શું મારા બાળકોનાં મૃત્યુ પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરવાથી થયાં?

બાળકની તસવીર

રુબા અને સાકિબ એવા જીન્સ સાથે જીવી રહ્યાં છે કે જેના કારણે તેમનાં બાળકનું નાનપણમાં જ મૃત્યુ થઈ શકે છે. તેઓ પહેલાંથી જ પોતાનાં ત્રણ બાળકોને ગુમાવી ચૂક્યાં છે. હવે રુબા એક સ્વસ્થ ગર્ભ માટે આઈવીએફની મદદ લેવા માગે છે. સાકિબને અલ્લાહ પર પુરો ભરોસો છે અને કેટલાક સંબંધીઓ ઇચ્છે છે કે તેમણે બીજા લગ્ન કરી લેવા જોઈએ.

રુબા બીબી નાની ઉંમરે લગ્ન કરવા જ માગતાં નહોતાં.

તેમણે યુનિવર્સિટીમાંથી એ- લેવલ કરવાની તૈયારી કરી હતી. પરંતુ માધ્યમિક શિક્ષણ પૂર્ણ થાય તે પહેલાં જ તેમનાં માતાપિતાએ પાકિસ્તાનમાં તેમના પિતરાઈ ભાઈ સાકિબ મહેબૂબ સાથે તેમનાં લગ્ન કરાવી દીધા.

રુબાનો જન્મ બ્રૅડફૉર્ડમાં થયો હતો અને તેમણે ત્યાંથી જ શિક્ષણ મેળવ્યું હતું.

લગ્ન પહેલાં રુબા માત્ર બે વખત જ પાકિસ્તાન ગયાં હતાં.

એક વખત જ્યારે તેમની ઉંમર ચાર વર્ષની હતી અને બીજી વખત જ્યારે તેઓ 12 વર્ષનાં હતાં.

રુબાને યાદ પણ ન હતું કે જેમની સાથે તેમની સગાઈ થઈ, તે વ્યક્તિ કેવી દેખાય છે અને રુબાએ ક્યારેય તેમની સાથે એકલતામાં સમય પણ વિતાવ્યો ન હતો.

રુબાની ઉંમર 17 વર્ષની હતી અને સાકિબ 27 વર્ષના હતા. સાકિબ વ્યવસાયે એક ડ્રાઇવર હતા.

તેઓ તે સમયને યાદ કરે છે, "હું ખૂબ જ ડરેલી હતી કેમ કે હું તેમને ઓળખતી ન હતી."

"હું ખૂબ જ શરમાળ હતી. હું કોઈ સાથે વધારે વાત કરતી ન હતી અને આ પહેલા મને ક્યારેય છોકરાઓ સાથે વાત કરવામાં રસ પણ રહ્યો નહતો."

"હું ખૂબ જ ડરેલી હતી. મેં મારા માતા પિતાને આજીજી કરી કે મને પહેલાં મારું શિક્ષણ પૂર્ણ કરી લેવા દો પછી મારા લગ્ન કરાવી દેજો, પરંતુ તેમણે મારી એક વાત ન સાંભળી."

તમે આ વાંચ્યું કે નહીં?

પાકિસ્તાન ગયા બાદ ત્રણ મહિનામાં તેઓ ગર્ભવતી થઈ ગયાં હતાં. બે મહિના બાદ તેઓ બ્રૅડફૉર્ડ પરત ફર્યાં.

આટલી જલદી બાળક હોવાના સમાચારથી તેમને આશ્ચર્ય પણ થયો અને ખુશી પણ થઈ હતી.

2007માં તેમના દીકરા હસનનો જન્મ થયો. પહેલાં તો તેમને લાગ્યું કે જાણે બાળકને ખૂબ ઊંઘ આવે છે અને તેને દૂધ પીવામાં થોડી મુશ્કેલી થાય છે.

રુબા કહે છે, "મને લાગ્યું કે જાણે આ બધી વસ્તુ સામાન્ય બાબત છે."

થોડાં અઠવાડિયા બાદ તેઓ બાળકના ચેક-અપ માટે ડૉક્ટર પાસે ગયાં. ડૉક્ટરે હસનની તપાસ કરી. તેમણે જોયું કે તેના નિતંબ કડક લાગી રહ્યા હતા.


જ્યારે બીમારી વિશે ખબર પડી

રુબા જણાવે છે, "મને લાગ્યું કે કોઈ સામાન્ય બીમારી હશે. તેમણે કેટલાક ટેસ્ટ કર્યા અને મને બોલાવવામાં આવી. મને કહ્યું કે ટેસ્ટના પરિણામ જાણવા માટે વૉર્ડમાં જવું પડશે."

"જ્યારે હું અંદર ગઈ તો ડૉક્ટરે જણાવ્યું કે ખૂબ ખરાબ સમાચાર છે. તેમણે મને એક કાગળ હાથમાં આપ્યો અને કહ્યું કે બાળક ખૂબ જ દુર્લભ સ્થિતિમાં છે."

"મને કંઈ સમજાયું નહીં અને હું રડવા લાગી. ઘરે પહોંચતાં જ મેં પાકિસ્તાન મારા પતિને ફોન લગાવ્યો, જેમણે મને ચૂપ કરી."

"તેમણે કહ્યું કે દરેક વ્યક્તિને કોઈને કોઈ મુશ્કેલી હોય જ છે અને બાળકને તકલીફમાંથી બહાર કાઢવા માટે આપણે બન્ને સાથે કંઈક કરીશું."

રુબાને ખબર ન હતી કે તેઓ અને તેમના પતિ આઈ-સૅલ માટે અવ્યવસ્થિત જીન સાથે જીવી રહ્યા છે, જેના કારણે તેમનાં બાળકો ખતરામાં મૂકાયા હતા.

આ ખૂબ જ દુર્લભ બીમારી છે, જે આનુવંશિક હોય છે.

સાત મહિના બાદ સાકિબને બ્રિટન માટે વિઝા મળી ગયા, જેનાથી તેમને તેમના બાળકને જોવા તેમજ પોતાના ખોળામાં રમાડવાની પહેલી તક મળી.

"તેમણે કહ્યું કે આ તો સામાન્ય બાળક જેવું જ લાગે છે. મારું સંતાન ન તે બેસી શકતું હતું, કે ન તો ઘૂંટળના બળે ચાલી શકતું હતું, પણ મારા પતિએ કહ્યું કે કેટલાક બાળકોને તેમાં સમય લાગતો હોય છે."

જોકે, રુબા તેમના અને એ જ ઉંમરના બીજાં બાળકો વચ્ચેનું અંતર જોઈ શકતાં હતાં.

હસન ધીરેધીરે મોટો થઈ રહ્યો હતો. છાતીમાં ઇન્ફૅક્શનના કારણે હૉસ્પિટલ જવાનું ચાલતું રહેતું હતું.

જેમજેમ હસન મોટો થઈ રહ્યો હતો, તેના માથાનો આકાર પણ વધી રહ્યો હતો.

વર્ષ 2010માં તેમની દીકરી અલીશબાહનો જન્મ થયો.

ટેસ્ટ કરાવતાં ખબર પડી કે તે પણ આઈ-સેલથી પીડિત છે.

મોટાભાઈના મૃત્યુના એક વર્ષ બાદ 2013માં તેનું પણ મૃત્યુ થયું.

તેની ઉંમર માત્ર 3 વર્ષની હતી.

ત્રીજી વખત ગર્ભ ધારણ કરતાં પહેલા રુબાએ લીડ્સ ટીચિંગ હૉસ્પિટલના મુસ્લિમ મૌલવી મુફ્તી ઝુબૈર બટ્ટ સાથે મુલાકાત કરી હતી.

તેઓ જાણવા માગતાં હતાં કે શું તેમનો ધર્મ ગર્ભાવસ્થા દરમિયાન આઈ- સેલની જાણકારી મેળવી શકે છે અને ગર્ભપાત છૂટ આપી શકે છે?

તેમણે રુબાને કંઈ પણ કરતાં પહેલાં તેના વિશે સારી રીતે વિચારવા સલાહ આપી.

તેમણે એ પણ જણાવ્યું કે તેમણે એવું ન કરવું જોઈએ.

તેમની પાસે ગર્ભપાત કરાવવાનો હક છે પણ એ સત્ય સાથે આખું જીવન વિતાવવું પડશે કે તેમણે પોતાના બાળકને ગર્ભમાં જ મારી નાખ્યું.


ગર્ભપાત કરાવવાનો નિર્ણય

તેમણે રુબાને સમાજનો વિચાર કરવાની સલાહ આપી કે જ્યાં ગર્ભપાતના વિરોધની શક્યતા હતી.

તેમણે કહ્યું, "તેમાંથી બહાર નીકળવું એક મોટો અને વ્યક્તિગત પડકાર છે."

રુબાએ ગર્ભપાત ન કરાવવાનો નિર્ણય લીધો.

વર્ષ 2015માં તેમની દીકરી ઇનારાએ જન્મ લીધો.

આ વખતે તેમણે મેડિકલ સ્કૅન ન કરાવ્યું અને ડૉક્ટરની સલાહને પણ ન સ્વીકારી.

તેઓ કહે છે, "હું આ વખતે એક સામાન્ય ગર્ભવતી સ્ત્રીની જેમ જીવવા માગતી હતી. હું મારા મગજમાં આ વખતે એવી કોઈ શંકા રાખવા નહોતી માગતી. મેં ગર્ભપાત ન કરાવ્યો. હું ગર્ભાવસ્થાનો આનંદ લેવા માગતી હતી."

ઇનારાનો જન્મ પણ આઈ- સેલ સાથે થયો હતો.

રુબા કહે છે, "હું બધું જાણતી હતી પરંતુ જ્યારે અમે તેને જોઈ તો અમને એ વાતની ખુશી હતી કે અમારી પાસે એક બાળક હતું."

"હું દુઃખી અને પરેશાન હતી. અમે એક સ્વસ્થ બાળક ઇચ્છતાં હતાં. મને ખબર નથી કે મારી બાળકીને કેટલી તકલીફ થતી હશે. પણ મારા પતિ ખુશ હતા."

લગભગ એક વર્ષ બાદ ઇનારાનું બે વર્ષની વયે મૃત્યુ થયું હતું. ગત ડિસેમ્બરમાં તેને છાતીમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું અને તેની હાલત બગડવા લાગી હતી.

તેને બ્રૅડફૉર્ડ રૉયલ ઇન્ફર્મરીથી યૉર્ક લઈ જવામાં આવી હતી.

રુબા કહે છે, "યૉર્કમાં ડૉક્ટરોએ ઇનારાને જીવીત રાખવા માટે 100 ટકા પ્રયાસ કર્યો. મારી પાસે એક આશા હતી."

"પરંતુ હું જોઈ શકતી હતી કે તે કેટલી તકલીફમાં હતી. જ્યાં સુધી તેનું મૃત્યુ ન થયું, ત્યાં સુધી તે સ્થિર રહી. વધારે સમય તે મારી પાસે જ રહી હતી. હું પણ તેની પાસે સુઈ ગઈ હતી. મારા પતિને લાગવા લાગ્યું હતું કે તે અંતિમ શ્વાસ લઈ રહી છે."

રુબાનું કહેવું છે કે ઇનારાની મૃત્યુ સમયે પણ તેઓ ગર્ભવતી હતાં.

જોકે, તે અંગે તેમને ખબર ન હતી. ઇનારાના અંતિમ સંસ્કાર બાદ તુરંત તેમણે ગર્ભપાત કરાવી લીધો.

રુબા કહે છે કે ઇનારાનાં મૃત્યુ બાદ તેમણે તેમનાં બાળકોનાં મૃત્યુ અને પિતરાઈ ભાઈ સાથે લગ્ન વચ્ચે સંબંધનો સ્વીકાર કરી લીધો હતો.

"મારા પતિ હજુ પણ આ વાત પર વિશ્વાસ કરતા નથી."

"મને વિશ્વાસ છે કેમ કે આવું ત્રણ વખત થયું. એ માટે જો ડૉક્ટર આવું કહી રહ્યાં છે તો તેમાં કંઈક તો સત્યતા હશે."

ઇનારાનાં મૃત્યુ બાદ બ્રિટન અને પાકિસ્તાન સ્થિત રુબા અને સાકિબના કેટલાક સંબંધીઓને લાગવા લાગ્યું હતું કે તેમને એક સ્વસ્થ બાળક થવું અશક્ય છે.

તેમણે ખુશીથી અલગ થઈ જવું જોઈએ અને બન્નેએ બીજા કોઈ સાથે ફરીથી લગ્ન કરી લેવાં જોઈએ.

રુબા કહે છે, "અમે બન્નેએ આ વાતને નકારી દીધી છે."

"મારા પતિ કહે છે, જો અલ્લાહે મને બાળક આપવા હશે તો તે મને તારા થકી જ આપી શકે છે. હું બીજા કોઈ સાથે ફરીથી લગ્ન નહીં કરું અને ન તો તમે બીજા કોઈ સાથે લગ્ન કરી શકો છો, આપણે બન્ને એકસાથે રહીશું."

ભલે રુબા વર્ષ 2007માં લગ્ન કરવા માગતાં નહોતાં પરંતુ લગ્નનાં 10 વર્ષ બાદ તેઓ આ સંબંધથી ભાગવાં માગતાં નથી.

"સંબંધીઓ ઇચ્છતાં હતાં કે અમે બીજા કોઈ સાથે લગ્ન કરી લઈએ અને બાળકોને જન્મ આપીએ. બીજી કોઈ વ્યક્તિ મને સ્વસ્થ બાળક તો આપી દેશે પણ મને તે ભાવના નહીં આપી શકે જે ભાવના મને મારા પતિ આપી શકે છે."

"મારી પાસે બાળકો તો હશે પરંતુ ખુશહાલ જીવન નહીં હોય. હું સિંગલ મધર તરીકે એકલાં જ મારાં બાળકોને ઉછેરવાં માગતી નથી."


આ સિવાય તેમની પાસે બીજા કયા વિકલ્પ છે?

આઈવીએફ એક વિકલ્પ છે. તેના દ્વારા ડૉક્ટર ભ્રૂણમાં જ આઈ-સેલની જાણકારી મેળવી શકે છે. તેઓ તેને રિજેક્ટ કરી રુબાની કોખમાં સ્વસ્થ ભ્રૂણનું પ્રત્યારોપણ કરી શકે છે.

રુબા કહે છે કે સાકિબ તેના માટે તૈયાર નથી.

તેઓ કહે છે, "મારા પતિ કહે છે કે જે અલ્લાહ આપશે તે મંજૂર હશે. જો આ રીત બાળક કરવું હોય તો એ તો આપણે ગમે ત્યારે કરી શકીએ છીએ."

રુબા આઈવીએફથી એક પ્રયાસ કરવા માગે છે પરંતુ તેના માટે રાહ જોવી પડશે.

આઈવીએફ માટે તેમણે તેમના પતિ સાથે અપૉઇન્ટમેન્ટ પણ લીધી છે પરંતુ તેમનાં પતિ જે બૅકરીમાં કામ કરે છે, ત્યાંથી સમય કાઢી શકતા નથી.

તેઓ ઇંગ્લિશમાં વાત પણ કરી શકતા નથી.

રુબા કહે છે, "તેઓ ત્યાં બેસી રહે છે. તેમને ખબર નથી હોતી કે શું વાતચીત ચાલી રહી છે."


ત્રણ બાળકો

હસન મહેમૂદ : 5 જૂલાઈ 2007ના રોજ જન્મ - 5 ઓગસ્ટ 2012ના રોજ મૃત્યુ

અલીશબાહ મહેમૂદ : 22 મે 2010ના રોજ જન્મ - 13 નવેમ્બર 2013ના રોજ મૃત્યુ

ઇનારા ઈશાલ : 22 એપ્રિલ 2015ના રોજ જન્મ - 6 ડિસેમ્બર 2017ના રોજ મૃત્યુ


રુબા અને સાકિબના અનુભવોએ તેમનાં પરિવારજનોને શીખ આપી છે, જેમાં રુબાના ભાઈનો પણ સમાવેશ થાય છે કે જેમણે પિતરાઈ ભાઈ-બહેનોનાં લગ્નનો વિરોધ કર્યો છે.

રુબા કહે છે, "દસ વર્ષ પહેલા મેં મારા માતા પિતાની વાતને માની લીધી હતી. પણ હવે મારા પિતરાઈ ભાઈ-બહેનો સામે વિકલ્પ રાખવામાં આવી રહ્યા છે."

"તેઓ ભાઈ-બહેનોનાં થતાં લગ્નનો વિરોધ કરી રહ્યાં છે. જો આજના યુવાનો પિતરાઈ ભાઈ- બહેનો સાથે લગ્ન કરવા માગતા નથી તો તેઓ તેનો વિરોધ કરી શકે છે."

ત્રણ બાળકો ગુમાવ્યા સિવાય રુબા 6 વખત કસુવાવડનો ભોગ પણ બન્યાં છે.

છેલ્લી કસુવાવડ ઇનારાની મૃત્યુનાં એક અઠવાડિયા બાદ જ થઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો