'ભારતીય સંસ્કૃતિનો ઉદ્ભવ આર્ય કે વૈદિક સંસ્કૃતિમાંથી નહીં, ક્યાંક બીજે જ થયો છે'

ભારતીય લોકો Image copyright Getty Images

ભારતીય આર્યો ક્યાંથી આવ્યા અને આવા જ કેટલાક પ્રશ્નો અંગે છેલ્લાં કેટલાંક વર્ષોથી ચર્ચાઓ વધુ ઉગ્ર બની છે.

દક્ષિણપંથી હિંદુઓ માને છે કે ભારતીય સભ્યતાનો ઉદ્ભવ દક્ષિણમાંથી થયો છે, જેઓ પોતાને આર્યો કહે છે.

તે ઘોડેસવારી અને પશુપાલન કરતા યોદ્ધાઓની એક વિચરતી જ્ઞાતિ હતી. તેમણે હિંદુ ધર્મના સૌથી પ્રાચીન ગ્રંથો એટલે કે વેદોની રચના કરી હતી.

તેઓ માને છે કે આર્યો ભારતથી નીકળીને એશિયા અને યુરોપના ઘણા વિસ્તારોમાં ફેલાઈ ગયા.

આજે યુરોપ અને ભારતમાં બોલાય છે એ ઇન્ડો-યુરોપિયન ભાષાઓનો ત્યાંથી જ ઉદ્ભવ થયો.

એડૉલ્ફ હિટલર અને માનવજાતિના ઇતિહાસનો અભ્યાસ કરનારા યુરોપના ઘણા લોકો 19મી સદીમાં એવું માનતા કે યુરોપને જીતનારા મુખ્ય લોકો આર્યો જ હતા.

પરંતુ એડૉલ્ફ હિટલર માનતો તો કે આર્યો નૉર્ડિક હતા અને ઉત્તર યુરોપથી આવ્યા હતા.


Image copyright Getty Images
ફોટો લાઈન હડપ્પા સમયની એક મૂર્તિ

જ્યારે પણ કોઈ જાણકાર વ્યક્તિ આર્ય શબ્દનો ઉપયોગ કરે છે, તેનો અર્થ છે કે પોતાને આર્ય કહેતા અને ઇન્ડો-યુરોપિયન ભાષા બોલતા લોકો છે.

મેં પણ આ લેખમાં 'આર્ય' શબ્દનો આ જ સંદર્ભે ઉપયોગ કર્યો છે.

જે રીતે હિટલર તેનો ઉપયોગ કરતો અથવા કેટલાક દક્ષિણપંથીઓ કરે છે તે રીતે આ શબ્દ કોઈ એક ચોક્કસ પ્રજાતિના સંદર્ભે ઉપયોગમાં લેવાયો નથી.

ભારતના ઘણા વિદ્વાનોએ 'ભારત બહારથી આવેલા લોકો'ની વાત પર સવાલ ઉઠાવ્યા છે.

તેઓ માને છે કે આ ઇન્ડો-યુરોપિયન ભાષા બોલતા આર્યો કોઈ પ્રાગ-ઐતિહાસિક સમયના વિચરતા લોકો હતા.

જે પહેલાંની કોઈ સભ્યતા નબળી પડતા ભારત આવ્યા હતા.

તે હડપ્પા(અથવા સિંધુ ખીણ)ની સંસ્કૃતિ હતી તે ભારતના ઉત્તર-પશ્ચિમ વિસ્તાર અને પાકિસ્તાનમાં છે.

આ સંસ્કૃતિ લગભગ મેસોપોટેમિયા અને ઇજિપ્તની સંસ્કૃતિના સમાંતર સમયે જ વિકાસ પામી હતી.

જોકે, દક્ષિણપંથી હિંદુઓ માને છે કે હડપ્પા સંસ્કૃતિ જ આર્ય અથવા વૈદિક સંસ્કૃતિ હતી.

આ બે વિરોધાભાસી વિચારધારાઓનું સમર્થન કરતા લોકો વચ્ચેનું ઘર્ષણ છેલ્લા કેટલાક સમયમાં વધ્યું છે, ખાસ કરીને 2014માં હિંદુ રાષ્ટ્રવાદી ભારતીય જનતા પક્ષના સત્તા પર આવ્યા પછી.

તમે આ વાંચ્યું કે નહીં?

આ જૂના વિવાદમાં હવે પૉપ્યુલેશન જિનેટિક્સના અભ્યાસનો વિષય પણ સામેલ થઈ ગયો છે. એ થોડી નવી બાબત છે.

તેમાં પ્રાચીન ડીએનએની મદદથી જાણી શકાય છે કે લોકો ક્યારે અને ક્યા ગયા?

પ્રાચીન ડીએનએની મદદથી થયેલી શોધે સમગ્ર વિશ્વના ઇતિહાસનું પુનર્લેખન કર્યું છે.

ભારતમાંથી પણ એક પછી એક રસપ્રદ બાબતો બહાર આવી રહી છે.

હાર્વર્ડ યુનિવર્સિટીના જિનેટિસ્ટ(આનુવંશિક વૈજ્ઞાનિક) ડેવિડ રેકે આ વિષય પર તાજેતરમાં જ એક અભ્યાસ કર્યો છે.

માર્ચ 2018માં થયેલા આ અભ્યાસમાં સમગ્ર વિશ્વના 92 વૈજ્ઞાનિકો જોડાયા છે.

તેમાં કેટલાક જિનેટિક્સ, ઇતિહાસ, પુરાતત્ત્વ અને માનવશાસ્ત્રના નિષ્ણાતો પણ છે.

આ અભ્યાસનું શિર્ષક 'ધ જિનૉમિક ફૉર્મેશન ઑફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયા' છે, જે ઘણી ચોંકાવનારી બાબતો સામે લાવે છે.


Image copyright Getty Images
ફોટો લાઈન ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો છે

આ અભ્યાસ જણાવે છે કે છેલ્લાં દસ હજાર વર્ષમાં બે વખત એવું બન્યું કે ભારતમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા.

પહેલાં દક્ષિણ આફ્રિકાના જૅગ્રોસ પ્રાંતમાંથી મોટી સંખ્યામાં લોકો ભારત આવ્યા.

તેમાં કેટલાક ખેડૂતો અને પશુપાલકો હતા. જૅગ્રોસ એ જ વિસ્તાર છે, જ્યાંથી પહેલી વખત બકરીને પાળતું પ્રાણી બનાવવાના પુરાવા મળ્યા હતા.

તે ઈ.સ. પૂર્વે 7,000થી 3,000ની વચ્ચેના ગાળાની વાત છે. આ જૅગ્રોસાઈ લોકો ભારતીય ઉપમહાદ્વીપ પર રહેતા લોકો સાથે ભળ્યા.

અહીં પહેલાંથી રહેતા અથવા જેને તમે ફર્સ્ટ ઇન્ડિયન્સ કહી શકો છો એ લોકો 65,000 વર્ષ પહેલાં આફ્રિકાથી એક સાથે આવ્યા હતા.

તેમને આઉટ ઑફ આફ્રિકા અથવા OOA માઇગ્રન્ટ્સ કહેવામાં આવે છે.

આ બંનેએ મળીને હડપ્પા સંસ્કૃતિ વસાવી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

ઈ.સ. પૂર્વે 2,000 વર્ષ પહેલાંની સદીઓમાં યુરેશિયન સ્ટેપી(ઘાસનાં મેદાનો)થી પ્રવાસીઓનો બીજું મોટું જૂથ આવ્યું.

તે લોકો આજે જ્યાં કઝાકિસ્તાન છે તે વિસ્તારમાંથી આવ્યા હોવાનું માનવામાં આવે છે.

એ વાતની શક્યતા છે કે આ જ લોકો સંસ્કૃતનું પ્રારંભિક માળખું સાથે લાવ્યા હોય.

તેઓ ઘોડેસવારી અને બલી ચડાવવા જેવી નવીનવી સાંસ્કૃતિક પરંપરાઓ પણ સાથે લાવ્યા. તે જ હિંદુ વૈદિક સંસ્કૃતિનો આધાર બન્યો.

(એક હજાર વર્ષ પહેલાં યુરોપમાં પણ સ્ટેપીથી લોકો ગયા હતા. તેઓ ત્યાંના ખેડૂતો સાથે ભળી ગયા અથવા તેમનું સ્થાન લઈ લીધું. આ જ રીતે નવી સંસ્કૃતિઓ વિકસી અને ઇન્ડો-યુરોપિયન ભાષાઓનો વિસ્તાર થયો.)

અન્ય જિનેટિક અભ્યાસ પણ ભારતમાં લોકોના બહારથી આવવા પર પ્રકાશ પાડે છે.

જેમકે, આ અભ્યાસથી એ પણ ખ્યાલ આવે છે કે દક્ષિણ-પૂર્વ એશિયાથી દક્ષિણ ઑસ્ટ્રિયાઈ-એશિયાઈ ભાષા બોલનારા લોકો ક્યારે આવ્યા હતા.


Image copyright Getty Images
ફોટો લાઈન હરિદ્વારમાં કુંભમેળા માટે આવતા તીર્થયાત્રીઓ

મેં મારા પુસ્તકમાં લખ્યું છે એમ જો ભારતની પ્રજાને સમજવી હોય તો માની લો કે એ એક પિઝા છે.

ભારતના શરૂઆતના લોકો, જેમને ફર્સ્ટ ઇન્ડિયન્સ કહેવાય છે તે લોકો આ પિઝાનો બેઝ(પિઝાનો રોટલો) છે.

આ પિઝાનો બેઝ અન્ય ભાગની સરખામણીએ કેટલાક ભાગમાં થોડો પાતળો છે.

છતાં એ આખા પિઝાના બેઝ તરીકે કામ કરે છે. કારણ કે એક અભ્યાસ જણાવે છે કે ભારતીયોના જિનેટિક્સમાં 50થી 60 ટકા ભાગ ફર્સ્ટ ઇન્ડિયન્સનો છે.

આ પિઝાના બેઝ પર સૉસ છે જે આખા પિઝા પર ફેલાયેલો છે. આ સૉસને તમે હડપ્પા સંસ્કૃતિ માની લો. પછી ટૉપિંગ્ઝ અને ચીઝનો વારો આવે છે.

તો એ ઑસ્ટ્રેયાઈ-એશિયાઈ, તિબેટી-બર્મી અને ભારતીય-યુરોપીયન ભાષા બોલનારા લોકો છે. આ એ લોકો છે, જે બાદમાં ભારતીય ઉપમહાદ્વીપ પર આવ્યા.


Image copyright Getty Images
ફોટો લાઈન હડપ્પાના અવશેષો

દક્ષિણપંથી હિંદુઓને આ વાત કદાચ ગમશે નહીં. એ લોકો તો શાળાઓનો અભ્યાસક્રમ બદલવા અને આર્યોના બહારથી આવ્યાનો ઉલ્લેખ દૂર કરવા માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે.

ટ્વિટર પર ઇતિહાસની વાત કરનારા જે લોકો આર્યોના બહારથી આવવાની વાતનું સમર્થન કરે છે એવા લોકો પર નિશાન સાધવામાં આવે છે.

ઘણા દક્ષિણપંથી ટ્વિટર હૅન્ડલ્સ ધરાવતા લોકો આ ઇતિહાસકારોને નિશાન બનાવે છે.

આર્યો પહેલાંથી ભારતમાં નહોતા અને હડપ્પા સંસ્કૃતિ એમના આવ્યા પહેલાં વિકસેલી છે એ વાત હિંદુ રાષ્ટ્રવાદીઓ માટે સ્વીકારવી અઘરી છે.

તેનો અર્થ એવો થયો કે ભારતીય સંસ્કૃતિનો ઉદ્ભવ આર્યો કે વૈદિક સંસ્કૃતિમાં નહીં પણ ક્યાંક બીજે થયો છે.

મીડિયામાં તાજેતરમાં જ ભારતના માનવ સંસાધન મંત્રી સત્પાલસિંહનું નિવેદન છપાયું હતું.

જેમાં તેમણે કહ્યું હતું, "આપણાં બાળકોને માત્ર વૈદિક શિક્ષણ જ વિકસિત કરી શકે છે અને તેમને માનસિક શિસ્તવાળા દેશભક્ત બનાવી શકે છે."

હિંદુ રાષ્ટ્રવાદીઓને વિવિધ સમૂહોના મિશ્રણનો વિચાર પણ ગમતો નથી. કારણ કે તેઓ પ્રજાતિની શુદ્ધતાને વધારે મહત્ત્વ આપે છે.

ઉપરની આર્યોના બહારથી આવવાની વિચારધારા તેમને ભારત પર અધિકાર જમાવનારા બહારથી આવેલા મુસ્લિમો કે મુગલોની યાદીમાં મૂકી દે છે.


Image copyright Getty Images
ફોટો લાઈન સિંધુખીણ સંસ્કૃતિનો વિસ્તાર

આ માત્ર સૈદ્ધાંતિક ચર્ચા નથી. હરિયાણાની ભાજપ સરકારે માગ કરી છે કે હડપ્પા સંસ્કૃતિનું નામ બદલીને સરસ્વતી સંસ્કૃતિ કરવામાં આવે.

શરૂઆતનાં ચાર ગ્રંથોમાં સરસ્વતી નદી અગત્યની નદી રહી છે. તેથી તેના નામનો ઉપયોગ કરવાથી સભ્યતા અને આર્યો વચ્ચેનો સંબંધ મજબૂત થશે.

નવો અભ્યાસ આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકે છે અને તે દક્ષિણપંથીઓ માટે એક ઝટકો છે.

સત્તાધારી પાર્ટીના સાંસદ અને હાર્વર્ડ યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર સુબ્રમણ્યમ સ્વામીએ આ અભ્યાસના સહલેખક પ્રોફેસર પર ટ્વિટર થકી નિશાન સાધ્યું હતું.

તેમણે લખ્યું, 'આ ખોટી વાત છે. આ નિમ્ન સ્તરનું જુઠ્ઠં (અને હાર્વર્ડની ત્રીજી રેક એન્ડ કંપની)ના આંકડા છે.'

જોકે, આ નવા અભ્યાસમાં જે ખરાં તારણો મળ્યાં છે તે રોમાંચક અને નવી આશાઓ જગાડનારાં છે.

એ દર્શાવે છે કે ભારતીયોએ વિવિધ વંશો અને ઇતિહાસમાંથી એક ચિરસ્થાયી સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે.

ભારતીય સંસ્કૃતિનો સૌથી મોટો ગુણ સમાવેશનો એટલે કે દરેકને પોતાનામાં મેળવી દેવાનો છે, બહિષ્કાર કરવાનો નહીં.

વિવિધતામાં એકતા એ ખરેખર ભારતીય આનુવાંશિક ગુણોનો આત્મા છે.

ટોની જોઝફ 'અર્લી ઇન્ડિયન્સ : ધ સ્ટોરી ઑફ અવર એન્સેસ્ટર્સ ઍન્ડ વેર વી કેમ ફ્રૉમ'ના લેખક છે.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો