પાણી મેળવવામાં કેમ સાઉદી અરેબિયાનું ‘તેલ’ નીકળી જાય છે?

સાઉદી અરેબિયા Image copyright Getty Images

સાઉદી અરેબિયામાં તેલની વાત તો ઘણી વખત થતી રહે છે પણ પાણીની વાત હવે વધારે જરુરી બની ગઈ છે. તેલના કારણે સાઉદી અરેબિયા ધનવાન તો છે પણ પાણીની તરસ અહીં સતત વઘી રહી છે.

સપ્ટેમ્બર 2011માં સાઉદી અરેબિયામાં માઇનિંગ સાથે જોડાયેલા એક ફર્મના ઉપ પ્રમુખ મોહમ્મદ હાનીએ કહ્યું હતું કે અહીં સોનું છે પણ પાણી નથી અને સોનાની જેમ પાણી પણ મોંઘું છે.

16મી સદીના કવિ રહીમનાં એ દોહા સાઉદી અરેબિયા મામલે ફિટ બેસે છે- રહીમન્ પાની રાખિયે, બિન પાની સબ સૂન.

સાઉદી તેલ વેચીને ખૂબ કમાણી કરી રહ્યું છે પરંતુ તેની આ કમાણીનો મોટો ભાગ સમુદ્રના પાણીને પીવાલાયક બનાવવામાં વપરાઈ રહ્યો છે.

કેમકે, અહીં નદી, ઝરણાં, કૂવા તો છે પરંતુ તેમાં પાણી નથી ફકત તેલ છે. પાણીના પાણીના કૂવા તો ક્યારના સુકાઈ ગયા છે.

2011માં જ સાઉદીના તત્કાલીન પાણી અને વીજળી મંત્રીએ કહ્યું હતું કે સાઉદીમાં પાણીની માગ દર વર્ષે સાત ટકાના દરે વધી છે અને આગામી એક દાયકામાં તેને પાણી માટે 133 અબજ ડોલર રોકાણની જરૂર પડશે.

તમે આ વાંચ્યું કે નહીં?

સાઉદી અરેબિયા સૉલ્ટ વોટર કન્વર્ઝન કૉર્પ (SWCC) દ્વારા પાણી મેળવે છે. આ તકનિક મુજબ તે દરરોજ 30.36 લાખ ક્યૂબિક મીટર સમુદ્રનાં પાણીમાંથી મીઠું અલગ કરી તેને ઉપયોગ કરવા લાયક બનાવે છે.

આ 2009નો આંકડો છે જે હવે વધ્યો જ હશે. તેનો રોજનો ખર્ચ 80.6 લાખ રિયાલ ( વર્તમાન ચલણ મૂલ્ય મુજબ આશરે 1,60,68,9333.75 ભારતીય રૂપિયા) આવે છે. તે સમયે એક ક્યૂબિક મીટર દરિયાના પાણીમાંથી મીઠું અલગ કરવાનો ખર્ચ 2.57 રિયાલ (51.18 ભારતીય રુપિયા) આવતો હતો.

વળી, એમાં પરિવહન ખર્ચ પેટે 1.12 રિયાલ (20. 93 ભારતીય રુપિયા) પ્રતિ ક્યૂબિક મીટર ઉમેરાય છે.


પાણીની ખપત કેટલી?

Image copyright Getty Images

પાણીનો બેહિસાબ ઉપયોગ રોકવા માટે સાઉદી અરેબિયાએ 2015માં જ પાણીના વ્યાવસાયિક ઉપયોગ પર કર વધારી દીધો હતો.

ઘણાં સંશોધનોનું કહેવું છે કે સાઉદી અરેબિયાનું ભૂગર્ભ જળ આગામી 11 વર્ષોમાં સંપૂર્ણપણે ખતમ થઈ જશે. સાઉદી અરેબિયાના અરબી સમાચારપત્ર અલ વતનના અહેવાલ મુજબ મધ્ય-પૂર્વ દેશોમાં પ્રતિ વ્યક્તિ પાણીની ખપત સમગ્ર દુનિયામાં સૌથી વધારે છે.

સાઉદી અરેબિયામાં પ્રતિ વ્યક્તિ પાણીની ખપત દરરોજ 265 લીટર છે કે જે યૂરોપિયન યૂનિયનના દેશો કરતા બમણી છે.

સાઉદી અરેબિયામાં એક પણ નદી કે ઝરણું નથી. હજારો વર્ષોથી સાઉદીના લોકો પાણી માટે કૂવાઓ પર નિર્ભર રહ્યાં પરંતુ વધતી વસતીના કારણે ભૂગર્ભ જળનો વપરાશ વધતો ગયો અને તેની ભરપાઈ પ્રાકૃતિક રુપે ન થઈ.

ધીરે ધીરે કૂવાઓ વધારે ઊંડા થતા ગયા અને એ સમય પણ આવી ગયો જ્યારે બધા કૂવાઓ સૂકાઈ ગયા.

સાઉદીમાં કેટલો વરસાદ થાય છે? સાઉદી અરેબિયામાં ચાર વર્ષ સુધી ભારતના રાજદૂત રહેનાર કહે છે કે, સાઉદી અરેબિયામાં દર વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરીમાં તોફાન સાથે વરસાદ આવે છે પણ તે એક અથવા બે જ દિવસ આવે છે.

એક કે બે દિવસ માટે પડતો આ વરસાદ ખરેખર તો શિયાળુ તોફાન તરીકે આવે છે અને તેનાથી ગ્રાઉન્ડ વૉટર પર કોઈ ફેર પડતો નથી.

તલમીઝ કહે છે કે આ વરસાદ કોઈ ખુશી નહીં પણ બરબાદી લઈને આવે છે. જોકે, જોર્ડન અને સીરિયામાં વરસાદ પડે છે તો સાઉદીના લોકો ખૂબ ખુશ થાય છે કેમ કે ત્યાંના વરસાદના પાણીથી સાઉદીના ગ્રાઉન્ડ વૉટરને ફરક પડે છે.

સાઉદી પાણી પર કેટલો ખર્ચ કરે છે?

Image copyright Getty Images

સાઉદીમાં મીઠા પાણીની સમસ્યા ખૂબ વધારે છે. સાઉદી જ નહીં પણ સમગ્ર મધ્ય પૂર્વમાં પાણી ખૂબ કિંમતી છે.

પાણીની ખામીના કારણે જ સાઉદીમાં ઘઉંની ખેતી બંધ કરવી પડી.

સાઉદીને પોતાના ભવિષ્યનો ડર લાગે છે. 2010માં વિકિલીક્સ અમેરિકાનો એક ગુપ્ત દસ્તાવેજ જાહેર કર્યો હતો. આ દસ્તાવેજમાં કહેવામાં આવ્યું હતું કે કિંગ અબ્દુલ્લાએ સાઉદીની ફૂડ કંપનીઓને વિદેશમાં જમીન ખરીદવા કહ્યું છે કે જેથી કરીને ત્યાંથી પાણી મળી શકે.

વિકિલીક્સ પ્રમાણે સાઉદી અરેબિયાએ પાણી અને ખાદ્ય સુરક્ષા મામલે રાજકીય અસ્થિરતાથી બચી રહેવાની વિચારણાનો માર્ગ લીધેલો છે.

વિશ્વ બૅન્કના રિપોર્ટ પ્રમાણે સાઉદી અત્યારે પોતાના જીડીપીનો બે ટકા ભાગ પાણીની સબસિડી પર ખર્ચે છે.

આ રિપોર્ટનું કહેવું છે કે 2050 સુધી મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકન દેશોએ પોતાના જીડીપીનો 6થી 14 ટકા જેટલો મોટો ભાગ પાણી પર ખર્ચવો પડશે.

Image copyright Getty Images

મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં દુનિયાની 6 ટકા વસતી છે અને ત્યાં બે ટકા કરતા પણ ઓછું એવું પાણી છે જેને ઉપયોગ બાદ ભરપાઈ કરી શકાય.

આ વિસ્તાર દુનિયાનો સૌથી ભયાનક દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે.

આ વિસ્તારનાં અલ્જીરિયા, બહરીન, કુવૈત, જૉર્ડન, લીબિયા, ઓમાન, પેલેસ્ટાઇન, કતર, સાઉદી અરેબિયા, ટ્યૂનીશિયા, સંયુક્ત અરબ અમીરાત અને યમન મુખ્ય જળવિહીન દેશો છે.

આ દેશોમાં પાણીની સરેરાશ 1,200 ક્યૂબિક મીટર છે જે બાકી દુનિયાની સરેરાશથી છ ગણી ઓછી છે. બાકીની દુનિયામાં સરેરાશ 7000 ક્યૂબિક મીટર પાણી છે.

મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકાના મોટા ભાગના દેશ પાણીની માગ પૂરી કરવામાં પોતાને અક્ષમ માની રહ્યા છે.

વિશ્વ બૅન્ક પ્રમાણે 2050 સુધી આ દેશોમાં પ્રતિ વ્યક્તિ પાણીની ઉપલબ્ધતા અડધી થઈ જશે.

નવીનીકરણ પાણીનો 943% ઉપયોગ કરી ચૂક્યું છે સાઉદી

Image copyright Getty Images

વર્લ્ડ બૅન્કના અહેવાલ મુજબ આ વિસ્તારોમાં મીઠું પાણી ડેડ સી જેટલું ખતમ થઈ ચૂક્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ પણ એક વિક્રમ છે. ગલ્ફ કો-પરેશન કાઉન્સિલના દેશોમાં પાણીના ઉપયોગ બાદની ભરપાઈ અને માગમાં અંતર સતત વધી રહ્યું છે.

બહરીન પોતાના ઉપલબ્ધ નવીનીકરણ પાણીના ભંડારથી 220 ટકા વધારે ઉપયોગ કરી ચૂક્યું છે. સાઉદી અરેબિયા 943% અને કુવૈત 2,465% વધારે ઉપયોગ કરી ચૂક્યું છે.

છેલ્લા 30 વર્ષોમાં યૂએઈમાં પ્રતિ વર્ષ જળસ્તરમાં એક મીટરનો ઘટાડો નોંધાયો છે.

વર્લ્ડ બૅન્કનું અનુમાન છે કે આગામી 50 વર્ષોમાં યૂએઈમાં મીઠા પાણીના સ્ત્રોત ખતમ થઈ જશે.

મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકન દેશોમાં 83 ટકા પાણી કૃષિ ક્ષેત્રોમાં વપરાય છે. સાઉદીમાં 1980ના દાયકાથી અત્યાર સુધી કૃષિમાં ગ્રાઉન્ડ વૉટરનો બે તૃતિયાંશ ઉપયોગ થઈ ચૂક્યો છે. સાઉદી અરેબિયામાં પાણીનો સ્રોત ગ્રાઉન્ડ વૉટર જ છે કેમ કે અહીં એક પણ નદી નથી.

મધ્ય-પૂર્વ અને ઉત્તર અમેરિકામાં દુનિયાનું મીઠું પાણી એક ટકા જ છે. આ વિસ્તાર પોતાના રણ અને નહિવત વરસાદને લીધે ઓળખાય છે.

વર્લ્ડ બૅન્કના રિપોર્ટનું કહેવું છે કે આ દેશ પોતાની ક્ષમતા કરતા વધારે પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. સાઉદી અરેબિયા પણ એ જ દેશોમાંથી એક છે.

સાઉદી ગ્રાઉન્ડ વૉટરનો ઉપયોગ કરી રહ્યું છે પરંતુ વરસાદ ન થવાના કારણે કાઢવામાં આવેલા ગ્રાઉન્ડ વૉટરની ભરપાઈ થઈ રહી નથી.

પાણી ખતમ થયા બાદ શું વિકલ્પ છે?

Image copyright Getty Images

સમુદ્રના પાણીને મીઠાંથી અલગ કરવાનો એક વિકલ્પ છે. આ પ્રક્રિયાને ડિસાલિનેશન કહેવામાં આવે છે. સમગ્ર દુનિયામાં આ રીત લોકપ્રિય થઈ રહી છે.

વિશ્વ બૅન્ક પ્રમાણે મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકના દેશોમાં ડિસાલિનેશનની પ્રક્રિયાની ક્ષમતા સમગ્ર દુનિયા કરતા અડધી છે.

સમગ્ર દુનિયાના 150 દેશોમાં સમુદ્રના પાણીમાંથી મીઠું અલગ કરીને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ઇન્ટરનેશનલ ડિસાલિનેશન એસોસિએશનનું અનુમાન છે કે સમગ્ર દુનિયામાં 30 કરોડ લોકો પાણીની જરૂરિયાત ડિસાલિનેશનથી પૂરી કરી રહ્યાં છે.

જોકે, ડિસાલિનેશનની પ્રક્રિયા પણ ઓછી જટિલ નથી કેમકે આ વિસ્તારોમાં ઊર્જાની નિર્ભરતા ડિસાલિનેશન પાવર પ્લાન્ટ પર છે.

ડિસાલિનેશનની પ્રક્રિયામાં કાર્બનનું ઉત્સર્જન થાય છે અને જીવાશ્મ ઈંધણનો ઉપયોગ થાય છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પ્રક્રિયાથી સમુદ્રી પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે.

IDAનાં મહાસચિવ શૈનોન મેકાર્થીનું કહેવું છે કે મધ્ય-પૂર્વ દેશોમાં ડિસાલિનેશનની પ્રક્રિયાથી પાણી ઘરેઘરે પહોંચાડવામાં આવી રહ્યું છે. મૈકાર્થીના અનુસાર કેટલાક દેશોમાં પાણીની નિર્ભરતા ડિસાલિનેશન પર 90 ટકા સુધી પહોંચી ગઈ છે.

મૈકાર્થી કહે છે, "આ દેશોમાં ડિસાલિનેશન સિવાય કોઈ વિકલ્પ નથી. આ રીતે અપારંપરિક પાણીમાં ખૂબ ખર્ચ થાય છે અને ગરીબ દેશો માટે આ પ્રક્રિયા સહેલી નથી. તેવામાં યમન, લીબિયા અને વેસ્ટ બેંકમાં હવે લોકો ગ્રાઉન્ડ વૉટર પર જ નિર્ભર છે."

તલમીઝ અહેમદનું કહેવું છે કે સાઉદી ભલે ધનવાન દેશ છે, પરંતુ તે ખાદ્ય અને પાણીના મામલે સંપૂર્ણપણે અસુરક્ષિત છે.

તેઓ કહે છે, "ખાવા-પીવાનો સામાન સાઉદી વિદેશોમાંથી ખરીદે છે. ત્યાં ખજૂરને છોડી બીજા કોઈ અનાજનું ઉત્પાદન થતું નથી. ગ્રાઉન્ડ વૉટરના ભરોસે સાઉદી ચાલી શકે તેમ નથી કેમ કે, તે હવે બચ્યું જ નથી. છેલ્લા 50 વર્ષોમાં સાઉદી સમુદ્રના પાણીથી મીઠું અલગ કરી તેનો ઉપયોગ કરી રહ્યું છે."

"અહીં દર વર્ષે ડિસાલિનેશન પ્લાન્ટ લગાવવામાં આવે છે અને અપગ્રેડ કરવામાં આવે છે. એ વાત સાચી છે કે આ પ્રક્રિયામાં ખૂબ ખર્ચ થાય છે અને તે ગરીબ દેશો માટે શક્ય નથી. યમન આમ કરવામાં સક્ષમ નથી. મને ખબર નથી કે લાંબા ગાળામાં ડિસાલિનેશન કેટલું સુલભ હશે અને કેવા પ્રકારની મુશ્કેલી આવશે."

સાઉદીમાં વૃક્ષો કાપવા ગુનો છે

Image copyright Getty Images

સમાચાર એજન્સી રૉયટર્સના એક રિપોર્ટ પ્રમાણે સાઉદી અરેબિયાનું નામ દુનિયાના એ દેશોમાં સામેલ છે કે જે પોતાના નાગરિકોને પાણી પર સૌથી વધારે સબસિડી આપે છે.

2015માં સાઉદીએ ઉદ્યોગ ધંધામાં પાણીના ઉપયોગ પર પ્રતિ ક્યૂબિક ચાર રિયાલથી વધારીને 9 રિયાલ ટૅક્સ કરી નાખ્યો હતો. રિપોર્ટ પ્રમાણે સરકાર ઘરોમાં ઉપયોગ માટે પાણી પર ભારે સબસિડી આપે છે એટલે પાણી મોંઘુ મળતું નથી.

તલમીઝ અહેમદ કહે છે કે સાઉદીએ પોતાની જમીન પર ઘઉંની ખેતી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ખૂબ મોંઘુ પડ્યું. તેઓ કહે છે, "સાઉદીએ ઘઉંના ફિલ્ડ બનાવ્યા. તેના માટે સિંચાઈમાં એટલા પાણીનો વપરાશ થયો કે જમીન પર મીઠું ફેલાઈ ગયું. થોડાં જ વર્ષોમાં આ જમીન સંપૂર્ણપણે વેરાન થઈ ગઈ. એ સંપૂર્ણ વિસ્તાર જ ઝેરીલો થઈ ગયો."

"સમગ્ર વિસ્તારને ઘેરીને રાખવામાં આવ્યો છે જેથી ત્યાં કોઈ પહોંચી ન શકે. શાકભાજી ઉગાવવામાં આવે છે પણ ખૂબ જ પ્રોટેક્ટેડ હોય છે.ખજૂર અહીં ખૂબ થાય છે. ખજૂર એક એવું ફળ છે જેમાં બધું હોય છે. જોકે, તેને વધુ ખાવાથી સુગર વધી જવાનો ખતરો રહે છે. અહીં વૃક્ષો કાપવા મોટો ગૂનો છે.

સાઉદી અરેબિયાએ જ્યારે આધુનિક રીતે ખેતી કરવાનું શરુ કર્યું તો તેનું ગ્રાઉન્ડ વૉટર 500 ક્યૂબિક કિલોમીટર નીચે જતું રહ્યું. નેશનલ જિયોગ્રાફીના આધારે આટલા પાણીમાં અમેરિકાનું એક ઝરણું ભરાઈ જતું.

આ રિપોર્ટ પ્રમાણે દર વર્ષે ખેતી માટે 21 ક્યૂબિક કિલોમીટર પાણી કાઢવામાં આવ્યું. કાઢવામાં આવેલા પાણીની ભરપાઈ ન થઈ શકી. સ્કૂલ ઑફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ ઇન લંડને સાઉદીમાં પાણી કાઢવાના દરનો એક રિપોર્ટ તૈયાર કર્યો છે.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સાઉદીએ ચારથી પાંચ ચતુર્થાંશ પાણીનો ઉપયોગ કરી લીધો છે. નાસાના એક રિપોર્ટનું કહેવું છે કે સાઉદી અરેબિયાએ 2002થી 2016 વચ્ચે 6.1 ગિગાટન ગ્રાઉન્ડ વૉટર દર વર્ષે ગુમાવ્યું છે.

જળવાયુ પરિવર્તનના કારણે અરબના દેશો પર સૌથી ખરાબ પ્રભાવ પડી રહ્યો છે.

સમગ્ર મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકા પર મોટા જળસંકટનો ડોળો છે. શક્ય છે કે મનુષ્ય પેટ્રોલ વગર જીવીત રહી શકે પરંતુ પાણી વગર તો મનુષ્ય પોતાનું અસ્તિત્વ પણ બચાવી શકશે નહીં અને સાઉદી અરેબિયા આ વાતને સારી રીતે સમજે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો