BBC Top News : બૉમ્બ વિસ્ફોટ બાદ ઇજિપ્તમાં પોલીસ કાર્યવાહીમાં 40 ઉગ્રવાદી ઠાર

ઇજિપ્તમાં સુરક્ષાબળોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇજિપ્તના ગૃહ વિભાગના જણાવ્યા પ્રમાણે, પોલીસે ઉગ્રપંથીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં 40 ઉગ્રપંથીઓને ઠાર મારવામાં આવ્યા છે.

પોલીસે ગીઝા તથા ઉત્તર સિનાઈ પ્રાંતની આજુબાજુ ઉગ્રપંથીઓના મથકો પર હુમલા કર્યા હતા.

આ ઉગ્રપંથીઓ ઇજિપ્તના કેટલાક પર્યટક સ્થળો, ચર્ચ તથા સૈન્ય મથકો ઉપર હુમલા કરવાની યોજના ઘડી રહ્યા હતા.

શુક્રવારે ગીઝા પાસે એક ટુરિસ્ટ બસ બૉમ્બ હુમલાનો ભોગ બની હતી, જેમાં ઇજિપ્તના ટુરિસ્ટ ગાઇડ અને વિયેટનામના ત્રણ પર્યટકો સહિત કુલ ચારનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 12 અન્ય ઘાયલ થયા હતા.

હજુ સુધી કોઈપણ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી નથી લીધી.

રશિયાના વિદેશ વિભાગમાં બીબીસીની રાવ

ઇમેજ સ્રોત, Getty Images

રશિયામાં કાર્યરત બીબીસી સ્ટાફનો અંગત ડેટા ઑનલાઇન લીક થતા બીબીસીએ રશિયાના વિદેશ મંત્રાલય સમક્ષ ઔપચારિક ફરિયાદ નોંધાવી છે.

નાતાલ ઉપર ફૉર મધર રશિયા જૂથ દ્વારા રશિયામાં કાર્યરત 44 પત્રકારોનાં સંપૂર્ણ નામ તથા તસવીરો બહાર પાડવામાં આવ્યાં હતાં, જે pikabu.ru અને segodnya.ru ઉપર પણ છપાયા હતા.

રશિયાના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે સોશિયલ મીડિયા ઉપર પ્રાપ્ય વિગતો હશે, પરંતુ બીબીસીએ કરેલી તપાસ પ્રમાણે, આ વિગતો અલગ છે.

માત્ર બીબીસી બ્યૂરોના વડાનું નામ સાર્વજનિક છે. અમુક આંશિક વિગતો રશિયાના સત્તાધીશો પાસે રહેલી છે.

નાઇજીરિયાના શહેર પર ઉગ્રવાદીઓનો કબજો

ઇમેજ સ્રોત, AFP

બીબીસીને મળેલી માહિતી પ્રમાણે, ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા આતંકવાદીઓએ નાઇજીરિયાના શહેર બગા ઉપર કબજો કરી લીધો છે.

આ હુમલાને પગલે સેંકડો લોકો શહેર છોડી ગયા છે. ઉગ્રવાદીઓએ ચાડ સરોવરના કિનારે આવેલા સૈન્ય થાણામાંથી હથિયારો ઝૂંટવી લીધા છે, જ્યારે નૌકાદળના મથકને આગ ચાંપી દીધી છે.

નાઇજીરિયાની સેના સાથે સંકળાયેલી સમચાર સંસ્થા પીઆરનાઇજીરિયાએ ઉચ્ચ સૈન્ય અધિકારીઓને ટાંકતા દાવો કર્યો છે કે હુમલા બાદ સેનાએ 'વ્યૂહાત્મક પીછેહઠ' કરી હતી.

નાઇજીરિયાના વાયુદળે સૈનિકોને પહોંચાડવા માટે વીસથી વધુ ઉડ્ડાણો ભરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો