કાર્યસ્થળ પર મહિલા-પુરુષ વચ્ચે સમાનતા આવવામાં લાગી જશે 200 વર્ષ

મહિલા- પુરુષ

ઇમેજ સ્રોત, Getty Images

મહિલાઓ લાંબા સમયથી કાર્યસ્થળ પર સમાન વ્યવ્હાર અને વેતનની માગ કરી રહી છે. જોકે, સ્ત્રી પુરુષની વચ્ચે સમાનતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં હજુ સદીઓ લાગી જશે. આ વાત એક રિપોર્ટમાં સામે આવી છે.

વર્લ્ડ ઇકૉનોમિક ફોરમએ તાજેતરમાં ગ્લોબલ જેન્ડર ગૅપ રિપોર્ટ જાહેર કર્યો છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2017ની સરખામણીએ આ વર્ષે વેતન સમાનતા મામલે થોડો સુધારો જોવા મળ્યો છે.

રિપોર્ટ પ્રમાણે, 149 દેશોમાંથી 88 દેશોએ મહિલાઓને મળતાં વેતનમાં સારો એવો સુધારો કર્યો છે.

પરંતુ સામાન્ય તસવીર હજુ પણ પડકારજનક છે.

રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે રાજકારણમાં મહિલાઓનું ઘટતું પ્રતિનિધિત્વ અને શિક્ષણ તેમજ સ્વાસ્થ્ય સેવાઓ સુધી પહોંચમાં અસમાનતાના પગલે આ સુધાર ધૂંધળાં પડી ગયાં છે.

WEFના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે જેટલી ઝડપે સુધારો થઈ રહ્યો છે, તે હિસાબે દુનિયાભરના દરેક ક્ષેત્રે હાજર સ્ત્રી- પુરુષ અસમાનતાને આગામી 100 વર્ષો સુધી દૂર કરી શકાશે નહીં.

જ્યારે કાર્યસ્થળ પર અસમાનતા દૂર થવામાં 200 વર્ષ લાગી શકે છે તેવી આશા છે.

નીચે દર્શાવેલી કેટલીક પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ એક સારી બાબત પણ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

1. સમાન વેતન મળવામાં બે સદીઓ લાગી જશે

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વભરમાં આર્થિક તંત્રમાં સહભાગિતા અને તેમાં મળતી તકોમાં અસમાનતા જોવા મળે છે. પણ રાજકારણમાં તો લૈંગિક ભેદભાવ કંઈક વધારે જ ખરાબ છે.

જોકે, રાજકારણમાં અસમાનતા ઝડપથી ઘટી રહી છે. રાજકારણમાં 107 વર્ષની અંદર લૈંગિક સમાનતા જોવા મળી શકે છે.

હાલ જાહેર થયેલી ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશન રિપોર્ટ જણાવે છે કે મહિલા અને પુરુષ વચ્ચે ગ્લોબલ ઇન્કમ ગૅપ આશરે 20 ટકા છે.

સ્ત્રી પુરુષ સમાનતા મામલે આઇસલેન્ડ સૌથી ઉપર છે.

વર્લ્ડ ઇકૉનોમિક ફોરમના રિપોર્ટ પ્રમાણે, વધારે પ્રમાણમાં મહિલાઓ એવા કાર્યો સાથે પણ જોડાયેલી છે, જેના માટે તેમને વેતન મળતું નથી.

રિપોર્ટ કહે છે, "જે 29 દેશોનો ડેટા પ્રાપ્ત થયેલો છે, તેમાં મોટા ભાગની મહિલાઓ ઘરકામમાં વિતાવે છે અને સાથે સાથે એવા કામમાં પોતાનો સમય વિતાવે છે કે જેના માટે તેમને પૈસા મળતા નથી."

સંશોધકો કહે છે કે માત્ર 60 ટકા દેશોમાં મહિલાઓને પુરુષો જેટલી આર્થિક સેવાઓ મળી રહે છે.

2. સરકારી ઑફિસમાં મહિલા- પુરુષ વચ્ચે ભેદભાવ

ઇમેજ સ્રોત, Getty Images

ગ્લોબલ જેન્ડર રિપોર્ટ મુજબ, 149 દેશોમાંથી માત્ર 17 દેશો એવા છે કે જેને મહિલા ચલાવે છે.

રિપોર્ટ કહે છે, "છેલ્લાં 50 વર્ષમાં 149 દેશોમાં મહિલાઓનો વડાં પ્રધાન તરીકે કાર્યકાળ માત્ર 2.2 વર્ષનો રહ્યો છે."

જ્યારે કૅબિનેટ સ્તર પર મહિલાઓની પરિસ્થિતિ થોડી સારી છે. સમગ્ર વિશ્વમાં 18 ટકા મંત્રીઓ મહિલા છે.

વિશ્વની સંસદોની વાત કરીએ તો તેમાં માત્ર 24 ટકા પ્રતિનિધિ મહિલા છે.

સંસદમાં સૌથી વધારે મહિલા ધરાવતો દેશ છે રવાન્ડા કે જ્યાં સંસદમાં 61.3 ટકા સભ્યો મહિલા છે.

3. કેટલાક દેશોમાં હજુ પણ શૈક્ષણિક અવરોધ

ઇમેજ સ્રોત, Getty Images

વર્લ્ડ ઇકૉનોમિક ફૉરમના રિપોર્ટ પ્રમાણે, 44 દેશોમાં મહિલાઓ નિરક્ષરતાનો દર 20 ટકા કરતા વધારે છે.

સૌથી ખરાબ પરિસ્થિતિ ચાડમાં છે કે જ્યાં માત્ર 13 ટકા મહિલાઓ લખી અને વાંચી શકે છે.

જોકે, શિક્ષણ ક્ષેત્રે લૈંગિક ભેદભાવ આગામી 14 વર્ષમાં નાબૂદ કરી શકાય છે.

વૈશ્વિક ધોરણે આશરે 65 ટકા છોકરીઓ અને 66 ટકા છોકરાઓ માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે.

4. સ્વાસ્થ્ય સમતુલા

ઇમેજ સ્રોત, Getty Images

રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, વિશ્વમાં સ્વાસ્થ્ય અને અનુજીવનનો અંતર કેટલીક હદ સુધી હવે જોવા મળી રહ્યો નથી.

કુવૈત, ભૂટાન અને બહેરીનમાં જ્યારે સંશોધન કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે મહિલાઓ પણ પુરુષો જેટલું જ જીવન જીવે છે.

5. માત્ર પૈસા જ ભેદભાવ મિટાવી શકે તેવું નથી

ઇમેજ સ્રોત, Getty Images

લૈંગિક ભેદભાવની દિશામાં સૌથી વધારે સારું કામ આઇસલૅન્ડ, નોર્વે, સ્વીડન અને ફિનલૅન્ડમાં થયું છે.

જ્યારે નિકારગુઆ, રવાન્ડા, ફિલિપાઇન્સ અને નામિબિયા જેવા દેશો વિકાસશીલ દેશો હોવા છતાં ત્યાં લૈંગિક ભેદભાવ મામલે સુધારો જોવા મળી રહ્યો છે.

આ તરફ દુનિયાના સૌથી મોટું અર્થતંત્ર ધરાવતો દેશ અમેરિકા વિશ્વ લૈંગિક ભેદભાવમાં 51મા નંબર પર છે, જ્યારે ઇટલી 70મા નંબર પર.

રશિયાનો નંબર 75, બ્રાઝિલ 95, ચીન 103 અને જાપાન 110માં નંબરે .

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો