IND Vs AUS: સદી સાથે પૂજારાએ સૌરવ ગાંગૂલીને પાછળ છોડ્યા

Image copyright Getty Images

ચેતેશ્વર પૂજારાની સદી અને ભારતીય ટીમને કપ્તાન વિરાટ કોહલી, મયંક અગ્રવાલ અને રોહિત શર્માની અડધી સદીના સહારે ભારતે ઑસ્ટ્રેલિયા સામે 443 રન બનાવીને પ્રથમ ઇનિંગ્સ ડિક્લેર કરી દીધી છે.

પૂજારાએ ઑસ્ટ્રેલિયા સામેની આ સિરિઝમાં પોતાની કારકિર્દીની 17મી સદી ફટકારી હતી.

પૂજારાએ 100 રન બનાવવા માટે 280 બૉલનો સામનો કર્યો હતો, જે હિસાબે તેમની સદી સૌથી ધીમી સદી હતી.

આ સિરિઝમાં પૂજારાની આ બીજી અને ઑસ્ટ્રેલિયા સામે ચોથી સદી છે.

આ સાથે જ પૂજારા દિલીપ વેંગસરકર, વીવીએસ લક્ષ્મણ, માર્ટિન ક્રો, એડમ ગિલક્રિસ્ટ, ડેનિસ ક્રૉમ્પટન જેવા બૅટ્સમેનોની સાથે 17 સદીઓની ક્લબમાં આવી ગયા છે.

બીજી તરફ તેમણે સૌરવ ગાંગુલી, હર્બર્ટ સટક્લિફ, તિલકરત્ને દિલશાન, માઇકલ અથર્ટન, રિચી રિચર્ડસન જેવા બૅટ્સમેનોને પાછળ છોડી દીધા છે.


રાજસ્થાનમાં વિભાગોની વહેંચણી અંગેની ખેંચતાણ સમાપ્ત

રાજસ્થાન ખાતા ફાળવણી Image copyright Getty Images
ફોટો લાઈન સચિન પાયલટને 5 અને અશોક ગહેલોતને 9 ખાતા ફાળવાયા

'એનડીટીવી' હિંદીની વેબસાઈટ મુજબ, રાજસ્થાનમાં કૉંગ્રેસની સરકારમાં મુખ્ય મંત્રી અને ઉપમુખ્ય મંત્રી વચ્ચે ખાતા વચ્ચે ખાતાની ફાળવણીના મુદ્દે ખટરાગ હોવાના સમાચારોની વચ્ચે બંને નેતાઓને ખાતાઓની ફાળવણી કરી દેવાઈ છે.

અહેવાલમાં ટાક્યા મુજબ, મુખ્ય મંત્રી ગહેલોતના ફાળે 9 ખાતા અને ઉપમુખ્ય મંત્રી સચિન પાયલટના ફાળે 5 મહત્ત્તવના ખાત વહેંચવામાં આવ્યા છે.

અશોક ગહેલોતે રાજસ્થાન સરકારમાં ખાતાઓની ફાળવણીના મુદ્દે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.

મુખ્ય મંત્રી ગહેલોતે નાણા, નશા-આબકારી, આયોજન, કાર્મિક, સામાન્ય વહીવટ, રાજસ્થાન તપાસ પંચ, સૂચના અને પ્રસારણ, અને ગૃહ તેમજ ન્યાયન વિભાગ પોતાની પાસે રાખ્યા છે.

ઉપમુખ્ય મંત્રી સચિન પાયલટના ફાળે જાહેર નિર્માણ, ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ, સાયન્સ અને ટેકનૉલૉજી, આંકડા વિભાગ ગયા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

ઇરાકમાં ટ્રમ્પની 'સરપ્રાઈઝ વિઝિટ'

Image copyright Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાતાલના અવસરે ઇરાકમાં કાર્યરત અમેરિકાના સૈનિકોની મુલાકાત કરી હતી.

ટ્રમ્પની આ મુલાકાત અગાઉથી નક્કી નહોતી. ટ્રમ્પ સાથે અમેરિકાના પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ પણ ઈરાક પહોચ્યાં હતાં.

વ્હાઇટ હાઉસે માહિતી આપી હતી કે ટ્રમ્પ અને મેલાનિયા ક્રિસમસની મોડી રાતે ઇરાક પહોંચ્યાં હતાં.

ઇરાકમાં હાજર અમેરિકન સૈન્યને દેશ પ્રત્યેની તેમની સેવાઓ બદલ આભાર વ્યક્ત કરવા માટે અમેરિકન રાષ્ટ્રપતિએ આ મુલાકાત લીધી હતી.

સમાચાર એજન્સી રૉયટર્સના અહેવાલ મુજબ, ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાકમાંથી અમેરિકાના લશ્કરને પરત બોલાવાની તેમની યોજના નથી.

Image copyright AFP

મહારાષ્ટ્રમાં આજે સાંજે 7-10 સુધી ટીવી સ્ક્રિન પર અંધકાર છવાશે

Image copyright GETTY IMAGES

ટેલિકોમ રૅગ્યુલૅટરી ઑથૉરિટી (ટ્રાઇ)ના નવા નિયમોના વિરોધમાં મહારાષ્ટ્રના કેબલ ઑપરેટરો દ્વારા આજે સાંજે 7-10 વાગ્યા સુધી પ્રસારણ અટકાવીને વિરોધ કરાશે.

કેબલ ઍસોસિયેશનના પ્રમુખ અનિલ પરબે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવા નિયમો મુજબ, કેટલીક ચેનલના ભાવોમાં વધારો થતાં અને જાહેર ખબરોને લગતા મુદ્દે આ વિરોધના ભાગરૂપે આ પગલું ભરાયું છે.

તેમના મતે નવા નિયમો મુજબ લોકોના ઘરોમાં જે ચેનલ સૌથી વધારે જોવામાં આવે છે, તેવી 32 ચેનલના નવા ભાડા અને જીએસટી સાથે મહિનાના અંતે ગ્રાહકે 720 રૂપિયા ચુકવવાના રહેશે.

આ મુદ્દે ટ્રાઈના નવા નિયમોનો વિરોધ કરવા આજે રાજ્યમાં સાંજે 7-10 વાગ્યા સુધી પ્રસારણ બંધ રાખવાનું નક્કી કરાયું છે.

નવા ભાડા મુદ્દે સૌથી વધુ જોવાતી 32 ચેનલનું ભાડુ 480 રૂપિયા થશે.

આ ચેનલમાં કાર્ટૂન, સ્પૉર્ટસ, ન્યૂઝ વગેરે ચેનલનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય ચેનલના 150 રૂપિયા અને જીએસટી ઉમેરીને કુલ 720 રૂપિયા ગ્રાહકે ચુકવવાના રહેશે.

આનંદ કુમારના ભાઈ ઉપર શંકાસ્પદ હુમલો

Image copyright ANANDKUMAR/BBC

'સુપર 30'ના સંચાલક અને દેશના જાણીતા ગણિતશાસ્ત્રી આનંદકુમારના ભાઈ પ્રણવકુમાર એક 'માર્ગ અકસ્માત'નો ભોગ બન્યા બાદ હાલમાં યારપુર વિસ્તારની એક હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.

આનંદકુમારે બીબીસી હિંદી સાથેની વાતચીતમાં જણાવ્યું, "મારા ભાઈને અક્માતમાં મારી નાખવાનું કાવતરું હતું. જોકે, ઈશ્વરની કૃપાથી તેઓ બચી ગયા છે."

આનંદકુમારે પટનાના જક્કનપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઈઆર નોંધાવી છે.

નોંધનીય છે આનંદકુમારની બાયૉપિક 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.

તેમના ભાઈ પ્રણવકુમાર બિહારમાં ફિલ્મના પ્રસારને લગતી જવાબદારી સંભાળી રહ્યા છે.

જાપાનમાં વ્હેલનો શિકાર ફરી શરૂ થશે

Image copyright AFP

જાપાને વ્હેલ માછલીનો કૉર્મસિયલ શિકાર ફરી શરૂ કરવાની જાહેરાત કરતાં આંતરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ વિવાદ થયો છે.

અહેવાલ મુજબ, જાપાન વ્હેલના સંવર્ધન માટે કાર્યરત સંસ્થા ઇન્ટરનેશનલ 'વ્હેલિંગ કમિશન' માંથી પોતાનું સભ્યપદ પરત ખેંચી લેશે.

આ સંસ્થા દ્વારા વર્ષ દ્વારા 1986માં વ્હેલનો વેપારી ઉદ્દેશ સાથેના શિકાર પર પ્રતિબંધ મૂકાયો હતો.

આ સંસ્થામાં જાપાનું પ્રતિનિધિત્વ કરી રહેલા એક સભ્યના જણાવ્યા મુજબ, જાપાનમાં ખોરાક તરીકે વ્હેલનો ઉપયોગ કરવાની પરંપરા છે.

જાપાને અનેક વર્ષો સુધી સંશોધનના નામે વ્હેલનો શિકાર કર્યો હતો.

જાપાન દ્વારા કરાતી વ્હેલના માંસની નિકાસનો પણ આંતરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ વિરોધ થયો હતો.

જાપાનના આ નિર્ણયના પગલે પ્રકૃતિપ્રેમીઓમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે.

રશિયાનો દાવો સૌથી શક્તિશાળી મિસાઇલ બનાવી

Image copyright GETTY IMAGES
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો છે કે રશિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી અત્યારસુધીની સૌથી વધુ શક્તિશાળી મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું છે.

રશિયાથી પ્રાપ્ત અહેવાલ મુજબ, આ અત્યાધુનિક મિસાઇલ દુઃશ્મનોની મિસાઇલને શોધીને તેનો નાશ કરી શકશે.

રશિયાનો દાવો છે કે આ પ્રકારની મિસાઇલ તૈયાર કરનાર તે પ્રથમ દેશ છે.

પુતિને જણાવ્યું હતું કે રશિયા માટે આ મોટી સિદ્ધી છે, નવી મિસાઇલ પરમાણુ હથિયારો માટે સક્ષમ છે.

આ મિસાઇલ આગની જેમ હુમલો કરી શકશે. આ મિસાઇલ આવતા વર્ષથી સેનાની સેવામાં ઉપલબ્ધ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ