ઑસ્ટ્રેલિયાએ મૅલબર્ન ટેસ્ટમાં સાત વર્ષના લેગ સ્પિનરનો સમાવેશ શા માટે કર્યો?

ઇમેજ સ્રોત, TWITTER/CRICKET.COM.AU
આર્ચી શિલર
ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં આગામી મેચ માટે ભારતે હાર્દિક પંડ્યા અંને મયંક અગ્રવાલનો ટીમમાં સમાવેશ કર્યો છે, પરંતુ આ ટેસ્ટમાં સૌથી વધારે ચર્ચા ઑસ્ટ્રેલિયા ટીમના એક નવા ખેલાડીની થઈ રહી છે.
26 ડિસેમ્બરે શરૂ થનારી ત્રીજી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાએ 15 ખેલાડીઓની ટીમ જાહેર કરી છે, આ ટીમમાં ઑસ્ટ્રેલિયાએ માત્ર સાત વર્ષના એક લેગ સ્પિનરનો સમાવેશ કર્યો છે.
આ ખેલાડીનું નામ આર્ચી શિલર છે. આર્ચી ત્રીજી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાના વાઇસ કૅપ્ટન રહેશે.
આ જાહેરાત ઑસ્ટ્રેલિયા ટીમના કૅપ્ટન પેને શનિવારે આર્ચીના સાતમાં બર્થ ડે નિમિત્તે કરી હતી.
મેચ પહેલાં આર્ચી શિલરે ઍડિલેડ ટેસ્ટ દરમિયાન પણ ઑસ્ટ્રેલિયાની ટીમ સાથે પ્રૅક્ટિસ કરી હતી.
ક્રિકેટ ઑસ્ટ્રેયિલાએ આર્ચીની પસંદગીના સમાચારને સમર્થન આપ્યું છે.
તમે આ વાંચ્યું કે નહીં?
ક્રિકેટ ઑસ્ટ્રેલિયાની વેબસાઇટ મુજબ, આર્ચીની પસંદગીના સમાચાર આ મહિનાની શરૂઆતમાં જ જાહેર કરી દેવાયા હતા.
સૌથી પહેલાં ઑસ્ટ્રેલિયાના કૉચ જસ્ટિન લૅન્ગરે ફોન કરીને તેમને જાણકારી આપી હતી.
આર્ચીને ટીમમાં પસંદગીની માહિતી મળી ત્યારે ઑસ્ટ્રેલિયાની ટીમ સંયુક્ત અરબ અમીરાતમાં પાકિસ્તાન વિરુદ્ધ સિરીઝ રમી રહી હતી.
કોણ છે આર્ચી શિલર?
આર્ચીની ટીમમાં પસંદગી 'મેક અ વિશ ઑસ્ટ્રેલિયા' અભિયાન અંતર્ગત થઈ છે.
આ અભિયાન હેઠળ મુશ્કેલીનો સામનો કરી રહેલા બાળકોની ઇચ્છા પુરી કરવામાં આવે છે.
નાનકડી ઉંમરમાં આર્ચીએ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે.
આર્ચી ત્રણ મહિનાનો હતો ત્યારે જ તેમને હ્રદયની બીમારી છે, તેવું બહાર આવ્યું હતું.
તેને દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં આવેલા ગામથી મૅલબર્ન લાવવામાં આવ્યો હતો.
મૅલબર્નમાં તેની સર્જરી થઈ હતી. આ સર્જરી સાત કલાકથી વધારે સમય સુધી ચાલી હતી.
છ મહિના બાદ આર્ચીને હ્રદયના વાલ અને ધબકારાની તકલીફ થઈ હતી. આ વખતે ફરી આર્ચીની સારવાર કરાઈ હતી.
ઇમેજ સ્રોત, CRICKET.COM.AU
આર્ચી શિલર
ગત વર્ષે ડિસેમ્બરમાં તેને ફરી તકલીફ થતાં ઑપન હાર્ટ સર્જરી કરાઈ હતી.
આ વખતે આર્ચી પરત ફરે તેવી આશા પરિવારે ગુમાવી દીધી હતી.
ક્રિકેટ ઑસ્ટ્રેલિયાની વેબસાઇટમાં આર્ચીનાં માતાના જણાવ્યા મુજબ પરિવારને કહેવાયું હતું કે આર્ચીના સ્વાસ્થ્ય અંગે કંઈ પણ થવાની શક્યતા છે.
ખુશહાલ ક્રિસમસ
સારાના જણાવ્યા મુજબ, "આર્ચી પોતાની સ્કૂલને ખૂબ જ યાદ કરે છે. જો તમે બૅટિંગ અથવા અમ્પાયર બનવાની તક ચૂક્યા તો ફરીથી એ તક નથી મળતી."
"આર્ચી એક દિવસ ઘરે આવ્યો અને કહ્યું કે મા હું મારા મિત્રોને શોધી ન શક્યો. તેમની પાછળ દોડવાની મારી તાકાત નહોતી તો હું ત્યાં જ બેસી ગયો અને ચોપડી વાંચવા લાગ્યો."
સારાએ વધુમાં જણાવ્યું "મારા માટે આર્ચીની આ વાત દુઃખદ હતી પરંતુ રમત ન રમવાનો તેનો નિર્ણય પરિપક્વ હતો."
જોકે, વર્ષ 2018ની ક્રિસમસ આર્ચી માટે ખુશીઓ લઈને આવી છે.
ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન ટિમ પેન કહે છે, "આર્ચી અને તેમના પરિવારે ખૂબ જ તકલીફો વેઠી છે."
"જ્યારે તેના પિતાએ આર્ચીને પૂછ્યું કે તે શું કરવા માંગે છે? ત્યારે આર્ચીએ જવાબ આપ્યો હતો કે તે ઑસ્ટ્રેલિયાનો કૅપ્ટન બનવા માંગે છે."
"આવી વ્યક્તિની હાજરી અમારી ટીમ માટે પ્રેરણાદાયી છે. અમે બૉક્સિંગ ડેના દિવસે તેના ડેબ્યૂ માટે ખૂબ જ ઉત્સાહી છીએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો