જો ઝીણાનું એ રહસ્ય બહાર આવ્યું હોત, તો વિભાજન અટકી જાત?

ઝીણા Image copyright AFP

બહુ ઓછા લોકો જાણતા હશે કે બીજા વિશ્વ યુદ્ધના અંત સુધીમાં પાકિસ્તાનનું નિર્માણ કરનારા અને કાયદ-એ-આઝમ તરીકે ઓળખાતા મોહમ્મદ અલી ઝીણા કૅન્સર જેવી ગંભીર બીમારીની ચપેટમાં આવી ગયા હતા. તેમનો ઇલાજ ડૉક્ટર જાલ પટેલ કરી રહ્યા હતા.

જાલ પટેલે જ્યારે તેમનો એક્સરે લીધો ત્યારે જાણવા મળ્યું કે તેમના ફેફસાંમાં ચાઠાં પડી ગયા છે. પરંતુ તેમણે આ વાતને છુપાવી હતી.

ભારતીય જાસૂસી સંસ્થા રૉમાં વિશેષ સચિવ તરીકે સેવા આપી ચૂકેલા અને પાકિસ્તાનના શાસકો પર 'પાકિસ્તાન એટ ધ હેલ્મ' પુસ્તક લખનારા તિલક દેવેશર કહે છે કે જાલ પટેલ ખૂબ જ પ્રોફેશનલ ડૉક્ટર હતા.

તેઓ ઉમેરે છે, "જાલ પટેલે કોઈને આ વાતની જાણ થવા નહોતી દીધી. પરંતુ મને લાગે છે કે લોર્ડ માઉન્ટબેટનને આ વાતની જાણ હતી. એટલા માટે તેમણે આઝાદીની તારીખ ફેબ્રુઆરી 1948ને બદલે ઑગસ્ટ 1947 કરી હતી."

"કારણ કે માઉન્ટબેટનને જાણ હતી કે ઝીણા વધુ નહીં જીવી શકે. જો ગાંધી, નેહરુ અને પટેલને ઝીણાની તબિયતની ગંભીરતા અંગે જાણ થઈ ગઈ હોત કદાચ તેઓ પોતાની નીતિ બદલી લેત અને વિભાજન માટે સમય માંગી લેત."

દેવેશરનું કહેવું છે, "પાકિસ્તાન આંદોલન અને પાકિસ્તાન બનવાનો સિલસિલો માત્ર એક વ્યક્તિ પર નિર્ભર હતો અને તે હતા ઝીણા."

"લિયાકત અલી અને અન્ય મુસ્લિમ લીગના નેતાઓમાં એટલી ક્ષમતા નહોતી હતી કે તેઓ પાકિસ્તાનની માગણીને આગળ ધપાવી શકે."


સ્ટેનોગ્રાફરની મદદથી ઊભું કર્યું પાકિસ્તાન

Image copyright AFP

આ એક ઐતિહાસિક સત્ય છે અને ઝીણાનું પણ માનવું હતું કે પાકિસ્તાનના નિર્માણમાં તેમનો જ હાથ છે.

હુમાયુ મિર્ઝા પોતાના પુસ્તક 'ફ્રોમ પ્લાસી ટુ પાકિસ્તાન'માં લખે છે, "એક વખત પાકિસ્તાનના સુરક્ષા સચિવ રહી ચૂકેલા અને ત્યારબાદ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બનેલા ઇસકંદર મિર્ઝાએ ઝીણાને કહ્યું હતું કે આપણે મુસ્લિમ લીગનું ધ્યાન રાખવું જોઈએ જેમણે આપણે પાકિસ્તાન આપ્યું."

"ઝીણાએ તાત્કાલિક જવાબ આપ્યો કે કોણ કહે છે કે મુસ્લિમ લીગે પાકિસ્તાન આપ્યું? મેં પાકિસ્તાન ઊભું કર્યું છે મારા સ્ટેનોગ્રાફરની મદદથી."

તમે આ વાંચ્યું કે નહીં?

પીડાદાયક અંત

Image copyright Getty Images

માર્ચ 1948 આવતા-આવતા ઝીણાનું સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ થઈ ગયું હતું. 72 વર્ષની ઉંમરમાં તેમણે પોતાની જિંદગીનો સૌથી મોટો કેસ જીતી લીધો હતો. મતલબ કે તેમણે પોતાના પ્રતિસ્પર્ધી ગાંધીજીને હરાવી દીધા હતા.

ઝીણાના અંતિમ દિવસો ખૂબ જ તકલીફદાયક હતા. 11 સપ્ટેમ્બર 1948ના રોજ ઝીણાને વાઇકિંગ વિમાનમાં કેટ્ટાથી કરાચી લઈ જવામાં આવ્યા. આ સમયે પાકિસ્તાનના સંસ્થાપક ઝીણાનું વજન માત્ર 40 કિલો હતું.

જ્યારે કરાચીના મૌરીપુર ઍરપોર્ટથી તેમની ઍમ્બુલન્સ ગવર્નર જનરલ હાઉસ તરફ જતી હતી ત્યારે તેનું પેટ્રોલ ખતમ થઈ ગયું.

તિલક દેવેશર જણાવે છે, "આ ખૂબ જ દર્દનાક બાબત હતી. જેમણે પાકિસ્તાન બનાવ્યું, લોકોએ જેમને કાયદ-એ-આઝમનો ખિતાબ આપ્યો તેમને લેવા માટે મિલિટરી સેક્રેટરી સિવાય કોઈ નહોતું આવ્યું."

"આ સમયે લિયાકત અલી પાકિસ્તાનના વડા પ્રધાન હતા. કહેવામાં આવે છે ઝીણા અને તેમના સંબંધો સારા નહોતા."

તેઓ ઉમેરે છે, "કલ્પના કરો કે એક ગવર્નર જનરલની ગાડી રસ્તા વચ્ચે અટકી જાય છે. મિલિટરી સેક્રેટરી બીજી ઍમ્બુલન્સનો ઇંતજામ કરે ત્યાં તો એક કલાક વીતી ચૂકી ગયો હતો. એ સમયે ઝીણા રસ્તા વચ્ચે અનહદ ગરમીમાં ઍમ્બુલન્સમાં પડ્યા હતા."

ઝીણાની ઍમ્બુલન્સ યાત્રાનું વિસ્તૃત વર્ણન કરનારાં ફાતિમા ઝીણા પોતાના પુસ્તક 'માય બ્રધર'માં લખે છે, "હું અને કેટ્ટાથી આવેલી એક નર્સ પાછળ બેઠાં હતાં. અમે ચાર-પાંચ માઈલ ગયા કે ઍમ્બુલન્સ બંધ પડી ગઈ હતી."

"ગરમી એટલી હતી કે હું અને નર્સ ડનહૈમ વારફરતી ઝીણાને અખબારનો પંખો બનાવીને હવા નાખતાં હતાં. નજીક શરણાર્થીઓની એક ઝુંપડપટ્ટી હતી, તેમને શું ખબર કે પાકિસ્તાનનું નિર્માણ કરનારી વ્યક્તિ તેમની વચ્ચે અસહાય હાલતમાં પડ્યા છે."

તે લોકો સાંજ 6.10 વાગે ગવર્નર જનરલ હાઉસ પહોંચ્યા. ત્યાં ઝીણા બે કલાક સુધી સૂતા રહ્યા. ત્યારબાદ તેમણે આંખો ખોલી અને ગણગણ્યા, 'ફાતિ...' અને તેમનું માથું જમણી તરફ ઢળી પડ્યું અને આંખો બંધ થઈ ગઈ.

11 સપ્ટેમ્બર 1948ના રોજ રાત્રે 10.20 કલાકે પાકિસ્તાનના કાયદ-એ-આઝમનું મૃત્યુ થઈ ગયું. એક સાધારણ કફન ઓઢાડીને તેમને કરાચીના એક કબ્રસ્તાનમાં દફનાવી દેવામાં આવ્યા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ