ઑસ્ટ્રેલિયા સામેની એક જ શ્રેણીમાં પૂજારાની ત્રીજી સદી

  • પ્રીત ગરાલા
  • બીબીસી ગુજરાતી
ચેતેશ્વર પૂજારા

ઇમેજ સ્રોત, Getty Images

સિડનીમાં ચાલી રહેલી ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની 4 ટેસ્ટમેચની સિરીઝની અંતિમ ટેસ્ટમેચમાં ચેતેશ્વર પૂજારાએ ફરી એક વખત સદી નોંધાવી છે.

પહેલા દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે પૂજારાના અણનમ 130 રનની મદદથી ભારતે 4 વિકેટે 303 રન કરી સિડની ટેસ્ટમાં મજબુત સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે. પૂજારા સાથે હનુમા વિહારી 39 રને રમતમાં છે. આ સદીની આ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં પૂજારાએ કરેલી કુલ સદીનો આંક 18 થઈ ગયો છે.

ચાલુ સિરીઝમાં પૂજારાની આ ત્રીજી સદી છે. પૂજારાએ 250 દડામાં 130 રન કર્યા છે.

નોંધનીય છે કે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની શૃંખલાની ચોથી ટેસ્ટમેચ સિડની ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે.

અગાઉ ઑસ્ટ્રેલિયાના પૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગએ કહ્યું હતું કે ચેતેશ્વર પૂજારાની 319 બોલમાં 106 રનની ધીમી ઇનિંગના કારણે ભારત મૅલબર્ન ટેસ્ટ હારી શકે છે. ભારતે પહેલાં 2 દિવસે અઢી રન પ્રતિ ઓવરની ગતિથી રન બનાવ્યા હતા, જે છેલ્લા ત્રણ દસકામાં ઑસ્ટ્રેલિયામાં પ્રથમ ઇનિંગનો સૌથી ધીમો સ્કોર છે.

તે સમયે પૉન્ટિંગે cricket.com.auને જણાવ્યું હતું કે જો ભારત આ મૅચ જીતશે તો આ સારી ઇનિંગ છે, પરંતુ આ બાદ એવું પણ થઈ શકે છે કે ઑસ્ટ્રેલિયાની ટીમને બે વખત આઉટ કરવાનો અવસર ન મળે. જેથી ભારતે મૅચ ગુમાવવી પડી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images

તેમણે વધુમાં કહ્યું, "પૂજારાના રહેવાથી રનની ગતિ વધારવી મુશ્કેલ હતી. તેમણે વધુ એક સદી ફટકારી. પૂજારા સારું રમે છે અને આઉટ થતા નથી. પરંતુ તેઓ પોતાને એક જાળમાં ફસાવી દે છે જેનાથી તેઓ રનની ગતિ વધારવા વિશે પ્રભાવિત થતા નથી."

"ભારત પાસે શૉટ ફટકારનાર ખેલાડીઓ છે, પરંતુ તેઓ મેદાનમાં આવી શકતા નથી એટલે રનની ગતિ વધી શકતી નથી. તેવામાં ટેસ્ટ જીતવામાં મુશ્કેલી સર્જાશે."

પૉન્ટિંગે કહ્યું, ''પૂજારાના આઉટ થયા બાદ ભારતીય ટીમ દિશાથી ભટકી ગઈ હતી અને તેમને સમજાતું નહોતું કે શું કરવું છે? એવું લાગ્યું કે તેઓ એક જ ઇનિંગ રમવા માગે છે પરંતુ તેના માટે તેઓ ખાસ રન ન બનાવી શક્યા."

'બૉક્સિંગ ડૅ' ટેસ્ટમાં બન્યા અનેક રેકૉર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

જસપ્રીત બુમરાહે ત્રીજી ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે શૉન માર્શનો રેકૉડ તોડ્યો હતો. બુમરાહ એવા પ્રથમ ભારતીય ખેલાડી બન્યા કે જેમણે પોતાના ડેબ્યૂ કૅલેન્ડર યરમાં 45 વિકેટો ખેરવી હોય.

બુમરાહે ભારતીય બૉલર દિલીપ દોશીનો 39 વર્ષ જૂનો 40 વિકેટ લેવાનો રેકૉડ તોડ્યો હતો.

ઇમેજ સ્રોત, Gareth Copley

વિરાટ કોહલી ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મૅચમાં 82 રનની ઇનિંગ રમી, સદીથી તો ચૂક્યા હતા પરંતુ તેમણે એક રેકૉડ પોતાના નામે કર્યો હતો.

વિરાટ ભારત તરફથી વિદેશી જમીન પર એક કૅલેન્ડર વર્ષમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બની ગયા છે.

કોહલીએ 2018માં વિદેશી ધરતી પર 1138 રન નોંધાવી તેમણે રાહુલ દ્રવિડનો 2002નો 1137 રનનો રેકૉડ તોડ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images

આ સાથે ભારતીય ટીમે પણ પોતાનો અનોખો રેકૉડ તોડ્યો હતો. ભારતના બૉલરોએ ટેસ્ટ ક્રિકેટમાં આ વર્ષે કુલ 252 વિકેટ ખેરવી 39 વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો.

આ પહેલાં ભારતીય ખેલાડીઓએ એક કૅલેન્ડર યરમાં 1979માં કુલ 249 વિકેટ ખેરવી હતી.

ઇમેજ સ્રોત, @BCCI/twitter

ઇમેજ કૅપ્શન,

મયંક અગ્રવાલ

તે સિવાય મયંક અગ્રવાલે ઑસ્ટ્રેલિયન જમીન પર 71 વર્ષ જુનો પ્રથમ ટેસ્ટમાં સૌથી વધારે રન કરવાનો દત્તૂ ફડકરનો રેકૉર્ડ તોડ્યો હતો. 1947માં દત્તૂએ સિડની ટેસ્ટમાં 51 રનની ઇનિંગ રમી હતી.

તે સિવાય મયંક ઑસ્ટ્રેલિયન ધરતી પર ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરનારા બીજા ભારતીય ઑપનિંગ બૅટ્સમૅન છે.

ઑસ્ટ્રેલિયન ધરતી પર ઑપનિંગ બૅટ્સમૅન તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનારા પ્રથમ ખેલાડી આમિર ઇલાહી હતા. જેમણે પણ 1947ની જ સિડની ટેસ્ટમાં આ રેકૉર્ડ નોંધાવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો