સીમામાં બંધાયેલા જણાયા.

એક સમયે આ વિસ્તાર માયા સભ્યતાનું કેન્દ્ર હતો. અમેરિકન મૂળનિવાસી માયાના લોકો પીવાના પાણી માટે આ સેનોટ્સ પર નિર્ભર હતા.

આ બધા એક ગોળાકાર સીમામાં ફેલાયેલા છે એ વાત વૈજ્ઞાનિકોને ઘણી વિચિત્ર લાગી.

1988માં જ્યારે વૈજ્ઞાનિકોની કૉન્ફરન્સ સૅલ્પરનું આયોજન મેક્સિકોના અકાપલ્કોમાં થયું ત્યારે અમેરિકન પુરાતત્ત્વ વૈજ્ઞાનિકોએ આ વાતને સહુની સામે મૂકી.

તમે આ વાંચ્યું કે નહીં?

આ કૉન્ફરન્સમાં એડ્રિયાના ઓકૈમ્પો પણ ઉપસ્થિત હતાં. એડ્રિયાનાએ એ સમયે નાસામાં નોકરી શરૂ કરી હતી.

તેઓ એક ભૂસ્તરશાસ્ત્રી છે. હવે 63 વર્ષના વયસ્ક થઈ ચૂકેલાં એડ્રિયાના જણાવે છે કે તેઓને એ અર્ધગોળાકાર વિસ્તારમાં ફેલાયેલા સિંક હૉલને જોઈને લાગ્યું કે તેમને પોતાની મંઝિલ મળી ગઈ છે.

હવે એડ્રિયાના નાસાના લૂસી મિશન સાથે જોડાયેલા છે જે અંતર્ગત ગુરુ ગ્રહ ઉપર 2021 સુધીમાં યાન મોકલવામાં આવશે.

તેમને તસવીરો જોઈને જ હતું કે જ્યાં ક્યારેક ઉલ્કાપિંડ અથડાયો હતો એ જગ્યા આ જ હોઈ શકે છે. પરંતુ પુરાવા વગર આ વાત તેઓ પાકેપાયે કહી શકે તેમ નહોતા.

એટલે, તેમણે અન્ય વૈજ્ઞાનિકોને પૂછ્યું કે શું તેઓને આ વિચાર આવ્યો છે? એડ્રિયાના આશ્ચર્યથી કહે છે કે 'વૈજ્ઞાનિકોને એ સમજમાં જ ના આવ્યું કે હું એમને શું પૂછી રહી છું.'

પરંતુ એ તસવીરોથી એડ્રિયાના ઓકૈમ્પોનો સામનો થવો, એક વિશાળ મિશનની શરૂઆત હતી, જેમાં એ વાતની જાણકારી મેળવવામાં આવી કે યુકાટન પ્રાયદ્વીપના કિનારે-કિનારે સ્થિત એ સિંક હૉલ અથવા સેન્ટોસ હકીકતમાં એ ઠેકાણે છે, જ્યાં સાડા છ કરોડ વર્ષ પહેલાં ધરતી સાથે ઉલ્કાપિંડ અથડાયો હતો.


ઉલ્કાપિંડ અથડાવાથી શું-શું થયું હતું?

Image copyright SCIENCE HISTORY IMAGES/ALAMY

આ મહાવિસ્ફોટથી એવો પ્રલય આવ્યો હતો કે પૂછો નહીં! ખડકો ય પીગળી ગયા હતા.

1990ના દસકાથી જ અમેરિકા, યુરોપ અને એશિયાના વૈજ્ઞાનિકો આ ઉખાણાની કડીઓ જોડી રહ્યા છે.

હવે તેઓ એ તારણ ઉપર પહોંચ્યા છે કે 6.5 કરોડ વર્ષ પહેલાં જે 12 કિલોમિટર પહોળો ઉલ્કાપિંડ ધરતી સાથે અથડાયો હતો, તેનાથી ધરતી ઉપર 30 કિલોમિટર ઊંડો ખાડો પડી ગયો હતો.

બરાબર એ જ રીતે, જે રીતે કોઈ તળાવમાં પથ્થર મારો તો પાણી દબાઈ જાય.

આ અથડામણથી પીગળેલા ખડકોથી માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ ઊંચો પર્વત બની ગયો હતો. જે બાદમાં ધસી પડયો.

પ્રલયકારી આ ઘટનાથી આખી દુનિયા સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી.

લગભગ એક વર્ષ સુધી ધુમાડાના ગોટા ધરતી ઉપર ઘૂમરાતા રહ્યાં હતાં.

સૂરજનાં કિરણો ધરતી ઉપર પડતાં બંધ થઈ ગયાં હતાં. આખાં વર્ષ સુધી ધરતી ઉપર રાત જ રહી.

એનાથી ધરતીનું તાપમાન શૂન્યથી પણ ઘણાં ડિગ્રી સેલ્સિયસ નીચું જતું રહ્યું હતું.

પરિણામ એ આવ્યું કે ધરતીના 75 ટકા જીવ-જંતુઓ નાશ પામ્યાં. મોટાભાગે તમામ ડાયનાસોર એ જ કારણથી નષ્ટ થઈ ગયાં હતાં.

ઉલ્કાપિંડ જ્યાં ધરતી સાથે અથડાયો હતો, તેનું કેન્દ્ર આજે મેક્સિકોના ચિક્સુલબ પુએર્તો નામના કસ્બાની નીચે દટાયેલું છે.

બહુ જ ઓછી વસતી ધરાવતા ચિક્સુલબ કસ્બામાં ગણ્યાંગાંઠ્યા કાચાં-પાકાં મકાનો છે.

અહીંની વસતી થોડા હજાર હશે. આ કસ્બાની ખ્યાતિ દુનિયામાં વધુ નથી. જે લોકોને ખબર છે, તેઓ અહીંયાં આવીને ડાયનાસોરને શ્રદ્ધાંજલિ આપે છે.

ચિક્સુલબ કસ્બા સુધી પહોંચવા માટે આપને વાંકાચુકા રસ્તાઓ ઉપરથી પસાર થવું પડશે.

લોકોને આ જગ્યાનું મહત્ત્વ ખબર નથી. પરિણામ એ આવે છે કે લોકો નજીકમાં જ આ જ નામના એક અન્ય કસ્બા ચિક્સુલબ પુએબ્લો પહોંચી જાય છે.


ડાયનોસોર્સને યાદ કરતું ગામ

Image copyright SCIENCE PHOTO LIBRARY/ALAMY

આ કસ્બો પ્રોગ્રેસો નામના બંદરથી લગભગ 7 કિલોમિટર પૂર્વમાં આવેલો છે.

અહીંયા આવીને તમને ક્યારેય એવી લાગણી નહીં થાય કે એક સમયે અહીંયા ધરતીને સંપૂર્ણપણે બદલી નાખનારી ઘટના બની હતી.

આ કસ્બાના મુખ્ય ચાર રસ્તા પાસે તમને બાળકોએ બનાવેલું ડાયનાસોરનું ચિત્ર મળશે. એક ડાયનાસોરનું પૂતળું પણ અહીંયા જોવા મળે છે.

1991માં એડ્રિયાના ઓકૈમ્પોએ પોતાના સંશોધનને પ્રકાશિત કર્યું એ પહેલાં સુધી યુકાટન પ્રાયદ્વીપના આ ભાગમાં કોઈને પણ રસ નહોતો.

હાલમાં જ એટલે કે સપ્ટેમ્બર 2018માં અહીં એક મ્યૂઝિયમ પણ ખોલવામાં આવ્યું છે. જેનું નામ મ્યૂઝિયમ ઑફ સાયન્સ ઑફ ધ ચિક્સુલબ ક્રેટર છે.

આ મ્યૂઝિયમનો હેતુ લોકોને 6.6 કરોડ વર્ષ પહેલાં આવેલા પ્રલયની ઝાંખી કરાવવાનો છે. આ મ્યુઝિયમની મદદથી અહીં ટૂરિઝમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

આ સિવાય આ વિસ્તાર માયા સભ્યતાનો પણ ગઢ રહ્યો છે. જેથી અહીંના મૂળ નિવાસીઓની સભ્યતાની ઓળખ એકત્ર કરીને પ્રદર્શિત કરવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે.

એડ્રિયાના ઓકૈમ્પો માને છે કે ચિક્સુલબ પુએર્તો અને આસપાસના વિસ્તારોને દુનિયામાં વધુ ખ્યાતિ મળવી જોઈએ.

આ પ્રલયનું પરિણામ એ હતું કે આજે માણસનું દુનિયા ઉપર રાજ છે કેમ કે જો ડાયનાસોર જીવતાં હોત, તો આપણે ના હોત.

એડ્રિયાના કહે છે કે એ પ્રલયથી જ માનવીય સભ્યતાને વિકસવાની તક મળી.


કોની અસ્થિઓ ચાંદ ઉપર દફનાવેલી છે?

Image copyright Adamcastforth/Wikimedia Commons

એડ્રિયાનાને એ ઉલ્કાપિંડના અથડાવાની સાચી જગ્યાની ભાળ મેળવવામાં પ્રખ્યાત અંતરિક્ષ વૈજ્ઞાનિક યૂઝીન શૂમેકર દ્વારા મદદ મળી હતી. શૂમેકર એકમાત્ર વૈજ્ઞાનિક છે, જેમની અસ્થિઓની રાખ ચાંદ ઉપર દફન છે.

શૂમેકરે એડ્રિયાનાને કહ્યું હતું કે એ ઘટના સિવાય કોઈ અન્ય ખગોળીય ઘટનાથી બનેલા બિલકુલ ગોળાકાર પુરાવાઓ મળવા અશક્ય છે.

એટલે જો એડ્રિયાનાની શોધ પૂરી થશે તો તો તેનાથી ધરતીના ભૌગોલિક વિકાસને રેખાંકિત કરવામાં મદદ મળશે.

ઉલ્કાપિંડની ટક્કરથી ડાયનાસોરના ખાત્માની થિયરી સૌથી પહેલા કૅર્લિફોર્નિયાના પિતા-પુત્ર લુઈ અને વોલ્ટર અલ્વારેઝની જોડીએ 1980ના દસકામાં રજૂ કરી હતી.

એ સમયે તેમનો ખૂબ વિરોધ થયો હતો પરંતુ એડ્રિયાનાની શોધથી અલ્વારેઝ પિતા-પુત્રની થિયરી સાચી સાબિત થાય છે.

આ ઉખાણાની ઘણી કડીઓ વિખરાયેલી હતી. જેમ કે, 1978માં ભૂવૈજ્ઞાનિક ગ્લેન પેનફિલ્ડે મેક્સિકોની સરકારી તેલ કંપની પેમેક્સ માટે કેરેબિયન સમુદ્રની ઉપર ચક્કરો લગાવીને આનો સર્વે કર્યો હતો.

તેલની શોધ કરતા-કરતા તેમને સમુદ્રની અંદર વિશાળ ખાડો દેખાયો હતો.

આ પુરાવો તેલ કંપની પેમેક્સની મિલકત હતો. જેને લીધે એને સાર્વજનિક કરવામાં આવ્યો નહોતો.

યુકાટનના આ ગોળાને અલ્વારેઝની થિયરી સાથે જોડવાનું કાર્ય ટેક્સાસના પત્રકાર કાર્લોસ બાયર્સએ કર્યું હતું.

કાર્લોસે 1981માં હ્યુસ્ટન ક્રોનિકલમાં પોતાના લેખમાં સવાલ ઉઠાવ્યો હતો કે શું આ બે વચ્ચે કોઈ સંબંધ છે?


મંગળ ગ્રહનું વાયુમંડળ ધરતી જેવું હતું

Image copyright GRAHAM PRENTICE/ALAMY

બાયર્સે પોતાની થિયરી એક વિદ્યાર્થી એલન હિલ્ડેબ્રેન્ડને પણ જણાવી હતી. એલને ફરીથી પેનફિલ્ડ સાથે સંપર્ક કર્યો.

બાદમાં બંને મળીને એ તારણ ઉપર પહોંચ્યા કે જે ખાડો સમુદ્રની અંદર હતો, એ કોઈ જ્વાળામુખી નહીં, બલકે ઉલ્કાપિંડ સાથે અથડાઈને બનેલો ખાડો હતો.

એડ્રિયાના ઓકૈમ્પો આશ્ચર્ય વ્યક્ત કરે છે, "એક પત્રકારે આટલી મોટી શોધ કરી!"

આ કથા ઇતિહાસના વિખરાયેલા પાનાંને જોડવા પૂરતી નથી.

એ આપણને ધરતીથી પરે અન્ય દુનિયા વિશે જાણકારી વધારવામાં મદદગાર થઈ શકે છે.

નાસાએ આ જાણકારીનો ઉપયોગ મંગળ ગ્રહ ઉપર મોકલેલા પોતાના અંતરિક્ષ યાન ક્યૂરિયોસિટીથી આંકડા ભેગા કરવામાં કર્યો છે.

મંગળની સપાટી અને ભૂસ્તર બંધારણને બરાબર તપાસીને-પારખીને એ જાણવાની કોશિશ ચાલી રહી છે કે ઉલ્કાપિંડના અથડાવવાથી મંગળ ગ્રહ ઉપર શું પરિણામ આવ્યું હશે.

સંકેત એવા મળે છે કે મંગળ ગ્રહનું વાયુમંડળ પહેલેથી જ ધરતી જેવું જ હશે.

એડ્રિયાના કહે છે કે અતીતની ઘટનાઓથી આપણને ભવિષ્યના સંકેત મળે છે.

તેની તૈયારી સહેલી બને છે. જે પણ યુકાટન પ્રાયદ્વીપ ઉપર થયું, તેનાથી મંગળ ઉપર થયેલી ભૌગોલિક ઘટનાઓના સંકેત મળે છે."

ચિક્સુલબ ક્રેટર સાથે જોડાયેલી મોટાભાગની જાણકારી ખડકોના જાડા પડળોની અંદર ધરબાયેલી છે.

સ્થાનિક લોકોને હજુ પણ આ વિશે વધુ જાણકારી નથી. મેક્સિકોની સરકારે આ ક્રેટરને વિશ્વ ધરોહર જાહેર કરવા માટે યુનેસ્કોમાં અરજી આપી છે.

અહીંયા આવેલા મીઠા પાણીના ખાડાઓમાં માછલીઓની સાથે તરતા કદાચ જ લોકોને લાગણી થતી હશે કે આ એ જગ્યા છે, જે પ્રલયની સાક્ષી બની હતી.

એવો પ્રલય જેને ધરતીએ 10 કરોડ વર્ષમાં ફક્ત એક વાર જોયો છે.

એડ્રિયાના આ વાતે અફસોસ વ્યક્ત કરે છે કરતા કહે છે, "આ આપણા ગ્રહની સૌથી ખાસ જગ્યા છે. આ વિશ્વ ધરોહર છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો