ચીનના માઓ જ્યારે ભારતને પાઠ ભણાવવા માગતા હતા

  • રેહાન ફઝલ
  • બીબીસી સંવાદદાતા
ભાષણ આપતા માઓ

ઇમેજ સ્રોત, Getty Images

માઓ વિશે એ વાત પ્રખ્યાત હતી કે તેમનો દિવસ રાત્રે શરુ થતો હતો. તેઓ લગભગ આખી રાત કામ કરતા હતા અને વહેલી સવારે ઊંઘવા જતા હતા.

તેમનો મોટાભાગનો સમય પથારી પર જતો હતો. ત્યાં સુધી કે તેઓ ભોજન પણ પથારીમાં જ કરતા હતા.

તેમનો પલંગ હંમેશાં તેમની સાથે જતો હતો. ટ્રેનમાં પણ ખાસ તેમની માટે પલંગ લગાવવામાં આવતો હતો.

જ્યારે તેઓ 1957માં મૉસ્કો ગયા તો એ પલંગને જહાજથી મૉસ્કો પહોંચાડવામાં આવ્યો હતો કેમ કે માઓ બીજા કોઈ પલંગ પર ઊંઘી શકતા ન હતા.

ઘરે તેઓ માત્ર એક નાહવા માટે પહેરાતું ગાઉન પહેરતા હતા અને પગમાં કંઈ પહેરતા ન હતા.

ચીન સ્થિત ભારતીય દુતાવાસમાં એ સમયે જૂનિયર ઑફિસર રહી ચૂકેલા નટવર સિંહ જણાવે છે કે 1956માં જ્યારે લોકસભા અધ્યક્ષ આયંગરના નેતૃત્વમાં ભારતનું સંસદીય પ્રતિનિધિમંડળ ચીન પહોંચ્યું તો તેને એક રાત્રે સાડા દસ વાગ્યે કહેવામાં આવ્યું કે ચેરમેન માઓ તેમની સાથે રાત્રે 12 કલાકે મુલાકાત કરશે.

ઇમેજ કૅપ્શન,

નટવરસિંહ સાથે રેહાન ફઝલ

માઓએ એક એક કરીને બધા જ સાંસદો સાથે હાથ મિલાવ્યો.

શરુઆતમાં માઓનો મૂડ સારો ન હતો અને એક બે શબ્દોમાં આયંગરના સવાલોના જવાબ આપી રહ્યા હતા પરંતુ થોડીવાર બાદ તેઓ ખુલ્લા મને વાત કરવા લાગ્યા.

આયંગરે જ્યારે કહ્યું કે સ્વતંત્રતા બાદનું ભારત એક ઢોલ જેવું હતું જેને રશિયા અને અમેરિકા બન્ને તરફથી વગાડી રહ્યા હતા, તો માઓ જોરથી હસવા લાગ્યા.

રાધાકૃષ્ણે થપથપાવ્યો માઓનો ગાલ

ઇમેજ કૅપ્શન,

ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન

આખી બેઠક દરમિયાન માઓ એક બાદ એક સિગારેટ સળગાવતા રહ્યા.

જ્યારે ત્યાં હાજર ભારતીય રાજદૂત આર. કે. નહેરુએ પણ પોતાના મોઢામાં સિગારેટ લગાવી તો માઓએ ઊભા થઈને તેમની સિગારેટ સળગાવી.

માઓના આ જેસ્ચર પર ત્યાં હાજર ભારતીય સાંસદ અને રાજનેતાઓ સ્તબ્ધ થઈ ગયા.

આગામી વર્ષે જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન ચીન આવ્યા તો માઓએ પોતાના નિવાસ ચુંગ નાન હાઈના આંગણાની વચ્ચોવચ્ચ આવીને તેમની આગેવાની કરી.

જેમ બન્નેએ હાથ મિલાવ્યા રાધાકૃષ્ણને માઓના ગાલ થપથપાવ્યા.

આ પહેલાં કે તેઓ ગુસ્સો કે આશ્ચર્ય વ્યક્ત કરી શકતા ભારતના ઉપરાષ્ટ્રપતિએ જબરદસ્ત પંચ લાઇન કહી, "અધ્યક્ષ મહોદય, પરેશાન ન થાઓ. મેં આ જ વસ્તુ સ્ટાલિન અને પોપ સાથે પણ કરી છે."

તમે આ વાંચ્યું કે નહીં?

ભોજન દરમિયાન માઓએ ખાતા ખાતા ખૂબ માસૂમિયત સાથે પોતાની ચૉપસ્ટિકથી પોતાની પ્લેટમાંથી જમવાનો એક એક કોર ઉઠાવીને રાધાકૃષ્ણનની પ્લેટમાં રાખી દીધો.

માઓને તે અંગે અનુમાન ન હતું કે રાધાકૃષ્ણન પાક્કા શાકાહારી છે.

રાધાકૃષ્ણને પણ માઓને એ આભાસ થવા ન દીધો કે તેમણે કોઈ ખોટી વસ્તુ કરી છે.

તે સમયે રાધાકૃષ્ણનની આંગળીમાં ઈજા થઈ હતી.

ચીનની યાત્રા પહેલા કંબોડિયાના પ્રવાસ દરમિયાન તેમના એડીસીની ભૂલના કારણે તેમનો કારના દરવાજા વચ્ચે આવી ગયો હતો અને તેમની આંગળીનું હાડકું તૂટી ગયું હતું.

માઓએ તેને જોતા જ તુરંત પોતાના ડૉક્ટર બોલાવ્યા અને ફરીથી મલમ પટ્ટી કરાવી.

ગમે ત્યારે મુલાકાતનું આમંત્રણ મોકલતા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

માઓત્સે તુંગ ચીનના વડાપ્રધાન ચૂ એન લાઈ સાથે

જ્યારે પણ કોઈ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષ ચીન આવતા હતા, તેમની સાથે માઓની મુલાકાત પહેલેથી નક્કી થતી ન હતી.

માઓનું જ્યારે મન થતું ત્યારે તેઓ નિમંત્રણ પાઠવતા હતા. જાણે તેઓ તેમના પર મોટો ઉપકાર કરી રહ્યા હોય.

પૂર્વ અમેરિકી વિદેશ મંત્રી હેનરી કિસિંજર પોતાની આત્મકથા ઈયર્સ ઑફ રિનિઉઅલમાં લખે છે, "હું ચીનના વડા પ્રધાન ચૂ એન લાઈ સાથે વાત કરી રહ્યો હતો."

"ત્યાં અચાનક તેમણે કહ્યું કે ચેરમેન માઓ તમારી રાહ જોઈ રહ્યા છે. તેમને એ વાતની ચિંતા ન હતી કે અમે તેમને મળવા તૈયાર છીએ કે નહીં."

"અમારી સાથે કોઈ અમેરિકી સુરક્ષાકર્મીને જવાની પરવાનગી મળતી નહીં."

"જ્યારે અમારી મુલાકાત માઓ સાથે થઈ જતી ત્યારે પ્રેસને જણાવવામાં આવતું કે આવું થઈ ગયું છે."

કિસિંજર લખે છે, "અમને સીધા માઓના સ્ટડી રૂમમાં લઈ જવામાં આવતા હતા. તેની ત્રણ દિવાલો પુસ્તકોથી ભરેલી હતી."

"કેટલાંક પુસ્તકો ટેબલ પર અને કેટલાંક તો જમીન પર પણ રાખેલા હતાં."

"સામે એક વી શેપનું ટેબલ હોતું જેના પર તેમનો જેસ્મીન ટીનો પ્યાલો રાખેલો હતો. તેની બાજુમાં જ થૂંકદાની હતી."

"મારી પહેલી બે મુલાકાતોમાં ત્યાં એક લાકડાનો પલંગ પણ પડ્યો રહેતો હતો."

"દુનિયાની સૌથી વધારે વસતી ધરાવતા દેશના સૌથી શક્તિશાળી શાસકના સ્ટડી રૂમમાં મને વિલાસિતા અને બાદશાહતનાં પ્રતીકોની એક પણ ઝલક જોવા મળી નહીં."

"રૂમની વચ્ચે એક ખુરસી પર બેઠેલા માઓ ઉઠીને મારું સ્વાગત કરતા હતા."

"તેમની મદદ કરવા માટે તેમની નજીક બે મહિલા સહાયકો ઊભી રહેતી હતી."

"તેઓ મારી સામે સ્મિત સાથે જોતા હતા જાણે સાવધાન કરી રહ્યા હોય કે છળકપટના ચેમ્પિયનને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરવો નકામો હશે."

"1971માં જ્યારે રાષ્ટ્રપતિ નિક્સને માઓ સાથે દુનિયાની કેટલીક ઘટનાઓ પર વાત કરવાની ઇચ્છા પ્રગટ કરી તો માઓ બોલ્યા, વાતચીત? તેના માટે તો તમારે અમારા વડા પ્રધાન પાસે જવું પડશે. મારી સાથે તો તમે માત્ર દાર્શનિક મુદ્દાઓ પર વાત કરી શકો છો."

સ્નાન કરવું પસંદ ન હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

માઓત્સે તુંગ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન સાથે

માઓના ડૉક્ટર રહી ચૂકેલા જી શી લીએ માઓના ખાનગી જીવન વિશે બહુચર્ચિત પુસ્તક લખ્યું છે, 'ધ પ્રાઇવેટ લાઇફ ઑફ ચેરમેન માઓ.'

તેમાં તેઓ લખે છે, "માઓએ પોતાના જીવનમાં ક્યારેય બ્રશ કર્યું નથી."

"જ્યારે તેઓ સવારે ઉઠતા તો દાંતોને સાફ કરવા માટે દરરોજ ચાથી કોગળા કરતા."

"એક એવો સમય આવી ગયો હતો કે તેમના દાંત એવા દેખાતા જાણે તેની ઉપર લીલા રંગનું પેઇન્ટ કર્યું હોય."

માઓને સ્નાન કરવાનું પણ પસંદ ન હતું. હા, તરવાના તેઓ ખૂબ શોખીન હતા અને પોતાને તાજા માજા રાખવા માટે ગરમ ટુવાલથી સ્પંજ બાથ લેતા હતા.

લી લખે છે કે નિક્સન સાથે મુલાકાતના સમયે માઓ એટલા જાડા થઈ ગયા હતા કે તેમની માટે નવો સૂટ સિવડાવવામાં આવ્યો કેમ કે તેમના જૂના સૂટ તેમને ફીટ થતા ન હતા.

તેમનાં નર્સ જાઉ ફ્યૂ મિંગે તેમને દાઢી કરી આપી અને તેમના વાળ કાપ્યા.

નિક્સન સાથે તેમની મુલાકાત માટે માત્ર 15 મિનિટ નિર્ધારિત હતી પરંતુ આ વાતચીત 65 મિનિટ સુધી ચાલી હતી.

જેવા નિક્સન રુમની બહાર ગયા, માઓએ પોતાનો સૂટ ઉતારી પોતાનો જૂનો બાથ રોબ પહેરી લીધો.

ઇમેજ સ્રોત, Getty Images

માઓ જૂતાં તો પહેરતા ન હતા. જો પહેરતા તો પણ કપડાંનાં જૂતાં પહેરતા હતા.

ઔપચારિક અવસર પર જ્યારે તેમણે ચામડાનાં જૂતાં પહેરવાં પડતાં તો તેઓ પહેલાં તેને પોતાના સુરક્ષા ગાર્ડને પહેરાવતા, જેથી તે ઢીલા થઈ જાય.

માઓના વધુ એક જીવનીકાર જંગ ચેંગ લખે છે કે માઓની યાદશક્તિ ખૂબ ગજબની હતી. વાંચવા- લખવાના તેઓ ખૂબ શોખીન હતા.

તેમના બેડરૂમમાં તેમના પલંગના અડધા ભાગ પર એક ફૂટની ઊંચાઈ સુધી ચીની સાહિત્યનાં પુસ્તકો પડ્યાં રહેતાં હતાં.

તેમનાં ભાષણો અને લેખનમાં ઘણી વખત એ પુસ્તકોમાંથી લેવામાં આવેલાં ઉદાહરણોનો ઉપયોગ થતો હતો.

તેઓ ઘણી વખત રફૂ કરેલાં કપડાં પહેરતા હતા અને તેમના મોજાંમાં પણ છેદ જોવા મળતા હતા.

1962ના ભારત ચીન યુદ્ધમાં માઓની મોટી ભૂમિકા હતી. તેઓ ભારતને પાઠ ભણાવવા માગતા હતા.

ચીનમાં ભારતના શાર્શ ડી અફેર્સ રહી ચૂકેલા લખન મેહરોત્રા જણાવે છે, "કહેવા માટે તો ચીને એવું કહ્યું છે કે ભારત સાથે લડાઈ માટે તેની ફૉરવર્ડ નીતિ જવાબદાર છે."

"જોકે, માઓએ બે વર્ષ પહેલાં 1960માં જ ભારત વિરુદ્ધ વ્યૂહરચના બનાવવાની શરૂઆત કરી દીધી હતી."

"અહીં સુધી કે અમેરિકાને એમ પણ પૂછી લીધું હતું કે જો અમારે કોઈ દેશ વિરુદ્ધ યુદ્ધમાં ઊતરવું પડે તો શું અમેરિકા તાઇવાનમાં તેનો હિસાબ ચૂકવશે?"

"અમેરિકાનો જવાબ હતો કે તમે ચીન કે તેની બહાર કંઈ પણ કરો છો, તેનાથી અમારો કોઈ મતલબ નથી. અમે બસ તાઇવાનની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ."

લખન મેહરોત્રા આગળ જણાવે છે, "આગામી વર્ષે તેમણે આ જ વાત ખ્રુશ્વેવને પૂછી. તે જમાનામાં તિબેટની બધી જ તેલ સપ્લાય રશિયાથી થતી હતી."

"તેમને ડર હતો કે જો તેમની ભારત સાથે લડાઈ થઈ તો સોવિયત સંઘ ક્યાંક પેટ્રોલની સપ્લાય બંધ ન કરી દે."

"તેમણે ખ્રુશ્વેવ પાસેથી એ વાયદો લઈ લીધો કે તેઓ એમ નહીં કરે અને તેમને જણાવી દીધું કે ભારત સાથે તેમના કેવા મતભેદ છે."

"ખ્રુશ્વેવે તેમની સાથે સોદો કર્યો કે તમે દુનિયામાં તો અમારો વિરોધ કરી રહ્યા છો, પરંતુ જ્યારે અમે ક્યુબામાં મિસાઇલ મોકલીશું તો તમે તેનો વિરોધ નહીં કરો."

"ખ્રુશ્વેવને એ વાતનો અંદાજ હતો કે ચીન ભારત પર હુમલો કરી શકે છે. મિગ યુદ્ધ વિમાનોની સપ્લાય માટે અમારી તેમની સાથે સમજૂતી પણ થઈ ગઈ હતી."

"જોકે, જ્યારે લડાઈ શરૂ થઈ ત્યારે રશિયાએ એ વિમાન મોકલવામાં મોડું કર્યું પરંતુ ચીનને પેટ્રોલની સપ્લાય ન રોકી."

"ત્યારબાદ ખ્રુશ્વેવને જ્યારે એ પૂછવામાં આવ્યું કે તમે આમ કેવી રીતે કરી શકો છો તો તેમનો જવાબ હતો કે ભારત અમારો મિત્ર છે, પણ ચીન અમારો ભાઈ છે."

માઓએ ઇન્દિરા ગાંધીને અભિવાદન આપવા કહ્યું

ઇમેજ કૅપ્શન,

લખન મેહરોત્રા સાથે રેહાન ફઝલ

1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ ચીનના રાષ્ટ્રીય દિવસના અવસર પર ત્યાંના વિદેશ મંત્રાલયે એક રાજકીય ભોજનું આયોજન કર્યું કે જેમાં માઓ પણ હાજર હતા.

આ અવસર પર આપેલા ભાષણમાં પાકિસ્તાન પર ભારતને આક્રમક ગણાવવામાં આવ્યું.

ભોજમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા જગત મહેતાના ટેબલની સામે ઇરાદાપૂર્વક આ ભાષણનો અંગ્રેજી અનુવાદ રાખવામાં આવ્યો ન હતો, જેથી તેઓ ભાષણને સમજી ન શકે.

તેમણે બાજુમાં બેઠેલા સ્વિસ રાજદૂતની સામે ફ્રેંચમાં રાખેલું ભાષણ વાંચ્યું અને ભોજમાંથી તુરંત વૉક આઉટ કરવાનો નિર્ણય લીધો.

ચીની નેતાઓએ તેને પોતાના સર્વોચ્ચ નેતાનું સૌથી મોટું અપમાન માન્યું.

બહાર નીકળવા પર જગત મહેતાની કારને ત્યાં ન પહોંચવા દેવામાં આવી અને તેઓ તેમજ તેમનાં પત્ની રમા અડધા કલાક સુધી નેશનલ પીપલ્સ હૉલની સીડીઓ પર કડકડતી ઠંડીમાં ધ્રૂજતા રહ્યા.

1970માં મે દિવસના અવસર પર બેઇજિંગ સ્થિત બધા જ દૂતાવાસોના પ્રમુખોને તિયાનાનમેન સ્ક્વેરની પ્રાચીર પર બોલાવવામાં આવ્યા. ચેરમેન માઓ પણ ત્યાં હાજર હતા.

રાજદૂતોની લાઇનમાં સૌથી છેલ્લા ઊભેલા બ્રજેશ મિશ્રની પાસે પહોંચીને તેમણે કહ્યું, "રાષ્ટ્રપતિ ગિરિ અને વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને મારું અભિવાદન પહોંચાડી દો."

ઇમેજ સ્રોત, AFP

તેઓ થોડા રોકાયા અને પછી બોલ્યા, "આપણે આખરે ક્યાં સુધી આ રીતે લડતા રહીશું?"

ત્યારબાદ માઓએ પોતાના પ્રસિદ્ધ સ્મિત સાથે એક મિનિટ સુધી બ્રજેશ મિશ્ર સાથે હાથ મિલાવતા રહ્યા.

આ ચીન તરફથી પહેલો સંકેત હતો કે તે જૂની વાતો ભૂલવા તૈયાર છે.

પોતાના મૃત્યુના ત્રણ દિવસ પહેલાં સુધી તેઓ વિદેશી નેતાઓને મળતા રહ્યા પરંતુ ત્યાં સુધી તેઓ ખૂબ ખરાબ પરિસ્થિતિમાં પહોંચી ગયા હતા.

જ્યારે થાઇલૅન્ડના વડા પ્રધાન તેમના રુમમાં પ્રવેશ્યા તો તેમણે તેમને ખર્રાટા લેતા સાંભળ્યા.

સિંગાપોરના વડા પ્રધાન લી ક્કાન યૂ જ્યારે તેમને મળવા આવ્યા તો તેમણે જોયું કે તેમનું માથું ખુરસીની એક તરફ ઢળી પડ્યું હતું અને મોઢામાંથી થૂંક બહાર આવી રહ્યું હતું.

જ્યારે તેમણે પાકિસ્તાનના વડા પ્રધાન ઝુલ્ફીકર અલી ભૂટ્ટો સાથે પોતાની મુલાકાતની તસવીર જોઈ તો તેમણે નક્કી કર્યું કે હવે તેઓ કોઈ વિદેશી મહેમાનને નહીં મળે. તેના ત્રણ મહિના બાદ માઓનું નિધન થઈ ગયું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો