ફ્રાંસમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે હિંસક પ્રદર્શન

પ્રદર્શનકારી Image copyright REUTERS
ફોટો લાઈન અમુક પ્રદર્શનકારીઓએ રસ્તા પર ગાડીઓને આગ ચાંપી દીધી

ફ્રાંસની રાજધાની પેરિસમાં ડીઝલ અને પેટ્રોલની વધતી કિંમતોના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનોની રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈક્રૉંએ ટીકા કરી છે અને કહ્યું છે કે પ્રદર્શનકારીઓને શરમ આવવી જોઈએ.

મૈક્રૉંને એક ટ્વીટ કર્યું, "હુલ્લડખોરોને શરમ આવવી જોઈએ. લોકતાંત્રિક ફ્રાંસમાં હિંસાને કોઈ સ્થાન નથી."

પૅરિસ ખાતે પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે પોલીસે આંસુ ગૅસના સેલ અને વૉટર કેનનનો ઉપયોગ કર્યો હતો.

પૅરિસમાં છેલ્લા બે અઠવાડિયાથી દર અઠવાડિયે હજારો લોકો વિરોધ પ્રદર્શનોમાં સામેલ થઈ રહ્યા છે.

પેરિસના શાંજ એલીજે વિસ્તારની સંવેદનશીલ જગ્યાઓ પર બૅરિકેડ તોડવાનો પ્રયાસ કરી રહેલા પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસા થઈ હતી અને પરિસ્થિતિ વણસી ગઈ હતી.

પ્રદર્શનકારીઓએ કેટલીક ગાડીઓને આગ પણ ચાંપી દીધી હતી.

વિરોધ પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ ભેગા થયા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે ત્રણ હજાર પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા હતા.

Image copyright Getty Images

પ્રદર્શનના આયોજકોએ તાજેતરમાં થઈ રહેલા પ્રદર્શનને પોતાના અભિયાનનો 'બીજો પડાવ' કહ્યો છે. આ પ્રદર્શનકારીઓએ પીળા રંગના જાકીટ પહેર્યાં હતાં.

શાંજ એલીજે વિસ્તારમાં વડા પ્રધાનના કાર્યાલય સહિત અન્ય મહત્ત્વપૂર્ણ ઇમારતો આવેલી છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે ઇમારતો આગળ બૅરિકેડ્સ લગાવી દીધા છે.

અધિકારીઓનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ પણ પ્રદર્શનકારીઓ આ વિસ્તારમાં પ્રવેશ નથી કરી શક્યા.

અમુક પ્રદર્શનકારીઓએ ફટાકડા અને રસ્તાઓ પરથી પથ્થરો કાઢીને પોલીસ પર ફેંક્યા હતા. તેઓ રાષ્ટ્રપતિ મૈક્રૉં વિરુદ્ધ નારેબાજી રહી રહ્યા હતા અને તેમના રાજીનામાની માગ કરી રહ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?


શા માટે ગુસ્સામાં છે પ્રદર્શનકારીઓ?

Image copyright AFP/GETTY IMAGES
ફોટો લાઈન પ્રદર્શનકારીઓ અને પોલીસ અથડામણ વચ્ચેનો સંઘર્ષ

ફ્રાંસમાં મોટાભાગે ડીઝલથી ગાડીઓ ચાલે છે. અહીં છેલ્લા 12 મહિનામાં ડીઝલની કિંમતમાં 23 ટકાનો વધારો થયો હતો.

વૈશ્વિક સ્તરે ક્રૂડઑઈલ કિંમતો વધી હતી અને ત્યારબાદ ઓછી પણ થઈ હતી, પરંતુ મૈક્રૉં સરકારે ડીઝલ પર 7.6 સેન્ટ પ્રતિ લીટર અને પેટ્રોલ 3.9 પ્રતિ સેન્ટ ટકાનો હાઇડ્રોકાર્બન ટૅક્સ નાખ્યો હતો.

સરકારનું કહેવું હતું કે તેમણે વીજળીથી ચાલતી કારો અને સ્વચ્છ બળતણને પ્રોત્સાહન આપવા આ પગલાં ભર્યાં છે.

ત્યારબાદ 1 જાન્યુઆરી 2019થી ડીઝલની કિંમતો પર 6.5 સેન્ટ અને પેટ્રોલ પર 2.9 સેન્ટ વધારવાનો નિર્ણય લીધો.

રાષ્ટ્રપતિ અનુસાર કિંમતો વધારવા પાછળનું મુખ્ય કારણ ક્રૂડઑઈલ વૈશ્વિક કિંમતો છે. તેમણે એવું પણ કહ્યું કે, અક્ષય ઊર્જામાં નિવેશ વધારવા માટે જીવાશ્મિ બળતણ (ફોસિલ ફ્યૂઅલ) પર વધુ ટૅક્સ નાખવાની જરૂરિયાત છે.


અઠવાડિયાનો ઘટનાક્રમ

Image copyright Reuters

ફાંસમાં બે હજારથી વધુ જગ્યાઓએ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યાં, જેમાં લગભગ બે લાખ 80 હજાર લોકો જોડાયા હતા.

આ પ્રદર્શનોમાં બે લોકોનાં મૃત્યુ થયાં, જ્યારે 600થી વધુ ઘાયલ થયા હતા. પોલીસે 50 લોકોની ધરપકડ પણ કરી છે.

એક કાર ડ્રાઇવરે કારને પ્રદર્શનકારીઓ વચ્ચેથી કાઢતા એક વ્યક્તિનું મોત થયું હતું. અન્ય પ્રદર્શનકારીનું બાઇક અકસ્માતમાં મૃત્યુ થયું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો