મોહમ્મદ કૈફે ઈમરાન ખાનને કહ્યું, 'અમને ભાષણ ના આપે'

મોહમ્મદ કૈફ અને ઈમરાન ખાન

ઇમેજ સ્રોત, AFP

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ફરી એક વખત લઘુમતી સમુદાય સાથેના વર્તન મામલે ભારત પર નિશાન તાક્યું છે.

ઈમરાન ખાને મંગળવારે પાકિસ્તાનના સંસ્થાપક કાયદ-એ-આઝમ મોહમ્મદ અલી ઝીણાની જયંતી પર ભારત અંગે ટિપ્પણી કરી.

ખાને ટ્વિટર પર લખ્યું, "ઝીણાએ એક એવા પાકિસ્તાનની કલ્પના કરી હતી કે જે લોકશાહી, ન્યાયપૂર્ણ અને દયાળું રાષ્ટ્ર બને. સૌથી મહત્ત્વની વાત એ છે કે તેઓ આપણા લઘુમતીઓ માટે સમાન દરજ્જો ઇચ્છતા હતા."

પોતાના અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું, "એમના એ વિચારોવાળું જ આપણું 'નયા પાકિસ્તાન' છે. જ્યાં આપણે સુનિશ્ચિત કરીશું કે આપણા લઘુમતીઓ સાથે એક સરખો જ વ્યવહાર કરવામાં આવે. એવું નહીં કે જેવું ભારતમાં થઈ રહ્યું છે."

પાકિસ્તાની વડા પ્રધાનની આ વાતનો જવાબ પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે આપ્યો.

કૈફે ટ્વિટર પર લખ્યું, "ભારતમાં લઘુમતીઓની વસતિ ઘટનાને બદલે વધી રહી છે એટલે લઘુમતીઓની વસતિ પર તેઓ ભાષણ ના આપે."

કૈફ લખે છે, "પાકિસ્તાનમાં લઘુમતીઓની વસતિ બે ટકા કરતાં પણ ઓછી થઈ ગઈ છે. બીજી બાજુ, આઝાદી બાદ ભારતમાં લઘુમતીઓની વસતિ વધી રહી છે. પાકિસ્તાન લઘુમતીઓ સાથેના વ્યવહાર મુદ્દે ભાષણ આપનારો સૌથી છેલ્લો દેશ હોવો જોઈએ."

ઇંડોનેશિયાની સુનામી - 1400 ઘાયલ, 150 લાપતા

ઇમેજ સ્રોત, AFP

ઇન્ડોનેશિયામાં શનિવારે ક્રેકાટોઆ જ્વાળામુખી ફાટવાને કારણે આવેલી સુનામીમાં મરણાંક 373 ઉપર પહોંચી ગયો છે.

હજુ સુધી અનેક ઇમારતોના કાટમાળ હટાવવાના બાકી હોવાથી મરણાંક વધી શકે છે, એવી આશંકા સેવાઈ રહી છે.

સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુનામીમાં 1400 લોકો ઘાયલ થયા છે, જ્યારે ઓછામાં ઓછા 128 લોકો ગુમ થયા છે.

સુંડા ખાડીની આજુબાજુ જાવા અને સુમાત્રાના પ્રભાવિત વિસ્તારોમાં હજુ પણ આપાતકાલીન સેવાઓ પહોંચાડવા માટે પ્રયાસ ચાલુ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

અફઘાનિસ્તાનમાં ઉગ્રપંથી હુમલો, 28નાં મૃત્યુ

ઇમેજ સ્રોત, EPA

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં જાહેર નિર્માણકાર્યની ઇમારત પર હુમલો થયો હતો, જેમાં 28 લોકોનાં મૃત્યુ થયાં છે.

સુરક્ષાબળોએ હાથ ધરેલી વળતી કાર્યવાહીમાં ત્રણ ઉગ્રપંથીઓ માર્યા ગયા છે.

આ હુમલા દરમિયાન સેંકડો કર્મચારીઓ ઇમારતમાં હાજર હતા. આ હુમલામાં વીસ લોકો ઘાયલ થયા છે.

હજુ સુધી કોઈ પણ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી નથી લીધી.

ઍરક્રેશમાં મૅક્સિકોના ગવર્નરનું મોત

ઇમેજ સ્રોત, REUTERS

ઇમેજ કૅપ્શન,

મેયર માર્થા એરિકા

મૅક્સિકોના પ્યુબલા રાજ્યનાં ગવર્નર માર્થા એરિકા અલોન્સો (ઉં.વ. 45) નું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. તેમની સાથે તેમના પતિ રફાયલ મૉરેનો વાલે પણ મૃત્યુ પામ્યા છે.

રફાયલ સેનેટર હતા. રિપોર્ટ્સ મુજબ, તેમનું હવાઈ જહાજ ટેકઑફના ગણતરીના સમયમાં જ નાશ પામ્યું હતું.

નવા નિમાયેલા રાષ્ટ્રપતિ લૉપેઝ ઑબ્રાડોરે માર્થાનાં મૃત્યુની પુષ્ટિ કરી છે અને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

આ અકસ્માતનું કારણ તત્કાળ નથી જાણી શકાયું. આ સિવાય હવાઈ જહાજના પાઇલટનું અકસ્માતમાં મૃત્યુ થયું છે કે કેમ તે તત્કાળ નથી જાણી શકાયું.

માર્થા પ્યુબલાના પ્રથમ મહિલા ગવર્નર હતા.

'પોપે કહ્યું સાદુ જીવન જીવો'

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

પોપ ફ્રાન્સિસ

ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસે વિકસિત રાષ્ટ્રનાં નાગરિકોને સાદું અને ઓછું ભૌતિક જીવન જીવવા માટે આહ્વાન કર્યું છે.

નાતાલની પૂર્વ સંધ્યાએ વૅટિકનના સંત પિટર્સ બેસલિકા ખાતે ખ્રિસ્તીઓને સંબોધિત કરતી વેળા એ પોપે આ વાત કહી.

વિશ્વમાં અમીરો તથા ગરીબો વચ્ચે વધતી જતી ખાઈ વધી રહી છે, ત્યારે યાદ રાખવું ઘટે કે ઇસુનો જન્મ ગરીબીમાં થયો હતો.

પોપે ધનવાનોને 'સંગ્રહખોરીના બદલે વહેંચવા' આહ્વાન કર્યું હતું.

82 વર્ષીય પોપનું નાતાલ પ્રસંગે આ છઠ્ઠું ઉદ્દબોધન હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો