આ છે ચીને અંતરિક્ષમાં મેળવેલી પાંચ મોટી સફળતાઓ જે તેને સુપરપાવર બનાવવામાં મદદ કરશે

રોબોટ યાન Image copyright TWITTER/CGTNOFFICIAL
ફોટો લાઈન ચીનની સરકારી મીડિયાએ યાનને આવું બતાવ્યું છે

ચીનનો દાવો છે કે તેણે ચંદ્રની બીજી તરફના ભાગમાં રોબૉટ અંતરિક્ષ યાન ઉતારવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

ચીનની સરકારી મીડિયાએ જણાવ્યું છે કે માનવરહિત યાન ચાંગ એ-4 દક્ષિણ ધ્રુવ એટકેન બેસિન પર પહોંચી ચૂક્યું છે અને તે ત્યાંની સ્થિતિનું માત્ર નિરીક્ષણ નહીં કરે પણ જૈવિક પ્રયોગ પણ કરશે.

ચીની મીડિયાનું કહેવું છે કે આ અંતરિક્ષયાનની સફળતાને 'અંતરિક્ષની શોધમાં મહત્ત્વપૂર્ણ ઘટના' તરીકે જોવામાં આવી રહ્યું છે.

ચીનના અંતરિક્ષ કાર્યક્રમોની શરૂઆત માત્ર દોઢ દાયકા પહેલા થઈ છે, તેવામાં ચીનના આ દાવાને સાચો માની લેવામાં આવે તો તે ખરેખર માટે મોટી સફળતા હોઈ શકે છે.

વર્ષ 2003માં ચીને પહેલી વખત અંતરિક્ષમાં મનુષ્યને મોકલવામાં સફળતા મેળવી હતી. સોવિયત યૂનિયન અને અમેરિકા બાદ ચીન ત્રીજો દેશ છે, જેણે આ સફળતા મેળવી છે.

આગામી પાંચ વર્ષોમાં અંતરિક્ષ મામલે ચીનની ઘણી મહત્ત્વકાંક્ષી યોજનાઓ છે. તે દુનિયાનું સૌથી મોટું સ્પેસ ટેલિસ્કોપ, સૌથી વજનદાર રૉકેટ અને સ્પેસ સ્ટેશન લૉન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે, જે તેને આગામી સ્પેસ સુપર પાવર બનાવવામાં મદદ કરશે.

પરંતુ અત્યાર સુધી ચીને અંતરિક્ષ મિશનના મામલે કઈ કઈ મોટી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે, આવો જાણીએ.

તમે આ વાંચ્યું કે નહીં?

ચંદ્ર પર ચીનની સફળતા

ફોટો લાઈન ચીને પૃથ્વી અને ચંદ્ર વચ્ચે એક વિશેષ સેટેલાઇટ લૉન્ચ કર્યું છે

ચાંગ'એ કાર્યક્રમનું નામ ચીનની એ દેવીના નામે રાખવામાં આવ્યું છે કે જેઓ વાર્તાઓ પ્રમાણે ચંદ્ર પર જતાં રહ્યાં હતાં.

આ કાર્યક્રમ વર્ષ 2003માં શરૂ થયેલા મિશનનો ભાગ છે, જેનો ઉદ્દેશ વર્ષ 2036 સુધી ચંદ્ર પર મનુષ્યને ઉતારવાનો છે.

ચીનનું ચાંગ'એ-4 મિશન ખૂબ જ મુશ્કેલ અને ખતરનાક છે કેમ કે તેમાં અંતરિક્ષ યાનને ચંદ્રમાના એ ભાગ પર ઉતારવાનું હતું કે જે અત્યાર સુધી છૂપાયેલો હતો.

આ ભાગ સાથે ધરતીનો સીધો સંપર્ક બનાવીને રાખવું સહેલું નથી હોતું કેમ કે ચંદ્રનું વાતાવરણ સંપર્ક તોડી નાખે છે.

આ સમસ્યાના સમાધાના માટે ચીને પૃથ્વી અને ચંદ્રની વચ્ચે એક વિશેષ સેટેલાઇટ લૉન્ચ કર્યું છે જે અંતરિક્ષ યાન અને ચાંગ'એ-4 સાથે સંપર્ક સાધી રાખવામાં મદદ કરે છે.

ચાંગ'એ ત્યાંની ધરતીની તપાસ કરશે અને ત્યાં બટેટા તેમજ બીજા છોડના બીજ પણ વાવશે. તે ત્યાં રેશમના કીડાના ઇંડા ઉપર પણ પ્રયોગ કરશે.

અત્યાર સુધી આપણે ચંદ્રની રોશની વાળો જ ભાગ જોયો હતો કેમ કે ચંદ્ર પોતાની ધરી પર ફરવામાં તેટલો જ સમય લે છે જેટલો પૃથ્વીની કક્ષાના ચક્કર લગાવવામાં લે છે.

સૌથી વધારે રૉકેટ લૉન્ચ

Image copyright Rex Features
ફોટો લાઈન વર્ષ 2018માં ચીન દ્વારા કરાયેલા કુલ 39 રૉકેટ લૉન્ચમાંથી એક જ નિષ્ફળ રહ્યું હતું

ગત વર્ષે 2018માં ચીને બીજા દેશોની સરખામણીએ સૌથી વધારે રૉકેટ લૉન્ચ કર્યા હતા. કુલ 39 રૉકેટ લૉન્ચમાંથી માત્ર એક જ નિષ્ફળ રહ્યું હતું. અગાઉ વર્ષ 2016માં ચીને કુલ 22 રૉકેટ લૉન્ચ કર્યા હતા.

વર્ષ 2018માં અમેરિકાએ 34 અને રશિયાએ 20 રૉકેટ લૉન્ચ કર્યા હતા. અમેરિકાએ વર્ષ 2016માં પોતાના અંતરિક્ષ કાર્યક્રમો પર 36 બિલિયન ડોલર ખર્ચ કર્યા હતા, આ તરફ ચીનનો ખર્ચ વર્ષ 2018માં માત્ર 5 બિલિયન ડોલરનો હતો.

વધારેમાં વધારે સેટેલાઇટ લૉન્ચ કરવા માટે ચીન વજનદાર રૉકેટ બનાવી રહ્યું છે, જેનો ફરીથી ઉપયોગ કરી શકાશે.

અમેરિકાની ઘણી પ્રાઇવેટ કંપનીઓ ઓછી કિંમત ધરાવતા રૉકેટ બનાવી રહી છે. જોકે, ચીનની પ્રાઇવેટ કંપનીનું પહેલું રૉકેટ પોતાના અભિયાનમાં નિષ્ફળ રહ્યું હતું.


સ્પેસ સ્ટેશન

Image copyright Getty Images
ફોટો લાઈન ચીનનાં પહેલા મહિલા અંતરિક્ષ યાત્રી 13 દિવસની યાત્રા કરી પરત ફર્યાં હતાં

ચીને વર્ષ 2011માં સ્પેસ સ્ટેશનના કાર્યક્રમોની શરુઆત કરી હતી. આ સ્ટેશન નાનું હતું, જેના પર અંતરિક્ષ વૈજ્ઞાનિક ખૂબ ઓછા દિવસો માટે રોકાઈ શકતા હતા.

વર્ષ 2016માં તેણે કામ કરવાનું બંધ કરી દીધું. ચીને એ જ વર્ષે એ વાતની પુષ્ટી કરી હતી કે તેમનો સ્પેસ સ્ટેશન ધ તિયાંગોંગ-1 સાથે સંપર્ક તૂટી ગયો છે.

ગત વર્ષ 2018માં એ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે બંધ પડેલા એ સ્ટેશનનો કાટમાળ 30 માર્ચથી 2 એપ્રિલ વચ્ચે ધરતી પર પડી શકે છે.

જોકે, તે એપ્રિલમાં દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં પડ્યો હતો.

ચીનનું બીજુ સ્પેસ સ્ટેશન તિયાંગોંગે-2 સેવામાં છે અને બિજિંગે નક્કી કર્યું છે કે વર્ષ 2022 સુધી અંતરિક્ષમાં તે માનવરહિત સ્પેસ સ્ટેશન લૉન્ચ કરશે.

સેટેલાઇટ વિરુદ્ધ મિસાઇલ ટેસ્ટ

Image copyright NASA

વર્ષ 2007માં રશિયા અને અમેરિકા બાદ ચીન ત્રીજો એવો દેશ બન્યો છે જેણે એ પ્રદર્શિત કર્યું કે તે અંતરિક્ષમાં કોઈ પણ સેટેલાઇટને ધ્વસ્ત કરી શકે છે.

એ સમજવામાં આવે છે કે ચીને જમીનથી એક મધ્યમ રેન્જ મિસાઇલનો પ્રયોગ એક હવામાન સેટેલાઇટને ધ્વસ્ત કરવા માટે કર્યો હતો. આ સેટેલાઇટ 1999માં લૉન્ચ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ ચીનની આંતરરાષ્ટ્રીય સ્તર પર ટીકા થઈ. ચીને પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે તે અંતરિક્ષમાં કોઈ પણ પ્રકારના સશસ્ત્રીકરણની વિરુદ્ધ છે અને તે હથિયારોની રેસમાં નથી.

2016માં તેણે અંતરિક્ષમાં અલોંગ-1 ઉતાર્યું હતું કે જે અંતરિક્ષમાં ફેલાયેલો કચરો એકઠો કરવામાં સક્ષમ હતું.

ચીનના અંતરિક્ષ કાર્યક્રમોથી જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે અલોંગ-1 પહેલું એવું સેટેલાઇટ છે કે જે સ્પેસના કચરાને ભેગો કરે છે અને તેને ધરતી પર પરત જવાથી રોકે છે.

નાસાના જણાવ્યા પ્રમાણે અંતરિક્ષમાં કચરાના લાખો ટુકડા આમ તેમ ફરી રહ્યા છે કે જે સેટેલાઇટ અને ધરતી, બન્ને માટે ખતરો સાબિત થઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય સ્તર પર ચિંતા એ વાતની છે કે યુદ્ધના સમયે ચીન આ પ્રકારની ટેકનિકનો ઉપયોગ દુશ્મન દેશોના સેટેલાઇટને ધ્વસ્ત કરવામાં કરી શકે છે.

ગત વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સેનાને એ આદેશ આપ્યો હતો કે તે સશસ્ત્ર બળની છઠ્ઠી શાખા સ્પેસ ફૉર્સના રૂપમાં વિકસિત કરે.

સુરક્ષિત સંચાર

Image copyright Getty Images

વાત જ્યારે સાઇબર સ્પેસની હોય તો સૂચનાને સુરક્ષિત રાખવી એક પડકાર સમાન છે.

ચીને આ મામલે વર્ષ 2016માં સફળતા પ્રાપ્ત કરી જ્યારે તેણે એક એવા સેટેલાઇટને લૉન્ચ કર્યો કે જે રોકાયા વગર ગુપ્ત રૂપે સુરક્ષિત સુચના પ્રદાન કરવા સક્ષમ હતું.

તેને કૉન્ટમ કમ્યૂનિકેશન કહે છે, જેમાં બે પક્ષ ગુપ્ત સૂચનાઓ આદાન પ્રદાન કરી શકે છે અને તેની ખબર કોઈને પડતી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ