તાઇવાન: જનમત સંગ્રહમાં સમલૈંગિક લગ્નને મંજૂરી નહીં

પ્રતીકાત્મક તસવીર Image copyright AFP

તાઇવાનમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવી કે નહીં તે મુદ્દે ગઈકાલે થયેલા જનમત સંગ્રહમાં લોકોએ તેનો અસ્વીકાર કર્યો છે. મતલબ કે તાઇવાનમાં ગે મૅરેજ કરવા ગેરકાયદે છે.

જો આ જનમત દ્વારા માન્યતા મળી ગઈ હોત તો તાઇવાન એશિયાનો પ્રથમ એવો દેશ બન્યો હોત, જ્યાં સમલૈંગિક લગ્નને કાયદેસરની માન્યતા મળી હોય.

દેશની સર્વોચ્ચ કોર્ટે ગે મૅરેજના પક્ષમાં ચુકાદો આપ્યો હતો અને સરકારને આદેશ આપ્યો હતો કે બે વર્ષમાં આ અંગે કાયદો બનાવવામાં આવે.

સંસદમાં વિચારાધીન કાયદા પર તેની શું અસર થશે, તે હજુ સ્પષ્ટ નથી.

જનમત સંગ્રહ પૂર્વે એક સર્વે અનુસાર એવું માલૂમ પડ્યું હતું કે જનતા આ બદલાવની વિરુદ્ધમાં છે.

જનમત સંગ્રહની સાથે સ્થાનિક ચૂંટણી માટે પણ મતદાન થયું હતું, જેમાં રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેનની પાર્ટીનો પરાજય થયો હતો.

ચૂંટણી પરાજય બાદ ત્સાઈ ઈંગ-વેને પાર્ટીનાં અધ્યક્ષપદેથી રાજીનામું ધરી દીધું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

સરકાર ઘડી રહી છે કાયદો

Image copyright AFP

સરકારનું કહેવું છે કે 18 મહિના અગાઉ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા જરૂરી કાયદાકીય ફેરફાર લાવવા માટે તે કટિબદ્ધ છે અને તેની ઉપર હાલના મતદાનની કોઈ અસર નહીં થાય.

પરંતુ આ અંગે ઝુંબેશ ચલાવનારાઓનું માનવું છે કે મતદાનના પરિણામની અસર કાયદો ઘડવાની પ્રકિયા પર પડશે અને નબળો કાયદો અમલમાં આવશે.

પરિણામ પૂર્વે ઍમનેસ્ટી ઇન્ટરનેશનલ માનવાધિકાર સંગઠનના પશ્ચિમ એશિયાના ચળવળકર્તા સુકી ચંગે એએફપી (એજન્સી ફ્રાન્સ પ્રેસ)ને કહ્યું હતું કે 'અંતે પ્રેમ અને સમાનતાનો વિજય થશે.'


શું માને છે લોકો?

Image copyright Reuters

શનિવારે ત્રણ અલગઅલગ વિષયના અનુસંધાને લગ્નના મુદ્દા પર જનમત સંગ્રહની કાર્યવાહી થઈ હતી.

કન્ઝર્વેટિવ ગ્રુપનું કહેવું હતું કે તાઇવાનના સિવિલ કોડ અંતર્ગત પુરુષ અને મહિલાના લગ્નના કાયદામાં કોઈપણ ફેરફાર થવો ના જોઈએ.

બીજી તરફ એલજીબીટી કાર્યકર્તાઓનું કહેવું હતું કે આ કાયદામાં સંશોધન થવું જોઈએ અને સમલૈંગિક લગ્નને પણ તેમાં સમાવવા જોઈએ.

આખરે પરિણામ કન્ઝર્વેટિવ ગ્રુપના પક્ષે આવ્યું હતું. સરકારે ગઈ કાલે કહ્યું હતું કે આ પરિણામ કોર્ટે સૂચવેલા બદલાવોને કોઈ અસર નહીં કરે.

હવે સત્તાધીકારીઓ સિવિલ કોડમાં કોઈ ફેરફાર કર્યા વિના ખાસ કાયદો લાવવાનું વિચારી રહ્યા છે.

પરંતુ અભિયાન સાથે જોડાયેલા લોકનું કહેવું છે કે આ કાયદો નબળો સાબિત થશે.

બીબીસી સંવાદદાતાના જણાવ્યા અનુસાર સમલૈગિંકોને કાયદાકીય સુરક્ષા મળી શકે એમ છે પરંતુ તેઓ લગ્ન કરી શકે તેવા કોઈ એંધાણ નથી.

જ્યારે એલજીબીટી (લૅસ્બિયન, ગે, બાયસેક્યુઅલ, ટ્રાન્સજેન્ડર) સમૂહનું કહેવું છે કે તેમને પણ સમાન લગ્નાધિકાર આપવામાં આવે.

આ સાથે જ એલજીબીટીના લોકોના અભ્યાસને પ્રશ્નો ઉપર પણ લોકોના મત જાણવામાં આવ્યા હતા.

તાઇવાન પબ્લિક ઑપિનિયન્સ ફાઉન્ડેશનના એક સર્વે અનુસાર, 77 ટકા મતદારોએ આ પુરુષ અને મહિલાના લગ્નેને સામાન્ય સંબંધ ગણવામાં આવે તેની તરફેણમાં મત આપ્યા હતા.


2020ની ચૂંટણીને અસર

Image copyright REUTERS
ફોટો લાઈન ત્સાઈ ઈંગ-વેન (વચ્ચે)

પત્રકારો સાથે વાતચીત કરતી વખતે રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેને કહ્યું હતું કે સ્થાનિક ચૂંટણીઓમાં તેમની સતત હાર થઈ રહી છે.

તેમણે ઉમેર્યું, "અમાર પ્રયાસો પૂરતા નહીં હોય જેથી કરીને અમે મતદારોને ગુમાવી રહ્યાં છીએ."

આ સાથે જ ચીન તરફ કૂણું વલણ ધરાવતો પક્ષ KMT એ 22 શહેરો અને કાઉન્ટીમાં કુલ 15 જગ્યાએ જીત મેળવી છે.

ચૂંટણી અભિયાન દરમિયાન ત્સાઈ અને તેમના પક્ષે એવું કહ્યું હતું કે ચીન આ ચૂંટણીમાં 'પગ' નાખી રહ્યું છે.

તેમણે એવો પર આરોપ મૂક્યો હતો કે ચીન ફેક ન્યૂઝ મારફતે વિરોધી પક્ષને તાઇવાનની લોકશાહી માટે ઉત્તમ પક્ષ ગણાવી રહ્યું છે.

આ બાબતની અસર ત્સાઈની છબી પર પડી અને મતદારો તેમના પક્ષથી અસંતોષ છે એવું સાબિત કર્યું.

તાઇવાનના 30 ટકા લોકો ડીપીપીના ટેકેદારો છે જેઓ સ્વતંત્રતાની માગ સાથે આગળ વધી રહ્યા છે.

પરંતુ લોકોની બહુમતી તાઇવાનના હાલના સ્ટેટસ સાથે જ ખુશ છે. તેઓ ના તો સ્વતંત્રતા ઇચ્છે છે, ના તો એકીકરણ.

તેઓ માત્ર ચીન સાથે સારા સંબંધ અને તાઇવાનની સમૃદ્ધી ઇચ્છે છે.

પરંતુ જો ત્સાઈ ચીન સાથેના તેમના વલણમાં સુધારો નહીં કરે તો તેમને સત્તા ગુમાવવી પડશે અને વર્ષ 2020ની ચૂંટણીમાં સંસદમાં પણ બહુમતી ગુમાવવાનો વારો આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા