બૅરલના સહારે દરિયો પાર કરવા નીકળેલા ફ્રૅન્ચ સાહસિક

ઇમેજ સ્રોત, AFP
જગતમાં ધૂની લોકોની કમી નથી અને આવા લોકોની ધૂન જ જીવનમાં નવીનતા આણતા રહે છે.
આવા જ એક ધૂની ફ્રેન્ચ નાગરિક બૅરલ લઈને ઍટલાન્ટિક સમુદ્ર પાર કરવા નીકળ્યા છે.
તસવીરમાં દેખાય છે એ બૅરલ આકારની એક કૅપ્સ્યૂલ છે.
જેમાં બેસીને જિન-જેકસ સવિન નામના આ શખ્સ ફકત દરિયાનાં મોજાંના આધારે પ્રવાસ કરશે અને ઍટલાન્ટિક સમુદ્ર પાર કરશે.
71 વર્ષીય જિન-જેક્સનો આ પ્રવાસ સ્પેનના કેનેરી ટાપુથી શરૂ થઈ ચૂકયો છે.
તેઓ ત્રણ મહિનામાં કેરેબિયન પહોંચવાની આશા રાખે છે.
સમુદ્રશાસ્ત્રીઓ ઍટલાન્ટિક કરંટનો અભ્યાસ કરી શકે તે માટે પ્રવાસ દરમિયાન તેઓ કેટલાંક માર્કર્સ દરિયામાં નાખતા જશે.
જિન-જેકસ સવિનનું આ બૅરલ કંઈ એકદમ સામાન્ય નથી.
આ બૅરલની અંદર સુવાની, રસોઈની અને સ્ટોરેજની સુવિધા પણ છે.
માછલીઓને જોવા રાખી છે બારીઓ
ઇમેજ સ્રોત, AFP
એએફપી સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં એમણે કહ્યું કે હવામાન સારું છે. 3 ફૂટ સુધીનાં મોજાં ઊછળી રહ્યાં છે અને હું 2-3 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યો છું. રવિવાર સુધી અનુકૂળ પવન મળી રહ્યો છે.
સવિન અગાઉ લશ્કરમાં પેરાટ્રૂપર, પાર્ક રેન્જર અને પાઇલટ તરીકે કામ કરી ચૂકયા છે.
તેઓ એવું માને છે કે દરિયાનો પોતાનો કરંટ જ તેમના પ્લાયવુડના બનેલા બૅરલને 4,500 કિલોમીટર સુધી લઈ જશે.
તેમનું બૅરલ 3 મીટર લાંબુ અને 2.10 મીટર પહોળું છે અને એમાં 6 સ્કૅવર મીટર જેટલી રહેવાની જગ્યા છે.
સવિન દરિયામાંથી પસાર થતાં માછલીઓને જોઈ શકે તે માટે બારીઓ પણ છે.
આ પ્રવાસ માટેનું આશરે 68,000 ડૉલરનું બજેટ એમણે ક્રાઉડ ફંડિગથી મેળવ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો