અફઘાનિસ્તાન : તાલિબાન પાસે અબજો રૂપિયા ક્યાંથી આવે છે?

  • દાઉદ આઝમી
  • બીબીસી વર્લ્ડ સર્વિસ એન્ડ રિયાલિટી ચેક

અમેરિકાની સેના છેલ્લાં ઘણાં વર્ષોથી અફઘાનિસ્તાનમાં રહીને તાલિબાન વિરુદ્ધ સંઘર્ષ કરી રહી છે.

પરંતુ હવે એવા સંકેત મળવા લાગ્યા છે કે અમેરિકાની સરકાર અફઘાનિસ્તાનથી પોતાના સૈનિકોને પરત બોલાવવાની યોજના બનાવી રહી છે.

અફઘાનિસ્તાનમાં અમેરિકાની સૈન્ય ટૂકડીઓ તાલિબાન સહિત બીજા ચરમપંથી સંગઠનો વિરુદ્ધ લડાઈમાં અફઘાનિસ્તાનની સરકારને સહયોગ આપી રહી છે.

અમેરિકાના નેતૃત્વ વાળી ગઠબંધન સેનાઓએ તાલિબાનને વર્ષ 2001માં જ અફઘાનિસ્તાનની સત્તામાંથી બહાર કરી દીધી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

તે છતાં તાલિબાન પાસે લગભગ 60 હજાર લડાકુઓ છે. એટલું જ નહીં, છેલ્લાં 17 વર્ષમાં અફઘાનિસ્તાનના ક્ષેત્રીય નિયંત્રણમાં વધારો થયો છે. અફઘાનિસ્તાન સરકાર અને તાલિબાન વચ્ચે સંઘર્ષ વધતો જઈ રહ્યો છે.

આ પ્રકારના ચરમપંથી અભિયાનોને અંજામ આપવા માટે ભારે આર્થિક સહાયતાની જરૂર હોય છે. એવામાં સવાલ ઊઠે છે કે તાલિબાનને આ આર્થિક મદદ ક્યાંથી મળે છે.

આટલું ધનવાન કેમ છે તાલિબાન?

તાલિબાને વર્ષ 1996થી 2001 સુધી અફઘાનિસ્તાન પર રાજ કર્યું છે. આ દરમિયાન અફઘાનિસ્તાનમાં શરિયા કાયદો લાગુ હતો.

આ સંગઠન સાથે જોડાયેલા ધનના આવાગમનને ધ્યાનપૂર્વક સમજવા જેવું છે.

કેમ કે ગુપ્ત ચરમપંથી સંગઠન પોતાના ખાતા સાથે જોડાયેલી જાણકારી પ્રકાશિત કરતા નથી.

પરંતુ બીબીસીને અફઘાનિસ્તાનની અંદર અને બહાર એવા ઘણા લોકો મળ્યા છે કે જેના આધારે ખબર પડે છે કે તાલિબાન ખૂબ જટિલ આર્થિક તંત્ર ચલાવે છે અને ઉગ્રવાદીઓ અભિયાનોને અંજામ આપવા માટે ટૅક્સેશન સિસ્ટમનો ઉપયોગ પણ કરે છે.

વર્ષ 2011માં આ સંગઠનની વાર્ષિક આવક લગભગ 28 અબજ રૂપિયા હતી. પરંતુ એવું માનવામાં આવે છે કે હવે આ આંકડો વધીને 105.079 અબજ રુપિયા થયો હોઈ શકે છે.

અફઘાનિસ્તાન અને અમેરિકાની સરકાર એ નેટવર્કો પર લગામ લગાવવાના પ્રયાસ કરી રહી છે. થોડા સમય પહેલાં અમેરિકાની સરકારે નશીલા પદાર્થ બનાવતી પ્રયોગશાળાઓ પર બૉમ્બ વર્ષા કરવાની વ્યૂહરચના ઘડી હતી.

તાલિબાનની કમાણી માત્ર નશાના વેપારથી થાય છે એમ નથી.

સંયુક્ત રાષ્ટ્રએ 2012માં એ ધારણા વિરુદ્ધ ચેતવણી આપી હતી, જે અંતર્ગત માનવામાં આવતું હતું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનની મુખ્ય કમાણીનો સ્રોત અફીણની ખેતી છે.

અફીણ, ટૅક્સેશન અને કમાણી

અફઘાનિસ્તાન દુનિયામાં અફીણનો સૌથી મોટો ઉત્પાદક છે. અહીં જેટલું અફીણ દર વર્ષે ઉત્પન્ન થાય છે તેની નિકાસ કરવામાં આવે તો 105થી 210 અબજ રૂપિયાની કમાણી થશે.

અફીણની ખેતી એક મોટો વેપાર છે. આખી દુનિયામાં હેરોઇનની મોટાભાગે આપૂર્તિ પણ આ જ ક્ષેત્રથી થાય છે.

અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી વાળા ક્ષેત્રના એક મોટાભાગ પર સરકારનું નિયંત્રણ છે. પરંતુ અફીણની ખેતી વાળા મોટાભાગના વિસ્તાર પર તાલિબાનનું નિયંત્રણ છે.

એવું માનવામાં આવે છે કે તાલિબાનની આવકનો તે મોટો સ્રોત છે.

પરંતુ તાલિબાન આ વેપારનો અલગઅલગ સ્તરે ટૅક્સ લે છે. અફીણની ખેતી કરતા ખેડૂતો પાસેથી 10 ટકા ઉત્પાદન ટૅક્સ લેવામાં આવે છે.

ત્યારબાદ અફીણને હેરોઇનમાં પરિવર્તિત કરતી પ્રયોગશાળાઓ પાસેથી પણ ટૅક્સ લેવામાં આવે છે. એટલું જ નહીં, આ ગેરકાયદેસર વેપાર કરતા વેપારીઓ પાસેથી પણ ટૅક્સ વસૂલવામાં આવે છે.

આ પ્રકારના વેપારમાં દર વર્ષે તાલિબાનનો ભાગ આશરે 7 અબજ રૂપિયાથી માંડીને 28 અબજ રૂપિયા વચ્ચે હોય છે.

પ્રયોગશાળાઓ પર બૉમ્બવર્ષા

ટ્રમ્પ સરકારના આક્રમક વલણના પગલે અમેરિકાની સેનાએ નવી વ્યૂહરચના અંતર્ગત તાલિબાનની આવકના સ્રોતોને નષ્ટ કરવા માટે એ સ્થળો પર બૉમ્બવર્ષા કરવાનું શરુ કરી દીધું છે, જ્યાં અફીણને હેરોઇનમાં બદલવામાં આવે છે.

અમેરિકાની સેના કહે છે કે તાલિબાનની 60 ટકા આવક નશાના વેપારથી થાય છે.

વર્ષ 2018ના ઓગસ્ટ મહિનામાં અમેરિકાએ દાવો કર્યો હતો કે તેણે અફઘાનિસ્તાનમાં હાજર સંભવિત 400-500 પ્રયોગશાળાઓને ધ્વસ્ત કરી નાખી છે. તે પૈકી અડધી કરતાં વધારે પ્રયોગશાળાઓ દક્ષિણી હેલમંડ વિસ્તારમાં હતી.

આ સાથે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હવાઈ હુમલાએ તાલિબાનની અફીણના વેપારથી થતી કુલ કમાણીનો એક ચતુર્થાંશ ભાગ ખતમ કરી દીધો છે. પરંતુ આ હવાઈ હુમલાના લાંબા ગાળાનો પ્રભાવ હજુ બાકી છે.

જો પ્રયોગશાળાઓને નષ્ટ કરી દેવામાં આવી છે તો પણ તેમને બીજી વખત ઊભી કરવામાં વધારે સમય કે ખર્ચ થતો નથી.

તાલિબાન સામાન્યપણે નશાના ગોરખધંધામાં સામેલ હોવાનું ખંડન કરે છે. એટલું જ નહીં, પોતાના શાસનકાળમાં અફીણની ખેતી પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયની પણ વાતો કરે છે.

કમાણીના બીજા સ્રોત કયા?

તાલિબાન અફીણની ખેતી સિવાય બીજા સ્રોતોથી પણ કમાણી કરે છે.

વર્ષ 2018ની શરુઆતમાં બીબીસીની એક ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરીમાં ખબર પડી હતી કે અફઘાનિસ્તાનના 70 ટકા ક્ષેત્રમાં તાલિબાનની સક્રીય હાજરી છે.

આ ક્ષેત્રોમાં રહેલા લોકો પાસેથી જ તાલિબાન ટૅક્સની વસૂલાત કરે છે.

તાલિબાનના આર્થિક પંચે આ વર્ષે જ એક પત્ર લખી અફઘાની વેપારીઓને ચેતવણી આપી હતી કે તેમણે તાલિબાનના નિયંત્રણ વાળા ક્ષેત્રો પરથી પોતાનો સામાન લઈ જવા પર ટૅક્સ આપવો પડશે.

આ સિવાય તે ટેલિકૉમ અને મોબાઇલ ફોન ઑપરેટરો પાસેથી પણ કમાણી કરે છે.

અફઘાનિસ્તાનની એક વીજ કંપનીનના પ્રમુખે બીબીસીને જણાવ્યું હતું કે તાલિબાન દર વર્ષે વીજળી વેચીને 14 કરોડ રૂપિયા કમાય છે.

આ સિવાય સતત થતા સંઘર્ષથી પણ કમાણી થાય છે. તાલિબાન જ્યારે કોઈ સૈન્ય ચોકી કે શહેરી વિસ્તાર પર હુમલો કરે છે તો તેનાથી સીધો લાભ મળે છે.

આાવા અભિયાનમાં તે સરકારી તિજોરીઓ ખાલી કરવાની સાથેસાથે હથિયારો, કાર અને સૈન્ય વાહનો પ્રાપ્ત કરી લે છે.

અફઘાનિસ્તાનની ખનીજ સંપત્તિ

અફઘાનિસ્તાન ખનીજ સંપત્તિ મામલે ખૂબ જ ધનવાન દેશ છે. પરંતુ અત્યાર સુધી સંઘર્ષના કારણે આ ખનીજ સંપત્તિનું દોહન થયું નથી.

અફઘાનિસ્તાનમાં ખનીજ ઉદ્યોગ ઓછામાં ઓછો 70 અબજ રૂપિયાનો છે. પરંતુ મોટાભાગે ખનન નાના પાયે અને ગેરકાયદેસર રીતે થાય છે.

તાલિબાને આ ખનન ક્ષેત્રો પર નિયંત્રણ કરી ગેરકાયદેસર અને કાયદેસર ખનન કરતા પક્ષો પાસેથી કમાણી કરવાનું ચાલુ કરી દીધું.

યૂએનના એક રિપોર્ટમાં એ વાત સામે આવી હતી કે તાલિબાન દક્ષિણી હેલમંડ વિસ્તારમાં સક્રિય 25થી 30 ખનન કંપનીઓથી દર વર્ષે 70 કરોડ રૂપિયા પ્રાપ્ત કરે છે.

પૂર્વી નાંગરહાર વિસ્તારના ગવર્નરે બીબીસીને જણાવ્યું છે કે આ ક્ષેત્રમાં ખનનથી થતી કમાણીનો અડધો ભાગ તાલિબાનને જાય છે અથવા તો ઇસ્લામિક સ્ટેટને જાય છે.

તેમણે અનુમાન લગાવ્યું હતું કે આ સંગઠન અહીંથી નીકળતાં ટ્રક પાસેથી આશરે 35 હજાર રૂપિયા લે છે અને આ વિસ્તારમાંથી નીકળતાં ટ્રકોની સંખ્યા ખૂબ વધારે હોય છે.

સ્થાનિક વેપારીઓ અને અફઘાન સરકારના અધિકારીઓના જણાવ્યા અનુસાર તાલિબાન હવે દર વર્ષે સમગ્ર દેશના ખનન ક્ષેત્રથી 350 કરોડ રૂપિયા પ્રાપ્ત કરે છે.

વિદેશી સ્રોતો પાસેથી આવક

ઘણા અફઘાન અને અમેરિકી અધિકારી જણાવે છે કે ઘણી સરકારો, જેમાં પાકિસ્તાન, ઈરાન અને રશિયા સામેલ છે, અફઘાન તાલિબાનને આર્થિક મદદ આપે છે. પરંતુ આ દેશો તે વાતને નકારે છે.

ઘણા મધ્ય-પૂર્વી દેશોમાં ઉદાહરણ તરીકે સાઉદી અરેબિયા, યૂએઈ, પાકિસ્તાન અને કતારમાં રહેતા ઘણા લોકો વ્યક્તિગત સ્તરે તાલિબાનના મોટા ધનદાતા મનાય છે.

જોકે, એ તો શક્ય નથી કે તાલિબાનની કમાણીનું સટીક આકલન કરી શકાય. પરંતુ વિશેષજ્ઞો માને છે કે તાલિબાનની વાર્ષિક કમાણી 35 અબજ રુપિયા સુધી હોઈ શકે છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
વીડિયો કૅપ્શન થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો