Top News : સોહરાબ કેસમાં નેતાઓને ફસાવવા માગતી હતી સીબીઆઈ : કોર્ટ

સોહરાબુદ્દીન શેખ અને કૌસર બી

સોહરાબુદ્દીન શેખ, તેનાં પત્ની કૌસર બી અને તુલસી પ્રજાપતિનાં કથિત ઍન્કાઉન્ટર કેસમાં તમામ 22 આરોપીને નિર્દોષ જાહેર કરનાર અદાલતે પોતાના વિસ્તૃત ફેંસલામાં કહ્યું તે આ કેસમાં સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) કેટલાક નેતાઓને ફસાવવા માગતી હતી.

અદાલતે કહ્યું કે સીબીઆઈ પાસે અગાઉથી નિયત થિયરી અને એક પટકથા હતી, જેનો હેતુ કેટલાક નેતાઓને ફસાવવાનો હતો.

21 ડિસેમ્બર એ આપેલા 350 પાનાના નિર્ણયમાં ખાસ સીબીઆઈ જજ એસ. જે. શર્માએ આ કેસમાં આરોપી ભાજપ અધ્યક્ષ અમિત શાહનો પણ ઉલ્લેખ કર્યો હતો.

એમણે કહ્યું "મારી અગાઉના જજે આરોપી નંબર છ (અમિત શાહ)ને આરોપોથી મુક્ત કરતી વખતે સાફ કહ્યું હતું કે આ તપાસ રાજનીતિથી પ્રેરિત હતી."

સીબીઆઈએ શરુઆતમાં અમિત શાહને આરોપી બનાવ્યા પણ 2014માં એમને આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

જજ એસ. જે. શર્માએ કહ્યું, "મને આ કહેવામાં કોઈ ખચકાટ નથી કે સીબીઆઈ જેવી એક ઉચ્ચ તપાસ સંસ્થાની પાસે અગાઉથી એક નિયત થિયરી અને પટકથા હતી."

શું ઍન્જેલિના જૉલી રાજકારણમાં આવશે?

બીબીસીનો અહેવાલ જણાવે છે કે, હોલીવૂડનાં વિખ્યાત અભિનેત્રી ઍન્જેલિના જૉલીએ આપેલા સંકેતોથી એવું લાગી રહ્યું છે કે ખૂબ જલ્દી તેઓ રાજનીતિમાં પ્રવેશ કરશે.

બીબીસી ટુડે કાર્યક્રમમાં આપેલી એક મુલાકાતમાં એમણે કહ્યું, "વીસ વર્ષ અગાઉ એમણે આ વાત નકારી દીધી હતી, પરંતુ હવે તેઓ ત્યાં જશે જયાં એમની જરુર છે."

સંયુકત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીનાં વિશેષ દૂત ઍન્જેલિના જૉલી શુક્રવારે બીબીસી ટુડે કાર્યક્રમનાં મહેમાન એડિટર હતાં.

ઍન્જેલિના જૉલી શરણાર્થીઓ, યૌન હિંસા અને પ્રકૃતિ સંરક્ષણ જેવા અનેક મુદ્દાઓ પર સક્રિય રીતે જોડાયેલાં છે.

કાર્યક્રમના એડિટર જસ્ટિન વેબે જયારે એમને પૂછ્યું, "શું તેઓ કયારેય પણ અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા માગે છે?"

જેના જવાબમાં ઍન્જેલિનાએ કહ્યું, "જો આ સવાલ તમે 20 વર્ષ અગાઉ પૂછ્યો હોત હું હસી કાઢત. હું કાયમ કહું છું જયાં પણ મારી જરુરિયાત હશે, ત્યાં હું જઈશ."

"જો હું રાજનીતિ માટે યોગ્ય ગણાઉ છું તો હું તો ત્યાં જઈશ."

"હું સરકારની સાથે કામ કરવા માટે સક્ષમ છું અને સેના સાથે કામ કરવા માટે પણ એટલે જ હું એ મહત્ત્વપૂર્ણ જગ્યાએ પહોંચીને ઘણું કરી શકવા સક્ષમ છું."

જયારે જસ્ટિન વેબે કહ્યું કે, આનો અર્થ છે કે રાષ્ટ્રપતિ પદના નામાંકન માટે ચાલી રહેલી 30થી 40 ડેમોક્રેટસની યાદીમાં આપનું નામ પણ હોઈ શકે છે?

ઍન્જેલિના જૉલીએ એનો ઇન્કાર નહોતો કર્યો, પણ "આભાર" વ્યકત કર્યો હતો.

આપને આ પણ વાંચવું ગમશે

મેનબીજમાં પ્રવેશી સીરિયાઈ સેના

ઇમેજ સ્રોત, AFP

છ વર્ષમાં પ્રથમ વખત સીરિયાની સેનાએ ચાવીરૂપ એવા મેનબીજ શહેરમાં પ્રવેશ કર્યો છે.

તુર્કીની સેના દ્વારા હુમલો કરવામાં આવશે, તેવી આશંકાને પગલે અમેરિકા સમર્થિત કૂર્દો મોરચેથી ખસી ગયા હતા અને સીરિયાની સેનાને શહેરનો કબજો સોંપી દીધો હતો.

તુર્કી અમેરિકા સમર્થિક કૂર્દ જૂથ YPGને આતંકવાદી જૂથ માને છે.

બીજી બાજુ, અમેરિકાના કહેવા પ્રમાણે, મેનબીજમાં સેનામાં કોઈ ફેરફાર નથી થયો.

ગીઝાના પિરામિડ પાસે બ્લાસ્ટ

ઇમેજ સ્રોત, Reuters

ઇજિપ્તના વિખ્યાત ગીઝાના પિરામિડની પાસે બ્લાસ્ટ થયો છે, જેમાં વિયેતનામના ત્રણ પર્યટક તથા એક સ્થાનિક ગાઇડ સહિત કુલ ચાર લોકોનાં મૃત્યુ થયા છે.

આ હુમલામાં 12 લોકો ઘાયલ થયા છે, જેમાંથી બેની સ્થિતિ ગંભીર છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વિયેતનામના 14 પર્યટકોને લઈને સ્થાનિક બસ પસાર થઈ રહી હતી, ત્યારે આ બ્લાસ્ટ થયો હતો.

હજુ સુધી કોઈ પણ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી નથી લીધી, પરંતુ ભૂતકાળમાં ઇસ્લામિક આતંકવાદીઓએ આવા હુમલાઓને અંજામ આપ્યો હોવાથી શંકાની સોઈ તેમની તરફ તંકાઈ રહી છે.

કૅન્સર પીડિત દ્વારા રૂ. 10 કરોડની સખાવત

ઇમેજ સ્રોત, Treehouse

આખું જીવન કરકસરમાં વિતાવનાર અને કૉસ્ટો પહેરેલ લુગડે આવેલ કૅન્સર પીડિત એક વ્યકિત પોતાની વસિયતમાં બાળકોના કલ્યાણ માટે 11 મિલિયન પાઉન્ડ (આશરે રૂ. 10 કરોડ) મૂકતા ગયા છે.

જાન્યુઆરી 2018માં નેઇમનનું અવસાન થયું હતું. એમનાં મિત્રોએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, એમની આ દાન પ્રવૃત્તિથી અમને આશ્ચર્ય નથી થતું.

એમના મિત્ર મેરી મોનહેને કહ્યું, "દરેકને આનંદ સાથે આંચકો લાગ્યો છે કે એમની પાસે આટલાં બધા પૈસા હતાં."

નેઇમન એક સામાજિક કાર્યકર હતા અને 30 વર્ષથી બાળકો માટે કામ કરતા હતા.

એમનાં મિત્ર મેરી મોનહેને બીબીસીને કહ્યું, "લોકોને મોટી રકમથી આશ્ચર્ય થઈ રહ્યું છે. નેઇમને 30 વર્ષ અગાઉ બાળકો સાથે કામ કરવા માટે ખૂબ રળી આપે એવી બૅન્કની નોકરી છોડી દીધી હતી."

ઉલ્લેખનીય છે કે નેઇમનને દેવું કરવાથી નફરત હતી અને તેમણે બે-ત્રણ નોકરી કરી હતી.

તેઓ પૈસાની કરકસર માટે જાણીતા હતા અને થકવી દેનારા પ્રવાસો પણ બાય રૉડ કરતા હતા.

એમણે બાળકોનાં કલ્યાણ માટે કામ કરતી વિવિધ છ સંસ્થાઓને દાન પેટે 11 મિલિયન પાઉન્ડ (આશરે 10 કરોડ રુપિયા) આપ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો