બ્રેક્સિટ ડીલ : યૂકેના પ્રસ્તાવ પર યુરોપિયન સંઘના નેતાઓ સહમત

થેરેસા મે અને ડોનાલ્ડ ટસ્ક Image copyright AFP/Getty Images
ફોટો લાઈન યુરોપિયન કાઉન્સિલના વડા ડોનાલ્ડ ટસ્કે મેની ભલામણ

યુરોપિયન સંઘમાંથી નીકળી જવાના યુનાઇડેટ કિંગડમના મુસદ્દાને સંઘના નેતાઓએ સ્વીકારી લીધો હોવાનું યુરોપિયન સંઘના પ્રમુખ ડોનાલ્ટ ટસ્કે જણાવ્યું છે.

બ્રસેલ્સમાં સંબંધિત મામલે થયેલી ચર્ચામાં એક કરતાં પણ ઓછા કલાકના સમયગાળા દરમિયાન 27 નેતાઓએ આ મામલે પોતાની સહમતી દર્શાવી.

ટસ્કે નેતાઓ દ્વારા મળેલી સહમતીના સમાચાર ટ્વીટ કરીને જણાવ્યા.

આ પહેલાં ટસ્કે શનિવારે એવા સંકેત આપ્યા હતા બ્રેક્સિટ ડીલને મંજૂરી આપી દેવાશે.

જોકે, હાલ આ ડીલને બ્રિટિશ સંસદની મંજૂરી મળવાની બાકી છે, જ્યાં પહેલાંથી જ કેટલાય સાંસદો તેનો વિરોધ કરી રહ્યા છે.

આ પહેલાં ટસ્કે યુરોપિયન સંઘને ભલામણ કરી છે કે બ્રેક્સિટ ડીલને મંજૂરી આપવામાં આવે.

આ દરમિયાન ગ્રિબ્રાલ્ટાર ટાપુ અંગે બ્રિટન તરફથી લેખિત આશ્વાસન મળ્યા બાદ સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાન્ચેઝ બેઠકમાં સામેલ થયા હતા.

શિખર મંત્રણા પૂર્વે બ્રિટનના વડાં પ્રધાન થેરેસા મે બ્રસેલ્સ પહોંચ્યાં હતાં અને યુરોપિયન સંઘના અધિકારીઓ સાથે વાટાઘાટો હાથ ધરી હતી.

રાષ્ટ્રજોગ જાહેર પત્રમાં મેએ જણાવ્યું હતું કે દેશને લાભકારક હોય તે રીતે બ્રેક્સિટ ડીલને પાર પાડવી એ તેમનું મુખ્ય ધ્યેય છે.

દરમિયાન બ્રિટનના પૂર્વ વિદેશ પ્રધાન બૉરિસ જૉન્સનનું કહેવું છે કે આ ડીલ અમલમાં આવશે તો બ્રિટન એ યુરોપિન સંઘનું 'આશ્રિત રાષ્ટ્ર' બની રહેશે.

પૂર્વ નિર્ધારિત યોજના મુજબ 29મી માર્ચ 2019ના બ્રિટન યુરોપિયન સંઘમાંથી નીકળી જશે.


'દેશવાસીઓ સાથ આપે'

દરમિયાન બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેએ બ્રસેલ્સ ખાતેથી રાષ્ટ્રજોગ પત્ર લખ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે બ્રેક્સિટ ડીલ એ તેમની પ્રાથમિક્તા છે.

મેના કહેવા પ્રમાણે, દોઢ વર્ષ અગાઉ જ્યારે તેમણે પદભાર સંભાળ્યો, ત્યારે તેમની સમક્ષ યૂનાઇટેડ કિંગ્ડમને લાભ થાય તે રીતે બ્રેક્સિટની પ્રક્રિયાને પૂર્ણ કરવાનો પડકાર હતો.

મે ઉમેરે છે કે આ દોઢ વર્ષ દરમિયાન દેશને તથા તેના નાગરિકોને લાભકારક હોય તેવી ડીલ મેળવવી એ તેમનો હેતુ છે.

આ સાથે જ મેએ એક મિનિટનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો અને બ્રેક્સિટ અંગે પ્રચલિત આશંકાઓને દૂર કરવા પ્રયાસ કર્યો હતો.

આપને આ પણ વાંચવું ગમશે

હવે શું થશે?

Image copyright PA
ફોટો લાઈન મે સમક્ષ સંસદમાં પ્રસ્તાવને પસાર કરાવવાનો પડકાર રહેશે

રવિવારે યુરોપિયન સંઘની શિખર મંત્રણા થઈ રહી છે, જેમાં બ્રેક્સિટનો મુદ્દો ચર્ચા છે. આ બેઠક દરમિયાન મતદાન તો નહીં થાય, પરંતુ આ મુદ્દે સહમતી સાધવા માટે પ્રયાસ કરવામાં આવશે.

જેમાં બ્રિટન તથા યુરોપિયન સંઘ વચ્ચેના સંબંધનો અંત કેવી રીતે લાવવો તથા ઉત્તર આયર્લૅન્ડ સાથે કેવી રીતે સંબંધ યથાવત્ રહેશે, તે અંગે ચર્ચા થશે.

યુરોપિયન યુનિયન દ્વારા પ્રસ્તાવને મંજૂર કરવામાં આવે તે પછી તેને બ્રિટનની સંસદમાં પસાર કરાવવા પડકાર થેરેસા મે સામે રહેશે.

લેબર, લિબ્રલ ડેમૉક્રેટિક જેવી મુખ્ય પાર્ટીઓ તથા ખુદ મેની કન્ઝર્વેટિવ પાર્ટીના અમુક સાંસદો અગાઉથી જ જાહેર કરી ચૂક્યા છે કે તેઓ પ્રસ્તાવની વિરુદ્ધ મતદાન કરશે.

ઉલ્લેખનીય છે કે જૂન 2016માં બ્રિટનના 51.9 ટકા નાગરિકોએ જનમત સંગ્રહ દરમિયાન યુરોપિયન સંઘમાંથી નીકળી જવાના પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ