અમદાવાદમાં ઈસરોના કાર્યાલયમાં આગ લાગી

ઈસરો Image copyright Getty Images

અમદાવાદમાં આવેલા 'ઇન્ડિનય સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન' (ઈસરો)ના કાર્યાલય ખાતે આગ લાગ લાગી હોવાની ઘટના બની છે.

આગને ઓલાવવા માટે ફાયર બ્રિગૅડની પાંચ ગાડીઓ ઈસરો પહોંચી હતી.

ફાયર-બ્રિગેડના વડા એમ.એફ દસ્તુરે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે ઈસરોના સ્ટોરરૂમમાં આગ લાગી હતી.

સ્ટોરરૂમમાં દસ્તાવેજો અને અન્ય સામગ્રી પડી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

જોકે, દસ્તુરના જણાવ્યા અનુસાર આગ પર કાબુ મેળવી લેવાયો છે. મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદમાં આવેલા ઈસરો કાર્યાલય ખાતે અવકાશ સંબંધીત સંશોધનો હાથ ધરાય છે.

બાબા રામદેવની 'દિવ્ય ફાર્મસી'ને ઉત્તરાખંડ હાઈકોર્ટની ફટકાર

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર યોગગુરુ બાબા રામદેવની 'દિવ્ય ફાર્મસી'ને ઉત્તરાખંડ હાઈકોર્ટે ફટકાર લગાવી છે. કોર્ટે ઉત્તરાખંડ જૈવ વિવિધતા બોર્ડના આદેશ વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી છે.

અરજીમાં કહેવાયું હતું કે ફાર્મસી સંપૂર્ણ રીતે ભારતીય કંપની છે અને તેને 2002ના કાયદા અનુસાર નફો ના વહેંચવાની છૂટ મળવી જોઈએ.

કોર્ટે પોતાના નિર્ણયમાં જૈવ વિવિધતા કાયદો 2002ને ટાંકીને જણાવ્યું કે ભારતીય કંપનીઓ પણ વિદેશ ફાર્મા કંપનીઓની માફક રજૂ થવી જોઈએ.

કારણ કે તે વેપારના અર્થે કુદરતી સંસાધનોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતી હોય છે. એટલે તેણે ખેડૂતો અને આદિવાસીઓ સાથે પોતાનો નફો વહેંચવો જોઈએ.

સાઉદી અરેબિયાના શાહે વિદેશ મંત્રીની પાંખો કાપી

Image copyright REUTERS
ફોટો લાઈન સાઉદી અરેબિયાના શાહ સલમાન

સાઉદી અરેબિયાના શાહ સલમાને સરકારની જવાબદારીઓમાં પરિવર્તન આણ્યું છે. શાહે સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી આદિલ અલ ઝુબેરના કદમાં ઘટાડો કર્યો છે.

આદિલ અલ ઝુબેરને હવે વિદેશ રાજ્ય મંત્રી બનાવાયા છે. તેમના સ્થાને ઇબ્રાહિમ અલ આસફની વિદેશ મંત્રી તરીકે નિયુક્તિ કરાઈ છે.

તુર્કીના વાણિજ્ય દૂતાવાસામાં પત્રકાર જમાલ ખાશોગ્જીની હત્યાની ઘટના બન્યા બાદ સમગ્ર વિશ્વમાં સાઉદી અરેબિયાની ટીકા થઈ રહી છે.

આ ઘટના બાદ સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને પશ્ચિમના દેશોમાં મીડિયા સમક્ષ આદિલ અલ ઝુબેર સાઉદી અરેબિયાનો પક્ષ મૂકી રહ્યા હતા.

પત્રકાર જમાલ ખાશોગ્જી શાહી પરિવાર અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના ટીકાકાર હતા.

યુએસ શટડાઉન નવા વર્ષે પણ યથાવત

Image copyright AFP

મેક્સિકોની સરહદે દિવાલ બાંધવાના મુદ્દે અમેરિકાની સરકારના વિપક્ષે કરેલા વિરોધ બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સરકારી કામકાજ ઠપ્પ કરી દીધું છે.

સરકારનું આ શટડાઉન નવા વર્ષના પ્રથમ અઠવાડિયા પણ યથાવત રહે તેવી શક્યતા છે.

બંધના છ દિવસ બાદ પણ અડધાથી વધુ સરકારી વિભાગો ઠપ્પ રહ્યા હતા.

સરકાર અને વિરોધ પક્ષ બંનેએ સ્વીકાર્યુ હતું કે આ વિવાદ 2019ની શરૂઆતમાં પણ ચાલુ રહે તેવી શક્યતા છે.

'યુપીના મુસ્લિમ અભિનેતાને ઠાકેરનો રોલ મળ્યો'

Image copyright GETTY IMAGES
ફોટો લાઈન સિદ્ધાર્થ

રંગ દે બસંતી ફિલ્મથી જાણીતા થયેલા અભિનેતા સિદ્ધાર્થે ઠાકરે ફિલ્મના ટ્રેઇલર બાદ ટ્વીટ કરીને આક્ષેપ કર્યો હતો કે આ ફિલ્મના સંવાદમાં દક્ષિણ ભારતીયો વિરુદ્ધ અપમાનજક ટિપ્પણી છે.

સિદ્ઘાર્થે લખ્યું હતું કે ઠાકરે ફિલ્મમાં નવાઝુદ્દીનનો એક સંવાદ છે, 'ઉઠાવો લુંગી, બજાઓ પુંગી.' આ સંવાદ દક્ષિણ ભારતીયો વિરુદ્ધ નફરત પ્રસરાવે છે.

આ ફિલ્મ બાલા સાહેબ ઠાકરેના જીવન પર આધારિત છે.

સિદ્ધાર્થે એવો પણ તર્ક વ્યક્ત કર્યો હતો કે જેમણે ઉત્તર ભારતીયો અને મુસ્લિમોનો વિરોધ કર્યો તેમનું કિરદાર નિભાવવા માટે અંતે ઉત્તર પ્રદેશના એક મુસ્લિમ અભિનેતાની જ પસંદગી થઈ.

સિદ્ઘાર્થના આ ટ્વીટ બાદ પણ ઇન્ટરનેટ પર ખૂબ જ ચર્ચાઓ થઈ હતી.

કોલસાની ખાણમાં મજૂરો ફસાયા

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

દેશના ઉત્તર-પૂર્વના રાજ્ય મેઘાલયમાં ગત 13 ડિસેમ્બરથી 15 મજૂરો કોલસાની ખાણમાં ફસાયેલા છે.

ખાણમાંથી મજૂરોને બહાર કાઢવાના તમામ પ્રયાસોની વચ્ચે પણ બચાવ અને રાહતકાર્યમાં સફળતા નથી મળી.

વિપક્ષ આ દુર્ઘટના બદલ રાજ્ય અને કેન્દ્ર સરકારને કસૂરવાર ઠેરવી રહ્યા છે.

કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પણ આ ઘટના અંગે ટ્વીટ કર્યુ હતું.

તેમણે લખ્યું કે વડા પ્રધાન મોદી ઉત્તર પૂર્વના રાજ્યમાં જઈને તસવીરો ખેચાવવાને બદલે ખાણમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવાનો પ્રયાસ કરે.

જાહેરાત પાછળ ત્રણ અબજ રૂપિયા ખર્ચ્યા

Image copyright Getty Images
ફોટો લાઈન મુખ્ય મંત્રી રઘબર દાસ

ઝારખંડ સરકારે પાછલા ચાર વર્ષ દરમિયાન જાહેરાત પાછળ રૂપિયા ત્રણ અબજથી વધારેનો ખર્ચ કર્યો હોવાની વિગતો બહાર આવી છે.

આ ખર્ચાની રકમના લીધે સરકારની ટીકા થઈ રહી છે.

ઝારખંડમાં સત્તાધારી ભારતીય જનતા પક્ષ પર વિપક્ષે સરકારી તિજોરીમાંથી આડેધડ ખર્ચ કરવાનો આક્ષેપ કર્યો છે.

આ બધાની વચ્ચે આજે ઝારખંડની રઘુવર દાસ સરકાર ચાર વર્ષની ઉજવણી કરશે.

ઝારખંડ સરકાર આ ચાર વર્ષોને જનસેવાના ચાર વર્ષ તરીકે ગણાવી રહી છે, જ્યારે વિપક્ષ ઝારખંડની સરકારને જાહેરખબરોની સરકાર ગણાવી રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો