બાંગ્લાદેશમાં શેખ હસિના ત્રીજી વખત વડાં પ્રધાન તરીકે જીત્યાં : વિપક્ષની ફરી ચૂંટણી યોજવાની માગ

શેખ હસિના

ઇમેજ સ્રોત, Getty Images

સોમવારે બાંગ્લાદેશના ચૂંટણી પંચે જણાવ્યું કે સતત ત્રીજી વખત શેખ હસિના વડાં પ્રધાન પદ પર જીત્યાં છે.

જોકે રવિવારે યોજાયેલા મતદાન દરમિયાન વિવિધ જિલ્લાઓમાં હિંસા અને ગેરરીતિની ફરિયાદો આવી હતી. મતદાન દરમિયાન થયેલી હિંસામાં ઓછામાં ઓછા 17 લોકાનાં મૃત્યુ થયાં હતાં.

ગેરરીતિના આક્ષેપો સાથે દેશભરમાં ફરીથી ચૂંટણી યોજવાની માગ વિરોધ પક્ષ દ્વારા કરાઈ રહી છે.

શેખ હસિનાનો પક્ષ એટલે કે સત્તા પક્ષનો 350 પૈકી 281 સંસદીય બેઠકો પર વિજય થયો છે, 2009થી હસિનાનો પક્ષ આવામી લીગ બાંગ્લાદેશમાં સત્તામાં છે.

ગેરરીતિ અંગે તપાસ કરાશે

બાંગ્લાદેશના વિરોધ પક્ષના નેતા કમલ હુસૈને આ ચૂંટણીને રદ કરીને ફરી નવેસરથી ચૂંટણી યોજવાની માગ કરી છે, ઉલ્લેખનીય છે કે દેશના વિવિધ ભાગોમાં ગેરરીતિના આક્ષેપો થયા હતા.

જેના પગલે બાંગ્લાદેશના ચૂંટણી પંચે રોયટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે દેશભરમાંથી મતદાનમાં ગેરરીતિની થયાના આક્ષેપ કરાઈ રહ્યા છે, અમે તપાસ કરીશું.

મતદાન દરમિયાન ફેલાઈ રહેલી અફવાઓને પગલે અશાંતિ ન સર્જાય એ માટે સત્તાધિકારીઓએ હાઈ-સ્પીડ ઇન્ટરનેટને બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

મતદાન શરું થવાની થોડી મિનિટ અગાઉ બીબીસી સંવાદદાતાને ચિત્તાગોંગના પૉર્ટ સિટી સેન્ટર ખાતેના મથક પર ભરેલાં બૅલેટ બોક્સ જોવા મળ્યાં હતાં.

દેશના બીજા ક્રમના સૌથી મોટા શહેરમાં અનેક મતદાન મથકો પર માત્ર શાસનકર્તા પક્ષનાં મતદાન ઍજન્ટ જ જોવા મળ્યા છે.

શાંતિપૂર્ણ મતદાન માટે 6 લાખ સુરક્ષાકર્મીઓને નિયુક્ત કરવામા આવ્યા છે.

આ ચૂંટણી મહત્ત્વની કેમ છે?

ઇમેજ સ્રોત, AFP

બાંગ્લાદેશ મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે અને આ દેશના લોકો ક્લાઇમેટ ચેન્જ, ગરીબી, ભ્રષ્ટાચાર અને ઇસ્લામી ઉગ્રવાદ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

મ્યાનમારમાંથી લાખો મુસ્લિમોને કાઢી મુકાતા આ દેશ તાજેતરમાં વિશ્વ સ્તરે ચર્ચામાં રહ્યો હતો.

ચૂંટણી પહેલાં કેટલાક કર્મશીલો અને વિપક્ષના નેતાઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે આ મતદાન તટસ્થ રીતે નહીં યોજાય.

હસિનાએ શુક્રવારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "એક તરફ તેઓ આક્ષેપ કરે છે અને બીજી તરફ અમારા પક્ષના કાર્યકરો અને નેતાઓ પર હુમલો કરે છે."

"દેશ માટે આ ટ્રૅજેડી છે, એમને દેશના લોકોનું સમર્થન નથી મળી રહ્યું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો