જ્યારે એક દીકરાની જુબાનીથી તેના 'પિતા'ને 5000 વર્ષની સજા મળી
- માઇક લેન્ચિન
- બીબીસી વર્લ્ડ સર્વિસ

ઇમેજ સ્રોત, RICHARD SENNOTT / GROUND TRUTH PROJECT
ગ્વાટેમાલામાં થયેલા ભયાનક હત્યાકાંડમાં બચી ગયેલા એ બાળકે મોટા થઈ 36 વર્ષ પછી અદાલતમાં જુબાની એ પણ પોતાના પાલક પિતા વિરુદ્ધ.
"શું મને હજી પણ તેનો ભય લાગી રહ્યો હતો? હા, હું ડરી રહ્યો હતો પરંતુ મારે તેમની વિરુદ્ધ નિવેદન આપવાનું હતું. હું એ લોકો માટેનો અવાજ બનવા માગતો હતો, જે હવે અહીં હાજર રહી શકે તેમ નથી."
આ શબ્દો છે પોતાના પિતા વિરુદ્ધ જુબાની આપનારા 41 વર્ષના ઓસોરિયોના.
ઓસોરિયોની મુશ્કેલીની શરૂઆત 6 ડિસેમ્બર 1982ની વહેલી સવારે શરૂ થઈ હતી. તે વખતે ઓસોરિયો પાંચ વર્ષના હતા.
માતાપિતા અને છ ભાઈબહેનો સાથે તેઓ ઘરમાં ઊંઘી રહ્યા હતા. તે વખતે લોપેઝ અને ગ્વાટેમાલાના અમેરિકામાં તાલીમ પામેલા સ્પેશિયલ ઑપરેશન્સ યુનિટના 50 સૈનિકો ગામમાં ઘૂસી આવ્યા.
આ સૈનિકો કૅબાઇલ્સ તરીકે જાણીતા હતા.
આ ઍન્ટિ-ગેરીલા સૈનિકોને ઉત્તર ગ્વાટેમાલાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા જંગલમાં મોકલવામાં આવ્યા હતા.
બળવાખોરોએ હુમલો કરીને 21 સૈનિકોને મારી નાખ્યા તે પછી સૈનિકોને આ ગરીબ વિસ્તારમાં વળતો હુમલો કરવા માટે મોકલાયા હતા.
સેના પર શંકા ના જાય તે માટે સૈનિકોએ બળવાખોરો જેવી જ વેશભૂષા ધારણ કરી હતી.
ગેરીલા બનીને આવેલા કૅબાઇલ્સ એક પછી એક ઘરમાં લાકડાંનાં નબળાં બારણાં પર બંદૂકોની કૂંદલી મારીને ખોલવા ધમકાવવા લાગ્યા.
એ હત્યાકાંડ...
ઇમેજ સ્રોત, Getty Images
ઓસોરિયાના ડરી ગયેલા પિતાએ બારણું ખોલ્યું કે સૈનિકોએ તરત તેમને પકડીને દોરડેથી બાંધી દીધા.
દોરડાનો બીજો છેડો તેની માતાના ગળામાં નાખીને સમગ્ર કુટુંબને ગામના ચોકમાં લઈ જવામાં આવ્યું.
આ રીતે ગામના લોકોને એકઠા કર્યા પછી મહિલાઓ અને નાનાં બાળકોને ચર્ચમાં એકઠાં કરાયાં, જ્યારે પુરુષોને અને મોટા છોકરાઓને સ્કૂલમાં ભેગા કરાયા.
ઓસોરિયોને યાદ છે કે સૈનિકોએ પુરુષોની પૂછપરછ શરૂ કરી તે પછી બૂમબરાડા અને રાડારાડ સંભળાવા લાગી હતી.
એક પછી એક પુરુષની હત્યા કરી દેવામાં આવી અને તેમના મૃતદેહોને ગામના કૂવામાં નાખી દેવામાં આવ્યા.
ઓસોરિયો કહે છે, "પુરુષોને પતાવી દીધા પછી તે સૈનિકો સ્ત્રીઓ અને બાળકો પાસે આવ્યા હતા."
એ ગામનું નામ ડોસ એરેસ છે, જેને આજે પણ સૌથી ગમખ્વાર હત્યાકાંડ માટે યાદ કરાય છે, કેમ કે ગામના 200 જેટલા લોકોની હત્યા કરી દેવાઈ હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
આ લડાઈમાં બે લાખ લોકોનાં મોત થયાં
ગ્વાટેમાલાની સેના અને માર્ક્સવાદી ગુરીલાઓ વચ્ચેની લડાઈમાં કુલ બે લાખથી વધુ લોકો માર્યા ગયા હતા.
માર્યા ગયેલામાં મોટી સંખ્યા મૂળ નિવાસી માયન લોકોની પણ હતી.
સેનાનો આરોપ હતો કે માયન ગેરીલાઓને સાથ આપી રહ્યા છે.
1996માં ગૃહયુદ્ધના અંત પછી ગ્વાટેમાલાની નાગરિક સરકારે ડોસ એરેસ ગામમાં થયેલા હત્યાકાંડ બદલ, કેટલાક સૈન્ય અધિકારીઓ અને સૈનિકો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી.
ડોસ એરેસના હત્યાકાંડ બદલ ભૂતપૂર્વ છ કૅબાઇલ્સ સૈનિકો સામે કામ ચાલ્યું તેમાં લોપેઝ પણ એક હતો.
અદાલતમાં જુબાની આપતી વખતે ઓસોરિયોને જરૂર પડ્યે મદદ કરવા માટે સાયકોલૉજિસ્ટને પણ હાજર રખાયા હતા.
ઓસોરિયોએ પોતાનાં માતાને પકડીને, તેના વાળ પકડીને ઢસડીને ચર્ચમાં લઈ જનારા સૈનિકોમાં લૉપેઝ પણ હતો તેમ ઓળખી બતાવ્યો હતો.
ઓસોરિયો અને તેના ભાઈઓ ગભરાઈને માતાના પગને વળગી રહ્યા હતા અને રડી રહ્યા હતા.
તેમનાં માતા સૈનિકોને વિનંતી કરતાં હતાં કે મારાં બાળકોને રંજાડશો નહીં.
તે પછી એક સૈનિકે તેની એક બહેનને ઊંચકી લીધી અને એવી રીતે પકડી હતી જાણે મરઘીને લટકાવીને પકડી હોય.
તે સતત રડી રહી હતી એટલે સૈનિકે તેને વૃક્ષ સાથે જોરથી અથડાવી જેથી તે રડતી બંધ થઈ જાય.
'મારા પિતાનો મૃતહેદ વૃક્ષ પર લટકતો હતો'
ઇમેજ સ્રોત, Getty Images
ઓસોરિયોએ કહ્યું કે તેની માતાનું અને બીજા ભાઈઓનું શું થયું એની તેને ખબર નથી.
તે રડીરડીને થાકી ગયો હતો અને તેને ઊંઘ આવી ગઈ હતી.
તે જાગ્યો ત્યારે બે નાનાં બાળકો અને ઓસોરિયો સિવાય ત્યાં કોઈ હતું નહીં.
સૈનિકોએ ઓસોરિયો અને અન્ય બેમાંથી એક બાળક, ત્રણ વર્ષના ઑસ્કરને પોતાની સાથે લઈ લીધાં હતાં.
ઓસોરિયો કહે છે, "અમે પસાર થઈ રહ્યા હતા, ત્યારે જોયું કે વૃક્ષો પર મૃતદેહો લટકી રહ્યા હતા."
"કેટલાકના અંગો કપાઈ ગયા હતા, માથાં કપાઈ ગયાં હતાં. તેમાંથી એક મૃતદેહ મારા પિતાનો પણ હતો."
ડોસ એરેસમાં ત્રણ દિવસ હત્યાંકાડ ચાલ્યો હતો તે ગૃહયુદ્ધ દરમિયાન સેનાએ કરેલા અત્યાચારનો સૌથી વરવો નમૂનો હતો.
જનરલ ઍફ્રેન રિઓસ મૉન્ટ નામના અધિકારીની આગેવાનીમાં યુવાન સૈન્ય અફસરોએ બળવો કરીને સત્તા કબજે કરી લીધી હતી.
બળવાખોરો અને ટેકેદારોને કચડી નાખવાના વચન સાથે સેનાએ સત્તા કબજે કરી લીધી તેના આઠ મહિના પછી આ હત્યાકાંડ થયો હતો.
રિઓસ મોન્ટનું લશ્કરી શાસન 17 મહિના ચાલ્યું હતું અને તે દરમિયાન 1700 જેટલા મૂળનિવાસી માયાન લોકોની હત્યા કરી દેવાઈ હતી.
બાદમાં રિઓસ મોન્ટ સામે ઑગસ્ટ 1983માં બળવો થયો હતો અને તેને સત્તા પરથી ઊથલાવી નખાયો હતો.
રિઓસ મોન્ટ સામે પણ નરસંહાર બદલ કેસ દાખલ થયો હતો. કેસ ચાલતો હતો તે દરમિયાન 91 વર્ષની ઉંમરે એપ્રિલ 2018માં તેનું મોત નીપજ્યું.
બાપના હત્યાયારાએ જ લીધો દત્તક
ઇમેજ સ્રોત, Getty Images
ઍફ્રેન રિઓસ (વચ્ચે)
કૅબાઇલ્સની છાવણીમાં ઓસોરિયો જેવાં અનાથ બાળકોને રખાયાં હતાં.
તેની મુલાકાત દરમિયાન લૉપેઝને તે ગમવા લાગ્યો હતો.
પોતાને મળતા રાશનમાંથી દૂધ અને કૅન્ડ બીયર તેને પીવા માટે આપી દેતો હતો.
છાવણીમાં રખાયેલાં બંને બાળકોને મિલિટરી યુનિફોર્મ પહેરાવીને મૅસ્કોટની જેમ રખાતા હતા.
બાદમાં લૉપેઝે ઓસોરિયોને કહ્યું કે હું તને મારી સાથે ઘરે રહેવા લઈ જઈશ.
ઓસોરિયો કહે છે કે આ સાંભળીને પ્રથમ તો તેને આનંદ થયો હતો અને વિચાર્યું હતું કે તેમને ફરી પરિવાર મળી જશે.
જોકે, તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું, કેમ કે લોપેઝે તેમની પાસે કામ કરાવવાનું શરૂ કરી દીધું હતું.
તે તેમને નાસ્તો આપ્યા વિના નિશાળે મોકલી દેતો હતો. ફરિયાદ કરે ત્યારે તેને મારતો પણ હતો.
ઓસોરિયો કહે છે, "તેણે મને કહેલું કે ભાગી જવાની કોશિશ ના કરીશ. હું તને ગમે ત્યાંથી શોધી કાઢીશ અને પતાવી દઈશ."
ઓસોરિયો કહે છે કે તે મોટો થવા લાગ્યો હતો પણ પોતાના અસલી માતાપિતાને ભૂલી શકતો નહોતો.
જોકે, તેમના વિશે ક્યારેય વાત કરતો નહોતો. લૉપેઝનાં માતા ક્યારેય પૂછતાં કે આટલું બધું કેમ રડે છે ત્યારે તે એટલું જ કહેતો, 'મને મારી મા યાદ આવે છે.'
આ ત્રાસમાંથી છૂટવા માટે તે હવે સતત વિચારવા લાગ્યો હતો.
લોપેઝ હવે એવો આગ્રહ રાખતો હતો કે પોતાને 'ડૅડ' તરીકે બોલાવે.
હત્યા કરનારી સેનામાં જ તે જોડાયો
ઇમેજ સ્રોત, Getty Images
જોકે, તે 22 વર્ષનો થયો ત્યારે ભાગી શક્યો હતો.
વક્રતા એ હતી કે વર્ષો પહેલાં પોતાનાં માતાપિતાની હત્યા કરનારી સેનામાં જ તે જોડાયો હતો. સેનામાં જોડાઈને તે લોપેઝની પકડમાંથી છૂટી શક્યો હતો.
તેઓ કહે છે, "મને કશી ખબર પડતી નહોતી. હું કોણ છું તેની મને ખબર નહોતી. મારા માટે આ નિર્ણય લેવો અઘરો હતો પણ મારે મારી મુશ્કેલ જિંદગીમાંથી છૂટીને બહાર નીકળી જવું હતું."
આ વાત 1998ની છે, જ્યાં સુધીમાં ગૃહ યુદ્ધનો પણ અંત આવી ગયો હતો.
બળવાખોરોએ હવે પોતાનો રાજકીય પક્ષ બનાવ્યો હતો.
સેના હજી પણ શક્તિશાળી હતી પણ સત્તામાં હવે નાગરિક સરકાર હતી.
ઓસોરિયોએ વિચાર્યું હતું કે પોતાનાં માતાપિતાની શોધ માટે સેનામાંથી કોઈની મદદ લે.
જોકે, તેને ભય લાગતો હતો એટલે કોઈને પૂછ્યું નહોતું.
પણ એ જ વર્ષે ઍટર્ની જરનલની ઑફિસ અને માનવ અધિકાર પંચના અધિકારીઓ ઓસોરિયોને શોધવા માટે લૉપેઝના ઘરે પહોંચ્યા હતા.
યુદ્ધ વખતે થયેલા અત્યાચારોની તેઓ તપાસ કરી રહ્યા હતા. તેમને માહિતી મળી હતી કે ઓસોરિયો અને ઑસ્કાર હત્યાકાંડમાંથી બચી ગયા હતા.
ઑસ્કારનું આખું નામ ઑસ્કાર રૅમીરેઝ કેસ્ટાનેડા હતું. તે અમેરિકા રહેતો હતો અને તેને પણ આખરે શોધી કઢાયો હતો.
ઑસ્કાર પણ એક કૅબાઇલ સૈનિકના પરિવારમાં જ ઉછર્યો હતો પણ ઓસોરિયોથી વિપરિત તેને પ્રેમાળ પરિવાર મળ્યો હતો.
તેને ખ્યાલ જ નહોતો કે પોતાના અસલી પરિવારનું શું થયું હતું.
ઓસોરિયોને ખ્યાલ આવ્યો કે પોતાની અસલ ઓળખ છતી થઈ જશે તો તેના પર જોખમ આવી પડશે.
તેથી તેણે તપાસકર્તા અધિકારીઓ સંપર્ક સાધ્યો હતો. અધિકારીઓએ કેનેડામાં તેને આશ્રય મળે તેવી વ્યવસ્થા કરી હતી.
કેનેડા પહોંચ્યા પછી હવે ઓસોરિયો સમગ્ર ઘટનાક્રમ વિશે વિચારતો થયો હતો.
પિતાને અપાવી 5,000 વર્ષની સજા
તેઓ કહે છે કે પોતાને ત્રાસ અપાતો હતો, તેમ છતાં લોપેઝ માટે થોડી લાગણી પણ થતી હતી.
કેનેડાથી તેણે કેટલાક પત્રો પણ લોપેઝને લખ્યા હતા.
જોકે, ધીમે ધીમે તેને ખ્યાલ આવ્યો કે પોતાની ઓળખ અને પોતાનાં મૂળીયાં ઉખાડી નાખવાનું કામ જ થયું છે.
તેઓ કહે છે, "મારી પાસે મારા ભૂતકાળનું કશું નથી. તેથી મારે હવે મારું ભવિષ્ય ઘડવાનું છે."
2016માં લોપેઝ અમેરિકામાં ગેરકાયદે રહેતો હતો, ત્યાંથી તેને ફરી ગ્વાટેમાલા મોકલી દેવાયો હતો, જેથી તેની સામે કેસ ચાલી શકે.
ઓસોરિયો સામે પણ હવે મુશ્કેલ સવાલ હતો કે ગ્વાટેમાલા પાછા ફરવું અને જુબાની આપવી કે કેમ?
આખરે તેને પણ લાગ્યું કે જુબાની આપવી તેની ફરજ છે.
પોતાની જુબાની આપ્યા પછી ઓસોરિયોએ ન્યાયાધીશને પોતાની આખરી વિનંતી સાંભળવા કહ્યું હતું.
ઓસોરિયો કહે છે, "અત્યારે અહીં જે હાજર નથી, જેમના જીવનદીપ બુઝાવી દેવાયા હતા, તેમને ન્યાય મળે તે જરૂરી છે."
"જોકે, એક જીવનદીપ રહી ગયો હતો અને તે હું છું. હું તમને વિનંતી કરું છું કે જેમણે આ અપરાધ કર્યો હતો તેમને અંધારામાં ધકેલી દેવામાં આવે."
ગ્વાટેમાલાના ગૃહયુદ્ધમાં સૌથી ખતરનાક હત્યાકાંડ સેનાએ આચર્યો હતો, જેનાં 36 વર્ષ પછી અદાલતમાં કેસ ચાલ્યો હતો.
ગયા મહિને રેમીરો ઓસોરિયો ક્રિસ્ટલ્સ, હત્યારામાંના એકની સામે સાક્ષી આપવા માટે અદાલતમાં પહોંચ્યો હતો.
જેની વિરુદ્ધમાં સાક્ષી આપવાની હતી તે આરોપીએ ઓસોરિયોના પરિવારની તથા તેમના પડોશીઓની હત્યા કરી હતી.
સેન્ટોઝ લોપેઝ નામના આ હત્યારા સૈનિક સાથે રેમીરો ઓસોરિયોનો બીજો પણ એક સંબંધ હતો - રેમીરો તેનો દત્તક દીકરો પણ થતો હતો.
22 નવેમ્બરે લૉપેઝને 5000 વર્ષની કેદની સજા જાહેર કરવામાં આવી. 171 લોકોની હત્યા માટે તેને જવાબદાર ઠરાવાયો હતો.
દરેક હત્યા બદલ તેને 30 વર્ષની કેદની સજા થઈ હતી. લૉપેઝ રડતી બાળકીને માતાથી અળગી કરીને તેની પણ હત્યા કરી નાખી હતી.
તે બદલ તેને વધારાની 30 વર્ષની કેદની સજા કરાઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો