BBC TOP NEWS: ઇશરત ઍન્કાઉન્ટર કેસના આરોપી આઈપીએસ અધિકારી જી. એલ. સિંઘલને પ્રમોશન

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ગુજરાત સારકારે મંગળવારે ઇશરત જહાં ઍન્કાઉન્ટર કેસમાં આરોપી આઈપીએસ અધિકારી જી. એલ સિંઘલને પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના ગૃહ મંત્રાલયે છ અધિકારીઓની યાદી જાહેર કરી છે જેમાં પ્રમોશનની જાહેરાત કરાઈ છે. તેમાં સિંઘલનું નામ પણ સામેલ છે.

વર્ષ 2013માં ઇશરત કેસમાં તેમની ધરપકડ થઈ હતી અને હાલ તેઓ જમીન પર જેલની બહાર છે.

હવે આ પ્રમોશન બાદ તેમને ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ (આઈજીપી) બનાવવામાં આવ્યા છે.

આ સિવાય તાજેતરમાં જ સોહરાબુદ્દીનના કથિત ફેક ઍન્કાઉન્ટર મામલે બૉમ્બે હાઈકોર્ટ દ્વારા નિર્દોષમુક્ત કરવામાં આવેલા વિપુલ અગ્રવાલને પણ રાજ્ય સરકારે પ્રમોટ કરીને અમદાવાદના જોઈન્ટ કમિશનર બનાવ્યા છે.

આ ઉપરાંત સુરત શહેરના પોલીસ કમિશનર સતીશ શર્માને પણ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસના રૅન્કનું પ્રમોશન આપવામાં આવ્યું છે. જોકે તેઓ સુરત શહેરના પોલીસ કમિશનર તરીકે હોદ્દા પર યથાવત રહેશે.


નાસાએ સૂર્યમંડળના બહારના વિસ્તારની તસવીરો ખેંચી

નાસા Image copyright Getty Images

અમેરિકન સ્પેસ એજન્સીના અભિયાન 'ન્યૂ હૉરાઇઝન્સ'એ સૂર્યમંડળના બહારના વિસ્તારમાં આવેલા 'અલ્ટિમા ટુલી' નામના પિંડની નજીકમાંથી સફળતાપૂર્વક પસાર થયા બાદ પૃથ્વીનો સંપર્ક સાધ્યો છે.

અંતરીક્ષ યાને આ પિંડ પાસેથી પસાર થતાંની સાથે જ કેટલીય તસવીરો અને મહત્ત્વની જાણકારીઓની નોંધ કરી છે.

જ્યારે સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે આ યાન પૃથ્વીથી 6.5 અબજ કિલોમીટર દૂર હતું.

આ રીતે સૂર્યમંડળથી સૌથી દૂર ચલાવાયેલું આ સફળ અભિયાન બની ગયું છે.

આ અંતરીક્ષ યાન આગામી કેટલાક મહિનાઓ સુધી તસવીરો અને મહત્ત્વપૂર્ણ જાણકારીઓ પૃથ્વી પર મોકલતું રહેશે.

તમે આ વાંચ્યું કે નહીં?

ભીમા-કોરેગાંવ : જય સ્તભ પર મોટી સંખ્યામાં લોકોએ અંજલિ પાઠવી

મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવ સંઘર્ષની 201મી વરસીના અવસરે 1લી જાન્યુઆરીએ મોટી સંખ્યામાં લોકો 'જય સ્તંભ' પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એકઠા થયા.

તો કાર્યક્રમને પગલે મોટી સંખ્યામાં સુરક્ષા દળોને પણ તહેનાત રખાયા. આ વિસ્તારમાં કોઈ અણછાજતી ઘટના ના બને એ માટે ઇન્ટરનેટ સેવાને પણ બંધ રાખવામાં આવી.

ગત વર્ષે 1 જાન્યુઆરીએ આ જ વિસ્તારમાં ભીમા કોરેગાંવ યુદ્ધની 200મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન મોટા પ્રમાણમાં હિંસા ફાટી નીકળી હતી, જેમા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું.


સબરીમાલા મંદિરમાં બે મહિલાઓએ પ્રવેશ કર્યો

કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશને મુદ્દે ચાલી રહેલાં વિરોધ વચ્ચે આજે બે મહિલાઓએ મંદિરમાં પ્રવેશી ભગવાન અયપ્પાની પૂજા કરી હતી તેમ એએફપીનો અહેવાલ જણાવે છે. અગાઉ કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને ચાલી રહેલા વિરોધને પગલે લાખો મહિલાઓએ 'જાતીય સમાનતાના સમર્થન' માટે 620 કિલોમીટર લાંબી માનવસાંકળ રચી હતી.

મહિલાઓએ કેરળના ઉત્તરમાં આવેલા કસારાગોડથી લઈને દક્ષિણમાં આવેલા તિરુવનંતપુરમ સુધી રાષ્ટ્રીય રાજમાર્ગો પર આ સાંકળ રચી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રદર્શન જાતીય ભેદભાવ અને એ દક્ષિણપંથી સમૂહોના વિરોધમાં કરાયું કે જેઓ મંદિરમાં મહિલાઓના પ્રતિબંધનું સમર્થન કરી રહ્યા છે.

નોંધનીય છે કે સબરીમાલા મંદિરમાં દસથી પસાચ વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિંબંધ હતો. જોકે, સપ્ટેમ્બર મહિનામાં ભારતની સુપ્રીમ કોર્ટે આ પ્રતિબંધ હટાવી દીધો.

મહિલા પર લગાવાયેલો પ્રતિબંધ તો હટાવી દેવાયો પણ કેટલાય લોકો મહિલાઓના મંદિર પ્રવેશને લઈને વિરોધ કરી રહ્યા છે.


લંડનમાં ચાકુ અને બંદૂકથી હુમલો, બેનાં મૃત્યુ

Image copyright MPSHACKNEY

લંડનમાં ચાકુ હુલાવીને કરાયેલા હુમલામાં બે લોકોનાં મૃત્યુ નીજપ્યાં છે. જ્યારે અન્ય એક હુમલામાં ચાર લોકોને ઈજા પહોંચી છે.

પશ્ચિમ લંડનમાં આવેલા પાર્ક લૅન વિસ્તારમાં એક ખાનગી ઉજવણી બાદ ચાકુથી કરાયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત નીજપ્યું. જ્યારે બે પુરૂષ અને એક મહિલાને ઈજા પહોંચી.

આ ઘટનાના એક કલાક પહેલાં જ સાઉથવર્ક વિસ્તારમાં એક મહિલાને ચાકુથી કરાયેલા હુમલામાં ગંભીર ઈજા પહોચી.

જ્યારે એ જ સમયે હૅકનીમાં આવેલી એક નાઇટક્લબમાં એક મહિલાને ગોળી મારી દેવાઈ.

પોલીસના જણાવ્યા અનુસાર પાર્ક લૅન ખાતે મૃત્યુ પામનારી વ્યક્તિ સિક્યૉરિટી સ્ટાફમાંથી હતી.

આ મામલે હાલમાં તપાસ ચાલી રહી છે.

2018 : વિમાન અકસ્માતને કારણે જાનમાલનાં નુકસાનમાં વધારો

2017ના વર્ષની સરખામણીએ ગત વર્ષ એટલે કે 2018માં હવાઈ દુર્ઘટના દરમિયાન થયેલાં જાનમાલનાં નુકસાનમાં વધારો નોંધાયો છે.

જોકે, એમ છતાં વર્ષ 2018 એ સંબંધિત બાબતે નવમું સૌથી સુરક્ષિત વર્ષ હોવાનું આંકડા જણાવે છે.

ઍવિએશન સૅફ્ટી નેટવર્ક(એએસએન)ના જણાવ્યા અનુસાર ગત વર્ષે હવાઈ દુર્ઘટનામાં કુલ 556 લોકોનાં મોત નીપજ્યાં. જ્યારે વર્ષ 2017માં આ આંકડો માત્ર 44નો હતો.

ગત વર્ષે સૌથી કરૂણ હવાઈ દુર્ઘટના ઑક્ટોબર માસમાં ઘટી હતી. જ્યારે લાયન ઍરનું વિમાન ઇન્ડોનેશિયામાં તૂટી પડ્યું અને 189 લોકોનો ભોગ લેવાયો.

આંકડા અનુસાર 2017નું વર્ષ હવાઈ સફરના ઇતિહાસમાં સૌથી સુરક્ષિત રહ્યું. આ વર્ષ દરમિયાન એક પણ પ્રવાસી વિમાનને દુર્ઘટના નહોતી નડી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો