BBC TOP NEWS : પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને સાત વર્ષની જેલ

પાકિસ્તાનમાં નવાઝ માટે કરાઈ રહેલા પ્રદર્શનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટે 'અલ-અજીઝિયા સ્ટીલ મિલ્સ' મામલે સાત વર્ષની સજા ફટકારી છે.

જોકે, ફ્લૅગશિપ ઇન્વૅસ્ટમેન્ટ મામલે અન્ય એક કોર્ટે નવાઝને નિર્દોષ જાહેર કર્યા છે.

નિર્ણયના એક દિવસ પહેલાં રવિવારે નવાઝ શરીફ લાહોરથી ઇસ્લામાબાદ પહોંચ્યા હતા.

નેશનલ એકાઉન્ટીબિલિટી કોર્ટમાં ખીચોખીચ ભરેલા કોર્ટરૂમ નિર્ણય સંભળાવાયો.

કોર્ટે આવક કરતાં વધુ સંપત્તિ રાખવાના મામલે આ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે નવાઝને વિદેશોમાં જાહેર કરાયેલી આવક કરતાં વધુ રોકાણ રાખવા માટે દોષીત ઠેરવ્યા છે.

આ પહેલાં, પૂર્વ શાસક પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગે ચેતવણી આપી હતી કે જો તેમના નેતા નવાઝ શરીફને ફરીથી જેલ જવું પડ્યું તો મોટા પ્રમાણમાં પ્રદર્શન કરશે અને સંસદને પણ નહીં ચાલવા દે.

નોંધનીય છે કે નવાઝ શરીફનો પરિવાર કોર્ટમાં ભ્રષ્ટાચારનો કેટલાય આરોપોનો સામનો કરી રહ્યો છે.

જેમા મની લૉન્ડરિંગ, કરચોરી અને વિદેશોમાં સંપત્તિ છૂપાવવાનું સામેલ છે.

છેતરપિંડી બદલ ઈરાનના વેપારીને ફાંસી સજા થઈ

ઇમેજ સ્રોત, MIZAN

ઇમેજ કૅપ્શન,

હામિદ રજા બાકેરી દરમાનીને શનિવારે ફાંસી અપાઈ હતી

ઈરાનમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ પુરવાર થયા બાદ એક વેપારીને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા છે.

ઈરાનમાં છેતરપિંડી, ભ્રષ્ટાચાર, અને લાંચના આક્ષેપ કોઈ પણ વ્યક્તિને ફાંસીના માચડા સુધી પહોંચાડી શકે છે.

દેશમાં આ વર્ષની શરૂઆતથી આરંભાયેલા અભિયાન અંતર્ગત ત્રણ વ્યક્તિને આ આરોપો અંતર્ગત ફાંસીની સજા આપવામાં આવી છે.

શનિવારે ઈરાનના જાણીતા વેપારી હામિદ રજા બાકેરીને ફાંસી આપવામાં આવી હતી.

હામિદ પર છેતરપિંડી, લાંચ અને મોટાપાયે તેલની ચોરીના આક્ષેપો લાગ્યા હતા.

ઈરાનમાં લોકો હામિદને 'અલકતરા રાજા'ના નામથી ઓળખતા હતા.

બીબીસીના અહેવાલ મુજબ, કોર્ટે હામિદને ખોટા દસ્તાવેજો દ્વારા સરકારી બૅન્કોમાંથી લોન લેવાના ગુનામાં કસૂરવાર ઠેરવ્યા હતા.

એવી ચર્ચા હતી કે તેમણે શેલ કંપની (કાગળ પર ચાલતી કંપની)ના માધ્યમથી 100 મિલિયન ડૉલરની કિંમતનું ત્રણ લાખ ટન બિટુમિન ખરીદી લીધું હતું.

બિટુમિન તેલ ઉદ્યોગોથી જોડાયેલો એવો પદાર્થ છે, જેનો ઉપયોગ રસ્તાના બાંધકામમાં થાય છે.

આવતાં વર્ષ સુધી લંબાશે US શટડાઉન

ઇમેજ સ્રોત, AFP

અમેરિકામાં શરૂ થયેલું શટડાઉન (ઓછી જરૂરી સેવાઓના ખર્ચમાં કાપ) આવતા વર્ષ સુધી લંબાઈ શકે છે.

અમેરિકાના કાર્યકારી ચીફ ઑફ સ્ટાફ મિક મિલવેનેના જણાવ્યા પ્રમાણે, તા. 3મી જાન્યુઆરીએ અમેરિકાની કૉંગ્રેસ ન મળે ત્યાર સુધી આ શટડાઉન લંબાઈ શકે છે. આ શટડાઉન શુક્રવારથી શરૂ થશે.

ટ્રમ્પ સરકાર માને છે કે આ દિવાલના બનવાથી ડ્રગ્સ, માનવ તસ્કરી જેવી અનેક ગુનાખોરીને ડામી શકાશે.

ઉલ્લેખનીય છેકે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મેક્સિકોની સરહદ પર પાંચ અબજ ડૉલરના ખર્ચે દિવલ બનાવવા માગે છે અને વિપક્ષ ડેમોક્રેટ્સ તેનો વિરોધ કરી રહ્યું છે.

સુદાનમાં સરકાર વિરોધી દેખાવોમાં 22નાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

અનાજના ભાવો વધતાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા

સુદાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો વ્યાપક સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. રવિવારે રાજધાની ખારતૂમમાં પ્રદર્શનકારીઓ અને પોલીસની વચ્ચે સંઘર્ષ થયો હતો.

પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરી નાખવા માટે પોલીસ દ્વારા ટિયર ગૅસના સેલ છોડવામાં આવ્યા હતા.

ખાવા-પીવાની ચીજો તથા ઈંધણના ભાવોમાં વધારા બાદ લોકોમાં વિરોધ વકર્યો છે.

બુધવારથી શરૂ થયેલાં વિરોધ પ્રદર્શનોમાં 22 લોકોનાં મૃત્યુ થયાં છે.

જાપાનમાં 200 વર્ષમાં પ્રથમવાર

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

એપ્રિલ મહિનામાં સમ્રાટના પાટવી કુંવર પદભાર સંભાળશે

જાપાનના સમ્રાટ અકિહિતોએ 30 વર્ષના શાસનકાળ બાદ 85 વર્ષની ઉંમરે પદ છોડી દીધું છે.

અકિહિતોના ત્રણ દાયકાના કાર્યકાળને 'શાંતિનો કાળ' માનવામાં આવે છે. પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં સમ્રાટ અકિહિતોએ આ વાતનો સંતોષ પણ માન્યો હતો.

છેલ્લા 200 વર્ષના ઇતિહાસમાં અકિહિતો પ્રથમ એવા સમ્રાટ છે, જેમણે પોતાની હયાતીમાં જ પદ છોડ્યું છે.

એપ્રિલ મહિનામાં સમ્રાટ અકિહિતોના પાટવી કુંવર નારુહિતો પદભાર સંભાળશે.

લગભગ એંસી હજાર લોકો જાપાનના સમ્રાટ પ્રત્યે સન્માન વ્યક્ત કરવા પહોંચ્યા હતા.

આ તકે અકિહિતોએ જાપાનની જનતા અને તેમના પત્ની સામ્રાજ્ઞી મિચિકોનો આભાર માન્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો