ઇન્ડોનેશિયામાં 373 લોકોના મોત અને હજી ફરી સુનામીની ચેતવણી

અનાક ક્રેકાટોઆ જ્વાળામુખી

ઇમેજ સ્રોત, EPA

ઇન્ડોનેશિયાના અનાક ક્રેકાટોઆ જ્વાળામુખીની નજીક દરિયા કિનારે રહેતા લોકોને કિનારાથી દૂર રહેવાની ચેતવણી અપાઈ છે. અહીં ફરી સુનામી ત્રાટકવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

આ પહેલાં શનિવારે જાવા અને સુમાત્રાના દરિયાકિનારે ત્રાટકેલી સુનામીને કારણે અત્યાર સુધી 373 લોકોનાં મોત નીપજ્યાં છે અને 1,400 જેટલા લોકો ઘાયલ થયા છે. આ સંખ્યા હજી વધી શકે એવી આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે.

સરકારનું કહેવું છે કે હજી 128 લોકો લાપતા છે જેમની ભાળ મેળવવાની કવાયત ચાલુ છે.

એવું મનાઈ રહ્યું છે કે જ્વાળામુખીને કારણે દરિયાની અંદરની ભૂસ્ખલન સર્જાયું જેને કારણે દરિયામાં મહાકાય મોજાં ઊઠ્યાં હતાં. શનિવારે રાત્રે 9.30 વાગે સુનામી આવી હતી.

સુંડ્રાની ખાડીની આસપાસ જાવા અને સુમાત્રામાં પ્રભાવિત વિસ્તારોમાં હજુ પણ ઇમરજન્સી સેવાઓ પહોંચાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

તબાહીનો માહોલ

ઇમેજ સ્રોત, Getty Images

ક્રેકાટોઆ જ્વાળામુખીની તસવીરો કૅમેરામાં કેદ કરનારા ફોટોગ્રાફર ઑસ્ટિન એન્ડરસન તે સમયે જાવા દ્વીપના પશ્ચિમ કિનારે હતા.

એન્ડરસને બીબીસીને જણાવ્યું કે તેમના માટે આશ્ચર્યની વાત એ હતી કે ભૂકંપ આવ્યા વિના દરિયામાં ઊંચી લહેરો ઊઠવા લાગી.

આવી જ બે ઊંચી લહેરો જાવા દ્વીપ તરફ પણ વધી હતી.

તેઓ કહે છે, "અચાનક મેં જોયું કે લહેરો ઝડપથી આગળ વધી રહી છે અને મારે ત્યાંથી ભાગવું પડ્યું. બે લહેરોમાં પહેલી એટલી તાકતવર નહોતી, એટલા માટે હું તેમાંથી બચી ગયો."

"બીજી લહેર ખૂબ જ ખતરનાક હતી જે મોત બનીને સેંકડો લોકો માથે ફરી વળી. કોઈ મકાનોને ઓળખી નહોતા શકાતા અને જ્યાં જોઈએ ત્યાં તબાહીનો માહોલ હતો."

પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક મદદ પહોંચાડવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.

ઇન્ડોનેશિયાના સુંડા સ્ટ્રેટ (ખાડી)ની આસપાસ કિનારાના વિસ્તારોમાં સેંકડો લોકોનાં મૃત્યુ થયાં છે.

લામપુંગ પ્રાંતમાં વધુ ખુવારીની શક્યતા

ઇન્ડોનેશિયામાં બીબીસીના સંવાદદાતા રેબેકા હેંસ્કેનાં જણાવ્યા મુજબ લામપુંગ પ્રાંતમાં જ માર્યા ગયેલા લોકોની સોએકથી વધારે હોઈ શકે છે.

પશ્ચિમ જાવાનો સૌથી લોકપ્રિય બીચ રિસૉર્ટ તાનજુંગ લેસુંગ પણ સુનામીની ઝપેટમાં આવી ગયો છે અને અહીં હાજર લોકોને આની કોઈ ચેતવણી આપવામાં નહોતી આવી.

ઇન્ડોનેશિયાની આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના પ્રવકતા સુતોપો પુર્વો નુગરોહે પોસ્ટ કરેલા એક વીડિયોમાં રસ્તાઓ પર પાણી ભરેલું દેખાય છે અને અનેક ગાડીઓ પાણીમાં વહી ગયેલી જોવા મળે છે. અગાઉ પણ એમણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં પાણી લોકોનાં ઘર સુધી પહોંચી ગયેલું જોવા મળે છે અને લોકો ભાગવાની તૈયારી કરતાં દેખાય છે.

સુનામીની તબાહી

ઇમેજ સ્રોત, EPA

ઇન્ડોનેશિયામાં પહેલાં પણ સુનામી આવી છે, જેના કારણે ઘણા લોકોનાં મૃત્યુ થયાં છે. પરંતુ આ વખતે ભૂકંપ આવ્યો નહોતો એટલા માટે તંત્ર દ્વારા સુનામીની ચેતવણી આપવાનો સવાલ જ ઊભો નથી થતો.

અચનાક ક્રેકાટોઆ જ્વાળામુખીમાં શુક્રવાર અને શનિવારના રોજ વિસ્ફોટ રેકર્ડ થયા હતા.

એન્ડરસન જણાવે છે, "આ ખતરનાક લહેરો કિનારા સુધી પહોંચતા પહેલાં જ્વાળામુખીને લગતી કોઈ હલચલ નહોતી થઈ. જોકે ચારોતરફ અંધારું છવાઈ ગયું હતું."

ઊંચી લહેરનો પ્રથમ ઝટકો સ્થાનિક સમયાનુસાર રાતના સાડ નવ વાગ્યે અનુભવાયો હતો.

નિષ્ણાતો એ વાતની તપાસ કરી રહ્યા છે કે આખરે સુનામી આવવાનું સાચું કારણ શું હતું?

પરંતુ પ્રાથમિક અનુમાનોમાં કહેવાઈ રહ્યું છે કે ક્રેકાટોઆ જ્વાળામુખી ફાટ્યા બાદ સોંડા ખાડીમાં પાણીની અંદર થયેલા ભૂસ્ખલનને કારણે સુનામી આવી.

સુંડા ખાડી જાવા અને બોર્નિયો દ્વીપોને અલગ કરે છે.

ઇન્ડોનેશિયાની આપત્તિ નિયંત્રણ એજન્સીના પ્રમુખ સુતોપો પૂર્વો નૂગ્રોહોએ સુનામી આવ્યા પહેલાં રેકર્ડ કરવામાં આવેલી ભૂર્ગીય હિલચાલના આધારે આ અનુમાન લગાવ્યું છે.

તેમના અનુસાર પ્રથમ કારણ ક્રેકાટોઆ જ્વાળામુખીમાં વિસ્ફોટ બાદ પાણીની અંદર થયેલું ભૂસ્ખલન હતું અને બીજું કારણ પૂર્ણિમાને કારણે દરિયામાં ઊઠેલી ઊંચી લહેરો હતું.

પરંતુ ફોટોગ્રાફર એન્ડરસન યાદ કરીને કહે છે કે જ્યારે લહેરો કિનારા તરફ આવી રહી હતી ત્યારે જ્વાળામુખી શાંત હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

સુનામી શું છે?

ઇમેજ સ્રોત, EPA

સામાન્ય રીત દરિયાની અંદર જ્યારે જોરદાર હલચલ થાય છે, ત્યારે તેમાં ઊભરો આવે છે.

તેના કારણે ઊંચી અને લાંબી લહેરોની લાઇન બનવાનું શરૂ થાય છે પ્રચંડ વેગ સાથે આગળ વધે છે, આ લાઇનને સુનામી કહેવાય છે.

ઉલ્લેખનીય છે કે સુનામી જાપિનીઝ શબ્દ છે જે 'જો', 'સુ', અને 'નામી' મળીને બન્યો છે. 'સુ'નો અર્થ છે દરિયા કિનારો અને 'નામી'નો અર્થ છે લહેરો.

સામાન્ય ચંદ્ર-સૂર્ય અને ગ્રહોના ગુરુત્વાકર્ષણને કારણે દરિયામાં લહેરો બને છે, પરંતુ સુનામીની લહેરો આ લહેરો કરતાં અલગ છે.

નૂગ્રોહો કહે છે કે સામાન્ય રીતે આ શાંત ખાડીમાં ના તો સુનામી આવે છે, ના તો ક્રેકાટોઆ જ્વાળામુખીમાં વિસ્ફોટ થાય છે.

જોકે, ઓછી તીવ્રતાના ભૂકંપ જરૂર આવે છે.

નૂગ્રોહો ઉમેરે છે, "ભૂકંપને કારણે સુનામી નથી આવી. સુનામીનું સચોટ કારણ જાણવામાં મુશ્કેલી એ વાતની છે કે તે ભૂકંપ વિના આવી છે."

જ્વાળામુખી નિષ્ણાત જેસ ફિનિક્સે બીબીસીને જણાવ્યું કે જ્યારે જ્વાળામુખી ફાટે છે તો લાવા પાણીની અંદર ભળી ખૂબ જ હલચલ પેદા કરે છે.

તેની તાકત એટલી હોય છે કે તે દરિયાની નીચે આવેલા પથ્થરને પણ તોડી શકે છે જેના કારણે ક્યારેક ભૂસ્ખલન આવી શકે છે.

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES

ક્રેકાટોઆ જ્વાળામુખીનો અમુક ભાગ પાણીની અંદર હોવાને કારણે બની શકે કે પાણીની અંદર ભૂસ્ખલન થયું હોય.

જો આ ભૂસ્ખલન મોટું હોય તો મોટા પ્રમાણમાં પાણીને આગળ ધકેલવાની ક્ષમતા રાખે છે જે સુનામીમાં પરિવર્તિત થઈ શકે છે.

દરેક સુનામીની જેમ ઊંચી લહેરોને કિનારા સુધી પહોંચવામાં મિનિટો અથવા તો કલાકોનો સમય લાગી શકે છે.

ચંદ્રના ગુરુત્વાકર્ષણ અને પૂર્ણિમાને કારણે લહેરો વધુ તાકતવર થઈ ગઈ હશે. એ પણ સાચું છે કે ક્રેકાટોઆ જ્વાળામુખી છેલ્લા અમુક મહિનાઓમાં વધુ સક્રિય બન્યો છે.

ઇન્ડોનેશિયાની ભૂગર્ભીય એજન્સીનું કહેવું છે કે શુક્રવારના રોજ જ્વાળામુખીમાં બે મિનિટ 12 સૅકન્ડ સુધી વિસ્ફોટ થયો અને લગભગ 400 મીટર સુધી ધુમાડાના વાદળ જોવા મળ્યાં. શનિવારના રોજ પણ અમુક હિલચાલ જોવા મળી હતી.

ઑગસ્ટ 1883માં ઇન્ડોનેશિયામાં ક્રેકાટોઆ જ્વાળામુખીએ ભારે તબાહી સર્જી હતી, ત્યારે 41 મીટર ઊંચી સુનામી આવી હતી અને 30 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આ વિસ્કોટ વર્ષ 1945માં જાપાનના હિરોશિમા શહેર ઉપર નાખવામાં આવેલા પરમાણુ બૉમ્બ કરતાં 13 હજાર ગણો પ્રચંડ હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો