એ સિક્રેટ જે હું મારા ઑવરસાઇઝ કપડાંની અંદર સંતાડી રાખતી

22 વર્ષીય અરુજ આફતાબ પોતાની ઑવર-સાઈઝ બૅગી ફૅશન સ્ટાઈલ માટે જાણીતાં છે. આવાં ઑવર-સાઈઝ કપડાં પહેરવા પાછળ એક મોટું કારણ છે.
જોકે, એ કારણની તેમના 7500 ઇન્સ્ટાગ્રામ ફૉલૉઅર્સને તેની જાણ નહોતી.
અરુજે આ વાત હજી સુધી છુપાવીને રાખી હતી.
પણ પોતાના ફૅશન વિશે પોતાનાં અનુભવને આવી રીતે વર્ણવે છે.
મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર નાખશો તો જુદાં-જુદાં આઉટફિટમાં મારી અનેક તસવીરો તમને જોવા મળશે."
એક બાબત તમારા ધ્યાનમાં આવશે કે હું હંમેશા ઓવર-સાઈઝ બૅગી સ્ટાઈલનાં કપડાં જ પહેરું છું.
મને આ સ્ટાઈલ ગમે છે. એમાં વ્યક્તિ સ્પૉર્ટી પણ લાગે છે અને સ્માર્ટ પણ.
તમે આ વાંચ્યું કે નહીં?
હું ભાગ્યશાળી છું કે મને ફૅશન જગતમાં કામ કરવા મળ્યું છે.
હું માન્ચેસ્ટરમાં આવેલી એક મૉડલિંગ એજન્સીનું સોશિયલ મીડિયાનું કામ સંભાળું છું.
આ ઇન્ડસ્ટ્રીમાં તમે કેવા દેખાવ છો એ જ સૌથી મહત્ત્વનું છે.
ક્યારેક મને થાય છે કે હું કેમ હંમેશાં મારે જે પહેરવું હોય એ પહેરી શકતી નથી?
તમે મને ક્યારેય એકદમ ટાઈટ અને શરીરને ચપોચપ અડેલાં કપડાંમાં નહીં જુઓ. એના બદલે હું એકની ઉપર એક એમ જુદાં-જુદાં લૅયરમાં કપડાં પહેરું છું, કારણકે હકીકતમાં હું એક બાબત છુપાવી રહી છું.
આ છે મારું સિક્રેટ
મને ન્યુરોફાઈબ્રોમેટોસિસ ટાઈપ 1 (NF1) નામની જિનેટીક તકલીફ છે.
જેના લીધે મારી નર્વ્સની સાથે-સાથે શરીર પર ટ્યુમર બને છે.
મારા જન્મ સમયે મારા ડાબા પડખે એક જન્મચિન્હ હતું.
હું મોટી થતી ગઈ તેમ આ ચિન્હ પણ મોટું થતું ગયું.
મને લાગ્યું કે મારા શરીરની એક બાજુ નોર્મલ છે, પણ પછી તો બીજી બાજુએ પણ થાપા પર ટ્યુમર થઈ ગયા.
આમાથી કેટલાંક ટ્યુમર ભારે છે અને ગાંઠો ગરમાશ ભરી લાગે છે.
કેટલાંક ટ્યુમર ખૂબ કઠણ છે, જ્યારે કેટલાંક ઘણાં નરમ છે.
આ ગાંઠો કૅન્સરની નથી, પણ તેના લીધે ઘણી વાર મને સાંધાઓ અને પડખામાં દુ:ખાવો થાય છે અને શરીરની ડાબી બાજુએ લબકારા મારે છે.
હું મારા આ ટ્યુમર્સને છુપાવવા માટે ઑવર-સાઈઝનાં કપડાં પહેરું છું.
લોકોને લાગે છે કે આ મારી સ્ટાઈલ છે, પણ એ વાત પૂરેપૂરી સાચી નથી.
દેખાવે બિલકુલ પરફેક્ટ હોય એવા લોકોનાં પિક્ચર્સથી સોશિયલ મીડિયા ભર્યું પડ્યું છે.
પણ હું એક એવી વ્યક્તિને લોકો સમક્ષ બતાવવા માગું છું કે જે હું નથી?
મારાં ટ્યુમર્સે મને પાછી પાડી છે
મૉડલિંગ ઇન્ડસ્ટ્રીમાં સારા દેખાવું અનિવાર્ય છે, આથી આ ઈન્ડસ્ટ્રીમાં તમે સારાં કપડાં પહેરો એ જરૂરી છે.
મારે કેવા કપડાં પહેરવાં એ પસંદ કરવામાં મને વાર લાગતી હોય છે, કારણ કે મારાં ટ્યુમર્સ દેખાઈ ન જાય એની મને ચિંતા છે.
કપડાંની ખરીદી કરીને પહેરવાનું કામ ઉનાળામાં મારા માટે ઘણું કપરું બની જાય છે, કારણ કે સામાન્ય રીતે હું એક ઉપર એક એમ લૅયર્સમાં કપડાં પહેરું છું.
હું ધીમે-ધીમે મારી ન્યુરોફાઈબ્રોમેટોસિસની તકલીફનો સ્વીકાર કરતા શીખવા માગું છું, અને આ અંગેની શરમ છોડીને શક્ય હોય તો ટાઈટ કપડાં પહેરવાં માગું છું.
મારા આ ટ્યુમર્સે ડૅટિંગની બાબતે મને પાછી પાડી છે.
મારી બધી બહેનપણીઓ રિલેશનશીપમાં છે.
હું પ્રયત્ન કરું છું કે આ અંગે કોઈ વિચાર ન કરું.
પણ કાશ, ક્યારેક કોઈ દિવસે મને પણ કોઈક મળી જાય.
જોકે, મને આ ચિંતા સતાવે છે. તમે જેની સાથે ડૅટિંગ કરતાં હોવ એને કેવી રીતે કહેવું કે તમને કોઈ જિનેટીક તકલીફ છે? અને કહેવું તો ક્યારે કહેવું?
આ કોઈ સામાન્ય તકલીફ નથી.
આ મોટી વાત છે અને તે બાકીની આખી જીંદગી મારી સાથે રહેવાની છે.
ઍડમ સાથે મુલાકાત
મારી મા અને બહેન સિવાય એનએફની તકલીફ હોય એવા બીજા કોઈને હું જાણતી નહોતી.
'ન્યૂઝબીટ'ની ડૉક્યુમેન્ટરી 'માય ટ્યુમર મૅડ મી ટ્રૅન્ડી'ના ભાગરૂપે હું ઍડમ પીઅરસનને મળી.
તેમને પણ આ જ તકલીફ હતી. ઍડમ એક ઍક્ટર અને પ્રેઝન્ટેટર છે.
2014ની ફિલ્મ 'અન્ડર ધ સ્કીન' માં તેમણે સ્કાર્લેટ જ્હોનસન સાથે કામ કર્યું હતું.
ઍડમના ટ્યુમર્સ મોટે ભાગે તેમના ચહેરા પર છે.
આના લીધે તેમની દૃષ્ટિ પર પણ અસર પડી છે અને તેઓ પોતાની ડાબી આંખમાંથી જોઈ શકતા નથી
તેમણે મને કહ્યું કે એને પોતાની શાળા પ્રત્યે ધિક્કાર હતો.
કેમ કે ત્યાં તેમને 'ઍલીફન્ટ મૅન', 'બેડોળ રાક્ષસ' કે 'કાર્ટુન કૅરેક્ટર' કે 'ક્વૉસીમોડો'ના નામથી ચીડાવવામાં આવતાં.
તેમની સાથેની મુલાકાતને લીધે હું આખી સ્થિતિને સાચા પરિપ્રેક્ષ્યમાં જોઈ શકી.
તેઓ પોતાની એનએફની તકલીફને મારી જેમ ખુલતાં કપડા પહેરીને છુપાવી શકે એમ નથી.
ઍડમ ખરેખર પ્રેરણાદાયી છે.
તેઓ એક ફિલ્મમાં સ્કાર્લેટ જ્હૉનસન સાથે ચમક્યાં છે. જે ઘણી રોચક વાત છે.
ઍડમનો આત્મવિશ્વાસ જોઈને હું દંગ રહી ગઈ અને મને ખરેખર ઘણી પ્રેરણા પણ મળી.
આખરે એ મોટું રહસ્ય મેં ખોલ્યું
એનએફ1 ધરાવતા એડમ પીઅરસન સાથે અરુજ આફતાબની મુલાકાત
મારી તકલીફનો હસતા મોંએ પૂર્ણ સ્વીકાર કરીને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ વાત જણાવવાનું મેં નક્કી કર્યું.
લાંબા સમયથી છુપી રાખેલી આ વાતને જણાવતી વખતે હું ખૂબ ડરેલી હતી.
મારા માટે આ એક મોટી વાત હતી.
કારણ કે મારી શારીરિક તકલીફની વાત તો જવા દો, હજી સુધી મેં ક્યારેય શરીરના કોઈ ભાગને ખુલ્લો પણ દર્શાવ્યો નહોતો.
પણ લોકો તરફથી મને સપોર્ટના સંખ્યાબંધ મેસેજ મળ્યા, અને અનેક લોકોએ મારી સ્ટોરીને શૅર કરી.
એક માતાએ મારો સંપર્ક કરીને કહ્યું કે તેની દીકરીને પણ મારા જેવી જ તકલીફ છે, અને હું તેમના માટે પ્રેરણાસ્ત્રોત બની છું.
મને લાગ્યું કે જાણે મારા ખભા પરથી કોઈ ભાર હળવો થઈ ગયો, કારણ કે આ બાબતને લઈને હું ખૂબ અસુરક્ષિત મહેસૂસ કરતી હતી.
મેં મારા ફૉલૉઅર્સને મારી શારીરિક તકલીફની વાત તો કરી દીધી છે, પણ મને ખબર નથી કે હવેથી હું કાયમ ફીટ કપડાં પહેરીને લોકો સામે રજૂ થવા માગું છું કે કેમ?
પણ મને લાગે છે કે, હવે લોકો સમજે છે કે હું કેમ હંમેશાં બૅગી કપડાં જ પહેરું છું.
મને લાગે છે કે ઑનલાઈન વિશ્વમાં હવે હું ઘણે અંશે મારી જાતને જેવી છું તેવી રજૂ કરી રહી છું.
(ન્યૂઝબીટના ગુરવિંદર ગિલ સાથે અરુજ આફતાબની વાતચીતના અંશો.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો