અમેરિકાના અખબારો પર સાયબર હુમલા : પ્રકાશન અને વિતરણ પર અસર થઈ

લૉસ ઍન્જલસ ટાઇમ્સ અખબારની ઑફિસ

ઇમેજ સ્રોત, DAVID MCNEW/GETTY

અમેરિકામાં અનેક અખબારોની ઑફિસ પર સાયબર હુમલો થયો છે અને તેના કારણે અખબારોનાં પ્રકાશન અને વિતરણ પર અસર પહોંચી છે.

અમેરિકન મીડિયાનું કહેવું છે કે ટ્રિબ્યૂન પલ્બિશિંગ સમૂહનાં અનેક પ્રકાશનો પર સાયબર હુમલા થયા, જેના લીધે ધ લૉસ ઍન્જલસ ટાઇમ્સ, શિકાગો ટ્રિબ્યૂન, બાલ્ટિમોર સન અને અન્ય કેટલાંક પ્રકાશનોનાં વિતરણ પર અસર પહોંચી છે.

કંપનીનું કહેવું છે કે એમને સૌથી પહેલાં શુક્રવારે એક મૅલવૅરની માહિતી મળી, જેણે આ પ્રિન્ટિંગ પ્રેસથી નીકળતાં અન્ય અખબારોને પણ નિશાન બનાવ્યાં.

એલએ ટાઇમ્સનું કહેવું છે કે એવું લાગી રહ્યું છે કે આ હુમલો અમેરિકાથી બહાર કોઈ બીજા દેશમાંથી કરવામાં આવ્યો છે.

બૅક-અપ સિસ્ટમ પર હુમલો

ઇમેજ સ્રોત, AFP/Getty

આને લીધે વૉલ સ્ટ્રીટ જનરલ અને ન્યૂયૉર્ક ટાઇમ્સની વેસ્ટ કોસ્ટ આવૃત્તિઓ પર પણ અસર પહોંચી છે જે લૉસ ઍન્જલસમાં આ જ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાય છે.

આ હુમલા અંગેના જાણકાર વ્યકિતએ ઓળખાણ જાહેર કર્યા વિના એલએ ટાઇમ્સને કહ્યું, "અમને લાગે છે કે આ હુમલાઓનો હેતુ માહિતીની ચોરી કરવાનો નહીં પરંતુ, બુનિયાદી માળખાં પર પ્રહાર કરવાનો અને ખાસ કરીને સર્વર્સને નિષ્ક્રિય કરવાનો હતો."

ટ્રિબ્યૂન પ્રકાશનનાં પ્રવકતા મૈરિસા કોલિયાસે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે એમનાં અખબારોને પ્રકાશિત કરનારી બૅક-અપ સિસ્ટમ પર વાઇરસ હુમલો થયો છે.

તપાસ હજી ચાલુ

આ પ્રકાશનથી છપાનારાં અન્ય સમાચારપત્રોમાં ઍનાપોલિસ કૅપિટલ ગૅઝેટ અને ન્યૂયૉર્ક ડેલી ન્યૂઝ તેમજ ઑરલૅન્ડો સેંટિનલ પણ સામેલ છે, જેની ઑફિસમાં આ વર્ષે ગોળીબાર થયો હતો.

અન્ય એક પ્રકાશન ફોર્ટ લૉડરડેલ સન સેંટિનલની વેબસાઇટ પર લખ્યું છે કે એમને ત્યાં પણ આ વીક એન્ડથી બઘું ઠપ થઈ ગયું છે.

અમેરિકાના હોમલૅન્ડ સિક્યૉરિટી વિભાગે એક નિવેદનમાં લખ્યું, "અમે અનેક અખબારો પર સંભવિત સાઇબર હુમલાઓથી અવગત છીએ અને સરકાર તેમજ અન્ય સહયોગીઓની સાથે મળીને સ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો