વિશ્વના સૌથી દૂરના ટાપુ પર મેં ખરેખર શું જોયું હતું?

વૈજ્ઞાનિકો Image copyright BAS
ફોટો લાઈન અહીં પહોંચવાનો એકમાત્ર રસ્તો હેલિકોપ્ટર દ્વારા છે

"આ એક અચંબિત કરનારી સુંદર જગ્યા છે, અને અહીં કામ કરવું નરક જેવું બિહામણું છે."

બુવે આઇલૅન્ડ પર આપનું સ્વાગત છે. દક્ષિણ એટલાન્ટિકમાં સ્થિત વોલ્કેનિક ખડકનો બનેલો આ એક નાનકડો ટાપુ છે.

આ સબ-ઍન્ટાર્ટિક પ્રદેશ માનવ સભ્યતાથી હજારો કિલોમીટર દૂર છે. ટાપુ ઊંચા ખડકો અને બરફની ચાદરોથી છવાયેલો છે.

મતલબ એમ કે અત્યાર સુધીમાં ભાગ્યે જ થોડા લોકોએ આ ટાપુ પર પગ મૂક્યો છે. અહીં હવામાન બહુ જ પ્રતિકૂળ છે.

ટાપુ સમુદ્રની વચ્ચે છે એટલે હવામાન બહુ ઝડપથી બદલાતું અને બગડતું રહે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

એક ક્ષણ ખુલ્લું આકાશ હોય તો બીજી ક્ષણે તમે વાદળોથી ઘેરાઈ ગયા હોવ છો.

આ એકલા-અટૂલા સૂમસામ ટાપુ પ્રત્યે વૈજ્ઞાનિકોનો રસ વધી રહ્યો છે કારણકે ભૂતકાળમાં ઍન્ટાર્ટિકાની આબોહવા કેવી હતી તે અંગે આ ટાપુ ઘણું કહી શકે એમ છે.

બુવે ટાપુનું ભૌગોલિક સ્થાન વિશિષ્ટ છે. તે ઍન્ટાર્ટિકાને ધમરોળતા પશ્ચિમી પવનોના પટ્ટામાં આવે છે.


Image copyright SHARIF MIRSHAK

ઍન્ટાર્ટિકામાં છેલ્લાં થોડાં વર્ષોમાં જે પરિવર્તન આવી રહ્યાં છે તે પાછળ આ પવનોની ભૂમિકા મહત્ત્વની છે.

આ પવન સમુદ્રના પાણીને ઉપર તરફ ઉછાળે છે અને સમુદ્રની નીચે તરફ રહેલા ગરમ પાણીને સમુદ્રી ગ્લેશિયરોની નીચે ધકેલીને તેને પીગાળે છે.

આના કારણે વૈશ્વિક સ્તરે સમુદ્રનું લેવલ ઊંચુ આવવાની ક્રિયામાં વધારો થાય છે.

બ્રિટિશ ઍન્ટાર્ટિક સર્વે (BAS) ના લીઝ થોમસ કહે છે, "તાજેતરમાં કરેલા અવલોકનોના આંકડાઓ પરથી અમને ખ્યાલ આવ્યો છે કે આ પવનો વધુ શક્તિશાળી બની રહ્યા છે. પણ, હજી આ રેકર્ડ્સ માત્ર 30 થી 40 વર્ષ પહેલાં સુધીના જ છે."

"જોકે, અમને એ જાણવામાં રસ છે કે શું પવનો વધુ શક્તિશાળી બનવાની આ ઘટના કુદરતી ક્રમ રુપે જ બની રહી છે?"

"શું અહીં પવનો કુદરતી રીતે જ કાળક્રમે ધીમા અને ઝડપી થતા હોય છે? કે પછી કંઈક અકુદરતી ઘટના બની રહી છે"

"માણસોએ કુદરતી આબોહવામાં કરેલા હસ્તક્ષેપને કારણે આ બની રહ્યું છે?"

આપને આ પણ વાંચવું ગમશે

ડૉ. થોમસ અને તેમના સહકર્મીઓ થોડા સમય પહેલાં હેલિકોપ્ટરથી આ ટાપુ પર પહોંચ્યા હતા.

અહીં પહોંચવાનો આ એકમાત્ર રસ્તો છે. તેમણે બરફની સપાટી ડ્રીલ કરી.

અહીં થીજેલા બરફનો અભ્યાસ કરીએ તો તે ભૂતકાળને ટેપ રેકોર્ડરની જેમ કહી શકે છે.

પવન જેટલા ઝડપથી અને જોરથી ફૂંકાય એટલા પ્રમાણમાં સપાટી પર ધૂળનું પ્રમાણ વધુ જોવા મળવું જોઈએ.

આ ઉપરાંત બીજાં પણ કેટલાંક ચિહ્નો છે જેનો અભ્યાસ થવો જોઈએ.

Image copyright Mario Tama/ Getty Images

દરિયાઈ સપાટી પર રહેતી ડાયટોમ(નાની શેવાળ) સમુદ્રી મોજાની છાંટકોથી ઊંચકાઈને બરફની સપાટી પર આવે છે.

પવનોનું પ્રમાણ જેટલું વધુ હશે તેટલા પ્રમાણમાં ટાપુની બરફની સપાટી પર આ શેવાળનું પ્રમાણ વધુ હશે.

ડૉ. થોમસ અને તેમની ટીમ પવનોના પ્રમાણ ઉપરાંત બીજી જાણકારી પણ મેળવી શકે એમ છે.

તેમનું ગ્રૂપ એ પણ જાણવા માંગે છે કે ઍન્ટાર્કટિકાથી પ્રતિ વર્ષ કેટલા પ્રમાણમાં સમુદ્રી બરફ ખેંચાઈ આવે છે.

થોડાં વર્ષોમાં આ સમુદ્રી બરફ છેક બુવે ટાપુ સુધી ખેંચાઈને આવી શકે છે.

પીએચડી સ્ટુડન્ટ એમી કિંગ ટાપુની બરફની સપાટી પર રહેલા અમુક ચોક્કસ ઑર્ગેનિક કમ્પાઉન્ડનો અભ્યાસ કરી રહ્યા છે.

જેના લીધે ભૂતકાળમાં અહીં સમુદ્રી બરફની સ્થિતિ કેવી હતી તે સમજવામાં વધારાની મદદ મળી શકે છે.

આ કેમિકલ્સ શેવાળ સાથે સબંધિત છે. જ્યારે સમુદ્રી બરફ હટે અને પાણી ફરી એકવાર પ્રકાશના સંપર્કમાં આવે ત્યારે આ કેમિકલ્સનું પ્રમાણ વધી જતું હોય છે.

Image copyright NASA
ફોટો લાઈન બુવે ટાપુ પોતાનું વાતાવરણ પોતે બનાવે છે: વાદળો અહીં બહુ ઝડપથી બનીને વિખરાઈ જાય છે

આ બાબતને સમજાવતા BAS ના સંશોધકો કહે છે, "શિયાળામાં જેટલા વધુ પ્રમાણમાં સમુદ્રી બરફ હોય તેટલું આ કેમિકલ્સનું પ્રમાણ વધારે હોય છે."

"વસંત ઋતુ આવતા આ બરફ ઓગળવા લાગે ત્યારે ફાયટોપ્લાન્કટન(phytoplankton)ને વિકસવા માટે એટલો જ મોટો વિસ્તાર મળી રહે છે.''

''ફાયટોપ્લાન્કટનનું પ્રમાણ જેટલું વધુ હશે તેટલા જ વધુ પ્રમાણમાં આપણને બરફની સપાટી પર ફેટી એસિડ કમ્પાઉન્ડ અને મિથેનસલ્ફોનિક એસિડનું પ્રમાણ જોવા મળશે."

"એટલે જો, આપણને આ સ્રોતોમાંથી વધુ આઇસ કોર કમ્પાઉન્ડ પ્રાપ્ત થાય તો એનો મતલબ એમ કે જે-તે વર્ષમાં અહીં સમુદ્રી બરફનું પ્રમાણ વધુ હતું.''

ડૉ. થૉમસ બરફની સપાટી અંગેના તેમના સંશોધનમાંથી પ્રાપ્ત તારણોને 'અમેરિકન જીઓફિઝિકલ યુનિઅન'(AGU) ની મિટીંગમાં રજૂ કરે છે.

આ અર્થ એન્ડ સ્પેસ સાયન્ટિસ્ટ માટેનું દુનિયાનું સૌથી મોટું સંમેલન છે.

આપને આ પણ વાંચવું ગમશે

ડૉ. થૉમસની ટીમે બુવે ટાપુ પરથી મેળવેલા 14 મીટરના બરફના ટુકડાનો અભ્યાસ કર્યો.

જેના પરથી આજથી પહેલાં 2001ની સાલ સુધી અહીં પવનો અને સમુદ્રી બરફની સ્થિતિ કેવી હતી માત્ર તે અંગેની જ જાણકારી મળે છે.

વૈજ્ઞાનિકોને લાગે છે કે જો ટીમ ફરી એકવાર આ ટાપુ પર પહોંચે તો તેમને કોઈ એવી ડ્રીલ સાઈટ મળી જશે જ્યાંથી હજી વધુ પહેલાંના ઇતિહાસ અંગે જાણકારી મળી શકે.

તે કહે છે, "અમે બુવે ટાપુ પર માત્ર થોડા કલાકો માટે જ હતા, કારણ કે હવામાન સારું હોય એટલા સમય માટે જ અમે અમારું કામ કરી શકીએ એમ હતા."

"જેવાં વાદળો ઘેરાવા લાગે કે અમારે ટાપુ પરથી પાછા ફરી જવું પડે એમ હતું પણ મને ચોક્કસ લાગે છે કે અમે ફરી ત્યાં પહોંચીને વધુ ઊંડે સુધી ડ્રીલ કરી શકીશું."

"જેના આધારે હજારો વર્ષો પહેલાંની નહીં તો કમસે કમ થોડી સદીઓ પહેલાંની વાતાવરણની સ્થિતિ અંગેનો ખ્યાલ તો આવી જ શકશે."

BASનું આ સંશોધન કાર્ય મેઇન યુનિવર્સિટી (યુ.એસ) તથા કોપનહૅગન યુનિવર્સિટી (ડેન્માર્ક) સાથે સંયુક્તપણે કરવામાં આવ્યું હતું.

આ અભિયાન 'ઍન્ટાર્ટિક સર્કમપોલર એક્સ્પીડિશન' ના ભાગરૂપે 'સ્વીસ પોલર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ'ના નેતૃત્વમાં હાથ ધરવામાં આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો