સીરિયાની સેનાનો દાવો ઈઝરાયલે સીરિયાના હથિયારોના ડેપો પર હુમલો કર્યો

સીરિયા પર ઈઝરાયેલનો હુમલો
ઇમેજ કૅપ્શન,

દમાસ્કસના ડુંગર ઉપરથી આગની જ્વાળાઓ જોવા મળી હતી

સીરિયાની રાજધાની દમાસ્કસની નજીક મંગળવારની રાત્રે તીવ્ર ધડાકો સંભળાયો હતો. સીરિયાની સેનાના દાવા મુજબ, ઈઝરાયેલે દમાસ્કસમાં આવેલા સેનાના હથિયારોના ડેપો પર હવાઈ હુમલો કર્યો હતો.

સીરિયાની સેનાના અધિકારીઓ દ્વારા સ્થાનિક મીડિયાને જણાવાયું હતું કે સેનાના હથિયારોના ડેપો પર હુમલો થયો છે.

આ હુમલામાં ત્રણ સૈનિકો ઘાયલ થયા છે. સીરિયાના જણાવ્યા મુજબ, ઈઝરાયલની મોટાભાગની મિસાઇલને ઇન્ટરસૅપ્ટ કરી દેવાઈ છે.

જોકે, આ બધાની વચ્ચે ઈઝરાયેલે આ હુમલાની પુષ્ટિ કરી નથી.

ઈઝરાયલે જણાવ્યું હતું કે તેમની સેના દ્વારા સીરિયાની મિસાઇલોને પાડી દેવા માટે ઍર ડિફેન્સ સિસ્ટમને શરૂ કરવામાં આવી છે.

ઈઝરાયલના જણાવ્યા મુજબ, સીરિયાની મિસાઇલના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.

સીરિયાના સ્ટેટ મીડિયાએ મંગળવારે રાતે મિસાઇલ ઇન્ટરસૅપ્ટ કરતું ફૂટેજ પ્રસારિત કર્યું હતું.

ફૂટેજ મુજબ, દમાસ્કસ પરથી પસાર થતી કોઈ ચીજ જોવા મળી હતી અને ત્યારબાદ તીવ્ર ધડાકો સંભળાયો હતો.

ઈઝરાયલ ડિફેન્સ સિસ્ટમ ( આઈડીએફ) દ્વારા આ હુમલાની પુષ્ટિ કરાઈ નથી.

આઈ.ડી.એફ દ્વારા એક ટ્વીટ કરીને નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે સીરિયા દ્વારા લૉન્ચ કરાયેલી ઍન્ટિ ઍરક્રાફ્ટ મિસાઇલ સિસ્ટમના પગલે ઈઝરાયલ સક્રિય બન્યું હતું.

અગાઉ ઈઝરાયલ દ્વારા સુરક્ષાના મુદ્દે ઈરાનની હિઝાબોલ્લાહ અને સીરિયાની અનેક સાઇટ્સ પર હુમલા કરાયા છે.

ઈઝરાયલ આ પ્રકારના હુમલાની ભાગ્યે જ જવાબદારી સ્વીકારતું હોય છે.

જોકે, મે મહિનામાં ઈઝરાયેલ દ્વારા સીરિયામાં આવેલા ઈરાનની સેનાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરાયો હતો.

આ હુમલો સીરિયામાં ચાલી રહેલાં સિવિલ વોરનો સૌથી મોટો હુમલો ગણવામાં આવે છે.

ઈઝરાયલમાં આવેલ ગોલન હાઇટ્સ પર રૉકેટ છોડવામાં આવ્યા બાદ તે વખતે આ હુમલો કરવામાં આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો